Related Questions

બેચેન મન કે અશાંતિમાંથી કેવી રીતે બહાર નીકળી શકાય?

mind

ચંચળતા જ દુઃખનું કારણ!

મનુષ્યની બે પ્રકારની જાગૃતિ, એક સ્થિરતાની જાગૃતિ ને એક ચંચળતાની જાગૃતિ. મનુષ્ય ચંચળતાની જાગૃતિમાં વધી ગયો છે, સ્થિરતાની જાગૃતિમાં એક ટકોય જાગૃત થયો નથી. અને ચંચળતાની જાગૃતિમાં કોઇ ૧૦ ટકા, કોઇ ૧૫ ટકા, કોઇ ૨૦ ટકા, કોઇ ૩૦ ટકા જાગૃત થયો હોય. ચંચળતાની જાગૃતિ જાનવર બનાવે અને સ્થિરતાની જાગૃતિ મોક્ષમાં લઇ જાય. જે જાગૃતિથી સ્થિરતા વધે છે એ જાગૃતિ સાચી. આ અમેરિકનો પાર વગરના ચંચળ થઇ ગયા છે, તે મહાન દુઃખમાં સપડાયા છે. એમનાં દુઃખો તો રડવાથીય જશે નહીં, આપઘાત કરશો તોય જશે નહીં એવાં દુઃખો ઉભાં થઇ રહ્યાં છે. પોતે પોતાની જ જાળમાં ફસાયા છે. થોડા વખત પછી ત્યાં બૂમાબૂમ થઇ જશે. હજુ તો 'ઇગોઇઝમ' કરે છે. ચંચળતા વધે એટલે ફસાય. ચંચળતા વધે એટલે શું કરે? હાઇવે પરના ૬૭મા માઇલ ઉપર, બીજા ફર્લાંગ પર ત્યાંથી ફોન કરવાનું કંઇ સાધન નથી તો ત્યાંથી ફોન કરવાનું સાધન ગોઠવો એમ કહે છે, 'અલ્યા, કેમ બીજા ફર્લાંગ ઉપર જ ગોઠવવું છે?' ત્યારે કહે કે, 'પહેલા ફર્લાંગ ઉપર છે, ત્રીજા ફર્લાંગ ઉપર છે, પણ બીજા ફર્લાંગ ઉપર ફોન કરવાનું સાધન નથી!' જુઓ તો ખરા, કેટલી બધી ચંચળતા થઇ ગઇ છે! આ 'મેડનેસ' છે! આટલું બધું ખાવાનું, પીવાનું છે, છતાં વર્લ્ડ આખું 'મેડનેસ'માં પડ્યું છે. લોકો દુઃખી, દુઃખી ને દુઃખી! 'પરમેનન્ટ' દુઃખી!! એક ક્ષણવારેય સુખી નહીં!! જ્યાં સુધી સ્થિરતાની શક્તિ ઉત્પન્ન થાય નહીં ત્યાં સુધી સુખી કેવી રીતે હોઇ શકે?

પ્રશ્નકર્તા: બે વિચારોની વચમાં સ્થિરતા હોય ખરી?

દાદાશ્રી: એવું છે ને, એ સ્થિરતા બધી નકામી છે. એ 'પેકિંગ'ની સ્થિરતા, કશી કામની નથી. એ સ્થિરતા તો, સ્થિરતા ના કહેવાય ને? સ્થિરતા તો અડગ હોવી જોઇએ. ઉપરથી એટમબોંબ પડવાનો હોય તોય પણ સ્થિરતા ના તૂટે, એનું નામ સ્થિરતા, જગતનું મન ચંચળ છે. અમારું મન સ્થિર વેગે ફર્યા કરે, એટલે કે જેમ અહીં બે હજાર માણસો હોય ને આપણે એમને 'શેક હેન્ડ' કરવાના હોય તો તે 'શેક હેન્ડ' કરતા જાય ને આગળ ચાલતા જાય. એવી રીતે અમારા મનના વિચારો 'શેક હેન્ડ' કરી કરીને જાય. કોઇ વિચાર ભો ના રહે. એક સેકન્ડ પણ ભો ના રહે! અને તમારે એક વિચાર પા કલાક ભો રહે, અડધો કલાક ભો રહે. ભો રહે કે ના ભો રહે?

પ્રશ્નકર્તા: હા, ભો રહે છે.

દાદાશ્રી: અમારેય મન તો ખરું. મન ના હોય તો તો 'એબ્સન્ટ માઇન્ડેડ' કહેવાય. અમારું મન બહુ પ્રખર હોય. ઉપર એટમબોંબ પડે તેવું લાગતું હોય તોય એ હાલે કરે નહીં, ચંચળતા નામેય ના હોય. મન સ્થિર વેગે ફર્યા કરે. અને તમારે તો જેમ આ ગોળનો ટુકડો પડ્યો હોય ને આ માખી એની આજુબાજુ ભમ્યા જ કરે એવું તમારું મન કોઇ ચીજને દીઠું એટલે ભમ્યા જ કરે એની પાછળ.

પ્રશ્નકર્તા: એ ચંચળતા કાઢવી કેમ કરીને?

દાદાશ્રી: હવે જ્ઞાન પછી તમારે ચંચળતા કાઢવાની જરૂર ના હોય ને? તમારે તો જોયા કરવાનું. મેં તો તમને જ્ઞાન આપ્યું છે. તે 'તમારે' એ ચંચળતા શું કરે છે તે 'જોયા' જ કરવાનું. બાકી જગતના લોકો તો, મનની સાથે પોતે પણ રમે છે. મન નાચે ત્યારે એ પણ નાચે છે. અલ્યા, મન નાચે છે. 'તું' એના નાચ જોયા કર ને! આ તો 'તમે'ય એ નાચની સાથે નાચો છો. ગમતો વિચાર આવે એટલે 'તમે' નાચવા લાગી જાવ અને ના ગમતો આવે એટલે એની જોડે ઝઘડો કે 'તું ક્યાં આવ્યો? તું ક્યાં આવ્યો? ના ગમતા વિચાર આવે ત્યારે તો ખબર પડી જાય ને કે મન ખરાબ છે તે ખરાબ વિચારો કરે છે. ખરાબ વિચારો આવે તે ઘડીયે 'ડીપ્રેશન' આવી જાય ને સારા વિચારો આવે ત્યારે 'એલીવેટ' થઇ જાય. હું તો તમને એવા તૈયાર કરવા માગું છું કે વર્લ્ડમાં કોઇ માણસ તમને 'ડીપ્રેસ' કરી શકે જ નહીં. તમને 'ડીપ્રેસ' કરવા આવ્યો હોય એ પોતે જ 'ડીપ્રેસ' થઇને ચાલ્યો જાય!

પ્રશ્નકર્તા: સુષુપ્તિમાં સ્થિરતા જેવી સ્થિતિ હોય?

દાદાશ્રી: સ્થિરતા જેવું કશુંય નહીં! આ 'મશીન' બહુ ગરમ થાય એટલે એને બંધ કરી ઠંડું કરી દઇએ છીએને? એવું આ સુષુપ્તિમાં બંધ રહે છે, મન આખા દહાડાનું ગરમ થયેલું હોય તે બંધ થઇ જાય છે. ઉંઘ એ બધી મશીનરીને ઠંડું પાડે છે.

પ્રશ્નકર્તા: જ્ઞાન લેવાની ઇચ્છા થઇ એ સ્વરૂપ જાગૃતિ કહેવાય?

દાદાશ્રી: એ સ્વરૂપ-જાગૃતિના સંયોગો ભેગા થયા કહેવાય. પહેલાં સ્વરૂપ જ્ઞાન મેળવવાની ઇચ્છા થવી એ એક સંયોગ ભેગો થયો, પછી 'જ્ઞાની પુરુષ' ભેગા થાય. સ્વરૂપજ્ઞાન મેળવવાનો સંયોગ બાઝે તો જ કામ થાય એવું છે, પણ એ બધું 'સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ' છે.

Related Questions
  1. મન કેવી રીતે ઉત્પન્ન થાય છે? મનનું વિજ્ઞાન શું છે? અભિપ્રાયોથી ભરેલા મનને કેવી રીતે કાબુ કરવું?
  2. શું તમે તમારા વિચારોને કાબુ કરી શકો છો? શું તમે તમારા મનને કાબુ કરી શકો છો? તમે કેવી રીતે તમારા વિચારોને કાબુ કરી શકો?
  3. નેગેટિવ વિચારોમાંથી કેવી રીતે બહાર નીકળી શકાય? ખરાબ વિચારો પર કેવી રીતે કાબુ મેળવી શકાય?
  4. શા માટે હું માનસિક રીતે નબળો માણસ છું? કેવી રીતે હું ઝડપથી નિર્ણય લઈ શકું?
  5. શા માટે મારું મન ધાર્મિક ક્રિયાઓમાં એકાગ્ર નથી થતું? હું કેવી રીતે એકાગ્રતા રાખી શકું?
  6. મનની ગાંઠોને કેવી રીતે ઓગાળવી?
  7. મનની અંદર મતભેદ કેવી રીતે ઊભા થાય છે?
  8. શું વિચારોને દબાવી દેવા શક્ય છે? તમે તે કેવી રીતે કરો છો? મનને દબાવવાથી શું પરિણામો આવે છે?
  9. બેચેન મન કે અશાંતિમાંથી કેવી રીતે બહાર નીકળી શકાય?
  10. તમે કેવી રીતે તમારા મન પર કાબુ મેળવી શકો?
×
Share on