મનુષ્યનું જીવન, તે પછી સામાન્ય માણસનું હોય કે મહાન પુરુષનું, તેમાં સફળતા અને નિષ્ફળતાના પ્રસંગો આવતા જ હોય છે. જો કે, આપણી બુધ્ધિ આપણને નિરંતર એવું બતાવે છે કે, સફળતા મળે તે સારું અને નિષ્ફળતા મળે તે ખરાબ છે. સફળતા અને નિષ્ફળતા એ આપણી આવડતનું માપદંડ છે, એવું આપણે માની લઈએ છીએ. અને આ જ માન્યતા આપણને આપણી ક્ષમતાઓને ત્યાં સુધી ખીલવામાં મદદ કરે છે, જ્યાં સુધી તે પૂરેપૂરી ખીલી ના જાય.

પણ, હકીકતમાં શું થાય છે? જ્યારે આપણને કોઈ કામમાં નિષ્ફળતા મળે છે, ત્યારે આપણે તેમાંથી અનુભવ લઈને શીખવાને બદલે ડીપ્રેસ થઈ જઈએ છીએ. એવી જ રીતે, જ્યારે સફળતા મળે છે, ત્યારે આપણે એટલા એલિવેટ થઈ જઈએ છીએ કે જાણે આપણે બહુ મોટી સિદ્ધિ મેળવી લીધી હોય અને સફળ થવાની ચાવી આપણા હાથમાં આવી ગઈ હોય. આ બંને પરિસ્થિતિઓમાં આપણા રિએક્શન એટલી હદ બહારના હોય છે કે આપણે આપણી પોતાની પ્રગતિ અટકાવી દઈએ છીએ.

શું તમારે જાણવું છે આવું કેમ થાય છે? તો ચાલો જોઈએ...

success-failure
success-failure

સફળતા મળ્યા પછી આપણે વિચારીએ છીએ કે... “હા, આખરે મેં કરી બતાવ્યું!”, “હવે કોઈ મને હરાવી નહીં શકે!”, “આ બધું મેં મારી જાતે જ કર્યું છે.”, “હું મારા બધા કામમાં પરફેક્ટ થઈ ગયો છું!”, “આ બધું ફક્ત મારા લીધે જ શક્ય બન્યું છે.” “સફળ કેવી રીતે થવું, એ તમે મારી પાસેથી શીખી શકો છો!”, “સફળતાની ચાવી હવે મારા હાથમાં છે.”

નિષ્ફળતા મળ્યા પછી આપણે વિચારીએ છીએ કે... “અરેરે! હું આમાં સફળ ન થઈ શક્યો!”, “મને ખબર જ હતી કે હું આ પૂરું નહીં કરી શકું, મારા જન્માક્ષરમાં જ આવું લખ્યું હતું.”, “હવે મારું શું થશે?”, “મારી બધી મહેનત પાણીમાં ગઈ.”, "ભગવાને જ આ બધું કર્યું છે.”, “મારી નિષ્ફળતાનું કારણ તમે જ છો.”

આ બંને પરિસ્થિતિમાં, આપણે છેલ્લા વાક્ય પર ધ્યાન આપીએ તો, જો આપણે સફળ થઈએ છીએ, તો તેની બધી ક્રેડીટ આપણે આપણી જાતને આપીએ છીએ. પણ જો આપણે નિષ્ફળ જઈએ છીએ, તો આપણે ભગવાને, બીજા લોકોને અને આપણા નસીબને દોષ આપીએ છીએ. આપણા આ બંને રિએક્શન કેટલા વિરોધાભાસી છે! કારણ કે, આપણે સાચું કારણ જાણ્યા વગર જ ‘કર્તા’ કોણ છે, તે ઓળખવાની વાતમાં પક્ષપાતી બની જઈએ છીએ. આવું કરીને આપણે માત્ર ભગવાન કે બીજા લોકો સાથેના સંબંધો જ નથી બગાડતા, પણ આપણે આપણી પોતાની પ્રગતિને પણ અટકાવીએ છીએ; કારણ કે, આપણે એવું માનવા લાગીએ છીએ કે જો આ નડતરરૂપ વ્યક્તિઓ કે સંજોગો નહીં હોય તો જ આપણને સફળતા મળશે. પણ શું ખરેખર તે વ્યક્તિઓ કે સંજોગો જ આપણી સફળતા કે નિષ્ફળતાનું સાચું કારણ છે? ના! કારણ કે, આમાંથી જો કોઈ એક પણ ના હોય, તો પણ સફળતા કે નિષ્ફળતા તો આવે જ છે ને?

તો સફળ થવા પાછળ શું વિજ્ઞાન છે? ચાલો જાણીએ...

  • સફળતા અને નિષ્ફળતા એ આપણા જ પૂર્વકર્મનું ફળ છે. જો સારા કર્મો હશે, તો આપણે જે કંઈ પણ કરીશું તેમાં ઓછા પ્રયત્નોમાં પણ સફળતા મળશે. અને જો ખરાબ કર્મો હશે, તો આપણે ગમે તેટલી મહેનત કરીએ તો પણ નિષ્ફળતા જ મળશે. તો પછી, નિષ્ફળતા માટે ભગવાનને દોષ શું કામ આપીએ? કારણ કે, ભગવાન આમાં કંઈ જ કરતા નથી.
  • સફળતા કે નિષ્ફળતા બંને કાયમ માટે ટકતી નથી. તો પછી, નિષ્ફળતા પણ થોડા જ સમય માટે છે, તો આપણે હિંમત હારીને નિરાશ શું કામ થવું જોઈએ?

જો કે, સફળતા અને નિષ્ફળતા થોડા સમય માટે જ ટકે છે, પણ જતા પહેલા બંને આપણને કંઈક શીખવાડીને જાય છે. જેમ સફળતા આપણને એ શીખવે છે કે સખત મહેનત અને પોઝિટિવ દૃષ્ટિકોણના ફળ મીઠા હોય છે, તો નિષ્ફળતા એ શીખવે છે કે તેના કડવા ફળમાં આપણે આપણી નબળાઈઓ અને નેગેટિવિટીને, શક્તિ અને પોઝિટિવિટીમાં બદલી શકીએ છીએ. જો નિષ્ફળતાને ‘અંત’ માનવાને બદલે શીખવાની એક તક તરીકે જોઈએ, તો તે આપણને સફળતા તરફ ધકેલતું એક કુદરતી પ્રેરણાબળ બની જાય છે. સાથે સાથે, જ્યારે વારંવાર સફળતાના મીઠા ફળ ચાખવા મળે, ત્યારે આપણે ઘમંડી કે અહંકારી ન બનવું જોઈએ.

success-failure
success-failure

ટૂંકમાં, સફળતાની ચાવી એ જ છે કે સફળતા કે નિષ્ફળતા, બંને વખતે આપણો દૃષ્ટિકોણ એકસરખો રાખવો જોઈએ. અને આપણે એ સ્વીકારી લેવું જોઈએ કે સફળતા અને નિષ્ફળતા જીવનની અવસ્થાઓ છે, જે આવે છે અને જાય છે. તો પછી જીવનમાં કાયમનું શું છે? આપણો આત્મા, એ જ કાયમી છે અને એનો અનુભવ થવાથી આપણે સફળતા અને નિષ્ફળતા, બંને સમયે પોઝિટિવ રહી શકીએ છીએ. આ સમજણ હશે તો સફળતામાં આપણે છકી નહીં જઈએ અને નિષ્ફળતામાં ડીપ્રેસ નહીં થઈએ.

ખરેખર તો, આ સમાન દૃષ્ટિકોણ આપણને જીવનના દરેક ક્ષેત્રમાં સરળ અને ઝડપી સફળતા મેળવવા માટે આ બે મુખ્ય ચાવીઓ અનુસરવા માટે સમર્થ બનાવે છે.

  • આપણા ધ્યેય પ્રત્યે સિન્સિયર રહીએ.
  • ગમે તેવા કપરાં સંજોગોમાં પણ હતાશ થયા વગર પોઝિટિવ દૃષ્ટિકોણ રાખવો જોઈએ.

અબ્રાહમ લિંકન અને હેલન કેલર જેવા ઈતિહાસના અનેક મહાન વ્યક્તિઓએ પણ આ જ સંદેશ આપ્યો છે, જેમણે આ બે ચાવીઓ દ્વારા તેમણે તેમના જીવનમાં મોટી સફળતાઓ મેળવી છે. અબ્રાહમ લિંકન ઘણું ખરું પોતાની રીતે જ ભણ્યા હતા, છતાં પણ તેઓ અમેરિકાના સોળમા રાષ્ટ્રપતિ બન્યા, ગુલામીની પ્રથા નાબૂદ કરી અને સરકારમાં આધુનિક સુધારા લાવી શક્યા. તેવી જ રીતે, હેલન કેલર સાંભળી કે જોઈ શકતા ન હોવા છતાં ‘બેચલર ઓફ આર્ટસ’ની ડિગ્રી મેળવનાર પ્રથમ વ્યક્તિ બન્યા હતા. તેમણે પોતાનું આખું જીવન દુનિયાભરના દિવ્યાંગ લોકોની મદદ કરવામાં સમર્પિત કરી દીધું હતું. એટલું જ નહીં, તેઓ ‘અમેરીકન ફાઉન્ડેશન ફોર ધી બ્લાઈન્ડ’ સંસ્થાના સ્થાપક પણ છે.

ઘણા લોકોએ આ સમાન દૃષ્ટિકોણનો અનુભવ કર્યો છે. જેઓ હવે નિષ્ફળતામાં અટકી જવા કે સફળતાની પાછળ પડવાને બદલે બંનેને જીવનમાં આગળ વધવા માટેની પ્રેરણા તરીકે માને છે.

×
Share on