Related Questions

લગ્નજીવનમાં થતા અણહક્કનાં વિષય અને વ્યભિચારનું શું પરિણામ આવે છે?

પતિ-પત્નીને કુદરતે એક્સેપ્ટ કરેલું છે. તેમાં જો કદી વિશેષભાવ ના થાય તો વાંધો નહીં. કુદરતે એટલું ચાલવા દીધું છે. જો તું સંસારી હોઉં તો તારા હક્કનો વિષય ભોગવજે, પણ અણહક્કનો વિષય તો ના જ ભોગવીશ. કારણ કે આનું ફળ ભયંકર છે. અણહક્કનું લઈ લેવું, અણહક્કની ઇચ્છા કરવી, અણહક્કના વિષય ભોગવવાની ભાવના કરવી, એ બધી પાશવતા કહેવાય. હક્ક અને અણહક્ક, એ બે વચ્ચે લાઈન ઓફ ડીમાર્કેશન તો હોવી જોઈએ ને ? અને એ ડીમાર્કેશન લાઈનની બહાર નીકળાય જ નહીં ! તો ય પણ લોક ડીમાર્કેશન લાઈનની બહાર નીકળ્યા છે ને ?! એને જ પાશવતા કહેવાય. હક્કનું ભોગવવાનો વાંધો નથી.

લગ્નજીવનમાં વ્યભિચાર અને અણહક્કનાં વિષયોની અજાણી હકીકત:

જગત હજુ આજે પણ અણહકકનાં વિષયો અને વિષયનાં દગા ફટકાઓમાં રહેલા ભયંકર જોખમો વિષે અજાણ છે. પરમ પૂજ્ય દાદા ભગવાને આવા જોખમો સામે લોકોની દ્રષ્ટિ ખોલવા, વાસ્તવિકતા તરફ લઈ જવા માટે માર્ગદર્શન આપ્યું છે. આ તથ્યો નીચે દર્શાવ્યા મુજબ છે:

 • જો તમે લફરું (લગ્ન બાહ્ય સંબંધો) રાખો છો તેનો અર્થ એ કે તમે હદ પાર કરો છો અને જગતનાં બધાએ સ્વીકારેલા નિયમો (સિદ્ધાંતો)ની વિરુદ્ધ જાવ છો, ભલે પછી તમે કોઈપણ જાતિ કે ધર્મ ના હોય.
 • એકવાર પકડાવ, તો પણ તમે જે કર્યુ છે તેના કારણે તમારે શરમ અને અપરાધભાવ સાથે આખી જીંદગી જીવવું પડશે. આવા વર્તાવથી તમારા પરિવાર અને તમારી નજીકનાં લોકો દુઃખી અને અતિશય ઉદાસ થઈ જશે.
 • લોકો સામે હમેંશા તમને નીચે નમતું ઝૂકવું પડશે, નિંદા કરશે, આંગળી ચીંધશે અને તમારા વિશે એલફેલ વાતો (કૂથલી) કરશે.
 • અંદરથી તમને સતત ચિંતાઓ અને તણાવ વર્તાશે કારણકે તમે જાણો છો કે તમે કંઈક ખોટું કરી રહ્યા છો.
 • જો તમે અણહકક નાં વિષયમાં પડો છો, તો તમે અનંત પાપકર્મો બાંધો છો.
 • જે ક્ષણે તમે અણહકકનું લઈ લો છો (વ્યભિચાર કરો છો) તે જ ક્ષણે તમે તમારી માનવ તરીકેની મનુષ્યપણાની કિંમત ગુમાવી દો છો.
 • જે તમે મહામુશ્કેલી થી પ્રાપ્ત કર્યો છે તે મનુષ્યપણું તમે ગુમાવી દેશો.
 • અણહક્કમાં તો પાંચે પાંચ મહાવ્રતોનો દોષ આવી જાય છે. એમાં હિંસા થાય છે, જૂઠું બોલાય છે અને ઉઘાડી ચોરી પણ થાય છે. અણહક્કનું એટલે ઉઘાડી ચોરી કહેવાય. અબ્રહ્મચર્ય તો છે જ અને તે જ પાંચમું પરિગ્રહ. તે મોટામાં મોટો પરિગ્રહ છે. ભગવાને કહ્યું છે કે, હક્કના વિષયવાળાને મોક્ષ છે પણ અણહક્કના વિષયવાળાને મોક્ષ નથી!
 • પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે, ‘એ [જે સ્ત્રી સાથે તમારે અણહકકનાં સંબંધ હોય તે) જ્યાં જાય ત્યાં તમારે જવું પડશે, એને મા કરવી પડશે ! આજે ઘણાં ય એવા દીકરા છે કે જે એની પૂર્વભવની રખાતને પેટે જન્મેલા છે. એ મારા (પરમ પૂજ્ય દાદાશ્રીનાં) જ્ઞાનમાં હઉ આવેલું. દીકરો ઊંચી નાતનો હોય અને મા નીચી નાતની હોય, મા નીચી નાતમાં જાય અને દીકરો ઊંચી નાતમાંથી નીચી નાતમાં પાછો આવે. જો ભયંકર જોખમો !! ગયા અવતારે જે સ્ત્રી હોય, તે આ અવતારે મા થાય. ને આ અવતારે મા હોય, તો આવતાં અવતારે સ્ત્રી થાય. એવું આ જોખમવાળું જગત છે ! વાતને ટૂંકામાં સમજી જજો !! પ્રકૃતિ વિષયી નથી, એ વાત મેં બીજી રીતે કહેલી. પણ આ તો અમે પહેલેથી કહેતા આવ્યા છીએ કે આ એકલું જોખમ છે.
 • જેમ શ્વાસોચ્છ્વાસ વધારે વપરાય તેમ આયુષ્ય ઓછું થાય. શ્વાસોચ્છ્વાસ શેમાં વધારે વપરાય ? ભયમાં, ક્રોધમાં, લોભમાં, કપટમાં અને એથી ય વધારે સ્ત્રી સંગે વિષયમાં. ઘટિત સ્ત્રી સંગમાં તો એકદમ વધારે વપરાય, પણ એથી ય ખૂબ વધારે અઘટિત સ્ત્રી સંગમાં વપરાય.
 • આપણે કો'કનું ભોગવી લઈએ એટલે પોતાની છોડીઓ કો'ક ભોગવે, તેની ચિંતા જ નથી ને ! એનો અર્થ એ જ થયોને ? અને એવું જ થાય છે ને !? પોતાની છોડીઓ લોકો ભોગવે જ છે ને !! આ બહુ નાલાયકી કહેવાય, 'ટોપમોસ્ટ' નાલાયકી કહેવાય.
 • જે વ્યકિત અણહક્કનાં વિષયો ભોગવે, તે ક્યારેય સુખી થતો નથી અને તેને તો ભયંકર યાતનાઓ ભોગવવી પડે.
 • મનુષ્ય જયારે પોતાની પત્ની સિવાયના (અણહક્ક) ના વિષયો ભોગવવાનો આનંદ લે છે, તે ક્યારેય કાયમ ખુશ રહી શકતો નથી અને ભયંકર દુઃખો ભોગવવા પડે છે.
 • લોકો અણહક્કનું આનંદથી ભોગવે છે, તેથી આવતા ઘણા અવતારોમાં દુઃખોની ઘોડાગાંઠ મારે છે. ઘણા અવતાર બગાડી નાખે છે.
 • પરસ્ત્રી અને પરપુરુષગમનનો સર્વાંશે નિષેધ છે. અણહક્કના વિષયસેવનથી ઠેઠ નર્કગતિનો અધિકારી થઈ જાય.
 • જો કોઈ પરણેલા હોય અને અણહકકનાં વિષયમાં પડે, તો તેમના પત્ની/કે પતિ તેમની સામે આમાં દાવો માંડે, વેર હઉ બાંધે. ઘણા પુરુષોએ સ્ત્રીઓને સળગાવી મેલી છે. સ્ત્રીઓ પણ ઘણા પુરુષોને કંઈક ઝેર આપી દે છે. આ બધું વેર બાંધે.

બાકી અણહક્કનું ભોગવવાના વિચાર આવ્યા, ત્યારથી જાનવર ગતિમાં જાય. આપણા મનમાં એમ થાય કે આપણું શું થવાનું છે? એટલે લોક ભય નથી રાખતા. પણ આ જગત તો બધું ભયનું જ કારખાનું છે. માટે ચેતીને ચાલો. ભયંકર કળિયુગ છે. દિવસે દિવસે ‘ઉતરતો’ કાળ આવ્યા કરે છે, વિચારો ને બધું બગડતા જ જવાના. માટે મોક્ષે જવાની વાત કરશો તો કંઈક દહાડો વળશે. તેથી ડાહ્યા પુરુષો બ્રહ્મચર્ય પાળીને મોક્ષે ગયેલાને !

જે સ્ત્રીઓનું શીલ લૂંટી લે છે તે નર્કનો અધિકારી થાય છે.

પ્રશ્નકર્તા : નર્કમાં ખાસ કોણ વધારે જાય ?

દાદાશ્રી : શિયળ લૂંટનારાને સાતમી નર્ક છે. જેટલી મીઠાશ આવી હતી, એનાથી અનેકગણી કડવાશ અનુભવે ત્યારે એ નક્કી કરે કે હવે ત્યાં નર્કે નથી જવું. એટલે આ જગતમાં કંઈ પણ ના કરવા જેવું હોય તો તે કોઈનું શિયળ ના લૂંટવું. કયારેય પણ દ્રષ્ટિ ના બગડવા દઈશ. શિયળ લૂંટે પછી નર્કમાં જાય ને માર ખા ખા કરે. આ દુનિયામાં શિયળ જેવી ઉત્તમ કોઈ ચીજ જ નથી.

ખરા પસ્તાવા (પ્રતિક્રમણ) થી તમારી જાતને મુક્ત કરો

જે લોકો આ ભયંકર જોખમદારી અણહક્કનાં વિષયમાં પડીને લઈ જ લીધી છે, પરંતુ આ ભયંકર જવાબદારીમાંથી મુક્ત થવા માંગે છે, તેમનાં માટે રસ્તો છે. પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ પાસે પોતાના દોષોનો હૃદય પૂર્વકનો પસ્તાવો (આલોચના) કરીને. જ્ઞાની પુરુષ એ સંપૂર્ણપણે શુદ્ધ અને વિષયથી સંપૂર્ણપણે મુક્ત છે. વધુમાં, તમને તમારી ભૂલોમાંથી બહાર કાઢવા માટેની મદદમાં તેમનો કોઈ સ્વાર્થી અંગત ફાયદો કે હેતુ નથી. માટે, તમે ખાત્રી પૂર્વક તેમના પર વિશ્વાસ મૂકી શકો છો કે તે ક્યારેય તમારી વાત બીજા કોઈને પણ નહી કહે. માત્ર પ્રત્યક્ષ જ્ઞાની જ તમને મુક્ત કરી શકે, પરંતુ તમારું મન મક્કમ હોવું જોઈએ અને ખરો પસ્તાવો અને ફરી આવી ભૂલ નહીં જ થાય તેવો અડગ નિશ્ચય હોવો જોઈએ.

પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે, “પસ્તાવામાં બળે તો ય પાપો ખલાસ થઈ જાય. બે-ચાર જણ આ વાત સાંભળીને મને એવું કહે કે, 'અમારું શું થશે ?' મેં કહ્યું, 'અલ્યા, ભાઈ, હું તને બધું સમું કરી આપીશ. તું આજથી ડાહ્યો થઈ જા.' જાગ્યા ત્યારથી સવાર. એની નર્કગતિ ઉડાડી મૂકું. કારણ કે મારી પાસે બધા રસ્તા છે. હું કર્તા નથી એટલે. જો હું કર્તા થાઉં તો મને બંધન થાય. હું તમને જ દેખાડું કે આમ કરો હવે. તે પછી બધું ઊડી જાય અને એમ બીજી કેટલીક વિધિઓ કરીએ.”

પરમ પૂજ્ય દાદા ભગવાન વધુ ખાતરીપૂર્વક કહે છે કે:

પ્રશ્નકર્તા : આપની પાસે એવા લોકો આવે છે કે જે પોતાના પાછલા દોષો થયા હોય તેની આપની પાસે આલોચના કરે, તો આપ એને છોડાવો છો ?

દાદાશ્રી : મારી પાસે આલોચના કરે એટલે મારે તો અભેદ થયો કહેવાય. અમારે તો છોડાવવા જ પડે. આલોચના કરવાનું સ્થળ જ નથી. જો સ્ત્રીને કહેવા જાય તો સ્ત્રી ચઢી બેસે, ભઈબંધને કહેવા જઈએ તો ભઈબંધ ચઢી બેસે. પોતાની જાતને કહેવા જઈએ તો જાત ચઢી બેસે ઉલટું, એટલે કોઈને કહે નહીં. અને હલકું થવાતું નથી.એટલે અમે આલોચનાની સિસ્ટમ (પદ્ધતિ) રાખી છે.

Related Questions
 1. બ્રહ્મચર્ય પાળવું એટલે શું? બ્રહ્મચર્ય કેવી રીતે પાળવું?
 2. મારે બ્રહ્મચર્ય શા માટે પાળવું જોઈએ? મારે બ્રહ્મચારી તરીકેનું જીવન શા માટે પસંદ કરવું જોઈએ?
 3. વિકારી વૃત્તિઓને કેવી રીતે કાબૂ કરવી ?
 4. વિકારી આકર્ષણ શાના કારણે થાય છે ?
 5. વિષય અને વિષયવિકારી આકર્ષણને બંધ કરવામાં મદદરૂપ બને એ માટે વિષય-વિકારનું વિશ્લેષણ.
 6. સંબંધોમાં વફાદારીની વ્યાખ્યા શું છે? સંબંધમાં વફાદાર કેવી રીતે રેહવું?
 7. સંબંધોમાં થતાં કલેશને અટકાવામાં, બ્રહ્મચર્ય કેવી રીતે મદદરૂપ થઇ શકે?
 8. શું પરણેલા લોકો માટે બ્રહ્મચર્ય પાળવું અને બ્રહ્મચારી જીવન જીવવું શક્ય છે?
 9. લગ્નજીવનમાં થતા અણહક્કનાં વિષય અને વ્યભિચારનું શું પરિણામ આવે છે?
 10. થ્રી વિઝન - બ્રહ્મચર્યમાં કેવી રીતે રહેવું, તે માટેની અંતિમ ચાવી
 11. શું બ્રહ્મચર્ય પાળવાના કોઈ નિયમો હોય છે?
 12. હસ્તમૈથુનની આદતને કેવી રીતે બંધ કરી શકાય?
×
Share on