
શ્રી ભગવાન મહાવીરના મૂળ માતા દેવાનંદા અને પિતા ઋષભદત્તનો જીવન પરિચય આપણે મેળવ્યો. આગળ, ભગવાન મહાવીરે આપેલાં પાંચ મહાવ્રતો પર શું સમજણ આપી એ વિશે વાંચીએ.
ભગવાન મહાવીરે પ્રબોધેલા પાંચ મહાવ્રતો – અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ છે.
ભગવાનના મહાવ્રતો અંગેની વાત બહુ જ સુંદર અને સૈદ્ધાંતિક છે. મોક્ષમાર્ગમાં આગળ વધવા માટે, આ પાંચ મહાવ્રતો પાળીને એમાં પ્રગતિ કરતાં કરતાં છેવટે આત્મજ્ઞાન પામીને કેવળજ્ઞાન પામવા માટેનો માર્ગ છે.
૧) પાંચ મહાવ્રતોમાં પહેલું અહિંસા છે. ભગવાન મહાવીરે હિંસાની સામે અહિંસા મહાવ્રત આપેલું, અમારિનો ધર્મ આપેલો. એ વાત સમજમાં આવવી બહુ અઘરી છે. સ્થૂળ હિંસાથી લઈને સૂક્ષ્મતમ હિંસા સુધી આપણે હિંસા અને અહિંસાનો ભેદ સમજવાનો છે. સ્થૂળ હિંસા તો આપણાથી કેટલી બધી થતી હોય છે. આપણાથી જાણ્યે-અજાણ્યે કેટલા બધા જીવો મરી જતાં હોય છે.
આપણે જાણીને થતી હિંસામાંથી બચવું જોઈએ. મચ્છર, કીડી, વંદા વગેરે જેવા જીવજંતુઓ મારવાથી ખૂબ પાપ બંધાય છે. આ જીવજંતુઓને દવા નાખીને ના મરાય. સામાન્ય રીતે, લોકોને ખબર જ નથી હોતી કે આ રીતે જીવજંતુઓ મારવા એ હિંસા કહેવાય. હિંસાનું ફળ એ આવશે કે આપણને નરકમાં જવું પડશે.
માંસાહાર અને દારૂમાં ભયંકર હિંસા છે. મોટા મોટા વેપારમાં હિંસા, બુદ્ધિથી પૈસો ખેંચવો, ઉપરાંત વસ્તુમાં તથા ખાવામાં ભેળસેળ થતી હોય છે. ખાવાની વસ્તુમાં ભેળસેળ એટલે ધીમું ઝેર જ થયું. એનાથી ભયંકર ખરાબ ગતિ બંધાય છે, કારણ કે માણસના સ્વાસ્થ્ય સાથે, એના જીવન સાથે ખેલ ખેલાય છે. એના આયુષ્યના ૧૦-૧૫ વર્ષ ખવાઈ જાય છે. મોટાપાયે ધંધા કરનારાની મોટી ભેળસેળથી લાખો શું કરોડો લોકોને નુકસાન થાય છે. આનાથી ધીમા ઝેરનો દોષ લાગે છે. પરિણામે ભાવ તો બીજાને મારી નાખવાનો જ કર્યો ને! અનાજમાં, મરચામાં, ઘીમાં, ખાદ્યતેલમાં અખાદ્યતેલની ભેળસેળ! અને પછી પાપો ધોવા લોકો ઉપવાસ કરતાં હોય છે. આવી રીતે પાપ ના ધોવાય. પાપો તો પશ્ચાત્તાપથી ધોવાય અને એમાંથી પાછા વળાય તો ધોવાય; ફરી એવું ના થાય તો ધોવાય. આ તો ભગવાનને છેતરવાની વાત છે!
આવી વૃત્તિઓ જ નરકે લઈ જશે અને વગર કામનું ભોગવવાનું આવશે. આપણે વિચાર કરીએ કે આ કાળા-ધોળા, ખોટું કરીને આપણે પોતે કેટલું વાપરીએ છીએ? પોતાના માટે વાપરવા કરતાં પૈસા તો બીજા માટે બેફામ જ વપરાઈ જાય છે. પોતાના ભાગે બીજું કંઈ નહીં પણ કાળું કરેલું આવશે.
૨) બીજું મહાવ્રત સત્ય છે. મૂળ શબ્દ, સત્માંથી સત્ય થયેલું છે. સંસ્કૃતનો શબ્દ, મૂળ ધાતુ, સત્ છે. સત્નો અર્થ અવિનાશી થાય. અવિનાશી એટલે શાશ્વત, કાયમનો; જેનો ક્યારેય અંત નથી આવતો. આ જગતમાં આત્મા, આપણું સ્વરૂપ, એ જ એક ખરું પરમ સત્ છે. પછી બીજા પાંચ અવિનાશી તત્ત્વો છે જેવા કે, જડ તત્ત્વ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, કાળ તત્ત્વ અને આકાશ તત્ત્વ. આમાં ખાસ કરીને આત્મતત્ત્વની બહુ જ કિંમત છે. કારણ કે એ છ તત્ત્વોમાંથી આપણે પોતે જે છીએ; એને સત્ કહ્યું છે. સત્ જ્યારે વ્યવહારમાં આવે છે ત્યારે એને સત્ય કહેવામાં આવે છે. સત્ અને સત્યમાં બહુ ફેર છે. આપણા લોકો સામાન્ય રીતે પરમ સત્ય ને સત્ય કહે છે. પણ વાસ્તવિકતામાં પરમ સત્ય એ સત્ય નથી પણ સત્ છે, જે અંતિમ છે અને શાશ્વત છે.
સાપેક્ષ વ્યવહારમાં સત્ય શબ્દ વપરાય છે. સત્ય બે પ્રકારના છે: એક રિલેટિવ સત્ય અને બીજું રિયલ સત્ય જેને સત્ કહેવામાં આવે છે. રિલેટિવ સત્ય એટલે દરેકના વ્યૂ પોઈન્ટનું, પોતપોતાનું માનેલું સત્ય છે; એ શાશ્વત નથી. દાખલા તરીકે, પશ્ચિમી દુનિયાની દૃષ્ટિએ માંસાહાર કરો; એમાં કોઈ પાપ નથી, જ્યારે આપણા ભારતવર્ષમાં માંસાહારને પાપ ગણવામાં આવે છે – આને સાપેક્ષ સત્ય કહેવાય છે.
બીજા દાખલાથી સમજીએ – બે લીટી હોય – એક નાની છે અને એક મોટી. તો મોટી લીટી શેના આધારે છે? નાની લીટીના આધારે. બીજી લીટી નાની છે તો પહેલી મોટી કહેવાય. લીટી એકલી હોય તો એને કેવી રીતે નાની કે મોટી કહેવાય!
જગત આખું સાપેક્ષ સત્ય છે. એક એટલે નિરપેક્ષ. નિરપેક્ષ સત્ય એકલું શાશ્વત તત્ત્વ છે જે આત્મ પ્રાપ્ત કર્યા પછી જ સમજાય એવું છે. રિયલ સત્ય એટલે એક જ સર્વત્ર; બધા જ એનો સ્વીકાર કરે. જ્યારે સાપેક્ષ સત્ય ઘણા બધા આધારવાળું છે. સત્યના આધારે અસત્ય રહેલું છે. એટલે સત્ય અને અસત્ય બંને સાપેક્ષ છે; એકબીજાને આધારિત છે. ઘણાને વ્યવહારમાં એવો પ્રશ્ન ઊભો થાય છે, “અમારે વ્યવહારમાં જૂઠું તો બોલવું જ પડે ને! અસત્ય તો અમારે બોલવું પડતું હોય છે. તો શું કરવું જોઈએ? સત્યને પકડી રાખવું જોઈએ?”
તો સત્ય સરસ રીતે બોલવાની એક પદ્ધતિ છે. પરમ પૂજ્ય દાદા ભગવાને બહુ સરસ કહ્યું છે કે સત્ય બોલો પણ એ હિત, મિત અને પ્રિય હોવું જોઈએ. હિત એટલે હિતકારી હોવું જોઈએ. આપણે સત્ય બોલીએ તો સામાને હિતકારી થવું જોઈએ. મિત એટલે ટૂંકમાં બોલવું જોઈએ. સામને દુઃખ લાગે એવું નગ્ન સત્ય ના બોલાય; ઢાંકેલું બોલાય એટલે કે સત્ય પ્રિય હોવું જોઈએ. એવું બોલો કે સામાને પ્રિય લાગે. અહંકારે કરીને આપણે એવું ના બોલવું કે આપણાથી સામાને ઘા વાગી જાય. આપણે મઠારેલું સત્ય બોલવું જોઈએ. હિત, મિત અને પ્રિત સાથે હોય એને ખરું સત્ય કહેવાય છે.
જ્યારે જૂઠું બોલાય છે ત્યારે અંદર એટલી જાગૃતિ ચોક્કસ રાખવી કે જૂઠું બોલવાથી સામાનો આપણા પરથી સો ટકા વિશ્વાસ ઊડી જશે. મહાપરાણે, આપણે કોઈના વિશ્વાસપાત્ર થઈએ છીએ અને ત્યાં જો જૂઠું બોલીએ તો એમનો આપણા પરથી વિશ્વાસ ઊડી જાય છે. જૂઠું હંમેશા ઉઘાડું થયા વગર રહે જ નહીં; એ કાયમનું ઢાંકેલું ના રહી શકે. જ્યાં સુધી પુણ્યનો ઉદય હોય ત્યાં સુધી જૂઠું સચવાઈ રહે છે. જે ચોરી કરીને પણ પકડાતા નથી એ એમનો પુણ્યનો ઉદય છે એટલે. જો પુણ્યનો ઉદય પરવારશે ત્યાં એ તરત પાપના ઉદયમાં પકડાઈ જ જશે. એટલે જૂઠ, ચોરી બધું પુણ્ય અને પાપના આધારે ટકી રહેલું છે. એની પર ભરોસો કરવા જેવો નથી.
ધારો કે, સંજોગવશાત્ જૂઠું બોલવું પડતું હોય અથવા તો આદતના હિસાબે બોલી જવાતું હોય તો આપણે એ જાગૃતિ રાખવાની જરૂર છે કે જૂઠું બોલાઈ ગયા પછી તરત જ અંદર પશ્ચાત્તાપ થવો જોઈએ. પહેલાં તો નિશ્ચય કરવો જોઈએ, “મારે કોઈને દુઃખ થાય એવું બોલવું નથી અને મારે જૂઠું બોલવું નથી; મારે ચોરી કરવી નથી. મારે સાચા રસ્તે જ ચાલવું છે.” આવો પહેલાં દૃઢ નિશ્ચય કરવો. સવારના પાંચ વખત દિલથી પાકો નિશ્ચય કરવો કે આ તો ન જ કરવું જોઈએ. તેમ છતાંય જો થઈ જાય તો અંદર પશ્ચાત્તાપ કરવો જોઈએ કે આ ખોટું થયું અને ફરી આવું નહીં કરું, આવી સાચા દિલથી માફી માંગવી. જ્યાં આપણે નિશ્ચય કરીએ કે મારે જૂઠું નથી બોલવું ત્યારે એ સંબંધી આપણો અભિપ્રાય બદલાય છે. અભિપ્રાય આખો બદલાય, ભાવ આખો ફેરફાર થઈ જાય, સત્યના માર્ગે વળે તો આવતા ભવમાં એનું પરિણામ આવીને ઊભું રહે છે. આ ભવમાં પણ એ અંદર તો જબરજસ્ત સત્યનો ચાહક થઈ જાય છે. બહારથી ના હોય તો પણ અંદર ખરેખર એને બહુ ફેરફાર થઈ જાય છે અને એને જીવનમાં સાચો રસ્તો પકડાઈ જાય છે. ક્યાંય પણ ઊંધુંચતું થતું હોય તો અંદરથી ભાવ ફેરવવાના છે.
ઘણાને સાચુંખોટું કરવું પડતું હોય છે; મોટા અધિકારીઓ લાંચ માંગતા હોય છે. જો લાંચ ના આપે તો ધંધો ઠપ થઈ જાય. પણ જો આપણો ધ્યેય હોય કે ના મારે જૂઠું કરવું જ નથી, એને થોડી મુશ્કેલીઓ આવશે, અડચણોય આવશે, પણ જેને ધ્યેય નક્કી છે એને એવા સંજોગો મળી જ આવશે. એને સારા માણસો પણ મળી આવશે અને બધું સારું સારું જ મળી આવશે. એને ધંધો પણ એવો મળી આવશે કે ખોટું ના કરવું પડે.
માણસે જીવનમાં સત્ય અપનાવવાનો નિશ્ચય કરવો જોઈએ. આપણા પોતાના નીતિ માટેના સત્યનો આગ્રહ પકડી રાખવો જોઈએ. પણ કોઈ વ્યક્તિ સાથેના વ્યવહારમાં આપણાથી એને દુઃખ થાય અથવા એનું ભયંકર અહિત કે નુકસાન થાય તો એવા સત્યને ખરેખર સત્ય નથી કહેવાતું; એ અસત્યમાં જતું રહે છે. જ્યારે મોક્ષમાર્ગમાં આત્માની વાત આવે છે, ત્યારે આ બધું સાપેક્ષ સત્ય થાય છે. આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી આ બધો વ્યવહાર રિલેટિવ છે, સાપેક્ષ છે. જ્યારે સત્યનો આગ્રહ છૂટે ત્યારે સંપૂર્ણ વીતરાગ દશા પ્રાપ્ત થાય છે.
વીતરાગો અને તીર્થંકરોને સત્યનો આગ્રહ કિંચિત્માત્ર નથી હોતો. પોતાના વાતની, મતની અને વિચારોની પકડ નથી ત્યારે વીતરાગ દશા આવે છે. તેઓ પોતાની ભૂલ થઈ હોય તો એનું ક્યારેય ઉપરાણું નથી લેતા. મોક્ષે જનારાઓનો આ લક્ષણો હોય છે.
આપણે પોતાના મતને જ સત્ય માનીએ છીએ અને એ સાપેક્ષ સત્ય છે; વ્યૂ પોઈન્ટના આધારે છે. દરેક પોતપોતાના વ્યૂ પોઈન્ટ પર બેઠો છે અને વ્યૂ પોઈન્ટ પરથી જ એને લાગે છે કે મને જે દેખાય છે એ જ સાચું છે! પણ ખરું સત્ય સેન્ટરમાં છે. જે આત્મદશામાં આવ્યો હોય, પૂર્ણ વીતરાગ થયો હોય, એને જ આખા જગતના તમામ સત્યો દેખાય છે અને નિરપેક્ષ સત્ય સેન્ટરમાં છે એવું એને નિરંતર વર્તે છે. જ્યાં સુધી આત્મદૃષ્ટિ ના થાય અને દરેકને આત્મસ્વરૂપે ના જોવાય ત્યાં સુધી રિયલ સત્ય નહીં જડે, ત્યાં સુધી રિલેટિવ સત્ય જ દેખાશે. રિલેટિવ સત્યમાં અસત્ય પણ આવશે અને સત્ય પણ આવશે.
૩) ત્રીજું મહાવ્રત અચૌર્ય છે. અચૌર્ય એટેલે એવું વ્રત કે જેમાં વિચાર, ભાવ, ક્રિયા અને વાણીથી જરા પણ ચોરી ન કરવી.
૪) ચોથું મહાવ્રત બ્રહ્મચર્ય છે. શ્રી પાર્શ્વનાથ ભગવાનના વખતમાં ચાર જ મહાવ્રત હતા. પછી ભગવાન મહાવીરે પાંચમું બ્રહ્મચર્ય મહાવ્રત ઉમેર્યું. અપરિગ્રહમાં બ્રહ્મચર્ય સમાયેલું જ હતું પણ સામાન્ય લોકોને આ ભેદ ખબર નહીં પડે, આ ભેદ પકડી નહીં શકાય અને એનો દુરુપયોગ થશે. “ભગવાને ક્યાં બ્રહ્મચર્ય માટે કશું કહ્યું છે!”, એમ કરીને એનો દુરુપયોગ ના કરે એટલા માટે આ પાંચમું મહાવ્રત ભગવાન મહાવીરે ઉમેર્યું.
પરણ્યા ના હોય ત્યાં સુધી ચુસ્ત બ્રહ્મચર્ય હોવું જોઈએ અને પરણ્યા પછી પોતાની પત્ની સિવાય બહાર બીજી કોઈ પણ સ્ત્રી એટલે કે પરસ્ત્રી પર જરા પણ દૃષ્ટિ ના બગડે, કુદૃષ્ટિ ના થાય, એના માટે વિચાર પણ ના બગડે, એના માટે જરાય પણ ભાવ ના બગડે, મનથી પણ એના માટે દૃષ્ટિ ના બગડવી જોઈએ.
બાકી તો, લોકો દૃષ્ટિથી અણહક્કનું કેટલું બધું ભોગવે છે. મનથી તો કેટલાય ભોગવી જાય છે. એ કેટલું ભયંકર કહેવાય. આપણી પત્ની, બહેન કે દીકરીને કોઈ મનથી ભોગવતું હોય અને આપણે ખબર પડે તો આપણને કેટલો બધો સંતાપ થાય. આપણને શોભે આવું? ક્યાં ભગવાનની વાત? ક્યાં બ્રહ્મચર્યની વાત? ક્યાં શ્રાવક ધર્મની વાત? ક્યાં બાર વ્રત અંગીકાર કરવાની વાત? અને ક્યાં આ!?
આજકાલ ટીવી શોઝ વિષયોમાં આપણને સ્લીપ કરે છે. ટીવીમાં પણ કેટલો બધો વ્યભિચાર થાય છે. આ બધું શોભે આપણને? એ બધું જોયા પછી આપણા પલ્લામાં આવ્યું શું? નરક! નરક પલ્લામાં આવે છે; બીજું કશું આવતું નથી. આપણે જ્યાં છીએ ત્યાંથી પાછા ફરવું. એવો નિશ્ચય કરવો કે આ ખોટું છે ને આવું ના હોવું જોઈએ. આપણો અભિપ્રાય, આપણી બ્રહ્મચર્ય માટેની નિષ્ઠા ડગવી ના જોઈએ.
૫) પાંચમું મહાવ્રત અપરિગ્રહ છે. આપણને જે જે વળગેલું છે, એ બધું પરિગ્રહ કહેવાય. મન, વચન અને કાયા એ આપણા સૌથી પહેલા પરિગ્રહો છે. પછી પતિ-પત્ની, બાળકો, ઘરબાર, ઘરવખરી, સગાં-વહાલાં, પોતાનો ધંધો, માન-અપમાનને પણ પરિગ્રહ કહ્યું છે. ગ્રહ એટલે ગ્રહાઈ જવું. જ્યાં જ્યાં આપણે ગ્રહાઈ ગયાં છીએ, એ આપણા માટે પરિગ્રહ કહેવાય છે. જ્યાં આપણું ચિત્ત ગ્રહાઈ જાય એને પરિગ્રહ કહેવામાં આવે છે.
જ્ઞાનીઓને મન, વચન અને કાયાનું વળગણ નથી હોતું; એનાથી પણ જુદા રહેતા હોય છે. જ્યાં મન, વચન અને કાયાનું વળગણ છૂટ્યા પછી આત્મામાં રહેવાય છે. દેહના, મનના અને વાણીના પરિગ્રહો, અંદર સૂક્ષ્મ કષાયો વગેરે આપણને કેટલું બધું વળગેલું હોય છે, જેને લીધે આપણો આત્મા વ્યક્ત નથી થતો, એનો આપણને અનુભવ નથી થતો. આ દેહની કે કોઈ પણ વસ્તુની મૂર્છા ના રહે ત્યારે ખરો પરિગ્રહ છૂટ્યો કહેવાય.
આપણને જે યાદ આવે અને દુઃખ આપે એ પણ બધો પરિગ્રહ છે. એ વળગેલું છે માટે આપણને દુઃખ આપે છે. વસ્તુનો બોજો રહે એનું નામ પરિગ્રહ. જેમ જેમ બોજો ખસતો જાય તેમ તેમ આપણામાંથી મમતાપણું નીકળતું જાય છે. જે વસ્તુ આપણને મૂર્છિત કરી નાખે, એ આપણને પરિગ્રહની જેમ વળગી જાય છે. સમજણથી જેટલો પરિગ્રહ ઓછો થતો જશે એટલું આત્મામાં સ્થિર રહેવાશે.
જ્ઞાનીઓ અને તીર્થંકરો નિરિન્દ્રિયથી પણ આગળ અતીન્દ્રિય સુખમાં હોય છે. નિરિન્દ્રિયથી ઘણા આગળ તેઓ કેવળ આત્માના સુખને જ એ વેદે; બાકી કોઈ સુખને એ વેદે નહીં. સંસારીઓને હૂંફ અને અસલામતીને કારણે પરિગ્રહ વળગે છે. આપણી પોતાની અસલામતી અને હૂંફના આધારે પરિગ્રહ ઊભો થાય છે. અંતે આ દેહના અને મન-વચન-કાયાના પરિગ્રહો તો હોય જ છે.
અપરિગ્રહવાળાની ઓળખાણ કઈ રીતે થાય? જેમને કશું અડે જ નહીં; મન-વચન-કાયાના પરિગ્રહથી છૂટીને જેઓ નિરંતર આત્મામાં રહે છે! ગમે તેટલું સંસારમાં મોટું નુકસાન થઈ જાય તો પણ એક ચિંતા ના થાય એનું નામ અપરિગ્રહ છે.
જેમણે ભગવાન વીરના માર્ગે જવું છે, આ સંસારમાંથી છૂટવું છે, મોક્ષે જવું છે, એમણે અંદર શૂરાતનમાં આવીને, વીર થઈને આ બધામાંથી બહાર તો નીકળવું જ પડશે! તીર્થંકર ભગવંતો પાંચે મહાવ્રતો સંપૂર્ણ પાર કરીને સંપૂર્ણ વીતરાગ થયા છે. એવા ભગવાનને આપણે કોટિ કોટિ નમસ્કાર કરીએ છીએ!
રાજગૃહી નજીક, લોહખુર નામનો ખૂબ જ ચાલાક અને ભયંકર ઘાતકી ચોર રહેતો હતો. તે અને તેની પત્નીને રોહિણીયા નામનો પુત્ર હતો. રોહિણીયા, તેના પિતાના પગલાને અનુસરીને, મોટો થઈને તેના પિતા કરતાં પણ વધુ હોશિયાર અને બુધ્ધિશાળી ચોર બન્યો. જેમ જેમ વર્ષો પસાર થતા ગયા, તેમ એક દિવસ વૃધ્ધ લોહખુર મરણ પથારી પર હતો. તેણે રોહિણીયાને બોલાવ્યો અને ક્યારેય પણ મહાવીરનો ઉપદેશ ન સાંભળવાની સલાહ આપી, કારણ કે તેમનો ઉપદેશ તેના વ્યવસાયને અનુરૂપ નથી હોતો. રોહિણીયાએ તેના પિતાને વચન આપ્યું કે તે તેમની સલાહનું હંમેશા અનુસરણ કરશે.

હવે, એક દિવસ, એવું બન્યું કે જ્યારે રોહિણીયા એક જગ્યાએથી પસાર થઈ રહ્યો હતો, ત્યાં જ તેણે ભગવાનનો અવાજ સાંભળ્યો. ભગવાન શ્રાવસ્તી લોકોને દેશના આપી રહ્યા હતા. રોહિણીયાએ તરત જ તેના હાથથી કાન બંધ કરી દીધા. પરંતુ એટલામાં જ, એક તીક્ષ્ણ કાંટો તેના પગમાં ખૂંચી ગયો અને તેને ખૂબ જ દર્દ થવા લાગ્યું. પરિસ્થિતિ એવી બની કે તેને ફરજિયાત પણે કાંટાને કાઢવા માટે એક હાથ કાન પરથી લેવો જ પડે. જેવું તેણે આવું કર્યું કે, તરત જ ભગવાન મહાવીરના આ શબ્દો તેના કાનમાં પડ્યા, “એવી વ્યક્તિ કે જેના પગ જમીનને ન અડતા હોય, જેની આંખ પલકતી ન હોય, જેના શરીરને પરસેવો ન વળતો હોય અને જેમના ગળામાં રહેલ હાર કદી મૂરઝાયેલ ન હોય તો, તે દેવલોકમાંથી આવેલ હોય છે. “ રોહિણીયાએ તરત જ કાંટો તેના પગમાંથી કાઢ્યો અને આગળ વધ્યો.
રોહિણીયાએ પહેલા ક્યારેય ન કરી હોય તેવી લૂંટ ચલાવી. જેના પરિણામે, શહેરના લોકોને ખૂબ હેરાનગતિ થવા લાગી. તેઓએ રાજા શ્રેણિકને વિનંતિ કરી કે રોહિણીયા સામે કોઇ પગલા લેવામાં આવે. રાજાએ તેમના અત્યંત બુધ્ધિશાળી અને વિશ્વાસુ મુખ્ય પ્રધાન, અભયકુમારને બોલાવ્યા અને રોહિણીયાની ધરપકડ કરવા માટેની કામગીરી સોંપી.
અભયકુમારે તેમના સૈનિકોને મહત્વના સ્થળોએ ગોઠવી દીધા અને રોહિણીયાને પકડવામાં સફળ રહ્યા. જો કે, ચોરે વેશપલટો કર્યો. તેથી, જ્યારે તેને લાવવામાં આવ્યો, ત્યારે તેણે પોતે બાજુના ગામનો ખેડૂત છે તેવો પરિચય આપ્યો. રાજાએ તે ગામમાંથી તેની ઓળખ ચકાસવા માટે બોલાવ્યા.. રોહિણીયા હંમેશા બે ડગલાં આગળ જ ચાલતોઅને માટે, તેણે પહેલેથી જ આ બાબતની ગોઠવણી કરી લીધી હતી. પરિણામે, સૈનિકો એવી ખાતરી સાથે પાછા આવ્યા કે આ ઓળખ સાચી છે. અભયકુમાર સારી રીતે જાણતા હતા કે આ વ્યક્તિ રોહિણીયા જ છે, પરંતુ ઓળખના પુરાવા વિના તે કશું કરી શક્યા નહિ. તેથી તેમણે યુક્તિપૂર્વકની યોજના ઘડી.
તેણે ચોરને એટલું બધું મદ્યપાન કરવા માટે મજબૂર કરી દીધો કે તે બેભાન થઇ ગયો. જ્યારે તે ભાનમાં આવ્યો, ત્યારે તેણે જોયું કે તેની આસપાસ દેવલોક જેવું વાતાવરણ રચાયેલું હતું. તે ક્યાં હતો તેની તેને ખબર પડી શકી નહિ. તેથી, તેણે એક અપ્સરાને આના વિશે પૂછ્યું. અપ્સરાએ જવાબ આપ્યો કે તે દેવલોકમાં છે અને તે આ બધા સુખોને ભોગવી શકે છે; પરંતુ તે પહેલા તેણે પોતાના ગતભવના કર્મોનું વર્ણન કરવું પડશે. રોહિણીયા શંકાશીલ હતો. ત્યારે બરાબર, તેને દેવલોક વિશેનો મહાવીરનો ઉપદેશ યાદ આવ્યો. તે આસપાસ જોવા લાગ્યો અને જોયું કે દરેક લોકોના પગ જમીનને સ્પર્શતા હતા, તેઓની આંખો મનુષ્યની જેમ પલકતી હતી, તેઓના શરીરને પરસેવો વળતો હતો અને હારમાંના કેટલાક ફૂલો કરમાયેલા પણ હતા. આ બધી બાબતોની મદદથી તેણે તારણ કાઢ્યું કે, તે ખરેખર દેવલોકમાં નથી. તેને ફસામણરૂપી યોજનાનો ખ્યાલ આવી ગયો અને ત્યાંથી નાસી છુટ્યો.
હવે તે મુક્ત હતો, તો પણ તેને ભગવાનના વચનો જ સતત યાદ આવતા હતા. તેણે વિચાર્યું, “ભગવાનના શબ્દો કેટલા બધા શક્તિશાળી અને અદ્ભૂત હતા!!! મેં ફક્ત એક જ વાક્ય સાંભળ્યું અને કોઇ જાતની ઇચ્છા વિના, તો પણ એ વાક્ય સાંભળવાથી મારો જીવ બચી ગયો. જો હું તેઓને વારંવાર સાંભળું તો, તો મને તેમની પાસેથી ઘણું પ્રાપ્ત થશે. કોણ જાણે, તે મને કદાચ આ જન્મ-મરણના દુષ્ચક્રમાંથી પણ મુક્ત કરી નાખે?!” ઘણા બધા વર્ષો સુધી આવી દૈવીવાણી સાંભળવાની તક ગુમાવી દીધી આ વાતથી તેનું હૃદય પશ્ચાતાપથી દ્રવિત થઇ ગયું. તે મહાવીર સ્વામી પાસે દોડ્યો અને અત્યંત નમ્રતાથી તેઓને પૂછ્યું, “હે ભગવાન, શું હું તમારા શરણોમાં આવવાની પાત્રતા ધરાવું છું? શું તમે મને તમારા શિષ્ય તરીકે સ્વીકાર કરશો?”ભગવાને તેને આ બાબતે સંમતિ આપી.
તે તરત જ રાજા શ્રેણિકની સભામાં ગયો, અને દરેકની હાજરીમાં, તેના ગુનાઓની કબૂલાત કરી. તેણે અભયકુમારને એવા બધા સ્થળો દર્શાવી દીધા જ્યાં તેણે ચોરેલી સંપત્તિ છૂપાવીને રાખી હતી અને એવું જાહેર કર્યું કે તે હવે દીક્ષા લેશે અને ભગવાનના ચરણોમાં બાકીનું જીવન વ્યતીત કરશે. તે ભગવાન પાસે આવ્યો અને તેઓની પાસે હ્રદયપૂર્વક તેણે કરેલા તમામ દુષ્કર્મોની કબૂલાત કરી. તેણે તેના ગુનાઓ બદલ પસ્તાવો કર્યો, અત્યંત કઠિન તપશ્ચર્યા કરી અને પોતાની જાતને તેણે બાંધેલા તમામ ખરાબ કર્મોમાંથી મુક્ત કરી. અંતે, તેણે દીક્ષા લીધી અને તેનું જીવન ભગવાનની ભક્તિમાં અને સેવામાં પસાર થયું. મૃત્યુ પછી, તે દેવગતિમાં ગયો અને દેવ બન્યો. આ કથા આધ્યાત્મિક શક્તિની મહત્વત્તા દર્શાવે છે કે તીર્થંકરની દૈવી વાણીમાં કેટલી બધી શક્તિ હોય છે. જે કુદરતી રીતે જ લોકોના કલ્યાણ કાજે વહેતી હોય અને સાથોસાથ દરેકને માટે અવશ્યપણે લાભદાયી પણ નીવડે છે.
મહાવીર સ્વામી ભગવાન વિહાર કરતાં કરતાં એક વખત તેમના જન્મસ્થાન, ક્ષત્રિયકુંડમાં પધાર્યા. તેમના ભાઇ નંદીવર્ધને ભગવાનની દીકરી પ્રિયદર્શના અને જમાઇ જમાલી સાથે ભગવાનની મુલાકાત લીધી. તેમનો ઉપદેશ શ્રાવકોને સંસારનો ત્યાગ કરવા પ્રેરણા આપતો અને ત્યારબાદ તેઓ ભગવાન પાસેથી દીક્ષા લેતા હતાં. થોડાક વર્ષો પછી, જમાલી આવ્યો અને ભગવાનને પૂછ્યું કે શું તે પણ તેના શિષ્યોની સાથે, જુદાજુદા સ્થળોએ વિહાર કરી શકે અને સાધના કરી શકે. જો કે, ભગવાન શાંત રહ્યા. તેમના મૌનને સંમતિરૂપે સમજીને, જમાલી તેના સંઘ સાથે નીકળી પડ્યો.
એક વખત જમાલીને મેલેરિયા થઈ ગયો. તેને ખૂબ જ નબળાઇ લાગી રહી હતી. તેથી, તેણે તેના શિષ્યોને પથારી તૈયાર કરવાની સૂચના આપી. થોડાક સમય પછી, તે તેના શિષ્યોની તપાસ કરવા ગયો કે પથારી તૈયાર છે કે નહિ. શિષ્યોએ કહ્યું, “હા, પથારી તૈયાર છે.” જ્યારે જમાલી ગયો અને જોયું તો પથારી હજુ તૈયાર થઈ રહી હતી. તેથી, તેણે શિષ્યોને પૂછ્યું કે શા માટે તેઓ જૂઠું બોલ્યા. શિષ્યોએ કહ્યું કે ભગવાન મહાવીરે એવું શીખવ્યું છે કે કોઇ કાર્ય થઈ રહ્યું હોય, એને થઈ ગયેલું જ કહેવાય.
જમાલી ભગવાન પાસે ગયો અને આ બાબત અંગે સ્પષ્ટતા પૂછી. ભગવાને સ્પષ્ટતા કરી કે ‘કાર્ય-કારણ’ના સિધ્ધાંત મુજબ, કંઇ પણ થઈ રહ્યું હોય, તો તેને થયેલું જ માનવામાં આવે છે; તે જૂઠું કહી શકાય નહિ. દાખલા તરીકે, જો કોઈ મુંબઈથી ટેક્સીમાં બેસીને અમદાવાદના જઈ રહ્યો હોય અને અન્ય કોઇ વ્યક્તિ એના વિશે પૂછે, તો તેની પત્ની કહેશે, “અરે, એ તો અમદાવાદ ગયા છે”, ખરૂ ને! તે અમદાવાદ ન પહોંચ્યા હોવા છતાં, એવું કહેવાય કે તે અમદાવાદ ગયા છે કારણ કે અમદાવાદ જવાની ક્રિયા જ્યારથી નિશ્ચય કર્યો ત્યારથી શરૂ થઈ ચૂકી હોય છે.
જો કે, જમાલી ભગવાનના જવાબથી સંતુષ્ટ ન થયો. તેણે એવો આગ્રહ રાખ્યો કે ભગવાનનો દ્રષ્ટિકોણ ખોટો છે અને તેનો સાચો છે. માટે, તેણે ભગવાનની અવજ્ઞા કરી અને તેમને છોડીને જતો રહ્યો. કોઇ પણ વ્યક્તિએ ક્યારેય પણ ભગવાનના શબ્દો ઉપર શંકા કરવી જોઇએ નહિ. આ પ્રસંગ એનું સુંદર ઉદાહરણ છે કે કઈ રીતે વ્યક્તિ મોક્ષના માર્ગથી ચલિત થઈ જતી હોય છે. ભલેને ગમે તેટલી સારી ક્રિયાઓ કરી હોય અને ખૂબ તપશ્ચર્યા કરી હોય, તો પણ જો તે ભગવાન ઉપર વિશ્વાસ રાખી શકે નહિતો પછી મોક્ષ માટે તે બધું વ્યર્થ છે.
તેથી, પરમ પૂજ્ય દાદા ભગવાન હંમેશા કહે છે, “જે સીડીઓ દ્વારા, તમે ઉપર ચઢ્યા છો તે સીઢીને ક્યારેય કાપવી ન જોઇએ. “ જે વ્યક્તિ પાસેથી આપણને સાચું જ્ઞાન મળ્યું છે અને વિકાસ થયો છે (તે આપણા ગુરૂ, જ્ઞાની કે તીર્થંકર ભગવાન હોય શકે), આપણે તેમના ક્યારેય પણ દોષ ન જોવા જોઇએ. આપણે જેની પાસેથી જ્ઞાન મેળવ્યું તેમના પણ દોષ જોવા લાગીએ, તો આપણે એવા અજ્ઞાનતા ઘોર અંધકારમાં ફસાઇ જઈશું કે આપણે સમ્યક દર્શન ગુમાવી દઈશું. જે વ્યક્તિ મોક્ષે જવા ઇચ્છતી હોય અને બધા કર્મોમાંથી તો છુટવું હોય તો કોઇના પણ, પછી ભલે બહારની કોઇ અજાણી વ્યક્તિના પણ, ક્યારેય દોષ ન જોવા જોઇએ. જેના થકી આપણા જીવનમાં પ્રગતિ થઈ હોય અને ખરેખર અમૂલ્ય વસ્તુ પ્રાપ્ત થઈ હોય તો તેના દોષ તો કઈ રીતે જોઇ શકાય?”હા, આપણને પ્રશ્ન પૂછવાનો અને આપણા સંશયોને દૂર કરવાનો પૂરેપૂરો અધિકાર છે અને એવું પણ બને કે આપણને કોઇ વસ્તુ સમજવામાં વધુ સમય લાગે. પરંતુ જ્ઞાનીની અવજ્ઞા કરીને આપણી પોતાની સમજ પર ચાલવું તે ખરેખર, તો સ્વચ્છંદ છે. જ્યાં સ્વચ્છંદ છે, ત્યાં કોઇ મોક્ષે જઈ જ ન શકે. આજ્ઞા સાચી રીતે અને નિષ્ઠાપૂર્વક પાળવાથી સ્વચ્છંદ જતો રહે છે.
જમાલીની પત્ની અને ભગવાન મહાવીરની પુત્રી પ્રિયદર્શના પણ તેના પતિના પંથે ચાલવા લાગી. જો કે, થોડા વર્ષ પછી, એકવાર એવું બન્યું કે પ્રિયદર્શના એક કુંભારને ત્યાં ગઈ, જે જાણતો હતો કે કઈ રીતે તેણે પિતાને છોડી દીધા, કુંભારે તેની આંખ ખોલવાનો પ્રયાસ કર્યો કે, જેથી તે મહાવીર સ્વામીની શરણમાં ફરીથી જતી રહે. તેણે ધીરેથી એક સળગતો કોલસો તેની સાડી ઉપર મૂકી દીધો. થોડી ક્ષણોમાં, જ્યારે પ્રિયદર્શનાએ જોયું કે તેના કપડા સળગી રહ્યા છે, તે બૂમો પાડવા લાગી કે, “અરે, હું સળગી રહી છું, હું સળગી રહી છું.” ત્યાં રહેલા લોકોએ તે આગને બુઝાવી દીધી. પછી, કુંભારે પ્રિયદર્શનાને પૂછ્યું, “તમે અને તમારા પતિ એવું માની રહ્યા છો કે જ્યારે કાર્ય સંપૂર્ણપણે પૂર્ણ થાય ત્યારે જ તે થયેલું કહેવાય છે. તો પછી તમે અગાઉથી કેમ ચીસો નાખી કે, “હું સળગી ગઈ, હું દાઝી ગઈ.?”તમે જ્યારે સંપૂર્ણપણે સળગી જાવ ત્યારે જ તમારે એવું કહેવું જોઇએ. જે કંઇ બની રહ્યું છે, તેને તમે કઈ રીતે કહી શકો કે આ થઈ ગયું છે – આ તારો સિધ્ધાંત છે, ખરું ને?”
પ્રિયદર્શનાને તેની ભૂલનો ખ્યાલ આવ્યો, તે ભગવાનના ચરણોમાં સમર્પિત થાય છે અને પોતાની ભૂલોની કબૂલાત કરે છે. આ બધાના પરિણામે, આવતા ભવમાં તેને દેવગતિ પ્રાપ્ત થાય છે.
એક દિવસ, ભગવાન મહાવીર શ્રાવસ્તીનગરીમાં પહોંચ્યા. તેમના શિષ્ય, આનંદ મુનિ, ભગવાનને મળવા જવાના રસ્તામાં, હલાહલ નામના કુંભારની દુકાન નજીકથી પસાર થયા, જ્યાં ગોશાળો (જેનો ઉલ્લેખ અગાઉ પણ આવ્યો હતો) રહેતો હતો. અહંકારી ગોશાળાએ અત્યારે પણ પોતાની જાતને ૨૪મા તીર્થંકર તરીકે ઘોષિત કરવાનું શરૂ કરી દીધું. આનંદ મુનિ સામે તેણે એવી બડાઇ મારવાનું શરૂ કરી દીધુ કે, તેની પાસે એવી મહાન શક્તિ છે કે જેના દ્વારા ક્ષણમાં જ કોઇને પણ ભસ્મીભૂત કરી શકે છે.
આનંદ મુનિએ આ વાત ભગવાનને કહી અને ગોશાળો જે કહી રહ્યો હતો તે સાચું છે કે કેમ તેની પૂછપરછ કરી. ભગવાને એવું કહ્યું કે તેની પાસે તેજોલેશ્યાનું જ્ઞાન છે જેના દ્વારા તે કોઇને પણ ભસ્મ કરી શકે છે. જો કે, તે તીર્થંકરને નષ્ટ ન કરી શકે, એટલે કે; ભગવાન મહાવીરને! ભગવાને આનંદ મુનિ અને તેમના અન્ય શિષ્યોને ચેતવ્યા કે ગોશાળાથી દૂર રહેવું કારણ કે તે તેની શક્તિનો દુરૂપયોગ ગમે તે સમયે કરી શકે છે. તેમણે તેઓને સલાહ આપી કે તેની સાથે કોઇ પણ પ્રકારની દલીલોમાં પડવું નહિ.
બીજી તરફ, શ્રાવસ્તી નગરીમાં, બે વ્યક્તિ પોતાની જાતને તીર્થંકર ઘોષિત કરી રહ્યા છે તે ચર્ચાનો વિષય બની ગયો. આ બન્નેમાંથી જે લોકો જે ગુરૂને સ્વીકારતા હોય તે લોકો સામાન્યપણે જ પોતપોતાના ગુરૂની પક્ષમાં જ હોય. તેથી, જે લોકો મહાવીર ભગવાનને માનતા હતા તેમને ખાતરી હતી કે, તેઓ જ સાચા તીર્થંકર છે. જો કે, ઘણા જિજ્ઞાસુ લોકો ગોશાળા દ્વારા દર્શાવાતા ચમત્કારિક શક્તિ પ્રયોગોથી પ્રભાવિત થઈ ગયા અને તેને તીર્થંકર તરીકે માની બેઠા.
એક દિવસ, ગોશાળો આવ્યો અને ભગવાનને બધી જ રીતે અપશબ્દો બોલી હેરાન કરવાનું શરૂ કરી દીધું! ભગવાન સ્થિર જ રહ્યા અને ગોશાળો જે કંઇ કહી રહ્યો હતો તેને ધીરજપૂર્વક સાંભળવા લાગ્યા. જો કે, તેમના શિષ્યો, જે લોકો ભગવાન તરફ પૂજ્યભાવ ધરાવતા હતા અને હ્રદયપૂર્વક ભગવાનની ભજતા હતા, તેઓ ભગવાન માટેના આ ખરાબ શબ્દો સહન કરી શક્યા નહિ. તેઓ વળતો પ્રહાર કરતા હતા જેના કારણે ગોશાળો ખૂબ જ ક્રોધિત થયો. તેણે તરત જ તેલોલેશ્યાનો પ્રયોગ કર્યો અને બે શિષ્યોને બાળી નાખ્યા. તે બન્ને ભગવાન મહાવીરના ચરણ કમળમાં સમર્પિત થયા અને મૃત્યુ પછી, દેવલોક પામ્યા.
આ દ્રશ્યના સાક્ષી બનેલા અન્ય શિષ્યો, ગોશાળાની ક્રૂરતા જોઇને આઘાત પામ્યા, ભગવાનને તે બે શિષ્યોનો જીવ પાછો આવી જાય તે માટે વિનંતિ કરવા લાગ્યા. ભગવાને તેમને સમજાવ્યું કે આ શક્ય નથી, કારણ કે તેઓ મોક્ષદાતા છે, જીવનદાતા નથી.
જન્મ અને મૃત્યુ એ આપણા કર્મોનું જ પરિણામ છે. ભગવાન ક્યારેય આમાં વચ્ચે પડતા નથી. વધુમાં, આપણે દરેક અસંખ્ય જન્મો અન મૃત્યુમાંથી પસાર થયા છીએ. મોક્ષનમાર્ગે પ્રગતિ કરવા માટે આની શી કિંમત છે? બે શિષ્યો જેને આપણે મૃત્યુ પામેલા કહીએ છીએ તે હકીકતમાં તો ભગવાનનું શરણ પામ્યા છે અને મોક્ષ પંથેપામ્યા છે. તે જ ખરેખર મહત્વનું છે!

ગોશાળો, જો કે, આટલું બનવા છતાં પણ જરા પણ સંતુષ્ટ થયો ન હતો. તેણે તેજોલેશ્યા ભગવાન ઉપર પણ ફેંકી. પરંતુ આ વખતે, તેજોલેશ્યા ભગવાનની ત્રણ પ્રદક્ષિણા કરીને પાછી ગોશાળાને જ વાગી, કારણ કે વર્ધમાન મહાવીર તીર્થંકર અને ચરમ શરીરી હતા. તીર્થંકર ભગવાનનું કોઈ દિવસ અકાળે મરણ થાય નહિ. ગોશાળાનું આખું શરીર સળગવા લાગ્યું. ભગવાને તેને કહ્યું, “સાવચેત રહેજે, સાતમા દિવસે, તારું મ્રુત્યુ થશે.” આ સાંભળીને, ગોશાળાને તેના ખોટા કર્મોનો ખ્યાલ આવ્યો અને તેના પર તે નિષ્ઠાપૂર્વક પસ્તાવો કરવા લાગ્યો. તે પીડામાં રડવા લાગ્યો, “આ ભયંકર પીડા એ મારા પાપ કર્મનું જ ફળ છે.” તેણે તેના બધા શિષ્યોને એકઠા કર્યા અને સ્વીકાર્યું કે: “હું ખોટો હતો અને ભગવાન મહાવીર સાચા હતા. તમે બધા તેમની પાસે જાઓ. તેઓને ભગવાન તરીકે સ્વીકારો! હું મોટો પાપી છું. મહેરબાની કરીને મને માફ કરો.” તેણે અત્યંત પસ્તાવો કર્યો. તેનું શું પરિણામ આવ્યું? તેના મૃત્યુ પછી, ભગવાને જાહેર કર્યું કે, “ગોશાળો, તેના પ્રતિક્રમણને કારણે, દેવગતિને પામ્યો છે. છેલ્લા દિવસે, તેણે ખૂબ જ પસ્તાવો કર્યો જેના કારણે તેણે તેની જાતને પાપોથી મુક્ત કરી દીધી. તેથી, તે ચોક્કસપણે મોક્ષ પ્રાપ્ત કરશે. “તેથી, તમે જુઓ, સાચી આલોચના અને પશ્ચાતાપમાં અત્યંત શક્તિ રહેલી છે. જો હ્રદયપૂર્વક કરવામાં આવે, તો ખરાબમાં ખરાબ પાપો પણ બળી શકે છે!
તેજોલેશ્યા મહાવીરને તાકીને ફેંકવામાં આવી હોવા છતાં પણ ભગવાનને મારી શકી નહિ, પરંતુ તેનાથી ભગવાનને ખરાબ અસરો જરૂરથી થઈ. તેનાથી ભગવાનને મરડો થઈ ગયો, જેના કારણે, ભગવાનનું ઘણું બધું વજન ઘટી ગયું. જો કે, ભગવાનને અંદર શાંતિ જ હતી. તેમના શિષ્યો ખૂબ જ ચિંતિત થઇ ગયા; ખાસ કરીને, સિંહ નામનો એક શિષ્ય ભગવાનની પીડા જોઇને ખૂબ રડવા લાગ્યો. ભગવાને તેને શાંત કર્યો અને કહ્યું, “ચિંતા ન કર. મને કશું થવાનું નથી. હું હજુ બીજા ચૌદ વર્ષ જીવવાનો છું.” સિંહે આગ્રહ કર્યો કે ભગવાને કેટલીક દવા લેવી જોઇએ, જેમાં ભગવાન સંમત થયા. ભગવાને તેને રેવતી પાસે જવા માટે સૂચન કર્યું, જે ભગવાન માટે અત્યંત ભક્તિથી, ભગવાન માટે કેટલીક વાનગીઓ બનાવી રહી હતી. ભગવાન મહાવીરે સ્પષ્ટપણે એવી સુચના આપી કે તે અમુક વાનગી ન લઈ આવે, પરંતુ તેના બદલે તે બીજી વાનગી બીજોરાની કે જે રેવતીએ ઘેર બનાવી હોય તે લઈ આવે.

સિંહ રેવતી પાસે ગયો. તેણી ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ઊઠી અને વધુમાં તેણીએ સાંભળ્યું કે ભગવાને તેને ખાસ કરીને અમુક વાનગી બનાવવાનું કહ્યું છે તો તેણી ખૂબ જ રોમાંચિત અને આનંદિત થઇ ઊઠી. તેણે ખૂબ જ આનંદ સાથે બીજોરાની વાનગી સિંહને આપી, જે પ્રમાણે ભગવાને સૂચના આપી હતી! મહાવીર સ્વામીએ તે ખાધી અને તેમનો ઇલાજ થઇ ગયો. આમ, રેવતી તીર્થંકર તરીકેનું ગોત્ર બાંધે છે. આવતી ચોવીસીમાં રેવતી ૧૭મા તીર્થંકર તરીકે થશે.
ભગવાન મહાવીરના શરણમાં આવીને, ગૌતમ સ્વામીનું મિથ્યા અભિમાન નષ્ટ થઈ ગયું. તેઓ ભગવાનના અતિનમ્ર શિષ્ય બની ગયા. જેમ જેમ દિવસો પસાર થતા ગયા, તેમને ભગવાન તરફ અત્યંત પ્રશસ્ત રાગ ઉત્પન્ન થયો. ગૌતમ સ્વામીનો તેમના પ્રત્યેનો પ્રેમ અપાર હતો. આ જ કારણ હતું કે તેઓ શા માટે કેવળજ્ઞાન પ્રાપ્ત ન કરી શક્યા અને બીજી તરફ હજારો લોકો માત્ર એક વખત ભગવાનના શબ્દો સાંભળીને જ કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શકતા હતા.

ગૌતમ સ્વામી અસાધારણ બુધ્ધિમતા ધરાવતા હતા. તેથી, તેઓ કોઇને પણ ધર્મનો ઉપદેશ આપે, તેમના ઉપદેશ થકી કોઈપણ વ્યક્તિને કેવળજ્ઞાન થઇ જાય, એવી ક્ષમતા તેઓ ધરાવતા હતા.
એક વખત મહાવીર ભગવાને એમની દેશનામાં કહ્યું કે, “જે અષ્ટાપદ પર્વત પર ચોવીસ તીર્થંકરોના જીનાયલો છે, તેના દર્શન કરે અને એક રાત્રી ત્યાં વાસ કરે, તે જરૂર એ જ ભવમાં મોક્ષ પદને પામશે.” આ સાંભળીને ગૌતમસ્વામી અષ્ટાપદ જવાનો નિશ્ચય કરે છે અને તે માટેની બધી જ તૈયારીઓ કરે છે. અષ્ટાપદ પર ચડવું કઠીન હતું પરંતુ આખરે ગૌતમસ્વામી તો પ્રથમ ગણધર હતા અને એમનું નિશ્ચય બળ જબરદસ્ત હતું. અષ્ટાપદ પર્વત પર ચઢતી વખતે ત્રણ પડાવ આવે છે. પ્રથમ પડાવ પાસે ૫૦૦ તાપસોને ગૌતમ સ્વામીએ બોધ આપ્યો અને તેઓ બધા મહાવીર ભગવાનને સમર્પણ થઈ ગયા. બીજા પડાવ પાસે અન્ય ૫૦૦ તાપસો તપ કરી રહ્યા હતા અને તેમને પણ ગૌતમ સ્વામીએ સુંદર બોધ આપ્યો અને તેઓ બધા પણ મહાવીર ભગવાનને સમર્પણ થઈ ગયા. ત્રીજા પડાવ પાસે પણ ૫૦૦ તાપસોને બોધ પમાડી તેઓ ભગવાનને સમર્પિત થયા.આ રીતે ૧૫૦૦ તાપસો ગૌતમ સ્વામીના શિષ્યો થઈ ગયા. ત્યારબાદ ગૌતમ સ્વામી અષ્ટાપદ પર્વતના શિખરે પહોંચ્યા અને ત્યાં અત્યંત ભક્તિપૂર્વ ચોવીસ તીર્થંકરોને વંદના કરી. ત્યાં ગૌતમ સ્વામી એક રાત્રી વાસ કરીને બીજા દિવસે પર્વત પરથી ઉતરે છે અને ૧૫૦૦ તાપસો મહાવીર ભગવાનનું શરણું સ્વીકારીને ગૌતમ સ્વામી પાસે દીક્ષા અંગીકાર કરે છે. ત્યારબાદ બધા ખુબ જ આનંદિત થઈને ગૌતમ સ્વામી સાથે વિહાર કરે છે. ગૌતમ સ્વામી ૧૫૦૦ તાપસોમાં કોઈ ને છઠ તો કોઈને અઠ્ઠમના પારણા કરાવે છે. ત્યારબાદ ગૌતમ સ્વામી સહિત ૧૫૦૦ તાપસો ભગવાનના સમવોસરણમાં જવા માટે વિહાર કરે છે. ત્યારે, જેઓએ અઠ્ઠમના પારણા કર્યા હોય છે એવા ૫૦૦ તાપસોને ભગવાનના સમવોસરણને દૂરથી જ જોઇને અને તેના દર્શન કરીને, બધાને ત્યાં જ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. બીજા ૫૦૦ તાપસો જેઓએ છઠના પારણા કર્યા હોય છે તેમને સમવોસરણને નજીકથી જોતા જ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને બાકી રહેલા ૫૦૦ શિષ્યોને ભગવાનના મુખારવિંદને જોતા જ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ત્યારબાદ ૧૫૦૦ તાપસો ભગવાનને વંદન કરી કેવળીઓની પર્શદામાં બેસે છે ત્યારે ગૌતમ સ્વામી એમને રોકે છે કારણ કે, તેઓ એ વાતથી અજાણ હતા કે, ૧૫૦૦ તાપસોએ કેવળજ્ઞાન થયું છે. એ જ સમયે, મહાવીર ભગવાને ગૌતમ સ્વામીને કહ્યું કે, “હે ગૌતમ, આ ૧૫૦૦ કેવળીઓની અશાતના થઈ રહી છે તમારાથી, તેઓને કેવળજ્ઞાન થયું છે”. આ સાંભળીને ગૌતમ સ્વામીએ હૃદયપૂર્વક પશ્ચાતાપ કરીને બધાની માફી માંગી. આવા પ્રકારનો તેમનો અસાધારણ પરમ વિનય હતો! સાથોસાથ તેમનો પ્રેમ અને પરમ વિનય ભગવાન પ્રત્યે એટલો જ દ્રઢ હતો!!!
હાથ જોડીને આપણા વડીલોને નમવું એ વિનય દર્શાવે છે. ભગવાનના ચરણોમાં નમવું એ વધારે વિનય દર્શાવે છે. પરમ વિનય એટલે ગુરૂ અથવા જ્ઞાની જેની પાસેથી આપણને સાચું જ્ઞાન મળ્યું હોય, તેમની સાથે અભેદતા અને ક્યારેય પણ તેમના માટે એક પણ નેગેટીવ વિચાર ન આવવો જોઈએ. આપણો ઉધ્ધાર તેમના થકી જ થવાનો છે. પરમ વિનય એટલે સામી વ્યક્તિ માટે એકતા જ હોય અને ક્યારે પણ જુદાઈ ન લાગે. આપણા શાસ્ત્રમાં પણ કહ્યું છે કે, “વિનય એ ધર્મનું મૂળ છે”.વીતરાગ માર્ગમાં વિનયનું ખુબ મહત્વ છે. શરૂઆત વિનયથી અને અંત પણ પરમ વિનયથી જ થાય છે.
તીર્થંકર મહાવીર કે રાજગૃહી નગરીતરફ વિહાર કરી રહ્યા હોય છે ત્યારે તેમને એક અંબડ નામનો શ્રાવક મળે છે. ભગવાન તે શ્રાવક દ્વારા તેમના ખાસ આશીર્વાદ સુલસા શ્રાવિકા માટે મોકલે છે. શ્રાવક વીતરાગ ભગવાન તરફથી આવેલા આ શબ્દો જોઇને આશ્ચર્યચકિત થઇ ઊઠ્યો. તે વિચારવા લાગ્યો કે ભગવાને આવું શા માટે કર્યું હશે? તેથી, તેણે સુલસાની ભગવાન પ્રત્યે ભક્તિની પરીક્ષા કરવાનું નક્કી કર્યું. અંબડ શ્રાવક પાસે કેટલીક એવી શક્તિઓ હતી જેના દ્વારા તે બનાવટી સમોવસરણ રચી શકે. પછી, તેણે શહેરમાં એવી અફવા ફેલાવી કે મહાવીર સ્વામી આવે છે ત્યાં તો બધા સ્થાનિક લોકો સમોસરણ તરફ દોટ મૂકે છે.
જો કે, સુલસા તેના ઘરમાંથી બહાર આવી નહિ. અંબડે તેમને પૂછ્યું, “શું તમે ભગવાનના દર્શન માટે જશો નહિ?”તેમણે સ્પષ્ટતા કરી કે, “જો ખરેખરમાં ભગવાન મહાવીર આવ્યા હોય, તો મને તરત જ સ્પંદનો અનુભવ થાત. મારૂ સમગ્ર શરીર આનંદથી થનગની ઉઠયું હોય. જો કે, જો આવી લાગણીઓ મારી અંદર આવી નથી રહી, તો તે દર્શાવે છે કે આ સમોવસરણ બનાવટી છે, અને વાસ્તવિક નથી. “ શ્રાવકને ખ્યાલ આવ્યો કે તેમની ભક્તિની નિષ્ઠા ઉપર શંકા કરવામાં પોતે ખોટો હતો. સુલસાએ આ જન્મમાં તીર્થંકર ગોત્ર બાંધ્યું અને તેના પરિણામે, આવતી ૨૪મી તેઓ તીર્થંકર બનશે.

એક દિવસ, વર્ધમાન મહાવીર મલ્લિનાથ ભગવાનના દેરાસર પાસેના ઉદ્યાનમાં ધ્યાનસ્થ મુદ્રામાં બિરાજમાન હતા. એક યુગલ તેમના દરરોજના નિત્યક્રમ મુજબ મંદિરમાં પૂજા કરવા માટે આવે છે. બન્ને ભગવાન પાસેથી પસાર થાય છે અને ભગવાન મલ્લિનાથની પૂજા કરવા મંદિરમાં પ્રવેશે છે. આ જોઇને, ઇન્દ્રદેવ તે યુગલ સમક્ષ પ્રગટ થાય છે અને તેઓને જણાવે છે કે તેમણે બગીચામાં ધ્યાનમાં રહેલા જેમને જોયા તે ભગવાન મહાવીર, વર્તમાન હાજર તીર્થંકર છે. ઇન્દ્રદેવે તેઓને જીવતા તીર્થંકરની પૂજાનું મહત્વ અને તેમના થકી કઇ રીતે મોક્ષ થઇ શકે તે સમજાવ્યું.

એ જ રીતે, આપણા માટે, મહાવિદેહ ક્ષેત્રમાં બિરાજમાન એવા ૨૦ તીર્થંકરો વર્તમાને હાજર છે; શ્રી સીમંધર સ્વામી આપણી પૃથ્વીથી સૌથી નજીક છે. તેથી, આપણે હ્રદયપૂર્વક ભગવાન સીમંધર સ્વામીની આરાધના કરવી જોઇએ. તેઓ જ એકમાત્ર આપણા સહુના કેવળજ્ઞાન અને મોક્ષ પ્રાપ્તિના ઉત્તમ નિમિત્ત છે. અત્યારે, મહાવીર પછી, આપણી પૃથ્વી ઉપર કોઇ તીર્થંકર નથી. મહાવિદેહ ક્ષેત્રમાં બિરાજેલ સીમંધર સ્વામી પાસે પહોંચવા માટે, આપણને તેમના પ્રતિનિધિ કે, જે જીવતા જ્ઞાની છે તેમની જરૂર પડશે, જ્ઞાની પુરૂષ જેમનો આત્મા જાગૃત હોય અને જે બીજાના આત્માને પણ જાગૃત કરી શકે અને આપણે આવતા ભવમાં સીમંધર સ્વામી પાસે જઈ શકીએ એવા તૈયાર કરી આપવાની ક્ષમતા ધરાવતા હોય છે.
મહાવીર સ્વામી, વિહાર વખતે, રાજગીરી નજીક પાવાપુરી (બિહાર) પહોંચ્યા. તેમની અંતિમ દેશના ૭૨ કલાક અવિરત ચાલી! આ કાળચક્રના લોકો માટે મુક્તિ પામવાની આ છેલ્લી તક હતી. તેથી, ઘણા રાજાઓએ દીક્ષા લીધી અને અસંખ્ય લોકોએ શ્રાવક અને શ્રાવિકા ધર્મ અંગિકાર કર્યો. આ જ સમયમાં, ભગવાને ગૌતમ સ્વામીને પડોશના શહેરમાં જવાનું અને બ્રાહ્મણને સાક્ષાત્કાર કરાવી દેવાનું કામ સોંપ્યું.
અંતે, ભગવાને શૈલેષીકરણ ક્રિયા કરી અને ૭૨ વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધો. ભગવાનનું નિર્વાણ થયું અને સિધ્ધક્ષેત્રમાં ગયા! દેવ ભગવંતો અંતિમ ક્રિયાઓ કરવા આવ્યા અને ભગવાન મહાવીરના નિર્વાણ કલ્યાણકની ઉજવણી કરી.

આ સમાચાર સાંભળીને, આખા વિશ્વમાં અંધકાર છવાઇ ગયો. માટે, લોકોએ તેમના ભગવાનની ઝાંખી મેળવવા માટે દીવાઓ પ્રગટાવ્યા! આ ક્રિયા આજે પણ આ યુગના છેલ્લા તીર્થંકરની – મહાવીર સ્વામી, આપણા તારણહાર, જેમના શાસનમાં આપણો જન્મ થયો તેમની યાદમાં કરવામાં આવે છે. આપણે આ પ્રસંગને ‘દિવાળી’ તરીકે ઉજવીએ છીએ!
પાછા ફરતી વખતે, ગૌતમ સ્વામીએ જાણ્યું કે તેમના વ્હાલા ભગવાનને નિર્વાણ પ્રાપ્ત થયું છે. ગૌતમ સ્વામી, જેમને ભગવાન પ્રત્યે અત્યંત રાગ હતો, તેઓ આ સમાચાર સાંભળીને ચોંકી ગયા. તેઓ આ વાત માની શકતા જ ન હતા. તેઓ એ સમજવામાં નિષ્ફળ ગયા કે, “આવું બનવાનું હશે તેની ભગવાનને ક્યારે ખબર પડી હશે, શા માટે તેઓએ મને દૂર મોકલી દીધો?” તેમને ભારે આઘાત લાગ્યો. જો કે, તે જ વખતે, તેઓને ભાન થયું અને તેમના રાગનું બંધન અને મૂર્ખતા તૂટી ગઇ અને તેઓને પણ, કેવળજ્ઞાન થઈ ગયું! તેમણે ભગવાન દ્વારા અપાયેલ જગત કલ્યાણનું કામ બીજા ૧૨ વર્ષ શરૂ જ રાખ્યું અને અંતે મોક્ષે ગયા.

આજના સમયમાં, મહાવીર સ્વામીની જીવન કથા આપણા બધા માટે ખૂબ જ મહત્વ ધરાવે છે! આ કથાઆપણને તેમના જેવા, અહિંસક અને બધા બંધનોમાંથી સંપૂર્ણપણે મુક્ત થવાનો ધ્યેય નક્કી કરવા માટે પ્રેરણા આપે છે. તેમની કથાનું વર્ણન કરવા માટેનો મુખ્ય ઉદ્દેશ એ જ છે. આ કુદરતી નિયમ છે : જે ગુણોની આપણે ભજના કરીએ તે આપણામાં પણ ખીલી ઊઠે છે. મહાપુરૂષોની કથા વાંચવા પાછળનો હેતુ જ આ છે. ભગવાન મહાવીરની કથા એ તીર્થંકરની કથા છે, જે આ વિશ્વમાં સર્વોચ્ચ સ્થાન ધરાવે છે!
subscribe your email for our latest news and events
