Related Questions

રોજિંદા મતભેદમાં પતિ-પત્નીએ કેવા એડજસ્ટમેન્ટ લેવા જોઈએ?

પ્રશ્નકર્તા : હું 'વાઈફ' જોડે બહુ 'એડજસ્ટ' થવા જાઉં છું પણ થવાતું નથી.

દાદાશ્રી : બધું હિસાબસર છે. વાંકા આંટા ને વાંકી નટ, ત્યાં સીધી નટ ફેરવે તો શી રીતે ચાલે ? તમને એમ થાય કે આ સ્ત્રી જાતિ આવી કેમ ? પણ સ્ત્રી જાતિ તો તમારું 'કાઉન્ટર વેઈટ' છે. જેટલો આપણો વાંક એટલી એ વાંકી એટલે તો અમે બધું 'વ્યવસ્થિત' છે, એવું કહ્યું છે ને !

પ્રશ્નકર્તા : બધા જ આપણને સીધા કરવા આવ્યા હોય એમ લાગે છે.

દાદાશ્રી : તે તમને સીધા કરવા જ જોઈએ. સીધા થયા સિવાય દુનિયા ચાલે નહીં ને ! સીધો થાય નહીં તો બાપ શી રીતે થાય ? સીધો થાય તો બાપ થાય. સ્ત્રી જાતિ જાણે એવી છે કે એ ના ફરે, એટલે આપણે ફરવું પડશે. એ સહજ જાતિ છે, એ ફરે એવી નથી.

વાઈફ એ શું વસ્તુ છે ?

પ્રશ્નકર્તા : આપ કહો.

દાદાશ્રી : વાઈફ ઈઝ ધી કાઉન્ટર વેઈટ ઓફ મેન (હસબન્ડ). એ જો કાઉન્ટર વેઈટ ના હોય તો માણસ (પુરુષ) ગબડી પડે.

પ્રશ્નકર્તા : એ ના સમજાયું.

દાદાશ્રી : આ ઈન્જીનમાં કાઉન્ટર વેઈટ મૂકવામાં આવે છે, નહીં તો ઈન્જીન ચાલતું ચાલતું ગબડી પડે. એવું આ પુરુષને કાઉન્ટર વેઈટ સ્ત્રી છે. તે સ્ત્રી હોય તો ગબડી ના પડે. નહીં તો દોડધામ કરીને કાંઈ ઠેકાણુંય હોય નહીં. આજે અહીં હોય ને કાલે ક્યાંનો ક્યાંય હોય ! આ સ્ત્રી છે તે પાછો ઘેર આવે છે, નહીં તો આ ઘેર આવે કે ?

પ્રશ્નકર્તા : ના આવે.

દાદાશ્રી : સ્ત્રી એ એનું કાઉન્ટર વેઈટ છે.

અથડામણો અંતે એન્ડવાળી

પ્રશ્નકર્તા : બપોરે પાછું સવારની અથડામણ ભૂલી યે જઈએ ને સાંજે પાછું નવું થાય.

દાદાશ્રી : એ અમે જાણીએ છીએ, કે અથડામણ કઈ શક્તિથી થાય છે, એ અવળું બોલે છે તેમાં કઈ શક્તિ કામ કરી રહી છે. બોલીને પાછાં 'એડજસ્ટ' થઈએ છીએ, એ બધું જ્ઞાનથી સમજાય તેમ છે. છતાં જગતમાં એડજસ્ટ થવાનું. કારણ કે દરેક વસ્તુ 'એન્ડવાળી' હોય છે. અને વખતે એ લાંબા કાળ સુધી ચાલે તોય તમે તેને 'હેલ્પ' નથી કરતા, વધારે નુકસાન કરો છો. તમારી જાતને નુકસાન કરો છો ને સામાનું નુકસાન થાય છે.

×
Share on
Copy