Related Questions

વિષયની ઈચ્છાને કેવી રીતે કાબુ(કંટ્રોલ) કરવી?

પ્રશ્નકર્તા : કામવાસનાનું સુખ ક્ષણિક જાણવા છતાં ક્યારેક તેની પ્રબળ ઇચ્છા થવાનું કારણ શું ? અને તે કઈ રીતે અંકુશમાં લઈ શકાય ? 

દાદાશ્રી : કામવાસનાનું સ્વરૂપ જગતે જાણ્યું જ નથી. કામવાસના શાથી ઉત્પન્ન થાય છે, એ જો જાણે તો એ કાબૂમાં લઈ શકાય. પણ વસ્તુસ્થિતિમાં એ ક્યાંથી ઉત્પન્ન થાય છે, એ જાણતો જ નથી. પછી શી રીતે કાબૂમાં લઈ શકે ? કોઈ કાબૂમાં લઈ ના શકે. જેણે કાબૂમાં લીધેલું છે, એવું દેખાય છે, એ તો પૂર્વેની ભાવનાનું ફળ છે, બાકી કામવાસનાનું સ્વરૂપ ક્યાંથી ઉત્પન્ન થયું, એ ઉત્પન્ન દશા જાણે, ત્યાં જ તાળું મારવામાં આવે તો જ એ કાબૂમાં લઈ શકે. બાકી પછી એ તાળાં મારે કે ગમે તે કરે તો ય કશું ચાલે નહીં. કામવાસના ના કરવી હોય તો અમે રસ્તો દેખાડીએ.

પ્રશ્નકર્તા : વિષયોમાંથી વાળવા માટે જ્ઞાન મહત્ત્વની વસ્તુ છે.

દાદાશ્રી : બધા વિષયો છૂટી જવા માટે જ્ઞાન જ છે જરૂરી. અજ્ઞાનથી જ વિષયો વળગ્યા છે. તે ગમે એટલાં તાળાં વાસે તો ય કંઈ વિષય બંધ ન થાય. ઇન્દ્રિયોને તાળાં મારનારા મેં જોયા, પણ એમ કંઈ વિષય બંધ થાય નહીં.

જ્ઞાનથી બધું જતું રહે. આપણે આ બધા બ્રહ્મચારીઓને વિચાર સરખો નહીં આવતો જ્ઞાનથી.

પ્રશ્નકર્તા : સાયકોલોજી એવું કહે છે કે તમે એક વખત ધરાઈને ખાઈ લો આઈસ્ક્રીમ. પછી તમને ખાવાનું મન જ ના થાય.

દાદાશ્રી : એવું દુનિયામાં બની શકે નહીં. ના, એ ધરાઈને ખાધાથી તો ખાવાનું મન થાય જ. પણ જે તમને ના ખાવો હોય ને ખવડાય, ખવડાય કરે, રેડ રેડ કરે. તે પછી ઉલ્ટીઓ થાયને ત્યારે બંધ થઈ જાય. ધરાઈને ખાય તો ફરી જાગે એ તો. આ વિષય તો હંમેશાં જેમ જેમ વિષય ભોગવતો જાય એમ વધારે વધારે સળગતું જાય.

ના ભોગવવાથી થોડાં દહાડાં હેરાન થઈએ વખતે મહિનો, બે મહિનાં. પણ અપરિચયથી બિલકુલ ભૂલી જ જવાય પછી. અને ભોગવનારો માણસ એ વાસના કાઢી શકે એ વાતમાં માલ નથી. એથી આપણાં લોકોની, શાસ્ત્રોની શોધખોળ છે કે આ બ્રહ્મચર્યનો રસ્તો જ ઉત્તમ છે. એટલે મોટામાં મોટો ઉપાય, અપરિચય !

અને એક ફેરો એ વસ્તુથી છેટે રહ્યા ને, બાર મહિના કે બે વરસ સુધી છેટે રહ્યું એટલે એ વસ્તુને જ ભૂલી જાય છે પછી મનનો સ્વભાવ કેવો છે ? છેટું રહ્યું કે ભૂલી જાય. નજીક ગયું એટલે પછી કોચ કોચ કરે ! પરિચય મનનો છૂટો થયો. 'આપણે' છૂટા રહ્યા એટલે મને ય પેલી વસ્તુથી છેટું રહ્યું, એટલે ભૂલી જાય પછી, કાયમને માટે. એને યાદે ય ના આવે. પછી કહે તો ય એ બાજુ જાય નહીં. એવું તમને સમજણ પડે ?! તું તારા ભાઈબંધથી બે વરસ છેટો રહ્યો, તો તારું મન ભૂલી જાય પછી.

પ્રશ્નકર્તા : મનને જ્યારે વિષય તરફ ભોગવવા માટે આપણે છૂટ આપીએ છીએ, ત્યારે એ છે તો નીરસ રહે છે અને જ્યારે આપણે એને વિષયો ભોગવવા માટે કંટ્રોલ કરીએ છીએ, ત્યારે એ વધારે ઉછળે છે. આકર્ષણ રહે છે, તો એનું શું કારણ ?

દાદાશ્રી : એવું છે ને, મનને કંટ્રોલ આનું નામ કહેવાય નહીં. જે આપણો કંટ્રોલ સ્વીકારે નહીં એ કંટ્રોલ જ ન્હોય. કંટ્રોલર હોવો જોઈએ ને ? પોતે કંટ્રોલર હોય તો કંટ્રોલ સ્વીકારે. પોતે કંટ્રોલર છે નહીં, મન નથી માનતું, મન તમને ગાંઠતું નથી ને ?

મનને આંતરવાનું નથી. મનના કૉઝીઝને આંતરવાના છે. મન તો પોતે, એક પરિણામ છે. એ પરિણામ બતાવ્યા વગર રહેશે નહીં. પરીક્ષાનું એ રિઝલ્ટ છે. પરિણામ બદલાય નહીં, પરીક્ષા બદલવાની છે. એ પરિણામ જેનાથી ઊભું થાય છે એ કારણોને બંધ કરવાના છે. ત્યારે તે શી રીતે પકડાય ? શાનાથી ઊભું થયું છે મન ? ત્યારે કહે, વિષયમાં ચોટેલું છે. 'ક્યાં ચોટેલું છે' એ ખોળી કાઢવું જોઈએ અને પછી ત્યાં કાપવાનું છે.  

×
Share on
Copy