Related Questions

નેગેટીવ વિચારોને કેવી રીતે બંધ કરવા?

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કર્મના ફળનાં કરવાનાં કે સૂક્ષ્મનાં કરવાનાં ?

દાદાશ્રી : સૂક્ષ્મનાં હોય.

પ્રશ્નકર્તા : વિચારનાં કે ભાવનાં ?

દાદાશ્રી : ભાવનાં. વિચારની પાછળ ભાવ હોય જ. અતિક્રમણ થયું તો પ્રતિક્રમણ કરવું જ જોઈએ. અતિક્રમણ તો મનમાં ખરાબ વિચાર આવે, આ બહેનને માટે ખરાબ વિચાર આવ્યો, એટલે 'વિચાર સારો હોવો જોઈએ,' એમ કહી એને ફેરવી નાખવું. મનમાં એમ લાગ્યું કે આ નાલાયક છે, તો એ વિચાર કેમ આવે ? આપણને એની લાયકી, નાલાયકી જોવાનો રાઈટ (અધિકાર) નથી. અને બાધે-ભારે બોલવું હોય તો બોલવું કે, 'બધા સારા છે' સારા છે, કહેશો તો તો તમને કર્મનો દોષ નહીં બેસે, પણ જો નઠારો કહ્યો તો એ અતિક્રમણ કહેવાય. એટલે તેનું પ્રતિક્રમણ અવશ્ય કરવું પડે. 

એટલે ફરી પાછો આવો વિચાર આવે તો તે ભરેલો માલ છે, તેથી વિચાર આવવાના. સ્ટોક તો જેવો હોય તેવો નીકળ્યા કરશે. અને એક માણસમાં કશી સમજણ નથી છતાં પણ મનમાં એમ લાગે કે હું બહુ ડાહ્યો છું. એ સ્ટોક થયેલું. એ કંઈ એને નુકસાન કરતો નથી. એટલે એને પ્રતિક્રમણ કરવાની જરૂર નથી.

વિચાર આવે તો ખરા પણ તેને નિર્માલ્ય કરી નાખવા. પ્રતિક્રમણ કરી નાખવું. વિચાર નિર્જીવ છે.

એના શુદ્ધાત્માને કેવી રીતે પહોંચે ? 'દેહધારી ચંદુભાઈ, ચંદુભાઈ નામની સર્વ માયા, ચંદુભાઈના મન-વચન-કાયાનો યોગ, ભાવકર્મ, દ્રવ્યકર્મ, નોકર્મથી ભિન્ન એવા હે પ્રગટ શુદ્ધાત્મા ! તમારા પ્રત્યે મારામાં આ વિચાર આવ્યો તે બદલ હું એની ક્ષમા માગું છું અને પ્રતિક્રમણ કરું છું. હવે ફરી નહીં કરું.

આંટી પડ્યા વગર વિચાર જ ના આવે. જેવો વિચાર આવે તેનું અવશ્ય પ્રતિક્રમણ કરવું. એટલે સામટાં પ્રતિક્રમણ કરવાં. આ દશ મિનિટમાં જે જે વિચાર આવ્યા હતા, એ બધાનું સામટું પ્રતિક્રમણ હું કરું છું. 

×
Share on