Related Questions

સંબંધોમાં ક્રોધ ઉપર કાબૂ કઈ રીતે મેળવવો?

પોતાને સામાની જગ્યાએ મૂકવું

કોઈ આપણા ઉપર ગુસ્સે થાય તો આપણાથી સહન થાય છે? આપણા ઉપર કોઈ ગુસ્સો કરે એ સહન ના થતું હોય અને આપણે આખો દિવસ બીજા ઉપર ગુસ્સે થયા કરતા હોઈએ તો એ ક્યાંનો ન્યાય છે? પોતાને બીજાની જગ્યાએ રાખીને જોવું, એનું નામ માનવધર્મ. કોઈ વ્યક્તિ ઉપર ક્રોધ આવે ત્યારે આપણને એટલો વિચાર આવવો જોઈએ કે, “એની જગ્યાએ હું હોઉં તો મારી શી દશા થાય?”

ખરેખર તો ક્રોધ કરતા પહેલાં જ એવો વિચાર આવે, કે “મારા ઉપર કોઈ આમ ક્રોધ કરે તો મને ગમે કે ના ગમે?” તો ક્રોધ ત્યાં ને ત્યાં જ શમી જશે. આપણને જેવું ગમે એવું જ બીજા સાથે વર્તન કરવું એ માનવધર્મનો પાયો છે.

વ્યક્તિ માટે મન ના બગાડવું

મોટેભાગે કોઈ વ્યક્તિ આપણી અપેક્ષા પ્રમાણે ન કરે, આપણું ધાર્યું ના થાય, આપણું અપમાન કરે ત્યારે આપણને તેના ઉપર ક્રોધ આવતો હોય છે. જે વ્યક્તિ ઉપર ક્રોધ આવતો હોય, એના માટે આપણે મન બગડવા ના દેવું જોઈએ. મનમાં નેગેટિવ ઊભું થાય તો એને ઊલટું પોઝિટિવ કરવું કે “આપણા પ્રારબ્ધના હિસાબે આ માણસ આવું કરે છે. એ જે-જે કરે છે એ આપણા જ કર્મના ઉદય છે, એ તો ફક્ત નિમિત્ત છે.” એવી રીતે આપણે મનને સુધાર સુધાર કરવું. સામી વ્યક્તિ માટે આપણું મન સુધરે એટલે પછી એના ઉપર ક્રોધ આવતો બંધ થઈ જાય. એકાએક બંધ નહીં થાય. થોડો વખત પાછલી ઇફેક્ટ આપીને પછી ધીમે ધીમે ક્રોધ બંધ થઈ જશે.

પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, “આ ભાઈ જોડે મને ક્રોધ આવતો હોય તો પછી હું નક્કી કરું કે આની જોડે ક્રોધ આવે છે, એ મારા પહેલાંના એના દોષો જોવાનું પરિણામ છે. હવે એ જે જે દોષો કરે તે મન ઉપર ના લઉં તો પછી એના તરફનો ક્રોધ બંધ થતો જાય, પણ થોડાં પૂર્વપરિણામ હોય એટલાં આવી જાય, પણ પછી બીજું આગળ બંધ થઈ જાય.” તેઓશ્રી આ વાતનું તારણ આપતા કહે છે કે, “આપણે દોષ જોવાનું બંધ થઈ ગયું, એટલે બધું બંધ થઈ ગયું.”

સામાને નિર્દોષ જોવા:

પરમ પૂજ્ય દાદા ભગવાન વ્યવહારનું એક સુંદર અને તાર્કિક ઉદાહરણ આપીને સામાને નિર્દોષ જોવાની દ્રષ્ટિ કેળવવાની ચાવી આપે છે.

પ્રશ્નકર્તા : મારું કોઈ નજીકનું હોય, તેના પર હું ક્રોધિત થઈ જાઉં. એ કદાચ એની દ્રષ્ટિએ સાચો પણ હોય. પણ હું મારી દ્રષ્ટિએ ક્રોધિત થાઉં, તો શા કારણે ક્રોધિત થઈ જાઉં છું?

દાદાશ્રી : તમે આવતા હોય અને આ મકાન ઉપરથી એક પથ્થર પડ્યો માથા પર, ને તે લોહી નીકળ્યું, તો તે ઘડીએ ક્રોધ બહુ કરો?

પ્રશ્નકર્તા : નહીં, એ તો ‘હેપન’ (બની ગયું) છે.

દાદાશ્રી : ના, પણ ક્રોધ કેમ કરતા નથી ત્યાં આગળ? એટલે પોતે કોઈને દેખો નહીં, એટલે ક્રોધ કેવી રીતે થાય?

પ્રશ્નકર્તા : કોઈએ જાણી-જોઈને માર્યો નથી.

દાદાશ્રી : અને હમણે બહાર જાય ને એક છોકરો છે તે એ ઢેખાળો (પથ્થર) મારે અને આપણને વાગે ને લોહી નીકળે એટલે આપણે એને ક્રોધ કરીએ. શાથી? પેલો મને ઢેખાળો માર્યો, માટે લોહી નીકળ્યું ને એટલે ક્રોધ કરે કે કેમ માર્યો તેં? અને ડુંગર ઉપરથી ગબડતો ગબડતો પથ્થર પડે અને માથામાં લોહી નીકળે તો પછી જોઈ લે પણ ક્રોધ ના કરે!

આ તો એના મનમાં એમ લાગે કે આ જ કરે છે. કોઈ માણસ જાણી જોઈને મારી શકતો જ નથી. એટલે ડુંગર ઉપરથી ગબડવું અને આ માણસ પથ્થર મારે એ બેઉ સરખું જ છે. પણ ભ્રાંતિથી એવું દેખાય છે કે આ કરે છે. આ વર્લ્ડમાં કોઈ માણસને સંડાસ જવાની શક્તિ નથી.

આપણે એમ જાણીએ કે જાણી-જોઈને કોઈએ માર્યો નથી, એટલે ત્યાં ક્રોધ નથી કરતો. પછી કહે છે, ‘મને ક્રોધ આવી જાય છે. મારો સ્વભાવ ક્રોધી છે.’ મૂઆ સ્વભાવથી ક્રોધ નથી આવી જતો. ત્યાં પોલીસવાળા જોડે કેમ નથી આવતો? પોલીસવાળા ટૈડકાવે તે ઘડીએ કેમ ક્રોધ નથી આવતો? એને વહુ જોડે ગુસ્સો આવે, છોકરાં પર ક્રોધ આવે, પાડોશી પર, ‘અન્ડરહેન્ડ’ (હાથ નીચેના) જોડે ક્રોધ આવે ને ‘બોસ’ (સાહેબ) જોડે કેમ નથી આવતો? ક્રોધ એમ ને એમ સ્વભાવથી માણસને આવી શકતો નથી. આ તો એને એનું ધાર્યું કરવું છે.

પ્રશ્નકર્તા : કેવી રીતે કંટ્રોલ કરવો?

દાદાશ્રી : સમજણથી. આ જે તમારી સામે આવે છે, એ તો નિમિત્ત છે અને તમારા જ કર્મનું ફળ આપે છે. એ નિમિત્ત બની ગયો છે. હવે એવું સમજાય તો ક્રોધ કંટ્રોલમાં આવે. જ્યારે પથ્થર ડુંગર પરથી પડે છે તેવું જુઓ છો ત્યારે ક્રોધ કંટ્રોલમાં આવી જાય છે. તો આમાં ય સમજી લેવાની જરૂર છે કે ભઈ, આ બધું ડુંગર જેવું જ છે.

રસ્તામાં બીજો કોઈ ગાડીવાળો ખોટે રસ્તે આપણી સામે આવતો હોય તો ના વઢેને? ક્રોધ ના કરે ને? કેમ? આપણે અથાડીને તોડી પાડો એને, એવું કરે? ના. તો ત્યાં કેમ નથી કરતો? ત્યાં ડાહ્યો થઈ જાય છે કે હું મરી જઈશ. ત્યારે મૂઆ તેના કરતાં વધારે મરી જાવ છો આ ક્રોધમાં તો, પણ આનું દેખાતું નથી ચિત્રપટ ને પેલું દેખાય છે ઊઘાડું, એટલો જ ફેર છે! ત્યાં રોડ ઉપર સામું ના કરે? ક્રોધ ના કરે, સામાની ભૂલ હોય તો ય?

પ્રશ્નકર્તા : નહીં.

દાદાશ્રી : એવું જીવનમાં ય સમજી લેવાની જરૂર છે.

બુદ્ધિથી તારણ કાઢવું

નોકરી-ધંધામાં કોઈ મોટું નુકસાન થઈ ગયું હોય, કે ઘરમાં કોઈ કિંમતી વસ્તુ તૂટી ગઈ ત્યારે નુકસાન કરનાર વ્યક્તિ ઉપર ક્રોધ આવી જાય છે. વસ્તુ તો તૂટી જ, અને ક્રોધથી વ્યક્તિનું મન પણ તૂટી ગયું. તે વખતે બુદ્ધિથી પણ એવું તારણ કાઢી શકીએ, કે ક્રોધ કરવાથી નુકસાન ભરપાઈ થઈ જશે? શું તૂટેલી વસ્તુ સંધાઈ જશે?”

પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, “બુદ્ધિ જો વિકાસ પામેલી હોય, સમજણવાળી કરેલી હોય તો કોઈ કશું ઝઘડો થાય એવું જ નથી.”

એટલે જો ક્રોધ કરવાથી ખોટને નફામાં બદલી શકાતી હોય તો સમજીએ કે ક્રોધ કરવો જોઈએ. પણ જો ફાયદો ના થતો હોય તો ક્રોધ કર્યા વગર એમ ને એમ ચલાવી લેવું જોઈએ.

ધારવું નહીં

દરેક વ્યક્તિને પોતાની ધારણા પ્રમાણે કામ કરવું હોય છે. અને સામો જયારે પોતાના ધાર્યા પ્રમાણે ન કરે ત્યારે ક્રોધ આવી જાય છે. આપણા ધાર્યા પ્રમાણે ન બને ત્યારે આપણને વિચાર આવવો જોઈએ કે, જો બધા જ પોતપોતાના ધાર્યા પ્રમાણે કરવા જશે, તો સામસામે વાસણો ખખડશે અને કોઈના ભાગમાં કશું નહીં આવે.

એના કરતાં આપણે કશું ધારવું જ નહીં એટલે એના વિરુદ્ધનું કશું બને જ નહીં. અને જો ધારવું જ હોય તો અવળું ધારવું. જેમ કે, રમતમાં બધાં પાસાં સવળા પડે એવી ધારણા રાખી હોય ત્યાં બધા પાસાં અવળા પડો એમ ધારવું. એટલે એકાદ પાસું સવળું થાય તો પણ દુઃખ ના થાય, ક્રોધ ના આવે.

સામાના લેવલ પર આવવું

જયારે આપણા વિચારોની સ્પીડ સામાના વિચારોની સ્પીડ કરતા વધારે હોય, ત્યારે સામાને આપણી વાત પહોંચતી નથી અને પટ્ટા તૂટી જાય છે. વિચારોની સ્પીડને પરમ પૂજ્ય દાદા ભગવાન રિવોલ્યુશન કહે છે. આપણા વિચારોના રિવોલ્યુશન ૫૦૦૦ હોય, અને સામાના રિવોલ્યુશન ૫૦૦ હોય ત્યારે આપણને સામાના લેવલ ઉપર જઈને એને સમજાવતા આવડતું નથી, અને ધીરજ ખૂટી પડે છે. પરિણામે આપણે ક્રોધ કરી મૂકીએ છીએ.

એનો ઉપાય આપતા તેઓશ્રી કહે છે કે આવા સમયે આપણે આપણા રિવોલ્યુશન ધીમા કરી નાખવા જોઈએ અને સામાના લેવલ ઉપર જઈને વાત કરવી જોઈએ. એટલે કે, સામાને સમજાય એ સ્પીડમાં, એ શબ્દોમાં આપણી વાત રજૂ કરવી જોઈએ, અને વચ્ચે વચ્ચે પૂછવું જોઈએ કે ‘તમને સમજાયું?’ જો સામાને ન સમજાય તો રીત બદલીને ફરી વાત કરવી જોઈએ. આવું એડજસ્ટમેન્ટ લઈને વાત કરવાથી આપણા ક્રોધ ઉપર કાબૂ રહેશે, અને સામાનું મન પણ નહીં તૂટી જાય.

પ્રતિક્રમણ એ જ સાચો ઉપાય!

બહાર ઉપદેશ સાંભળવા જઈએ તો ત્યાં કહેતા હોય છે કે ક્રોધ સામે દયા રાખો, શાંતિ રાખો, સમતા રાખો, ક્ષમા રાખો. ત્યારે આપણને મનમાં થાય કે “અલ્યા, મને ક્રોધ આવ્યા કરે છે ને તું કહે છે કે ક્ષમા રાખો, પણ તે મારે કઈ રીતે ક્ષમા રાખવી?” એટલે ઉપદેશ નકામો જાય છે.

પરમ પૂજ્ય દાદા ભગવાન વધુ સરળ અને સચોટ ઉપાય બતાવે છે.

દાદાશ્રી : તમને ક્રોધ આવે તો તમે આવી રીતે, મનમાં પસ્તાવો લેજો કે, ‘મારામાં શી નબળાઈ છે કે મારાથી આવો ક્રોધ થઈ જાય છે? તે ખોટું થઈ ગયું મારાથી’, એવો પસ્તાવો લેજો અને માથે કોઈ ગુરુ હોય તો એમની હેલ્પ લેજો, અને ફરી એવી નબળાઈ ઉત્પન્ન ના થાય એવો નિશ્ચય કરજો. તમે હવે ક્રોધનો બચાવ ના કરો, ઉપરથી તેનું પ્રતિક્રમણ કરો.

એટલે દિવસમાં કેટલાં અતિક્રમણ થાય છે, અને કોની સાથે થયાં, એની નોંધ કરી રાખ અને તે ઘડીએ પ્રતિક્રમણ કરી લે.

પ્રતિક્રમણમાં શું કરવું પડે આપણે? તમને ક્રોધ થયો અને સામા માણસને દુઃખ થયું તો એના આત્માને સંભારીને એની ક્ષમા માગી લેવાની. એટલે આ થયું તેની ક્ષમા માગી લે. ફરી નહીં કરું એની પ્રતિજ્ઞા લે. અને આલોચના એટલે શું કે અમારી પાસે દોષ જાહેર કરે કે મારો આ દોષ થઈ ગયો છે.

આ બધા ઉપાયો આપણને જુદાજુદા સંબંધોમાં, જુદી જુદી પરિસ્થિતિમાં વ્યક્તિઓ ઉપર ક્રોધ કરતા અટકાવે છે. તેમ છતાં અમુક નજીકના સંબંધોમાં ક્રોધ આવ્યા વગર રહેતો નથી, જેમ કે, પતિ-પત્ની, સહાધ્યાયી, બોસ-નોકર, મા બાપ-છોકરા વગેરે. તે સમયે સંબંધોના સ્વરૂપને નજીકથી ઓળખી, સામાની પ્રકૃતિને એડજસ્ટ થઈને તે પ્રમાણે સામા જોડે વ્યવહાર કરવાથી ક્રોધ નિવારી શકાય છે. આપણને આ લેખમાં દરેક સંબંધોમાં સમાધાનની સુંદર ચાવીઓ મળે છે.

×
Share on