આજકાલ ડિપ્રેશન બહુ સામાન્ય થઈ ગયું છે. ડિપ્રેશન એ એક પ્રકારનો માનસિક રોગ છે, જે પશ્ચિમી દેશોમાં લગભગ દસ ટકા લોકોમાં જોવા મળે છે. ભારતમાં પણ હવે ડિપ્રેશન વધુ જોવામાં આવે છે. તેમાંય ખાસ કરીને મહિલાઓમાં ડિપ્રેશનનો દર વધારે હોય છે.
ડિપ્રેશનના અનેક કારણો હોય છે અને તેનાં લક્ષણો પણ ઘણા છે. ડિપ્રેશનમાં મુખ્યત્વે મનને અસર થાય છે, પણ લોકોનું મન આ રોગને સ્વીકારવા તૈયાર થતું નથી. માટે, એ વધારે જટિલ સમસ્યા બની રહે છે.
ડિપ્રેશનના પ્રકારો:
ડિપ્રેશન બે પ્રકારે હોય છે. એક સામાન્ય ભાષામાં વપરાતું ડિપ્રેશન, જેમાં જીવનમાં કંઈક આઘાત આવ્યો હોય, અપમાન આવ્યું હોય, દુઃખ પડ્યું હોય કે અંદર સતત ચિંતા, ભોગવટો હોય ત્યારે વ્યક્તિ “મને ડિપ્રેશન આવ્યું છે” એમ કહે છે.
બીજું છે તબીબી ક્ષેત્રે એટલે કે મેડિકલ ભાષામાં વપરાતું ડિપ્રેશન. જેમાં મગજના કોષો, મગજની પેશીઓમાં ફેરફાર કે નુકસાન અને કેમિકલ ઈમ્બેલેન્સ (રાસાયણિક અસંતુલન) થાય છે. આ મેડિકલ ડિપ્રેશન સામાન્ય ડિપ્રેશન કરતાં તદ્દન જુદું છે, પણ તેની શરૂઆત મોટેભાગે સામાન્ય ડિપ્રેશનમાંથી થાય છે.
ડિપ્રેશનના લક્ષણો:
આપણી આસપાસ કોઈ વ્યક્તિને કે આપણને પોતાને ડિપ્રેશન આવ્યું હોય તો તેને ઓળખવું કઈ રીતે? નીચે ડિપ્રેશનને ઓળખવાના કેટલાક લક્ષણો આપ્યા છે. જેનાથી શરૂઆતના તબક્કામાં ડિપ્રેશનને ઓળખી શકાય અને તેમાંથી બહાર નીકળવાના સમયસર ઉપાયો કરી શકાય.
સામાન્ય રીતે ડિપ્રેશનના લક્ષણોમાં,
- કોઈ વસ્તુમાં એકાગ્રતા ન રહે.
- એકલા રહેવું વધારે ગમે. અન્ય લોકો સાથે હળવા-મળવાનું ન ગમે.
- જીવનમાં રસ ન રહે. જે કંઈ કાર્યો કે શોખ હોય એ બધામાંથી રસ જતો રહે.
- વ્યક્તિને ઈન્ફિરિયારિટી (લઘુતાગ્રંથિ) લાગ્યા કરે. દરેક બાબતમાં એમ થાય કે “મને કશું આવડતું નથી”, “હું નકામો છું”.
- સતત દુઃખ, ભોગવટો રહ્યા કરે.
- બધી પરિસ્થિતિમાં નેગેટિવ (નકારાત્મક) વલણ રહે. નાની વાતમાં પણ મોટું નેગેટિવ ઊભું થઈને રહે.
- એકલતાની લાગણી થાય.
- જીવન નકામું લાગે.
- સતત ચિંતા અને ખાલીપણું લાગ્યા કરે.
- પૂરતી ઊંઘ ન થાય અથવા વધુ પડતી ઊંઘ આવે.
- ભૂખ ન લાગે કે વજનમાં અણધાર્યો ફેરફાર થાય.
- મધ્યમ પ્રકારના ડિપ્રેશનના લક્ષણોમાં વ્યક્તિને આત્મહત્યાના વિચારો આવે.
- ગંભીર ડિપ્રેશનમાં વ્યક્તિ આત્મહત્યાના પ્રયત્નો પણ કરે, જેનો તાત્કાલિક ઉપાય કરવો પડે.
ઉપરના લક્ષણોમાંથી બે-ત્રણ લક્ષણો પણ વ્યક્તિમાં દેખાય, તો તરત તેને ધ્યાનમાં લેવા જોઈએ અને ડૉક્ટર કે મનોચિકિત્સકને મળવું જોઈએ. જેથી સમયસર એમાંથી બહાર નીકળી શકાય અને વ્યક્તિનું જીવન ફરીથી એકદમ નોર્મલ થઈ શકે.
ડિપ્રેશનના કારણો:
ડિપ્રેશનના અનેક કારણો છે, જેમાં આંતરિક અને બાહ્ય બંને પરિબળો અસર કરે છે.
તબીબી ક્ષેત્રે એવું સંશોધન કરવામાં આવ્યું છે કે મગજના કોષોમાં રાસાયણિક એટલે કે, હોર્મોનલ અસંતુલન સર્જાય છે, જેને કારણે ડિપ્રેશન આવે છે. ડૉક્ટરની દૃષ્ટિએ જેને ડિપ્રેશન કહે છે, તે વારસાગત પણ હોઈ શકે છે. આ ઉપરાંત, ઘરનું વાતાવરણ અને ઉછેર, કુટુંબમાં બનેલી કોઈ દુઃખદ ઘટના જેમ કે, માતા-પિતાના છૂટાછેડા, નજીકની વ્યક્તિનું અકાળ અવસાન કે કોઈ પ્રકારની હિંસાનો આઘાત પણ ડિપ્રેશનનું કારણ હોઈ શકે છે.
સામાન્ય ભાષામાં જે ડિપ્રેશન શબ્દ વપરાય છે, જે હજુ મેડિકલની ભાષાના ડિપ્રેશન સુધી પહોંચ્યું નથી, તેમાં જીવનના નાના-મોટા અનેક પ્રસંગો કારણભૂત બને છે. જેમ કે, ધંધામાં ખોટ આવે, નોકરી જતી રહે અને પૈસાની તકલીફ ઊભી થાય, પરણ્યા પછી પસ્તાવા જેવું થાય, જેમાં સાસુ કે જીવનસાથી જબરા મળે, બાળકો સામા થાય, જીવનમાં નિષ્ફળતા આવે વગેરે. આવી અનેક પરિસ્થિતિઓમાં નીચે મુજબના માનસિક પરિબળો ભાગ ભજવે છે.
ગૂંચવાડાનો ઉપાય ન મળવો
સામાન્ય ડિપ્રેશનની શરૂઆતમાં જીવનના એવા કોઈ પ્રસંગો બની ગયા હોય છે, જ્યારે પોતે દુઃખી થાય છે. જેમકે, કોઈ મોટું અપમાન આવ્યું હોય, મોટું નુકસાન થયું હોય, પોતાની ધારણા પ્રમાણે ના બન્યું હોય ત્યારે, માતા-પિતાને બાળકો સામા થાય કે ઘર છોડીને જતા રહે ત્યારે , બાળકોને પરીક્ષામાં નિષ્ફળતા મળે ત્યારે.
આ ઉપરાંત, પૈસાની મુશ્કેલીઓ, તબિયતની મુશ્કેલીઓ, સંબંધોમાં સર્જાતી મુશ્કેલીઓ જેવી જીવનમાં મોટી બે-પાંચ મુશ્કેલીઓ આવી ગઈ હોય જેનો ઉકેલ લાવતા પોતાને નથી આવડતું એટલે વ્યક્તિ ગૂંચાય છે અથવા નેગેટિવ થાય છે. જેને પછી ડિપ્રેશન આવી ગયું કહે છે. ટૂંકમાં, આવું ડિપ્રેશન જીવનની કેટલીક પરિસ્થિતિમાં ઊભા થતા ગૂંચવાડાનું સોલ્યુશન નહીં આવવાથી સર્જાય છે.
જયારે ગૂંચવાડો લાંબા સમય સુધી ઉકલે નહીં, દુઃખનો ભોગવટો ઘણો લાંબો સમય સુધી રહે, એટલે વ્યક્તિ તેમાંથી બહાર નથી નીકળી શકતી. કેટલાક લોકો એ દુઃખને ભૂલાવવા ટીવી-મૂવી જોવા, બહાર ફરવા કે પાર્ટીઓ કરવા તરફ વળે છે. કેટલાક લોકો આગળ વધીને દારૂ-સિગરેટ કે ડ્રગ્સ જેવા વ્યસનમાં પડી જાય છે, તો કેટલાક રાત્રે ઊંઘની ગોળીઓ ખાઈને સૂઈ જવાનો ઉપાય કરે છે. એટલો સમય દુઃખ ભૂલાય છે, પણ જેવો નશો ઊતરે અથવા સંજોગો ફરી સામાન્ય થઈ જાય તો દુઃખ પાછું શરૂ થઈ જાય છે.
વધુ પડતા નકારાત્મક વિચારો આવવા
ડિપ્રેશનમાં મનને સૌથી પહેલી અસર થાય છે. જેમાં, મનમાં જાતજાતના વિચારો આવે છે, મન ચકડોળે ચડે છે છે અને વિચારોના વમળો ઊભા થયા કરે છે. પછી અંદર જબરજસ્ત દુઃખના ભોગવટા ઊભા થાય, લાય બળે અને સહન ના થાય એટલું બધું દુઃખ થાય છે.
નેગેટિવિટી ઊભી થાય એટલે “મને આમ થઈ ગયું”, “મારું શું થશે?”, “હું એકલો પડી ગયો/એકલી પડી ગઈ.” એવા વિચારો શરૂ થઈ જાય છે. પછી વ્યક્તિ ભૂતકાળ કે ભવિષ્યકાળનું વાગોળી વાગોળીને દુઃખના ભોગવટામાં સપડાઈ જાય છે. જેમાં ઘણુંખરું ફક્ત માનેલું જ હોય છે.
ઘણીવાર મનને ભોગવટો આવે, મન ડિપ્રેસ થઈ જાય અને ના ગમતા વિચારો મનમાં ચઢી બેસે ત્યારે આપણે એ વિચારોને ખસેડવાના કે ઉડાડી દેવાના પ્રયત્નો કરીએ છીએ. પણ તેનાથી વિચારો બંધ નથી થતા. સતત નેગેટિવ વિચારો કે જાત પ્રત્યેની નેગેટિવિટીથી માનસિક અસરો થાય છે. ધારો કે, કોઈ વહુને એની સાસુ કહે કે “તું ગાંડી છે.” ત્યારે પહેલા તો વહુ માને જ નહીં કે “હું શેની ગાંડી!” પછી એક દિવસ એનો પતિ કહે કે “તું સાવ ગાંડપણ જ કરે છે.” તો વહુ ચમકે કે “ના, ના હું એવી નથી.” એમાં એક દિવસ એની બહેનપણી કહે કે “તારું મગજ ઠેકાણે નથી, સાવ ગાંડા જેવી વાતો કરે છે.” એટલે પછી વહુને લાગે કે “ખરેખર હું ગાંડી છું.” આમ એક વખત માન્યતા બદલાય પછી પોતાને એવી અસરો શરૂ થાય છે.
મનોબળ અને સહનશક્તિ ઘટવા
આજકાલ લોકોની સહનશક્તિ ખૂબ ઓછી થઈ ગઈ છે. થોડાક તણાવને પણ તેઓ સહન નથી કરી શકતા અને ભાંગી પડે છે. આપણા વડીલોની જનરેશનમાં સહનશક્તિ ખૂબ હતી એટલે ગમે તેવી પરિસ્થિતિને પણ તેઓ શાંતિથી પસાર કરી શકતા હતા અને કોઈ મુશ્કેલી નહોતી આવતી. પણ આજકાલ લોકો જીવનમાં સહેજ કંઈક સેટબેક આવે કે મોટા ફેરફારો આવે તો સહન નથી કરી શકતા. એટલું જ નહીં, રહેવાની જગ્યા કે વાતાવરણ બદલાય, આજુબાજુ વાતચીત કરવાવાળા લોકો કે ખાવા-પીવાના સંજોગો બદલાય એવા વધુ ફેરફારો એકસાથે આવી પડે તો તેનો પણ સામનો નથી કરી શકતા અને ડિપ્રેશનમાં આવી જાય છે.
નાની ઉંમરનાં બાળકોને પણ સ્કૂલ કે કૉલેજમાં જવાનું થાય, હોસ્ટેલમાં રહેવાનું થાય, ભણવાનું જરા અઘરું પડે, પેપર સારું ના ગયું હોય, પરીક્ષાનું ટેન્શન વધી જાય, તો ક્યારેક પરીક્ષામાં નાપાસ થાય તો પણ ડિપ્રેશનમાં આવી જાય છે.
સફળતામાં છકી જવાનું રિએક્શન આવવું
સામાન્ય ભાષામાં વપરાતું ડિપ્રેશન ઘણીવાર એલિવેશનનું (ઊંચે ચડવાનું) પરિણામ હોય છે. કોઈ વ્યક્તિને ખૂબ માન અને પ્રતિષ્ઠા મળે અથવા જીવનમાં મોટી સફળતા મળે તો તે ઊંચે ચગે છે. એટલે કે, તેને અંદર “મને આવડે છે”, “હું આમ કામ પતાવી દઉં.” એવો અહંકાર ઊભો થઈ જાય છે. પછી એ વ્યક્તિને જીવનમાં એકાદ વખત નિષ્ફળતા મળે તો તે ડિપ્રેશનમાં આવી જાય છે. ખૂબ પૈસા કમાય તો મગજ છકી જાય અને ખોટ આવે તો ડિપ્રેશન આવી જાય.
આમ, જીવનમાં ધાર્યા પ્રમાણે બને તો હવામાં ઊડે અને ધાર્યા કરતા ઊંધું થાય તો હવામાંથી જમીન પર પછડાય. જેને પછી ડિપ્રેશન કહીએ છીએ. પણ તે ખરેખર ઉપર ચડવા બદલનું રિએક્શન છે.
ડિપ્રેશનના ઉપાયો:
આજકાલ સમાજમાં ભણેલા ગણેલા લોકો ડિપ્રેશનનો સ્વીકાર કરવા તૈયાર નથી થતા અને ડિપ્રેશન કે માનસિક બીમારીને મોટું સ્વરૂપ આપી દે છે. દરેક માનસિક બીમારી વ્યક્તિને પાગલખાનામાં મૂકવી પડે એવી ગંભીર નથી હોતી. તેનો જો યોગ્ય ઉપચાર કરવામાં આવે તો તે સાધ્ય રોગ છે.
મેડિકલ ડિપ્રેશન માટે દવાઓ લેવી
ડિપ્રેશન જો મેડિકલની ભાષાનું હોય, તો તેમાં ડોક્ટરનો સંપર્ક કરીને દવા કરવી બહુ જરૂરી છે. માઈલ્ડ (હળવા), મોડરેટ (મધ્યમ) કે સિવિયર (ગંભીર) બધા પ્રકારના ડિપ્રેશનની સારવાર શક્ય છે, જેનાથી વ્યક્તિ નોર્મલ જીવન જીવી શકે છે.
જેમ ડાયાબિટીસમાં ઈન્સ્યુલિન ઈમ્બેલેન્સ થાય છે, તેમ ડિપ્રેશનમાં અમુક હોર્મોન ઈમ્બેલેન્સ થાય છે. ડાયાબિટીસ, બ્લડ પ્રેશર કે હાર્ટ એટેક આવ્યો હોય તો ડોક્ટર કહે છે કે આખી જિંદગી અમુક દવાઓ લેવી પડશે નહીં તો જીવન સુરક્ષિત નથી. તેવી જ રીતે મેડિકલ ડિપ્રેશનમાં પણ દવાઓ લેવી જરૂરી છે. શારીરિક બીમારીની જેમ માનસિક બીમારીનો ઉપચાર પણ દવાથી થઈ શકે તેમ છે.
આજકાલ ડિપ્રેશનની ઘણી સરસ દવાઓ શોધાઈ છે, જેના સફળ પરિણામો પણ બહાર આવ્યા છે. આ દવાઓનો અમુક કોર્સ કરવો પડે છે. જેટલી ડિપ્રેશનની તીવ્રતા હોય એટલો લાંબો વખત દવાઓ લેવાની હોય છે.
યોગ, કસરત અને અન્ય પ્રવૃત્તિઓ કરવી
મેડિકલ ડિપ્રેશન માટે દવાઓ તો જરૂરી છે. પણ સાથે સાથે નિયમિત યોગ, પ્રાણાયામ, શારીરિક કસરતો, રોજ ચાલવું અને ધ્યાન કરવું વગેરે પણ ખૂબ મદદરૂપ નીવડે છે. ડિપ્રેશનમાં નિયમિત રીતે રોજ એક કલાક વ્યાયામ કે યોગ કરવામાં આવે તો બહુ ઝડપથી રિકવરી શક્ય બને છે.
જીવનમાં કોઈ શોખ કે સામૂહિક પ્રવૃત્તિઓ જે મનને શાંતિ અને આનંદ આપે તે કરવી જોઈએ. તેનાથી ડિપ્રેશન, ચિંતા અથવા માનસિક તણાવનું સ્તર ઘટે છે. ઉપરાંત, આ પ્રવૃત્તિઓ લોકો સાથે જોડાઈ રહેવામાં અને પરસ્પર સંબંધો વધારવામાં મદદ કરે છે. શોખ અને સામૂહિક પ્રવૃત્તિઓ એકંદરે જીવનમાં સંતોષ લાવે છે, જે માનસિક સ્વાસ્થ્ય અને સુખી જીવન માટે અગત્યની ભૂમિકા ભજવે છે.
વિચારોની નોર્માલિટી રાખવી
ડિપ્રેશનમાં મનમાં અનેક પ્રકારના નેગેટિવ વિચારોના વમળ ઊભા થાય છે પરિણામે ભોગવટા વધે છે. વિચારો પ્રમાણ કરતાં વધી જાય એટલે એની લિમિટ ક્રોસ થઈ કહેવાય. જ્યાં દસ-પંદર મિનિટ વિચારવાનું હોય, ત્યાં વિચારોના વળ ચઢવા માંડે, એ ‘નોર્માલિટી’ની બહાર ગયું કહેવાય. પછી ચિંતા થાય, જે બહુ નુકસાન કરે છે.
જેમ બહાર જોરથી વાવાઝોડું ફૂંકાતું હોય તો આપણે ઘરમાં બારી-બારણા બંધ કરી દઈએ છીએ, એવી રીતે અંદર નેગેટિવ વિચારો જરૂરિયાત કરતાં વધારે આગળ ચાલે તો આપણે ધ્યાન આપવાનું બંધ કરી દેવું.
વિચાર તો ફટાકડાની કોઠીની જેમ ફૂટ્યા કરે. જેમ નળ બંધ ના થતો હોય તો આપણે બીજી બાજુએ જોઈએ એટલે આપણા માટે નળ બંધ થઈ જ ગયો ને! એને જોઈએ ત્યાં સુધી નળ ચાલુ છે એમ લાગે. તેમ મનમાં વિચારો ફૂટતા હોય, ત્યારે આપણું ધ્યાન, આપણી દૃષ્ટિ બદલી નાખીએ તો એ વિચારો આપણને બોજો ના કરાવે.
પોઝિટિવ શોધી, દુઃખની પરિભાષા બદલવી
જીવનમાં આવતા દુઃખના પ્રસંગોને લોકો બહુ મોટું સ્વરૂપ આપીને ડિપ્રેશનમાં આવી જાય છે. કોઈ આપણું અપમાન કરે, ગમેતેમ બોલે, જીવનમાં મુશ્કેલી આવે તો એમાં દુઃખી થવાની જરૂર નથી. ઊલટું તેમાંથી પોઝિટિવ શોધીને દુઃખની પરિભાષા બદલી નાખવી.
ખરેખર દુઃખ તો કોને કહેવાય કે ત્રણ દિવસ ખાવાનું ના મળે, પીવા માટે પાણી ના મળે, સૂવા ના મળે – તો એ દુઃખ કહેવાય! કોઈનો પગ ભાંગ્યો હોય ને હોસ્પિટલમાં પ્લાસ્ટર લગાવીને પગ લટકાવ્યો હોય તો દુઃખ કહેવાય. દાઢ દુઃખતી હોય એને પણ દુઃખ કહેવાય. એટલે, આપણને જો ખાવા-પીવાનું, રહેવાનું બધું જ સારી રીતે મળતું હોય તો પછી બીજા દુઃખોને ગણકારવા નહીં. આ રીતે જો દુઃખની પરિભાષા જ બદલી નાખીએ તો બધે સુખ, સુખ ને સુખ જ લાગે.
પણ નેગેટિવ બુદ્ધિ દુઃખ ના હોય ત્યાંથી દુઃખ વહોરી લાવે છે. તે હંમેશા દ્વંદ્વ બતાવે છે. “પરીક્ષા વખતે પેપરમાં આવડશે કે નહીં આવડે?”, “આમ કરીશ તો મારું ખરાબ દેખાશે કે સારું?” પોઝિટિવ અને નેગેટિવ બંને તરફનું બતાવે એ કન્ફ્યુઝન! પછી એમાં સોલ્યુશન આવતું નથી અને ગૂંચવાડો વધે છે. આવા ગૂંચવાડા આવી પડે, તો એક પછી એક તેને પોઝિટિવ રહીને ઉકેલવાનો પ્રયત્ન કરવો, પણ હતાશ કે ડિપ્રેસ ના થવું.
જેમ કે, અંદર ઊભું થાય કે “પરીક્ષામાં નહીં આવડે તો?” ત્યારે સામે પોઝિટિવ ગોઠવવું, કે “વાંચ્યું છે તો આવડશે જ. ટેન્શન રાખવાની જરૂર નથી!” ટેન્શન રાખવું જ હોય તો તૈયારી વખતે રાખવું, પરિણામ વખતે ટેન્શન કરવાથી કોઈ ફેરફાર થવાનો નથી. ધંધામાં ખોટ જાય અને બુદ્ધિ બતાવે કે “અરેરે! મારું નુકસાન થયું” ત્યારે એની સામે બોલવું, “મારું નુકસાન ગયું કે ધંધાનું? ઘરના પૈસા તો સલામત છે ને! ખાવા-પીવાની તકલીફ નથી, બહુ થયું!”
પોઝિટિવમાં વાળવું એટલે નેગેટિવને ખસેડવાનું કે કાઢવાનું નહીં, પણ પોઝિટિવ ઉમેરવાનું. જેમ ખાલી બોટલમાં પાણી ઉમેરીએ તો બધી હવા નીકળી જાય, તેમ જીવનની દરેક પરિસ્થિતિમાં પોઝિટિવ રહેવાથી નેગેટિવ આપોઆપ નીકળી જશે.
મનોબળ કેળવવું
લોકોનું મનોબળ અને સહનશક્તિ ઘટવાને કારણે ડિપ્રેશનનો સરળતાથી શિકાર બને છે. મનોબળ કેળવી શકાય તેવી વસ્તુ છે. મનોબળ તૂટે છે શી રીતે? મુશ્કેલીના પ્રસંગોમાં બીજાના નેગેટિવ જોવાથી મનની શક્તિ તૂટી જાય છે. બીજાની ભૂલો જોવાની દૃષ્ટિ બંધ કરતા જઈએ અને બીજાની ભૂલો જોવાઈ જાય તો હૃદયપૂર્વક પસ્તાવો કરીએ તો મનની શક્તિ વધતી જાય છે. જેમનું મનોબળ મજબૂત હોય એમની સાથે રહેવાથી, એમનું નિરીક્ષણ કર કર કરીએ તો પણ આપણું મનોબળ કેળવાય છે.
ગમે તેવા દુઃખ હોય તોય મનોબળવાળો માણસ તેને પસાર કરી નાખે. “હવે મારું શું થશે” એવું એ ના બોલે. હિંમત હારી જવાય એવા પ્રસંગોમાં “હિંમતે મર્દા તો મદદે ખુદા” એવું બોલે ને, તો શૂરાતન ચઢી જાય.
આપણે મનમાં ધાર્યું હોય કે આ કાર્ય કરવું છે, પણ એ સફળ ના થતું હોય, ત્યારે આપણો જે વિલપાવર (મનોબળ) હોય કે “આ કાર્ય સફળ થશે જ, કેમ ના થાય?” તો એનાથી વહેલું-મોડું પણ કામ સફળ થાય છે. પણ મનોબળ તૂટી ગયું તો કામ સફળ નહીં થાય. પોતાનો વિલપાવર અને દુવા, બે ભેગું થાય તો કામ સફળ થાય, કોઈ દિવસ નિષ્ફળતા આવે જ નહીં. પણ વિલપાવર ના હોય તો દુવા પણ કામ ના કરે.
ધીરજ અને ધર્મનો આધાર લેવો
મુશ્કેલીના સમયમાં ધીરજ રાખવી. જેમ રાત પછી દિવસ આવે તેમ સંજોગોમાં ફેરફાર થયા જ કરે. આજે નોકરી ના હોય તો કાલે નવી મળી જાય. આજે ધંધામાં ખોટ જાય તો કાલે નફો મળે. આ વર્ષે વરસાદ ના પડ્યો ને પાકને નુકસાન થયું, તો બીજા વર્ષે સરસ વરસાદ પડે ને પરિસ્થિતિ સુધરી જાય. આર્થિક સ્થિતિ નબળી હોય ત્યારે ધીરજ રાખવી જોઈએ, ખર્ચ ઓછો કરી નાખવો જોઈએ.
ધીરજ રાખીએ તો બધું કુદરતી રીતે સરળ ઉકલ્યા જ કરે છે! પણ દોડધામ કરી મૂકીએ એટલે બધું બગડે છે. કર્મના ઉદય બહુ ભારે આવે ત્યારે આપણે સમજી લેવાનું કે આ ઉદય ભારે છે, માટે શાંત રહેવું. વિપરીત સંજોગો આવે ત્યારે જે ભગવાન કે ઇષ્ટદેવ-દેવીને માનતા હોઈએ તેમનું નામ લઈને કહેવું કે “ભગવાન તમને સોંપ્યું”, એટલે બધો ઉકેલ આવી જાય! મનની શાંતિ માટે સત્સંગમાં જવું. સત્ એટલે આત્મા, એનો સંગ! સત્સંગમાં બેસવાથી, સત્સંગના બે શબ્દ આરાધન કરવાથી મનને શાંતિ થઈ જાય.
