Related Questions

અહિંસાનું પાલન કઈ રીતે કરવું?

અહિંસાનું પાલન કરવા માટે સૌથી પહેલા હિંસા એટલે શું એ જાણવું પડે. હિંસા કઈ રીતે નુકસાન કરે છે? અને ખરી અહિંસા એટલે શું? એ જ્ઞાન આપણે જાણીએ, પછી એના ઉપર શ્રદ્ધા બેસે તો જ અહિંસા વર્તનમાં આવે અને હિંસા અટકે. એટલે અહિંસાના પાલન માટે સૌથી પહેલા સાચી સમજણ પ્રાપ્ત કરવી જોઈએ.

આપણા મન-વચન-કાયાથી એટલે કે, આપણા વિચારોથી, આપણી વાણીથી કે આપણા વર્તનથી કોઈ પણ જીવને કિંચિત્‌માત્ર દુઃખ થવું એ હિંસા છે. હિંસા કરવાથી પાપકર્મ બંધાય છે જેના પરિણામે આપણને જ દુઃખ ભોગવવું પડે છે.

“કોઈ પણ જીવને આપણા મન-વચન-કાયાથી કિંચિત્‌માત્ર દુઃખ ન થાય એ ખરી અહિંસા છે.”

પંચેન્દ્રિય જીવોની હિંસામાં જાગૃત રહેવું

અહિંસાના પાલનમાં સૌથી પહેલા મનુષ્યોને દુઃખ ના થાય એ જાગૃતિ રાખવાની છે, કારણ કે એને મોટી હિંસા કહી છે. તેમાંય આપણા ઘર કે કુટુંબની નજીકની વ્યક્તિઓને દુઃખ ના થાય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ત્યારબાદ આપણને જે કોઈ વ્યક્તિઓ જીવનમાં ભેગી થાય તે દરેકને દુઃખ ના આપવું જોઈએ.

મનુષ્ય પછી પંચેન્દ્રિય જીવોને નુકસાન ના થાય તે જોવું જોઈએ. ત્યારબાદ અનુક્રમે ચાર ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, બે ઇન્દ્રિય અને એકેન્દ્રિય જીવોની અહિંસા પાળવી જોઈએ. તેમાંય ત્રસકાય જીવો, જેમને દુઃખ કે ભય લાગે છે, ત્રાસ પડતાં જે ભયથી ભાગે છે તેવા જીવોને બિલકુલ દુઃખ ના પહોંચાડવું જોઈએ.

એકેન્દ્રિય જીવોમાં સ્પર્શ ઇન્દ્રિય વિકાસ પામે છે. તેમાં વાયુકાય, તેઉકાય, અપકાય, વનસ્પતિકાય અને પૃથ્વીકાય જીવોનો સમાવેશ થાય છે. આ જીવોને ત્રાસ કે દુઃખ પડે તો ખસી નથી જતા એટલે સ્થાવર જીવો પણ કહેવાય છે. આ જીવોની હિંસા કરતા ત્રસકાય જીવોની હિંસામાં વધુ જોખમદારી આવે છે.

બે ઇન્દ્રિય જીવોમાં સ્પર્શ અને સ્વાદ (જીભ)ની ઇન્દ્રિય વિકાસ પામે છે. તેમાં અળસિયાં, કરમિયાં, કોડી, છીપલાં, શંખ વગેરેનો સમાવેશ થાય છે. ત્રીજી નાકની ઇન્દ્રિય વિકાસ પામે છે. ત્રણ ઇન્દ્રિય જીવોમાં જૂ, લીખ, માંકડ, કીડી, મકોડા, ઇયળ, ધનેરા, ઊધઈ, કાનખજૂરા, ગોકળગાય વગેરેનો સમાવેશ થાય છે. ચાર ઇન્દ્રિય જીવોમાં આંખની ઇન્દ્રિય વિકાસ પામે છે, જેમાં મચ્છર, માખી, પતંગિયાં, ફૂદાં, કરોળિયા, ભમરાં વગેરે સમાવેશ પામે છે. છેલ્લે કાનની ઇન્દ્રિય વિકાસ પામે છે, જેમાં કેટલાક જીવોને કાણાં હોય છે. કાણાંવાળા જીવો ઈંડાં મૂકે અને કાનવાળા જીવો બચ્ચાંને જન્મ આપે છે. સાપ, ઉંદર, ખિસકોલી, ગરોળી, ચામાચીડિયાં અને તમામ પશુ-પક્ષી તેમજ મનુષ્યો પંચેન્દ્રિય જીવોમાં આવે છે.

સ્થૂળ જીવોની હિંસામાં જોખમ છે, તેમાંય પંચેન્દ્રિય જીવોની હિંસામાં સૌથી વધુ જોખમ છે. આપણે એકેન્દ્રિય જીવોની અહિંસા ઉપર વધારે પડતો ભાર મૂકીને તેની ક્ષમાયાચના કરીએ, પણ બીજી બાજુ ઘરની વ્યક્તિઓ સાથે કકળાટ કરીને દુઃખ આપી દઈએ તો યથાર્થ અહિંસા નથી પળાતી. ઘરની વ્યક્તિઓ સાથે ઝઘડા કે ક્લેશ થાય, તો સૌથી પહેલાં તેની માફી માંગવી જોઈએ.

એકેન્દ્રિય જીવોની હિંસામાં સૌથી ઓછું પાપ બંધાય છે એટલે રસ્તે ચાલતા ઝાડના પાંદડા તોડીએ તેવા અનર્થકારી કાર્યો પણ ન કરવા જોઈએ. પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, “દાતણની જરૂર હોય તો તમારે ઝાડને કહેવું કે, ‘મને એક ટુકડો જોઈએ છે’ એવું માગી લેવું.

શરૂઆત ભાવ અહિંસાથી કરવી

હિંસાના બે ભાગ પડે છે. એક છે દ્રવ્યહિંસા અને બીજી છે ભાવહિંસા. જગત ખીચોખીચ જીવોથી જ ભરેલું છે. આપણે જીવોના દરિયામાં રહીએ છીએ. કેટલાક જીવો નરી આંખે જોઈ શકાય છે, જ્યારે ઘણા જીવો દેખાતાં જ નથી. તેવામાં દ્રવ્યહિંસાથી તો કોણ બચી શકે? એક વખત હાથ ફેરવીએ તો કેટલાય જીવો નાશ પામે છે. તો જીવોના આ દરિયામાં રહેવા છતાં યથાર્થ અહિંસાનું પાલન કેવી રીતે શક્ય છે?

ચાલીને જઈએ, વાહન ચલાવતાં હોઈએ ત્યારે કેટલાંય જીવો વટાઈ જાય છે. ઘરમાં કે અન્ય જગ્યાએ સાફ-સફાઈમાં પણ જીવોની હિંસા થાય જ છે. ખેતીવાડીના વ્યવસાયમાં પણ ક્યાંક ને ક્યાંક જાણ્યે અજાણ્યે હિંસા થઈ જતી હોય છે. તો આ હિંસાથી બચવા શું કરવું? આપણો પૂરેપૂરો ભાવ હોય અહિંસા પાળવાનો, તેમ છતાં ક્રિયામાં આપણે કેટલું અટકાવી શકીએ?

પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, આજની ક્રિયા એ પૂર્વના ભાવનું પરિણામ છે. પૂર્વે ભાવમાં લીકેજ રાખ્યું હોય કે “હિંસા થઈ જાય એમાં હું શું કરું?” તો એના પરિણામે આપણા નિમિત્તે આજે હિંસા થઈ જશે. માટે પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે “મારે અહિંસા પાળવી જ છે” એ ભાવ મજબૂત કરી નાખો. કોઈ જીવને કિંચિત્‌માત્ર દુઃખ ના થાય, હિંસા ન થાય એ ભાવ નક્કી કરો અને થઈ જાય તો માફી માંગી લો.

પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે,સવારના પહોરમાં બહાર નીકળતી વખતે ‘મન-વચન-કાયાથી કોઈ પણ જીવને કિંચિત્‌માત્ર દુઃખ ન હો’ એવી પાંચ વખત ભાવના કરી અને પછી નીકળવું. પછી કોઈને દુઃખ થઈ ગયું હોય, તે નોંધમાં રાખીને એનો પશ્ચાત્તાપ કરવો.

કોઈ જીવને દુઃખ ન હોજો, એમ ભાવના ભાવવાથી આપણી શ્રદ્ધા દ્રઢ થાય છે. પછી જ્યારે દુઃખ થઈ જાય ત્યારે સાચા હૃદયથી પસ્તાવો કરવાથી એ દોષ ફરી ન થાય તે માટે જાગૃતિ રહે છે. તેમ છતાં પ્રશ્ન થતો હોય કે સંપૂર્ણ અહિંસા કેવી રીતે શક્ય છે તો તેની યથાર્થ સમજણ આપણને પરમ પૂજ્ય દાદાશ્રીના નીચે આપેલા સંવાદમાંથી મળે છે.

પ્રશ્નકર્તા: આપણી આજુબાજુ સંકળાયેલા જીવોમાંથી કોઈ જીવને દુઃખ ના થાય એવું જીવન શક્ય છે ખરું? આપણી આજુબાજુમાં દરેક જીવને દરેક સંજોગમાં સંતોષ આપી શકાય?

દાદાશ્રી: જેને એવું આપવાની ઈચ્છા છે તે બધું કરી શકે છે. એક અવતારમાં સિદ્ધ નહીં થાય તો બે-ત્રણ અવતારમાંય સિદ્ધ થશે જ! તમારો ધ્યેય નક્કી હોવો જોઈએ, લક્ષ જ હોવું જોઈએ, તો સિદ્ધ થયા વગર રહેતું જ નથી.

ધારો કે, રસગુલ્લા કે એવી કોઈ વાનગી બનાવવાની હોય, તો કેટલીય વખત પ્રેક્ટિસ કરીએ, મહિનાઓ સુધી ઘરની વ્યક્તિઓ ઉપર અખતરો કરીએ, પછી પરફેક્ટ વાનગી આપણે મહેમાનને ધરીએ છીએ. જેમ કોઈ પણ નવી આવડત માટે આપણે નક્કી કરીએ કે “મારે શીખવું જ છે”, પછી ખૂબ મહાવરો કર્યા પછી જો તે સિદ્ધ થઈ શકે છે, તેમ “કોઈને દુઃખ ના હોજો” એ નક્કીપણું કાયમ રાખીએ તો એ પણ સિદ્ધ થઈ શકે છે. પણ એ નક્કીપણું કાયમનું હોવું જોઈએ. આપણી ભૂલ ક્યાં થાય છે કે નક્કી કર્યા પછી સંજોગોવશાત્ ભાવ બગડી જાય છે. “થાય હવે! વાહન ચલાવીએ તો જીવડાં વટાઈ જાય. આપણે કેટલું ધ્યાન રાખીએ? થોડું તો નુકસાન થાય.” એમ ભાવ બગડવાથી નક્કીપણું ટકતું નથી.

હિંસા અટકાવવા અહિંસક ઉપાયો કરવા

આપણો ભાવ “ચુસ્ત અહિંસા પાળવી છે” એમ ચોક્કસ હોય, પણ આપણી આસપાસની કોઈ વ્યક્તિ હિંસા થાય તેવા કાર્યો કરે ત્યારે શું કરવું? ધારો કે, કોઈ ઘરમાં માખી, મચ્છર કે વાંદા અને ગરોળી જેવા જીવોને મારતું હોય, તો તેમને કઈ રીતે સમજાવવા? એ પ્રશ્નનો જવાબ આપતા પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, આપણે ધીમે ધીમે તે વ્યક્તિને સાચી સમજણ પાડવી, જેથી એ માનતી થાય. આપણા પોઝિટિવ પ્રયત્નો હશે તો એક દિવસ તેનું ફળ મળશે.

પણ આપણે અહિંસાના આગ્રહી થઈ જઈએ અને હિંસાનું આચરણ કરતી વ્યક્તિ ઉપર અકળાઈ જઈએ તો એ ઊલટું આપણું નહીં સાંભળે. તેના બદલે પ્રેમથી એ વ્યક્તિને સમજણ પાડવી કે “કોઈ આપણને આ રીતે ડરાવે, મારી નાખે તો આપણને કેટલું દુઃખ થાય? તો આપણે પણ કોઈને ના મારવા જોઈએ.”

તેમ છતાં એ વ્યક્તિ ન માને તો શું કરવું તે માટે પરમ પૂજ્ય દાદા ભગવાન સુંદર ઉપાય નીચેના સંવાદમાં આપે છે, જે આપણી સત્તામાં છે.

પ્રશ્નકર્તા: હિંસા અટકાવવાના પ્રયત્નોમાં નિમિત્ત બનવા આપે અગાઉ સમજ આપી. જે અહિંસાના આચારને ન માનતા હોય તો તેમને પ્રેમપૂર્વક સમજાવીને વાત કરવી. પણ પ્રેમપૂર્વક સમજાવવા છતાં ન માને તો શું કરવું? હિંસા ચાલવા દેવી કે શક્તિ દ્વારા અટકાવવાનો પ્રયત્ન કરવો યોગ્ય ગણાય?

દાદાશ્રી: આપણે ભગવાનની ભક્તિ એવી રીતે કરવી, જે ભગવાનને તમે માનતા હોય તેની, કે ‘હે ભગવાન, દરેકને હિંસા રહિત બનાવો.’ એવી તમે ભાવના કરજો.

હિંસા અટકાવતા ક્રોધ કરીને સામાને દુઃખ આપી દઈએ તો પણ ગુનો લાગે છે અને હિંસા અટકાવીએ નહીં અને ચાલવા દઈએ તો પણ ગુનો લાગે છે. એટલે હિંસા અટકાવવાના પ્રયત્નોમાં છેવટે કોઈ ઉપાય ન મળે ત્યારે સાચા દિલથી પ્રાર્થના અને ભાવના કરીને છોડી દેવું જોઈએ.

હિંસા અટકાવવાના ઉપાયોમાં આપણે સંપૂર્ણ અહિંસક રહેવું જોઈએ. પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, સામો માણસ હિંસાનું હથિયાર વાપરે તો આપણે અહિંસાનું હથિયાર વાપરો, તો સુખ આવશે. નહીં તો હિંસાથી હિંસા કોઈ દહાડો બંધ થવાની નથી. અહિંસાથી હિંસા બંધ થશે.”

સૂક્ષ્મ હિંસા એટલે ક્રોધ, માન, માયા, લોભના કષાયો. જે લોકો સ્થૂળ હિંસા કરતા હોય એમની સામે આપણે ઉગ્ર થઈને એમ કહીએ કે, “તમે લોકો હિંસા કરો છો, નહીં ચલાવી લઈએ, બંધ કરો” તો એ પાછું હિંસામાં રહીને જ હિંસા અટકાવવા જઈએ છીએ. એટલે સામો આપણી વાત સ્વીકારશે નહીં અને હિંસા બંધ નહીં થાય. જેમ વેરથી વેર ના ટળે, પણ પ્રેમથી વેર ટળે. તેવી જ રીતે કષાય રહિત વ્યવહાર, પ્રેમ અને વીતરાગતા એ અહિંસક હથિયારો છે, જેના થકી ક્યારેક હિંસા બંધ થશે.

આપણી આસપાસ પંચેન્દ્રિય જીવોની હિંસા થતી હોય ત્યારે અહિંસાનું અનુમોદન ભાવના અને પ્રાર્થનાથી કરવું. તેઓશ્રી કહે છે કે, “હવે આ અબોલ પ્રાણીઓની હિંસા ના કરવી જોઈએ, ગૌહત્યા ન કરવી જોઈએ, એવી ભાવના આપણે કેળવવી અને આપણા અભિપ્રાય બીજાને સમજાવવા. જેટલું આપણાથી બને એટલું કરવું. એના માટે કંઈ બીજા જોડે લઢી મરવાની જરૂર નથી. કોઈ કહે કે, ‘અમારા ધર્મમાં કહ્યું છે કે અમારે માંસાહાર કરવો.’ આપણા ધર્મે ના પાડી હોય તેથી કરીને ઝઘડો કરવાની જરૂર નથી. આપણે ભાવના કેળવીને તૈયાર રાખવી એટલે જે ભાવનામાં હશે તે સંસ્કૃતિ ચાલશે.

અભયદાન આપવું

અભયદાન એ તો મોટામાં મોટું દાન છે. અભયદાન એટલે કોઈ પણ જીવ આપણાથી ભય ના પામે. અભયદાન કોને આપવાનું છે? જે જીવો ભય પામી શકે એવા છે, ત્રાસ પામે છે તેવા જીવને અભયદાન આપવું. જેમ કે, નાની કીડીને પણ આપણે હાથ અડાડીએ તો એ ભય પામે છે, એટલે એને અભયદાન આપવું જોઈએ.

જીવોને અભયદાન કઈ રીતે આપી શકાય? કોઈ જગ્યાએ ચકલી, કબૂતર જેવા પક્ષીઓ બેઠા હોય, તો એ ઊડી જશે એમ વિચારીને આપણે ધીમે રહીને બીજી બાજુથી જતા રહેવું. રાત્રે બાર વાગે રસ્તેથી પગપાળા પસાર થઈએ અને બે કૂતરાં ઊંઘી ગયા હોય તો આપણા બૂટથી એ ખખડીને જાગી ઉઠશે, એમ વિચારીને બૂટ પગમાંથી કાઢી લઈ અને ધીમે ધીમે ઘેર આવવું. કોઈ મનુષ્ય કે કોઈ પણ જીવ આપણાથી ભડકે, એને માનવતા કઈ રીતે કહેવાય?

છેલ્લામાં છેલ્લી અહિંસા, સમર્થ છતાં હથિયાર ન ઉગામવા

તીર્થંકર ભગવંતો, જે સ્થૂળ, સૂક્ષ્મ, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ હિંસાથી પર થયા છે, તેમનો નિર્વાણ પહેલાં છેલ્લો શ્વાસ છૂટે છે, જેમાં વાયુકાય જીવોની હિંસા છે. જો એ હિંસાનું ભગવાનને કર્મ બંધાતું હોય તો એ ભોગવવા ફરી જન્મ ના લેવો પડે? તો પછી મોક્ષ કઈ રીતે શક્ય બને! માટે એમની પાસે એવી કોઈક પ્રાપ્તિ હોવી જોઈએ જેનાથી ક્રિયા કરવા છતાં તેઓ અહિંસક રહ્યા અને કર્મથી મુક્ત રહીને મોક્ષે જઈ શક્યા.

જ્યાં પોતે બધી રીતે બળવાન છે, પોતાની પાસે બધા હથિયારો હાથમાં છે, છતાં સામેથી કોઈ મારવા આવે પણ પોતે હથિયાર ના ઉગામે; એટલું જ નહીં, મનથી પણ પ્રતિકાર ના કરે એ છેલ્લામાં છેલ્લી અહિંસા છે! જ્ઞાની પુરુષો અને તીર્થંકરો સંપૂર્ણ રીતે અહિંસક હોય. તીર્થંકર ભગવાન તો બધી રીતે શક્તિશાળી હોય, સામાને મારવાની કે હરાવવાની પૂરેપૂરી ક્ષમતા હોય છતાં હથિયાર હેઠા મૂકીને વીતરાગ થઈને બેઠા હોય.

કારણ કે તેઓ પોતે આત્મસ્વરૂપ થયા છે. આત્મસ્વરૂપમાં કોઈની હિંસા થઈ શકે જ નહીં. દેહને “હું છું” માનવું ત્યાં સૂક્ષ્મતમ હિંસા થાય છે અને આત્મસ્વરૂપ થવું એ સૂક્ષ્મતમ અહિંસા છે. આત્મસ્વરૂપમાં લીન થઈએ તો જ દેહ હોવા છતાં નિર્વાણ શક્ય બને છે.

×
Share on