Related Questions

શું માંસાહાર કરવો જોઈએ?

પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, અહિંસાના પાલન માટે સ્વાદની ઇન્દ્રિય, એટલે કે જીભનો કંટ્રોલ બહુ રાખવો પડે. જેઓ અહિંસાનું પાલન કરવા ઈચ્છે છે, તેમણે માંસાહાર કે ઈંડાંનું સેવન ન કરવું જોઈએ.

તેઓશ્રી એમ પણ કહે છે કે જે માસાંહાર કરતા હોય, તેમના પર ચીઢ રાખવા જેવું નથી. માંસાહાર જેમનો ખોરાક છે એમની સામે વાંધો ઉઠાવવાનો આપણો હેતુ નથી. ફક્ત જેમને અહિંસાનું પાલન કરવાની ભાવના છે, તેમના માટે અહીં સાચી સમજણ પ્રાપ્ત થાય છે.

બે ઇન્દ્રિયથી પાંચ ઇન્દ્રિયના જીવોને ખાવા એ માંસાહાર

બે ઇન્દ્રિયથી પાંચ ઇન્દ્રિય સુધીના બધા જ જીવોને ખાવા એ માંસાહાર છે. આ જીવોને મારવા જાઓ તો તેને ત્રાસ (દુઃખ) પડે છે, તેથી તેમને ત્રસકાય જીવો કહેવાય છે. છીપલાં, શંખ, કીડી, મકોડા, ઇયળ, મરઘી, ડુક્કર, ગાય બધા જ ત્રસકાય જીવો છે. ઈંડાં ફક્ત પંચેન્દ્રિય જીવો મૂકે છે, જેમને કાન નથી હોતા, એટલે ઈંડાં ખાવામાં પંચેન્દ્રિય જીવોની હિંસા થાય છે. આ જીવો આહારમાં ઉપયોગ કરીએ તે માંસાહાર કહેવાય છે. કેટલાક લોકો માછલી કે ઈંડાંને માંસાહારમાં નથી મૂકતા તેમના માટે આ વિભાજન મદદરૂપ થાય એમ છે.

બીજું, મરઘી કે તેના બચ્ચાંને પકડવા જાઓ તો તે જીવ બચાવવા ભાગે છે. કારણ કે, એને જીવવાની ઈચ્છા છે, મરવાનો ભય છે. જ્યારે ઘઉં ચોખાને બાફીએ કે ફળ શાકભાજી કાપીએ તો તે ભાગી નથી જતા. પ્રાણીઓની જ્યારે હિંસા થાય છે, ત્યારે તેમને જેટલું વધારે દુઃખ પડે છે તેટલો જ વધારે હિંસાનો ગુનો બંધાય છે. બે ઇન્દ્રિયથી પાંચ ઇન્દ્રિય સુધીના બધા જ જીવોને મારવામાં તેમને દુઃખ પહોંચે છે, એટલે માંસાહારમાં હિંસા અવશ્ય સંકળાયેલી છે.

પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, “એક તો, જે જીવ આપણાથી ત્રાસ પામે તેને દુઃખ નહીં આપવું, તેને ત્રાસ નહીં આપવો. અને ઘઉં છે, બાજરી છે, ચોખા છે, એને ખાવ. એનો વાંધો નથી. એ આપણાથી ત્રાસ નથી પામતા, એ બેભાનપણે છે અને આ કીડી-મંકોડા એ તો દોડી જાય છે, એને ના મરાય. આ છીપલાં-શંખલાનાં જે જીવ હોય છે, જે હલનચલન કરે છે એવાં બે ઇન્દ્રિયથી માંડી અને પાંચ ઇન્દ્રિયના જીવોનું નામ ના દેવાય.”

માંસાહાર કરતા પહેલાં, કતલખાનામાં જ્યાં પ્રાણીઓને મારવામાં આવે છે, તે જઈને જોવું જોઈએ. આજકાલ તેના વિડીયો પણ ઈન્ટરનેટ ઉપર જોવા મળે છે. કૂકડો કપાતો હોય અને એની ચીસાચીસ સંભળાતી હોય તો કોઈ પણ માનવતાભર્યા હૃદયમાં એટલી બધી લાગણી થાય કે સહન જ ના થાય. પ્રાણીઓને કઈ રીતે રાખવામાં આવે છે, તેમની સંખ્યા વધારવા કયા ઉપાયો થાય છે, ઈંડાં ન મૂકતી મરઘી કે દૂધ ન આપતી ગાયને કઈ રીતે રહેંસી નાખવામાં આવે છે, આ બધું જોઈએ તો શોખને ખાતર કે દેખાદેખીથી માંસાહાર કરવામાં સંયમ આવી શકે છે.

જો મરઘી, ડુક્કર, ગાય જેવા પંચેન્દ્રિય પ્રાણીઓની કતલ થતી હોય ત્યારે તેમનું લોહી જોઈને ગભરામણ થતી હોય, પ્રાણીઓની પીડા જોઈને અરેરાટી છૂટતી હોય તો પછી તેમનું માંસ ખાતી વખતે એ આર્તતા યાદ આવવી જોઈએ. જો પ્રાણીઓને જીવતા કાપવાની હિંમત ન થતી હોય તો તેમનું માંસ ન ખાવું જોઈએ.

કસાઈ કરતા માંસાહાર કરનારનો વધુ ગુનો

માંસાહાર કરનાર વ્યક્તિઓ ઘણી વખત એવી દલીલ કરે છે કે, પોતે તો પ્રાણીઓને મારતા નથી, કસાઈ મારે છે, તો પોતાને ગુનો કઈ રીતે? તો તેમના માટે પરમ પૂજ્ય દાદા ભગવાન અહીં સાચી સમજણ આપે છે.

પરમ પૂજ્ય દાદાશ્રી પાસે એક કસાઈ આવ્યા હતા. તેઓએ પરમ પૂજ્ય દાદાશ્રી પાસેથી જ્ઞાન લીધેલું હતું, પણ છતાં તેનો કસાઈનો ધંધો ચાલુ જ રાખ્યો હતો. કોઈએ પરમ પૂજ્ય દાદાશ્રીને પૂછ્યું કે એ કસાઈની શું દશા થાય? જવાબમાં તેઓશ્રીએ નીચેની હકીકત ખુલ્લી કરી હતી.

દાદાશ્રી: પણ કસાઈની દશા શું ખોટી છે? કસાઈએ શું ગુનો કર્યો છે? કસાઈને તમે પૂછો તો ખરાં કે, ‘ભાઈ, તું કેમ આવો ધંધો કરે છે?’ ત્યારે એ કહેશે કે, ‘ભાઈ, મારા બાપ-દાદા કરતા હતા, તેથી હું કરું છું. મારા પેટને માટે, મારાં છોકરાનાં પોષણ માટે કરું છું.’ આપણે પૂછીએ, ‘પણ તને આ શોખ છે?’ ત્યારે એ કહે, ‘ના, મને શોખ નથી.’ એટલે આ કસાઈ કરતાં તો માંસાહાર ખાનારને વધારે પાપ લાગે છે. કસાઈને તો એનો ધંધો જ છે બિચારાનો.

કસાઈ કરતા વધારે ગુનો, જેમના કારણે આ કામ કરવું પડે છે, તે માંસાહાર કરનારને લાગુ પડે છે. ભોજનના આટલા બધા શાકાહારી વિકલ્પો ઉપલબ્ધ હોવા છતાં, જીભના સ્વાદ કે શોખ માટે માંસાહાર કરનાર વ્યક્તિને વધારે જોખમ છે. જ્યારે, હિંસા કરવા પાછળ કસાઈનો પોતાનો શોખ નથી, પૈસા કમાવાની મજબૂરી છે. માંસાહાર કરનાર આ હિંસાને અનુમોદના આપે છે, તેનો ગુનો બંધાય છે.

એટલે આ હિંસાનું સૌથી વધુ ફળ માંસાહાર કરનારને ભાગે આવે છે. ખાનારના હિસાબે મારનારને મારવું પડે છે, તેથી મારનારને તેનો ગુનો લાગુ પડે છે. આ બે ઉપરાંત, પ્રાણીઓને ઉછેરનાર, એમને મારવાના હથિયાર બનાવનાર, એમનું ટ્રાન્સપોર્ટ કરનાર, એમને કોલ્ડ સ્ટોરેજમાં રાખનાર, માંસ વેચનાર, ખરીદનાર, બનાવનાર, પીરસનાર બધાને ભાગે મોટી જવાબદારી આવે છે. ટૂંકમાં માંસાહારમાં હિંસા કરી, કરાવી, અનુમોદના કરી એના આધારે ગુનો બંધાય છે.

માંસાહાર એટલે બીજાનું નુકસાન કરીને મજા કરવી

મનુષ્ય પોતાના શોખ માટે માંસાહાર કરે છે, તેને પરમ પૂજ્ય દાદાશ્રીએ હાર્ડ (કઠણ) રૌદ્રધ્યાન કહ્યું છે. બીજાને નુકસાન કરવું એ રૌદ્રધ્યાન કહેવાય. એમાંય બીજાને નુકસાન કરીને પોતે ખુશ થવું, એને હાર્ડ રૌદ્રધ્યાન કહ્યું. ખાવાના શોખને માટે કરેલા રૌદ્રધ્યાનનું ફળ અધોગતિ આવે છે.

ચિકન (મરઘીના બચ્ચા)નો જીવ નીકળે છે ત્યારે તેનું માંસ ખાવા મળે છે. જેમને અહિંસાનું પાલન કરવું છે તેમને વિચાર આવવો જોઈએ કે આપણા બચ્ચાંને પોતાના શોખ માટે કોઈ મારી નાખે તો કેટલું દુઃખ થાય? તો મરઘીના બચ્ચાંને નહીં થતું હોય?

એટલું જ નહીં, આધ્યાત્મિક રીતે જોવા જઈએ તો કૂકડા, મરઘાં, બકરા, ડુક્કર, માછલાં એ બધા પ્રાણીઓ મનુષ્યમાંથી અધોગતિમાં ગયેલા, કે મનુષ્યગતિની લાયકાત ધરાવતા જીવો છે, એટલે મનુષ્યની નજીક આવેલા છે. તેમને મારવામાં મોટું નુકસાન છે.

માંસાહાર કરવાથી શું આંતરિક નુકસાન થાય છે તે આપણને પરમ પૂજ્ય દાદાશ્રી અહીં સમજાવે છે.

પ્રશ્નકર્તા: કહેવાય છે કે માંસાહાર કરવાથી નર્કગતિ થાય.

દાદાશ્રી: એ વાત તદ્દન સાચી છે અને ખાવાની બધી બહુ ચીજો છે. શું કરવા બકરાને કાપો છો? મરઘીને કાપીને ખાય છે તો એને ત્રાસ નહીં થતો હોય? એનાં માબાપને ત્રાસ નહીં થતો હોય? તમારા છોકરાને ખાઈ જાય તો શું થાય? એ માંસાહાર એ વિચાર્યા વગરનું છે બધું. નરી પાશવતા છે બધી, અવિચારુ દશા છે અને આપણે તો વિચારશીલ છીએ. એક જ દહાડો માંસાહાર ખાવાથી તો માણસનું મગજ ખલાસ થઈ જાય, પશુ જેવા થઈ જાય. એટલે મગજ જો સારું રાખવું હોય તો ઈંડાં ખાવા સુધીનું બંધ કરી દેવું જોઈએ. ઈંડાંથી નીચેની બધી પાશવતા જ છે.

ઘણા લોકોના ઘરમાં નોનવેજ ખોરાક (માંસાહાર) બનતો જ ના હોય. પણ તેઓ બહાર રેસ્ટોરેન્ટમાં કે પાર્ટીમાં ગયા હોય ત્યાં બીજાને નોનવેજ ખાતા જોઈને મન લલચાઈ જાય. ત્યારે એ ખ્યાલ રાખી શકાય કે બે ઈંચની જીભના સ્વાદ માટે, જે સ્વાદ બહુ લાંબો ટકવાનો નથી, તેના માટે કોઈ જીવને નુકસાન થતું હોય તો આપણને સુખ કઈ રીતે આવી શકે?

ખાવાનો શોખ હોય તેમના માટે વેજીટેરિયન ખોરાક (શાકાહાર)માં ઘણી સ્વાદિષ્ટ વાનગીઓ બને છે, તે ખાવામાં અને ખવડાવવામાં માંસાહાર જેટલો મોટો ગુનો નથી લાગતો.

માંસાહાર પાછળની પ્રચલિત માન્યતાઓ

કેટલાક લોકો એમ કહે છે કે અમે શોખ માટે નહીં પણ શરીરને જરૂરી પ્રોટીન કે પોષકતત્ત્વો મળી રહે તે માટે માંસાહાર કરીએ છીએ. તેમાં શું ગુનો છે? કેટલાક એમ પણ કહે છે કે ભગવાને આ દુનિયા બનાવી, બકરા જેવા પ્રાણીઓ અને માછલાં બનાવ્યા એ મનુષ્યને ખાવા માટે જ બનાવ્યા છે. પરમ પૂજ્ય દાદા ભગવાન આ બધી માન્યતાઓ સામે તાર્કિક અને વૈજ્ઞાનિક પુરાવા આપે છે.

જો શક્તિ મેળવવા માટે માંસાહાર કરવામાં આવતો હોય તો એ જાણવું જોઈએ કે શક્તિશાળી પ્રાણીઓ જેમ કે હાથી, ઘોડા, હિપોપોટેમસ બધા જ સંપૂર્ણ શાકાહારી પ્રાણીઓ છે. આ પ્રાણીઓ બહુ ભૂખ્યા થયા હોય ને તેમને માંસાહાર નાખીએ તો પણ તેઓ ન અડે.

જો ભગવાને આ દુનિયાના પ્રાણીઓ મનુષ્યને ખાવા માટે બનાવ્યા હોય, તો ડુક્કર, બકરા, ગાય કે મરઘી જ કેમ ખાય છે? મનુષ્યો બિલાડા, કૂતરાં કે વાઘને મારીને કેમ નથી ખાતા? જો ખાવા માટે જ દુનિયા બનાવી હોત તો બધી સરખી ખાવાલાયક જ બનાવી હોત. ઘઉંના છોડની સાથે સાથે કૂચ (નીંદણ) પણ ઊગે છે, એ આપણે ખાતા નથી.

પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, મનુષ્યનું શરીર માંસાહાર નહીં પણ શાકાહાર કરવા માટે બનેલું છે. માંસાહારી પશુઓના દાંત મોટા હોય, ચીરવાના દાંત બહાર હોય અને નખ લાંબા વળેલા હોય. જેનાથી તેઓ શિકારને ચીરીને ફાડી શકે. જ્યારે મનુષ્યના દાંત અને નખ એવા નથી. બીજું, માંસાહારી પ્રાણીઓ જેમ કે, વાઘ કે સિંહ આખી જિંદગી ક્યારેય ઘાસ નથી ખાતા. અને શાકાહારી પ્રાણીઓ જેમ કે, ગાય, ભેંસ, બકરી આખી જિંદગી ક્યારેય માંસાહાર નથી કરતા.

હિંસક પ્રાણીઓ જેવા કે વાઘ અને સિંહ પાડા જેવા પશુઓનો શિકાર કરીને ખાઈ જાય છે, એ ભૂખને મારવા ખાય છે. ભૂખ લાગે, એની તરફડામણ થાય, એટલે મારીને ખાય. પણ શિકાર કર્યા પછી બીજા કેટલાય દિવસો સુધી તેઓ બીજું પ્રાણી ખાતા નથી. ફક્ત મનુષ્ય શોખ ખાતર શાકાહારી શરીરરચના હોવા છતાં વારંવાર માંસાહાર કરે છે.

આજકાલ હિંદુ કે જૈન ધર્મ પાળતા લોકો જેમને ત્યાં માંસાહાર નથી થતો તેમના બાળકો માંસાહાર ખાતા થઈ ગયા છે. તેમને સાચી સમજણ આપતા પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે, ઘરમાં તમારા માતા-પિતા કે બાપ-દાદા માંસાહાર ન કરતા હોય તેમણે તો માંસાહાર ન જ કરવો જોઈએ. કારણ કે, માતા જો માંસાહાર ન કરતી હોય તો તેનું દૂધ પીનાર બાળક પણ માંસાહાર ન કરી શકે. પોતાના લોહીમાં માંસાહાર ન આવ્યો હોય તો તેનું પાચન ન કરી શકે. આજે પાચન થયેલું લાગે તો પણ લાંબા અંતરે છેવટે પોતાને નુકસાન આવીને ઊભું રહેશે. એટલે એવી વ્યક્તિઓએ માંસાહાર ન કરે તે ઉત્તમ છે. આજે ને આજે માંસાહાર ન છૂટે તો પણ “આ ખોટું છે અને છૂટે તો ઉત્તમ છે” એવી ભાવના રાખવી.

દૂધ પીવામાં હિંસા નથી

દૂધ પણ પ્રાણીઓમાંથી મળતો ખોરાક છે. આજકાલ દૂધ પીવામાં હિંસા થાય છે તેવી માન્યતા પ્રચલિત થઈ છે. તેમાં પરમ પૂજ્ય દાદા ભગવાન આપણને સાચી સમજણ આપે છે.

પ્રશ્નકર્તા: પણ દૂધ તો વાછરડા માટે કુદરતે મૂક્યું છે. આપણા માટે નથી મૂક્યું.

દાદાશ્રી: વાત જ ખોટી છે. એ તો જંગલી ગાયો ને જંગલી ભેંસો હતી ને, તેને પાડુ ધાવે, તે બધું દૂધ પી જાય. અને આપણે ત્યાં તો આપણા લોકો ગાયને ખવડાવીને પોષે છે. એટલે વાછરડાને ધવડાવવાનુંય ખરું અને આપણે બધાએ દૂધ લેવાનુંય ખરું. અને તે આદિ-અનાદિથી આ વ્યવહાર ચાલુ છે. અને ગાયને વધારે પોષણ આપેને, તો ગાય તો ૧૫-૧૫ લિટર દૂધ આપે છે. કારણ કે એને ખવડાવવાનું જેવું સરસ ખવડાવીએ એટલું એનું દૂધ નોર્મલ જોઈએ, તેના કરતાં ઘણું વધારે હોય. એવી રીતે લેવાનું અને બચ્ચાને ભૂખ્યું મારશો નહીં.

ચક્રવર્તી રાજાઓ તો હજાર-હજાર, બબ્બે હજાર ગાયો રાખતા. એને ગોશાળા કહેતા હતા. ચક્રવર્તી રાજા દૂધ કેવું પીતા હશે? કે હજાર ગાયો હોય ગોશાળામાં, એ હજાર ગાયોનું દૂધ કાઢે, તે સો ગાયોને પાઈ દે. એ સો ગાયોનું દૂધ કાઢવાનું, તે દસ ગાયોને પાઈ દે. એ દશ ગાયોનું દૂધ કાઢવાનું તે એક ગાયને પાવાનું અને એનું દૂધ ચક્રવર્તી રાજા પીતા હતા.

એટલે પશુઓને ત્રાસ આપ્યા વગર, પ્રમાણ સાચવીને, વાછરડાને ધવડાવીને પછી દૂધ અને દૂધની વાનગીઓ લેવામાં આવે તો તેમાં હિંસા નથી. પાચનના હેતુથી દૂધ પીવું કે નહીં એ દરેકનો પોતાનો નિર્ણય છે. પણ ગાય કે ભેંસના બચ્ચાઓ માટે પર્યાપ્ત દૂધ રાખીને જો દૂધ પીવામાં આવે તો એમાં માંસાહાર જેટલો હિંસાનો ગુનો નથી લાગતો.

માંસાહારથી આધ્યાત્મમાં પ્રગતિ રૂંધાય

માંસાહાર કરવાથી આધ્યાત્મની ધારણશક્તિ ઘટે છે. પરમ પૂજ્ય દાદાશ્રી આ વિશે અહીં સ્પષ્ટીકરણ કરે છે.

પ્રશ્નકર્તા: આ માંસાહારની આધ્યાત્મિક વિચારોમાં કંઈ અસર થાય ખરી?

દાદાશ્રી: ચોક્કસ. માંસાહાર એ સ્થૂળ ખોરાક છે, એટલે અધ્યાત્મની બુદ્ધિ ઉત્પન્ન ના થાય. અધ્યાત્મમાં જવું હોય તો લાઈટ ફૂડ જોઈશે કે જેનાથી મદ ચઢે નહીં ને જાગૃતિ વધે.

તેઓશ્રી આગળ તેનું કારણ સમજાવતા કહે છે કે, “વેજીટેરિયન ફૂડ હોય છે એનું આવરણ પાતળું હોય છે એટલે એ જ્ઞાનને સમજી શકે, બધું આરપાર જોઈ શકે અને પેલું માંસાહારીને જાડું આવરણ હોય.”

માંસાહારમાં જીવને મારવાનો દોષ તો બેસે છે, પણ તેના કરતા વધારે નુકસાન અંદર પોતાના આત્મા ઉપર જ આવરણ આવે છે તેનું થાય છે. એ આવરણને કારણે પછી જ્ઞાનની ગુહ્ય વાતો સમજવામાં અવરોધ ઊભો થાય. જે લોકો શાકાહારી હોય છે તેમનો ગ્રાસ્પિંગ પાવર વધુ હોય છે, એટલે વ્યવહારની કે અધ્યાત્મની વાતો તેઓ ઝડપથી સમજી જાય.

આ દુનિયામાં મોટા શક્તિશાળી જીવો નાના, નબળા જીવોને ખાય અને એ નાના જીવો એનાથીય નાના જીવોને ખાય. એમ કરતા કરતા આખા જગતનું આહારચક્ર ચાલી રહ્યું છે. પ્રાણીઓ પ્રાણીઓ વચ્ચેની હિંસામાં આપણે જોખમદાર નથી. પણ ફક્ત જ્યારે મનુષ્ય તરીકે જન્મ થાય છે, ત્યારે આહારનો વિવેક જાળવવો હિતકારી છે.

શાકાહારમાં ગુનો ઓછો

મનુષ્યને જીવન જીવવા માટે ખોરાક લીધા વગર છૂટકો જ નથી. પાછું દુનિયામાં જીવ ના હોય તેવી નિર્જીવ વસ્તુ ખવાય જ નહીં. જીવવાળો ખોરાક લઈએ છીએ તેનાથી જ શરીરને પોષણ મળે છે. એટલે મનુષ્યને એકેન્દ્રિય જીવ એટલે કે વનસ્પતિ, ફળ, ફૂલ, શાકભાજીનો આહાર તરીકે ઉપયોગ કરવાની છૂટ છે કારણ કે, એકેન્દ્રિય જીવોમાં લોહી, પરુ, માંસ નથી.

પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે, માંસાહાર અને ઈંડાં કોઈ દિવસ ન ખાવા. અહિંસાના ઉપાયો બતાવતા તેઓશ્રી એમ પણ કહે છે કે, આહારમાં ઊંચામાં ઊંચો આહાર કયો? એકેન્દ્રિય જીવોનો! બે ઇન્દ્રિયથી ઉપરના જીવોના આહારનો, જેને મોક્ષે જવું છે એને અધિકાર નથી. એટલે બે ઇન્દ્રિયથી વધારે ઇન્દ્રિયોવાળા જીવોની જવાબદારી આપણે ના કરવી જોઈએ. કારણ કે જેટલી એની ઇન્દ્રિય એટલા પ્રમાણમાં પુણ્યની જરૂર છે, એટલું માણસનું પુણ્ય વપરાઈ જાય ને!

×
Share on