ચોવીસમા તીર્થંકર શ્રી મહાવીર સ્વામી: દેશના

અભાવ અને તિરસ્કારને લીધે ધનશ્રીને આવતા ભવે દુર્ગંધા રાણીના રૂપે ભયંકર પરિણામ ભોગવવું પડ્યું. દુર્ગંધા રાણી શ્રેણિક રાજાના મુખેથી પોતાના પૂર્વભવનો વૃત્તાંત સાંભળીને વૈરાગ પામ્યાં અને શ્રી ભગવાન મહાવીરને સમર્પિત થયાં. આગળ, મહાવીર સ્વામીના મૂળ માતા-પિતાની દીક્ષા અને ભગવાનની દેશના વિશે વાંચીએ.

શ્રી મહાવીર સ્વામી - મૂળ માતા-પિતાની દીક્ષા

એક વખત એવું બન્યું કે ભગવાન મહાવીર રાજગૃહી નગરીમાંથી નીકળીને એમના જ પોતાના મૂળ માતા-પિતા જ્યાં રહેતાં હતાં, અને જ્યાં દેવાનંદા માતાના ગર્ભનું હરણ કરવામાં આવ્યું હતું, એ ગામમાં વિહાર કરતા કરતા આવ્યા. ભગવાન એ ગામમાં સમવસરણમાં બેસીને બધાને દેશના આપતા હતા એટલામાં એમના મૂળ માતા દેવાનંદા અને પિતા ઋષભદત્ત ખૂબ ઉલ્લાસથી ભગવાનના દર્શન કરવા ગયાં. માતા-પિતાને ખબર ન હતી કે ભગવાન માતા દેવાનંદાના ગર્ભમાંથી ચ્યવીને થયેલા પોતાના જ પુત્ર હતા. તેઓ તો, ભગવાન છે એમ કરીને જ ઉલ્લાસથી દર્શન કરવા ગયાં.

ભગવાન મહાવીરના દર્શન કરતાં જ માતા દેવાનંદાને અંદર અત્યંત આનંદ થયો. એમને એટલો બધો આનંદ થયો કે એમનામાંથી વાત્સલ્યની ધારા વહેવા માંડી. એ ધારાને જોઈને ગૌતમ સ્વામીએ ભગવાનને પૂછ્યું, “આવું કેમ બન્યું? આ શું કારણ છે? દેવાનંદા માતામાંથી દૂધની ધારા નીકળી એનું કારણ શું?” પછી ભગવાને ગૌતમ સ્વામીને દેવાનંદા માતાના ગર્ભમાં પોતાના ચ્યવનની બધી વાત કહી, “સૌથી પહેલાં, દેવાનંદા માતાના ગર્ભમાં મારો જીવ હતો. દેવગતિમાંથી ચ્યવીને પ્રથમ હું એમના ગર્ભમાં હતો. ૮૨ દિવસ સુધી એમના ગર્ભમાં મેં વાસ કરેલો છે. પૂર્વકર્મના હિસાબે મારે બ્રાહ્મણ માતાના ગર્ભમાં આવવાનું થયું. ખરેખર તો તીર્થંકરો બધા ક્ષત્રિય માતાને ત્યાં જન્મે - એ જ કાયમનો નિયમ છે, પણ આ અપવાદરૂપ બની ગયું. બધા દેવોએ આ અપવાદને ટાળવા માટે મારું હરણ કર્યું. દેવાનંદા માતાના ગર્ભમાંથી ઉપાડીને મને ત્રિશલા માતાના ગર્ભમાં મૂક્યો અને ત્રિશલા માતાના ગર્ભમાં જે જીવ હતો તેને દેવાનંદા માતાના ગર્ભમાં મૂકી દીધો.” આવી રીતે ગર્ભનું પ્રત્યારોપણ થઈ ગયું.

દેવો પાસે બધી દૈવી શક્તિઓ હોય; માંત્રિક રીતે આવું બધું થઈ જાય. એ કાળમાં ભગવાનના માતાનું ગર્ભહરણ થયું એ અધ્યાત્મ જગતમાં એક આશ્ચર્ય અને અપવાદ ગણાય છે; આ સામાન્ય બાબત નથી. કોઈ પણ સિદ્ધાંત હોય એને અપવાદ હોય જ અને બધાએ એ અપવાદ સ્વીકારવો જ પડે.

જો અપવાદ ના હોય તો એ સિદ્ધાંત ક્યારેક ખોટો પડી જાય કહેવાય નહીં. કારણ કે ક્યારેક ને ક્યારેક તો કુદરત અપવાદ સર્જતી જ હોય છે. તો જો એકાદો અપવાદ આપણે સ્વીકારીએ નહીં તો સિદ્ધાંત ખોટો પડી જાય છે. કોઈ સિદ્ધાંત પછી ટકે નહીં. એટલે વિજ્ઞાનમાં પણ અને અધ્યાત્મમાં પણ અપવાદને સ્વીકારાયું છે; નિયમ તરીકે નહીં, પણ અપવાદ તરીકે. અપવાદને ખૂબ મહત્ત્વ અપાયેલું છે; એને અવગણાતું નથી. ભગવાન મહાવીરે દસ આશ્ચર્ય વર્ણવેલા છે જેને અચ્છેરા એટલે કે અપવાદ કહેવાય છે. એમાંનું આ એક હતું. તીર્થંકર મહાવીર ભગવાનનું બ્રાહ્મણ માતાના ગર્ભમાંથી હરણ થવું એ દસ આશ્ચર્યોમાંનું એક અપવાદ ગણાય છે.

ગૌતમ સ્વામીના પ્રશ્ન પરથી ભગવાન મહાવીર દ્વારા બધું વર્ણન સાંભળીને માતા દેવાનંદા અને પિતા ઋષભદત્તે ખૂબ જ આનંદ અનુભવ્યો. એમને ભગવાન પર એટલો બધો અહોભાવ થયો કે પોતાનો પુત્ર આટલો મહાન, ત્રણ લોકનો નાથ - એ વાતની અત્યાર સુધી એમને ખબર જ ન હતી. એક તીર્થંકર ભગવાનના માતા-પિતા હોવાનો એમનો ખૂબ જ આનંદ હતો. પછી ભગવાન મહાવીરની સુંદર દેશના સાંભળીને માતા દેવાનંદા અને પિતા ઋષભદત્તને ખૂબ જ વૈરાગ આવ્યો, સમકિત પ્રાપ્ત થયું. એમણે બધું ત્યાગીને દીક્ષા લીધી અને ભગવાનની પાસે જ રહ્યાં. તેઓ બધાં કર્મો ખપાવીને, કેવળજ્ઞાન પામીને મોક્ષે ગયાં.

શ્રી મહાવીર સ્વામી - દેશના

દેશનામાં ભગવાન મહાવીરે સુંદર કહ્યું કે આ સંસાર અસાર છે. આપણે સમજણા થયા ત્યારથી અત્યાર સુધીનું આપણે સરવૈયું કાઢવું કે આપણને સંસાર કેટલો સાર દેખાયો અને કેટલો અસાર? સાર એટલે કંઈક આપણને સત્ત્વ તત્ત્વ મળ્યું હોય એ અને કશું જ ના મળ્યું હોય, ઊલટું ગુમાવવાનું હોય, એ બધું અસાર કહેવાય છે. કંઈક પ્રાપ્તિ થઈ હોય એ સાર કહેવાય છે. આપણા જીવનમાં તપાસ કરીએ કે એવો સાર આપણી પાસે કેટલો આવ્યો છે! આપણે સુખ મેળવવા માટે આટલું બધું કર્યું, બધા જ ફાંફાં માર્યાં, બધું કર્યું, કોઈ વસ્તુ બાકી ના રાખી, આપણા લોહીનું એકે એક ટીપું આપણે કંઈક સુખ મેળવવા માટે ખર્ચ્યું! પણ ખરેખર તપાસ કરવી કે ખરેખર આપણે સુખી થઈ ગયા? આપણને સુખ મળ્યું? સુખ કેટલું મળ્યું અને દુઃખ કેટલું મળ્યું એની તપાસ તો કરો! ઘણાને કુટુંબની વ્યક્તિઓથી ખુશી થઈ જાય કે મને બહુ સુખ મળશે, બહુ સુખ આપશે. પણ આપણે તપાસ કરવી કે કેટલું સુખ મળ્યું અને અંદર સુખ કરતાં કરતાં અંદર ઝઘડા થઈ થઈને એકબીજાથી કેટલું દુઃખ થાય છે. પૈસા કમાયા એમાં ઘણું સુખ માન્યું પણ પછી જ્યારે જતા રહે છે ત્યારે કેટલું દુઃખ થાય છે! આપણા જીવનમાં સુખ કેટલું છે અને દુઃખ કેટલું છે? આ પાંચમા આરામાં, કળિયુગમાં, તો સુખ ઓછું અને દુઃખ ઘણું હોય છે!

બે દુઃખ વચ્ચે વિરામ મળે ને એ વિરામ, એટલો જ ભાગ આપણને સુખ મળે છે. અને આપણને એટલું મળ્યું તો હોય પણ એ પાછું કેટલું કેટલું ક્ષણિક છે! જરાક કાયમનું હોય તોય આપણે ચલાવી લઈએ. પણ એ કાયમ હોય તો સારું ને! પણ આ તો કાયમ હોતું જ નથી, આવીને પાછું જતું રહે છે. થોડીક વાર કે થોડા કલાક કે થોડા દિવસો રહે ને પછી પાછું જતું રહે!

આપણે આપણી જિંદગીમાં તપાસ કરવી કે કયું સુખ ટક્યું આપણી પાસે! કોઈ સુખ ટક્યું? દુઃખ પણ કેટલું બધું આવે છે ને ચાલ્યું જાય છે. આપણે યાદ કરવું કે આપણા ઘરના કે નજીકના કોઈ પ્રિયજન મૃત્યુ પામે તો એ સમયે કેટલું બધું દુઃખ થાય છે. પછી બીજા દિવસે ઓછું, ત્રીજા દિવસે, બે-ચાર-છ મહિના પછી બધું વિસારે પડી જાય છે. પાછા હતા એવા નોર્મલ થઈ જઈએ છીએ. દુઃખ આવે છે અને જતું રહે છે; એ ક્ષણિક છે. સુખ પણ જોવું અને સુખના દિવસો આપણા જીવનમાં કેટલા આવ્યા અને કેટલા જતા રહ્યા! આ જ સરવૈયું છે.

અને સુખ જો કાયમ મળે તો કેટલું સુંદર થઈ જાય! કાયમનું સુખ આ બહાર કોઈ વસ્તુમાં નથી, આપણા આત્મામાં જ છે. એ આત્માનું સુખ પ્રાપ્ત કરવા માટે જ આ મનુષ્યદેહ છે અને મનુષ્યદેહ મળે તો ખરેખર એના માટે જ આપણે જીવન કાઢવું જોઈએ. બાકીનું તો બધું બાય-પ્રોડક્શન છે. મહાવીર સ્વામીએ આપેલા પાંચ મહાવ્રતો વિશે આગળ વાંચીએ.

Related Topic

×
Share on