ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ ભગવાન (પારસનાથ ભગવાન): પૂર્વભવો

શ્રી પાર્શ્વનાથ ભગવાનના જીવનમાંથી આપણને વેરમાંથી છૂટવાની મોટામાં મોટી ચાવી વીતરાગતા મળે છે. પાર્શ્વનાથ ભગવાન અને કમઠનું પ્રથમ ભવનું બંધાયેલું ભયંકર વેર નવ ભવો સુધી ચાલ્યું અને દરેક ભવમાં મરુભૂતિનું મૃત્યુ કમઠ દ્વારા જ થયું. ચાલો, હવે પાર્શ્વનાથ પ્રભુના જન્મ પહેલાંના નવ ભવો વિશે વિગતવાર વાંચીએ.

પ્રથમ ભવ - મરુભૂતિ

જંબુદ્વીપમાં ભરતક્ષેત્રમાં પોતનપુર નગરમાં રાજા અરવિંદ રાજ કરતા હતા. રાજા ખૂબ પ્રતાપી અને શીલવાન હતા. તેઓ ધાર્મિક અને સાત્વિક પણ હતા અને પ્રજાને ખૂબ સુખ આપતા હતા. તેમના રાજ્યમાં ખૂબ બુદ્ધિશાળી અને ધર્મપરાયણ એવા વિશ્વભૂતિ પુરોહિત નામના મંત્રી હતા.

વિશ્વભૂતિ મંત્રીને કમઠ અને મરુભૂતિ નામના બે હોનહાર પુત્રો હતા. તેમણે ખૂબ સારી રીતે ધંધો-વેપાર કરીને નામ અને કીર્તિ મેળવી હતી. કમઠની પત્નીનું નામ વરુણા હતું અને મરુભૂતિની પત્નીનું નામ વસુંધરા હતું. બંને વહુઓમાંથી વસુંધરા અતિ સુંદર હતી.

વિશ્વભૂતિ પુરોહિતને જૈન મુનિનો ભેટો થયો અને તેમની પાસેથી બોધ સાંભળીને વૈરાગ્ય આવ્યો. તેમણે રાજકારભાર બંને પુત્રોને સોંપીને દીક્ષા લઈ લીધી.

વિશ્વભૂતિના નાના પુત્ર મરુભૂતિ ખૂબ ધાર્મિક વૃત્તિ ધરાવતા હતા; તેમને અત્યંત સુંદર પત્ની હોવા છતાં પણ વિષયમાં રસ નહોતો. તેઓ ધર્મધ્યાનમાં જ પોતાનો બધો સમય ગાળતા હતા. જ્યારે મોટો પુત્ર કમઠ, કે જેને મંત્રી બનાવવામાં આવ્યો હતો, તે ખૂબ જ વિલાસી અને વિષયી હતો; તે હંમેશા તેમાં જ ડૂબેલો રહેતો.

એક વખત, કમઠને મરુભૂતિની પત્ની વસુંધરાનું રૂપ જોઈને તેના પ્રત્યે ભાવ બગડ્યો અને લાલસાવૃત્તિ ઉત્પન્ન થઈ. વસુંધરા પોતાના પતિ વિષય પ્રત્યે નીરસ હોવાને લીધે કોચવાતી હતી. બંનેનો દુરાચાર શરૂ થઈ ગયો હતો.

વરુણાને તેના પતિ અને દેરાણી વચ્ચેનો વ્યભિચાર જોઈને ખૂબ દુઃખ થતું; આ સહન ન થવાથી તેણે મરુભૂતિને આ વિષે વાત કરી. મરુભૂતિ ખૂબ સાત્વિક અને હકારાત્મક હોવાથી પહેલાં માન્યા નહીં, પણ વરુણાના વારંવાર કહેવાથી તેમણે જાતે તપાસ કરવાનું નક્કી કર્યું. એક દિવસ, તેમણે કમઠ સામે બહારગામ જવાનું બહાનુ કાઢ્યું. પછી તેમણે વેશપલટો કરીને કમઠ પાસે આશરો માંગ્યો અને પોતાના ભાઈ અને પત્નીનો વ્યભિચાર નરી આંખે જોયો. આ જોઈને તેમને વજ્રઘાત લાગ્યો. શું કરવું તે સૂઝ્યું નહીં, તેથી તેમણે અરવિંદ રાજાને ફરિયાદ કરી. રાજાએ કમઠને અપમાનિત કરીને ગધેડા પર બેસાડીને તેનો દેશનિકાલ કર્યો.

કમઠે મરુભૂતિ પ્રત્યે જબરજસ્ત વેર બાંધ્યું. આ ભવમાં બંધાયેલું વેર નવ ભવો સુધી ચાલ્યું. જ્યારે દસમા ભવમાં પાર્શ્વનાથ ભગવાન સંપૂર્ણ વીતરાગ દશામાં આવ્યા ત્યારે આ વેર છૂટ્યું. વેરનો બંધ આ ભવમાં પડ્યો. દરેક ભવમાં મરુભૂતિનું મૃત્યુ કમઠના હાથે જ થયું. ક્રોધ કષાયથી જબરજસ્ત દ્વેષ, તિરસ્કાર, તરછોડ અને છેવટે વેર બંધાયું.

કમઠે વેર પકડી રાખ્યું, પણ મરુભૂતિના હૃદયમાં ધર્મધ્યાનના લીધે વેરભાવના નહોતી રહી. તેમને પોતાના કર્યા પર ખૂબ પશ્ચાત્તાપ થયો. જે મોટાભાઈ પર પહેલાં દ્વેષ થયો હતો, એમની પર જ રાગ થયો. મરુભૂતિએ કમઠને પાછો બોલાવવા રાજાને ખૂબ વિનંતીઓ કરી; પણ, રાજાએ તે સ્વીકારી નહીં. મરુભૂતિને પોતાના ભાઈનો ખૂબ વિરહ લાગ્યો અને એ સહન ન થવાથી તેઓ કમઠને પાછો બોલાવવા તાપસોના ટોળામાં પહોંચી ગયા. ત્યાં તેમણે કમઠને ઉગ્ર તપશ્ચર્યા કરતો જોયો. મરુભૂતિએ કમઠના પગે પડીને ખૂબ માફી માંગી, પણ કમઠના હૃદયમાં ભભૂકતી વેરની જ્વાળા જરાય શમી નહીં; ઉપરથી મરુભૂતિને જોઈને જ્વાળા વધુ પ્રજ્વલિત થઈ ઊઠી. કમઠે ક્રોધમાં ને ક્રોધમાં મોટો પથ્થર ઊંચકીને પોતાના નાના ભાઈના માથા પર પછાડ્યો જેનાથી મરુભૂતિનું મૃત્યુ થયું.

Parshwanath story

પરમ પૂજ્ય દાદા ભગવાન પ્રતિક્રમણ, પશ્ચાત્તાપ કરવાનું કહેતા. તેઓ કહેતા કે રૂબરૂ માફી ત્યારે જ મંગાય કે જ્યારે સામી વ્યક્તિ તમારી માફીનો પ્રતિભાવ આપે; જો કંઈ પ્રતિભાવ ન આપે અને તટસ્થ રહે તો પણ માફી મંગાય; પણ એનું ઊંધું ચાલતું હોય તો માફી ન મંગાય, ઊલટું એ વેર બાંધે. એટલે મનમાં ને મનમાં એના આત્મા પાસે માફી માંગવી જોઈએ. રૂબરૂ માફી માંગવાથી વેર વધી જાય છે. વેર વધવાથી કેટલાય અવતારો બગડી જાય છે.

બીજી તરફ, જ્યારે આપણી પાસે કોઈ પણ માફી માંગવા આવે તો આપણે એને તત્ક્ષણ સાચા દિલથી માફ કરી દેવા જોઈએ. જ્ઞાનીઓની એથી પણ આગળ સહજ ક્ષમા હોય છે; એ ક્ષમા આપવી કે માંગવી જ ન પડે. જ્ઞાનીઓની, તીર્થંકરોની નિર્દોષ દૃષ્ટિ હોય; એમને કોઈ દોષિત જ ન દેખાય.

બીજો ભવ - હાથી અને ત્રીજો ભવ - દેવગતિ

આર્તધ્યાનમાં મૃત્યુ થતાં, મરુભૂતિનો પછીનો ભવ હાથી તરીકે થયો; કમઠની પત્ની વરુણાએ હાથણીરૂપે જન્મ લીધો. બીજી તરફ, કમઠે પોતાના મનમાં અત્યંત ક્રોધની અને વેરની ભાવનાનાં કારણે તે જ જંગલમાં ઝેરી સાપના રૂપમાં જન્મ લીધો.

એ જ અરસામાં રાજા અરવિંદ ઉદારતાપૂર્વક તેમનું રાજ્ય સંભાળી જ રહ્યા હતા. એક દિવસ, તેમણે મહેલના ઝરૂખામાં સુંદર દ્રશ્યો સર્જી રહેલા રસપ્રદ આકાર ધરાવતા વિવિધ વાદળો જોયા. તેઓ આ દ્રશ્યને માણી રહ્યા હતા. ત્યાર પછી જબરજસ્ત પવનના વેગે બધા વાદળોને દૂર કરી નાખ્યા. થોડી જ વારમાં આકાશ એકદમ સ્વચ્છ થઈ ગયું.

આ જોઈને રાજા અરવિંદ આશ્ચર્ય પામ્યા અને વિચારવા લાગ્યા કે, “મારું આ શરીર અને આ જીવન પણ આ વાદળોની જેમ ક્ષણભંગુર જ છે. એક દિવસ આમ જ મૃત્યુનો વેગથી ધસારો થશે અને એનો અંત આવશે.” આનાથી તેમણે બધી જ વસ્તુઓ નાશવંત જાણી અને તેમને લાગ્યું કે, “નાશવંત વસ્તુઓની પાછળ કંઈક શાશ્વત તત્ત્વ છે જે આપણે પોતે જ છીએ એને આપણે જાણવાનું છે. એ શાશ્વત તત્ત્વ શું છે? કોણ છે? એ જાણવા માટે મારું જીવન હોવું જોઈએ.”

આ બધા વૈરાગ્યના વિચાર આવતાં રાજા અરવિંદે સાગરદત્ત નામના મહાન મુનિ પાસે જઈને દીક્ષા લીધી. દીક્ષા લીધા બાદ તેમણે ખૂબ ધર્મધ્યાન કર્યું અને જાગૃતિમાં આગળ વધ્યા. તેઓ વધુ પ્રગતિ માટે ગુરુની આજ્ઞા લઈને મોટા સંઘ સાથે અષ્ટાપદ પર્વત પર ગયા કે જ્યાં ભગવાન ઋષભદેવના પુત્ર ભરત ચક્રવર્તીએ ૨૪ તીર્થંકરની પ્રતિમાઓનું સુંદર તીર્થ સ્થાપ્યું હતું.

રસ્તામાં અરવિંદ મુનિએ લોકોને તીર્થના મહત્ત્વ વિશે સમજાવ્યું કે, “આપણે સંસારમાંને સંસારમાં રહીએ તો બધી જંજાળોથી બંધાયેલા રહીએ છીએ. આપણે જવાબદારીઓમાં એટલા બધા ગૂંચાયેલા રહીએ છીએ કે આપણી પાસે ધર્મધ્યાન માટે કે જ્ઞાનીઓને શોધવા માટે અવકાશ નથી. ઘરે બેઠા બધાને આ મળે એવું નથી; આપણે જ સામે ચાલીને પુરુષાર્થ કરવો પડે. એટલા માટે આ તીર્થોનું મહત્ત્વ છે.

સાત્વિક લોકો, ગુરુઓ-જ્ઞાનીઓ તીર્થોમાં આવે. તીર્થમાં કોઈક જ્ઞાની કે જેમણે આત્મા પ્રાપ્ત કર્યો હોય એમના શરણે જવાથી આપણને પણ એ પ્રાપ્ત થઈ જાય એનું મહત્ત્વ છે. વધુમાં, જુદા જુદા તીર્થસ્થળે દર્શન કરવા અને ત્યાં રહેલા દેવ-દેવીઓને નમસ્કાર કરવાનું પણ ખૂબ મહત્ત્વ રહેલું છે. પૂર્વે આપણે કોઈ પણ દેવ-દેવીઓ, ગુરુઓ કે ધર્મો પ્રત્યે વિરાધનાઓ કરી હોય તો તે ધોઈ નાખવી જરૂરી છે.”

અરવિંદ મુનિનો સંઘ અષ્ટાપદ પર્વત તરફ યાત્રા કરતો હતો ત્યારે માર્ગમાં એક જંગલમાં તેમણે પડાવ નાખ્યો. યોગાનુયોગ એ જ જંગલમાં હાથી (મરુભૂતિ) સંઘના પડાવની નજીક આવ્યો. મસ્તીએ ચડેલો હાથી તોફાન કરીને બધું વેરવિખેર કરી રહ્યો હતો. અરવિંદ મુનિએ અવધિજ્ઞાનથી જોયું કે આ હાથી એ મરુભૂતિનો જ આત્મા હતો.

અરવિંદ મુનિને હાથીને બોધ પમાડવાની ઇચ્છા થઈ. તેઓ સંપૂર્ણ આત્મસ્થિતિમાં રહીને એકધ્યાનથી હાથીના આત્મસ્વરૂપને જોવા મંડ્યા. અરવિંદ મુનિએ અત્યંત કરુણાથી હાથીની આંખમાં જોઈને હાથીની અંદર રહેલા શુદ્ધાત્મા સાથે અનુસંધાન કર્યું.

Parshwanath story

એ દૃષ્ટિના પ્રભાવથી હાથી શાંત અને સ્થિર થઈ ગયો. મુનિની ભાવનાના આધારે હાથીને જાતિસ્મરણજ્ઞાન થયું અને પોતાનો પૂર્વભવ દેખાયો. અરવિંદ મુનિની આટલી ઊંચી દશા અને પોતે હાથી થઈને કેવા પાપ કર્મો કરી રહ્યો હતો, એવું ભાન થતાં તેને વૈરાગ્ય આવ્યો. તેણે અરવિંદ મુનિને ખૂબ ભક્તિભાવથી વારંવાર સૂંઢ નમાવીને નમસ્કાર કર્યા.

હાથીમાં મનુષ્યની ભાષાને સમજી શકવાની શક્તિ પ્રગટ થઈ. મુનિએ હાથીને બોધ આપ્યો અને તેને પૂર્વભવની ધર્મભાવનાઓ યાદ કરાવી. બીજી તરફ, હાથણીને પણ જાતિસ્મરણજ્ઞાન થયું અને તેને પણ વૈરાગ્ય આવ્યો. હાથી અને હાથણીએ પોતાનું જીવન ધર્મધ્યાન અને સમતામાં વિતાવવાનું નક્કી કર્યું. હાથી જંગલમાં કોઈને પણ રંજાડ્યા વિના અહિંસક જીવન જીવવા લાગ્યો.

એક દિવસ, હાથી તળાવમાં પાણી પીવા ગયો પણ ત્યાં કાદવમાં ખૂંપી ગયો. તપશ્ચર્યાને લીધે તેનું શરીર કૃશ થઈ ગયું હતું જેથી તે બહાર ન નીકળી શક્યો; તેને અંતકાળ નજીક હોવાનો ખ્યાલ આવ્યો. એટલે તે ખૂબ જ ભક્તિ અને ધર્મધ્યાનમાં રહ્યો અને કષાય ન થાય તેની જાગૃતિમાં રહ્યો.

એવામાં એક ઝેરી સાપ (કમઠ) ત્યાંથી પસાર થતો હતો. તેને હાથીને જોઈને પાછલા અવતારનું વેર ભભૂકી ઊઠ્યું. સાપે હાથીને ડંસ માર્યો. હાથીએ સાપ તરફ જરા પણ ભાવ બગડ્યા નહીં. વધુમાં, પોતાના પ્રાણીજીવનનો અંત લાવવા બદલ અને સારી ગતિમાં આગળ ધકેલવા બદલ તેણે સાપનો ઉપકાર માન્યો. હાથીએ આત્માની ભજનામાં એકાકાર રહીને દેહ છોડ્યો અને સમાધિ મરણ પામ્યો.

Parshwanath story

ધર્મધ્યાનમાં ચિત્ત હોવાથી હાથીના આત્માએ સહસ્ત્રાર દેવલોકમાં દેવ તરીકે જન્મ લીધો. બીજી તરફ હાથણીએ (વરુણા) પોતાનું આયુષ્ય તપ અને ધર્મધ્યાનમાં પૂરું કરીને દેવલોકમાં દેવી તરીકે જન્મ લીધો. કમઠના જીવે બધાને ત્રાસ આપીને ખૂબ પાપો બાંધીને નરકમાં જન્મ લીધો.

ચોથો ભવ - કિરણવેગ અને પાંચમો ભવ - દેવગતિ

લાંબી દેવગતિ પૂર્ણ કરીને મરુભૂતિના આત્માએ જંબુદ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં તિલકા નગરીમાં રાજા વિદ્યુતગતિ અને રાણી કનકતિલકાને ત્યાં જન્મ લીધો. તેમનું નામ કિરણવેગ રાખવામાં આવ્યું. થોડા વર્ષોમાં તેઓ અત્યંત સુંદર, બુધ્ધિશાળી અને શક્તિશાળી રાજકુમાર તરીકે ઉછર્યા. એક દિવસ, રાજા વિદ્યુતગતિને મુનિ મહારાજનો ઉપદેશ સંભાળતાં વૈરાગ્ય આવ્યો; તેમણે રાજકુમાર કિરણવેગને રાજગાદી સોંપીને દીક્ષા લઈ લીધી.

રાજા કિરણવેગ સુંદર રીતે રાજ્ય ચલાવતા હતા. એક દિવસ, એમનો ભેટો સુરગુરુ નામના મુનિ સાથે થયો. તેમણે રાજાને ભૌતિક વસ્તુઓની ક્ષણભંગુરતા અને આત્માની અવિનાશી સ્થિતિ તથા આત્માનું શાશ્વત સુખ સમજાવતો ઉપદેશ આપ્યો. આ વાણી સાંભળીને રાજા કિરણવેગને જબરજસ્ત વૈરાગ્ય આવ્યો. તેમણે પોતાના પુત્ર કિરણતેજને રાજ્ય સોંપીને દીક્ષા અંગીકાર કરી.

ગુરુની આજ્ઞા મેળવીને મુનિ કિરણવેગ ‘એકલવિહારી’ બની ગયા એટલે કે તેમણે જંગલમાં એકલા જ વિહાર કર્યો, આકરા તપ કર્યા અને સાધના કરી. એક વખત મુનિ શુધ્ધ આત્માના ઊંડા ધ્યાનમાં મગ્ન હતા; ત્યારે એક ભયંકર સર્પે (કમઠનો આત્મા) તેમને જોયા.

મુનિને જોતાં જ સર્પનું ઘણા ભવોનું વેર ભભૂકી ઊઠ્યું અને તેણે ખૂબ ક્રોધિત થઈને મુનિને ડંસ માર્યા. મુનિને અત્યંત વેદના થઈ પરંતુ તેઓ ધર્મધ્યાનમાં સ્થિર રહ્યા અને તેમને સર્પ પ્રત્યે જરા પણ ખરાબ ભાવ ન થયો કે સર્પને જરા પણ દોષિત ન જોયો. મુનિએ સમતા અને ધર્મધ્યાનમાં પોતાનો દેહ છોડ્યો.

Parshwanath story

મુનિ કિરણવેગનો જન્મ બારમા દેવલોકમાં થયો. બીજી તરફ, ભયંકર સર્પ તમઃપ્રભા નરકે ગયો જ્યાં તેણે લાખો વર્ષો સુધી ભયંકર દુ:ખો ભોગવ્યા.

છઠ્ઠો ભવ - રાજા વજ્રનાભ અને સાતમો ભવ - દેવગતિ

બારમા દેવલોકમાં જીવનકાળ સમાપ્ત કર્યા પછી મરુભૂતિના આત્માએ પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રમાં શુભંકરા નગરીમાં પ્રભાવશાળી રાજા વજ્રવીર્ય અને રાણી લક્ષ્મીવતીને ત્યાં જન્મ લીધો. માતા-પિતાએ પુત્રનું નામ વજ્રનાભ રાખ્યું જે થોડા જ વર્ષોમાં એક બહાદૂર રાજા તરીકે મોટા થયા.

એક વખત, ક્ષેમંકર તીર્થંકરનું સમોવસરણ તે જ રાજ્યના ઉદ્યાનમાં રચાયું હતું. દેશનાનું આયોજન થયેલું જાણીને રાજા વજ્રનાભ અત્યંત આનંદિત થઈ ગયા. આ માટે તેમણે પોતાની જાતને ધનભાગી માન્યા! તીર્થંકર ભગવાનની સુંદર દેશના સાંભળતાં જ રાજાને વૈરાગ્ય આવ્યો અને તેમણે પોતાના પુત્રને રાજકારભાર સોંપીને ભગવાન પાસેથી દીક્ષા લીધી. તેઓ જંગલમાં નીકળી પડ્યા અને તેમણે ખૂબ જ ધર્મધ્યાન કર્યું.

એક આદિવાસી કુરંગ (કમઠનો આત્મા) નામનો ક્રોધી ભીલ તે જ જંગલમાં બધા જીવોની હિંસા કરવામાં અને શિકાર કરવામાં જીવન વ્યતીત કરતો હતો. ભીલ આ જંગલમાંથી પસાર થતો હતો ત્યારે ધ્યાનમાં મગ્ન મુનિને (પાર્શ્વનાથ ભગવાન) જોઈને તેને ખુન્નસ ભરાઈ ઊઠ્યું અને તેણે ક્રોધમાં મુનિને બાણ મારીને વીંધી નાખ્યા. વજ્રનાભ મુનિરાજે પ્રાણ છોડ્યા ત્યારે ભીલ પ્રત્યે જરા પણ ભાવ ન બગાડ્યા.

વજ્રનાભ મુનિરાજ જબરજસ્ત ધર્મધ્યાનમાં હોવાથી તેઓ મધ્ય ગ્રૈવેયક દેવલોકમાં લલિતાંગ દેવ બન્યા. કુરંગ ભીલનો જન્મ પછી સાતમી નરકે થયો કે જ્યાં લાંબા સમય સુધી અત્યંત પીડાઓ ભોગવવી પડતી હોય છે.

આઠમો ભવ - ચક્રવર્તી સુવર્ણબાહુ અને નવમો ભવ - દેવગતિ

પૂર્વ મહાવિદેહ ક્ષેત્રમાં પુરાણપુર નગરમાં કુલિશ રાજા રાજ કરતા હતા. તેમના પત્ની સુદર્શના રાણીને ચક્રવર્તીના લક્ષણો ધરાવતાં ચૌદ સપના આવ્યા. બાળકના જન્મ બાદ તેનું નામ સુવર્ણબાહુ રાખવામાં આવ્યું. આ બાળક વજ્રનાભ રાજાનો જીવ હતો. તેમણે મોટા થઈને પદ્માવતી રાજકુમારી સાથે લગ્ન કર્યા. ત્યારબાદ, તેમને છ ખંડ જીતવાથી ચક્રવર્તીપદ પ્રાપ્ત થયું. તેમણે લાંબા કાળ સુધી સુંદર રીતે રાજ ચલાવ્યું.

એક વખત સુવર્ણબાહુ રાજાના રાજ્યમાં જગન્નાથ તીર્થંકર પધાર્યા. આ જાણીને રાજા સુવર્ણબાહુ ભગવાન પાસે ગયા. પ્રભુની દેશના સાંભળીને રાજાએ પોતાનું રાજ પુત્રોને સોપીને દીક્ષા લીધી. તેમણે જંગલમાં તપશ્ચર્યા તથા તીર્થંકર ભગવાનની ખૂબ ભક્તિ-આરાધના કરતા કરતા ૨૦ સ્થાનકોમાંથી કેટલાક સ્થાનકો પ્રાપ્ત કરીને તીર્થંકર નામ કર્મ ગોત્ર બાંધ્યુ.

Parshwanath story

એક વખત, જ્યારે સુવર્ણબાહુ મુનિ જંગલમાં ઊંડા ધ્યાનમાં હતા, ત્યારે એક ક્રૂર હિંસક સિંહ (કમઠનો આત્મા) ત્યાંથી પસાર થતો હતો. સિંહને મુનિને જોઈને તેમના પર ખૂબ જ તિરસ્કાર થયો. તેનું વેર ખળભળી ઊઠ્યું. સિંહ મુનિ પર તૂટી પડ્યો અને તેમને પીંખીને ખાઈ ગયો. મુનિ તે ઘડીએ પોતાના ધર્મધ્યાનમાં, આત્માની સમાધિમાં જ હતા. તેમણે સિંહને જરા પણ દોષિત ન જોયો. આત્માની ચિંતવના કરતા કરતા એમનો દેહ છૂટ્યો; તેઓ સમાધિ મરણ પામ્યા.

સુવર્ણબાહુ મુનિનો જન્મ દસમા દેવલોકમાં મહાપ્રભ દેવ તરીકે થયો. બીજી તરફ, સિંહ મરીને ચોથી નરકમાં ગયો જ્યાં તેને અત્યંત વેદના ભોગવવી પડી. હવે આપણે, પાર્શ્વનાથ ભગવાનનું જન્મથી લઈને નિર્વાણ સુધીનું જીવનવૃત્તાંત આગળ વાંચીએ.

×
Share on