ચોવીસમા તીર્થંકર શ્રી મહાવીર સ્વામી: પાંચ મહાવ્રતો

શ્રી ભગવાન મહાવીરના મૂળ માતા દેવાનંદા અને પિતા ઋષભદત્તનો જીવન પરિચય આપણે મેળવ્યો. આગળ, ભગવાન મહાવીરે આપેલાં પાંચ મહાવ્રતો પર શું સમજણ આપી એ વિશે વાંચીએ.

ભગવાન મહાવીરે પ્રબોધેલા પાંચ મહાવ્રતો – અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ છે.

ભગવાનના મહાવ્રતો અંગેની વાત બહુ જ સુંદર અને સૈદ્ધાંતિક છે. મોક્ષમાર્ગમાં આગળ વધવા માટે, આ પાંચ મહાવ્રતો પાળીને એમાં પ્રગતિ કરતાં કરતાં છેવટે આત્મજ્ઞાન પામીને કેવળજ્ઞાન પામવા માટેનો માર્ગ છે.

૧) પાંચ મહાવ્રતોમાં પહેલું અહિંસા છે. ભગવાન મહાવીરે હિંસાની સામે અહિંસા મહાવ્રત આપેલું, અમારિનો ધર્મ આપેલો. એ વાત સમજમાં આવવી બહુ અઘરી છે. સ્થૂળ હિંસાથી લઈને સૂક્ષ્મતમ હિંસા સુધી આપણે હિંસા અને અહિંસાનો ભેદ સમજવાનો છે. સ્થૂળ હિંસા તો આપણાથી કેટલી બધી થતી હોય છે. આપણાથી જાણ્યે-અજાણ્યે કેટલા બધા જીવો મરી જતાં હોય છે.

આપણે જાણીને થતી હિંસામાંથી બચવું જોઈએ. મચ્છર, કીડી, વંદા વગેરે જેવા જીવજંતુઓ મારવાથી ખૂબ પાપ બંધાય છે. આ જીવજંતુઓને દવા નાખીને ના મરાય. સામાન્ય રીતે, લોકોને ખબર જ નથી હોતી કે આ રીતે જીવજંતુઓ મારવા એ હિંસા કહેવાય. હિંસાનું ફળ એ આવશે કે આપણને નરકમાં જવું પડશે.

માંસાહાર અને દારૂમાં ભયંકર હિંસા છે. મોટા મોટા વેપારમાં હિંસા, બુદ્ધિથી પૈસો ખેંચવો, ઉપરાંત વસ્તુમાં તથા ખાવામાં ભેળસેળ થતી હોય છે. ખાવાની વસ્તુમાં ભેળસેળ એટલે ધીમું ઝેર જ થયું. એનાથી ભયંકર ખરાબ ગતિ બંધાય છે, કારણ કે માણસના સ્વાસ્થ્ય સાથે, એના જીવન સાથે ખેલ ખેલાય છે. એના આયુષ્યના ૧૦-૧૫ વર્ષ ખવાઈ જાય છે. મોટાપાયે ધંધા કરનારાની મોટી ભેળસેળથી લાખો શું કરોડો લોકોને નુકસાન થાય છે. આનાથી ધીમા ઝેરનો દોષ લાગે છે. પરિણામે ભાવ તો બીજાને મારી નાખવાનો જ કર્યો ને! અનાજમાં, મરચામાં, ઘીમાં, ખાદ્યતેલમાં અખાદ્યતેલની ભેળસેળ! અને પછી પાપો ધોવા લોકો ઉપવાસ કરતાં હોય છે. આવી રીતે પાપ ના ધોવાય. પાપો તો પશ્ચાત્તાપથી ધોવાય અને એમાંથી પાછા વળાય તો ધોવાય; ફરી એવું ના થાય તો ધોવાય. આ તો ભગવાનને છેતરવાની વાત છે!

આવી વૃત્તિઓ જ નરકે લઈ જશે અને વગર કામનું ભોગવવાનું આવશે. આપણે વિચાર કરીએ કે આ કાળા-ધોળા, ખોટું કરીને આપણે પોતે કેટલું વાપરીએ છીએ? પોતાના માટે વાપરવા કરતાં પૈસા તો બીજા માટે બેફામ જ વપરાઈ જાય છે. પોતાના ભાગે બીજું કંઈ નહીં પણ કાળું કરેલું આવશે.

૨) બીજું મહાવ્રત સત્ય છે. મૂળ શબ્દ, સ‌ત્‌માંથી સત્ય થયેલું છે. સંસ્કૃતનો શબ્દ, મૂળ ધાતુ, સત્ છે. સ‌ત્‌નો અર્થ અવિનાશી થાય. અવિનાશી એટલે શાશ્વત, કાયમનો; જેનો ક્યારેય અંત નથી આવતો. આ જગતમાં આત્મા, આપણું સ્વરૂપ, એ જ એક ખરું પરમ સત્ છે. પછી બીજા પાંચ અવિનાશી તત્ત્વો છે જેવા કે, જડ તત્ત્વ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, કાળ તત્ત્વ અને આકાશ તત્ત્વ. આમાં ખાસ કરીને આત્મતત્ત્વની બહુ જ કિંમત છે. કારણ કે એ છ તત્ત્વોમાંથી આપણે પોતે જે છીએ; એને સત્ કહ્યું છે. સત્ જ્યારે વ્યવહારમાં આવે છે ત્યારે એને સત્ય કહેવામાં આવે છે. સત્ અને સત્યમાં બહુ ફેર છે. આપણા લોકો સામાન્ય રીતે પરમ સત્ય ને સત્ય કહે છે. પણ વાસ્તવિકતામાં પરમ સત્ય એ સત્ય નથી પણ સત્ છે, જે અંતિમ છે અને શાશ્વત છે.

સાપેક્ષ વ્યવહારમાં સત્ય શબ્દ વપરાય છે. સત્ય બે પ્રકારના છે: એક રિલેટિવ સત્ય અને બીજું રિયલ સત્ય જેને સત્ કહેવામાં આવે છે. રિલેટિવ સત્ય એટલે દરેકના વ્યૂ પોઈન્ટનું, પોતપોતાનું માનેલું સત્ય છે; એ શાશ્વત નથી. દાખલા તરીકે, પશ્ચિમી દુનિયાની દૃષ્ટિએ માંસાહાર કરો; એમાં કોઈ પાપ નથી, જ્યારે આપણા ભારતવર્ષમાં માંસાહારને પાપ ગણવામાં આવે છે – આને સાપેક્ષ સત્ય કહેવાય છે.

બીજા દાખલાથી સમજીએ – બે લીટી હોય – એક નાની છે અને એક મોટી. તો મોટી લીટી શેના આધારે છે? નાની લીટીના આધારે. બીજી લીટી નાની છે તો પહેલી મોટી કહેવાય. લીટી એકલી હોય તો એને કેવી રીતે નાની કે મોટી કહેવાય!

જગત આખું સાપેક્ષ સત્ય છે. એક એટલે નિરપેક્ષ. નિરપેક્ષ સત્ય એકલું શાશ્વત તત્ત્વ છે જે આત્મ પ્રાપ્ત કર્યા પછી જ સમજાય એવું છે. રિયલ સત્ય એટલે એક જ સર્વત્ર; બધા જ એનો સ્વીકાર કરે. જ્યારે સાપેક્ષ સત્ય ઘણા બધા આધારવાળું છે. સત્યના આધારે અસત્ય રહેલું છે. એટલે સત્ય અને અસત્ય બંને સાપેક્ષ છે; એકબીજાને આધારિત છે. ઘણાને વ્યવહારમાં એવો પ્રશ્ન ઊભો થાય છે, “અમારે વ્યવહારમાં જૂઠું તો બોલવું જ પડે ને! અસત્ય તો અમારે બોલવું પડતું હોય છે. તો શું કરવું જોઈએ? સત્યને પકડી રાખવું જોઈએ?”

તો સત્ય સરસ રીતે બોલવાની એક પદ્ધતિ છે. પરમ પૂજ્ય દાદા ભગવાને બહુ સરસ કહ્યું છે કે સત્ય બોલો પણ એ હિત, મિત અને પ્રિય હોવું જોઈએ. હિત એટલે હિતકારી હોવું જોઈએ. આપણે સત્ય બોલીએ તો સામાને હિતકારી થવું જોઈએ. મિત એટલે ટૂંકમાં બોલવું જોઈએ. સામને દુઃખ લાગે એવું નગ્ન સત્ય ના બોલાય; ઢાંકેલું બોલાય એટલે કે સત્ય પ્રિય હોવું જોઈએ. એવું બોલો કે સામાને પ્રિય લાગે. અહંકારે કરીને આપણે એવું ના બોલવું કે આપણાથી સામાને ઘા વાગી જાય. આપણે મઠારેલું સત્ય બોલવું જોઈએ. હિત, મિત અને પ્રિત સાથે હોય એને ખરું સત્ય કહેવાય છે.

જ્યારે જૂઠું બોલાય છે ત્યારે અંદર એટલી જાગૃતિ ચોક્કસ રાખવી કે જૂઠું બોલવાથી સામાનો આપણા પરથી સો ટકા વિશ્વાસ ઊડી જશે. મહાપરાણે, આપણે કોઈના વિશ્વાસપાત્ર થઈએ છીએ અને ત્યાં જો જૂઠું બોલીએ તો એમનો આપણા પરથી વિશ્વાસ ઊડી જાય છે. જૂઠું હંમેશા ઉઘાડું થયા વગર રહે જ નહીં; એ કાયમનું ઢાંકેલું ના રહી શકે. જ્યાં સુધી પુણ્યનો ઉદય હોય ત્યાં સુધી જૂઠું સચવાઈ રહે છે. જે ચોરી કરીને પણ પકડાતા નથી એ એમનો પુણ્યનો ઉદય છે એટલે. જો પુણ્યનો ઉદય પરવારશે ત્યાં એ તરત પાપના ઉદયમાં પકડાઈ જ જશે. એટલે જૂઠ, ચોરી બધું પુણ્ય અને પાપના આધારે ટકી રહેલું છે. એની પર ભરોસો કરવા જેવો નથી.

ધારો કે, સંજોગવશાત્ જૂઠું બોલવું પડતું હોય અથવા તો આદતના હિસાબે બોલી જવાતું હોય તો આપણે એ જાગૃતિ રાખવાની જરૂર છે કે જૂઠું બોલાઈ ગયા પછી તરત જ અંદર પશ્ચાત્તાપ થવો જોઈએ. પહેલાં તો નિશ્ચય કરવો જોઈએ, “મારે કોઈને દુઃખ થાય એવું બોલવું નથી અને મારે જૂઠું બોલવું નથી; મારે ચોરી કરવી નથી. મારે સાચા રસ્તે જ ચાલવું છે.” આવો પહેલાં દૃઢ નિશ્ચય કરવો. સવારના પાંચ વખત દિલથી પાકો નિશ્ચય કરવો કે આ તો ન જ કરવું જોઈએ. તેમ છતાંય જો થઈ જાય તો અંદર પશ્ચાત્તાપ કરવો જોઈએ કે આ ખોટું થયું અને ફરી આવું નહીં કરું, આવી સાચા દિલથી માફી માંગવી. જ્યાં આપણે નિશ્ચય કરીએ કે મારે જૂઠું નથી બોલવું ત્યારે એ સંબંધી આપણો અભિપ્રાય બદલાય છે. અભિપ્રાય આખો બદલાય, ભાવ આખો ફેરફાર થઈ જાય, સત્યના માર્ગે વળે તો આવતા ભવમાં એનું પરિણામ આવીને ઊભું રહે છે. આ ભવમાં પણ એ અંદર તો જબરજસ્ત સત્યનો ચાહક થઈ જાય છે. બહારથી ના હોય તો પણ અંદર ખરેખર એને બહુ ફેરફાર થઈ જાય છે અને એને જીવનમાં સાચો રસ્તો પકડાઈ જાય છે. ક્યાંય પણ ઊંધુંચતું થતું હોય તો અંદરથી ભાવ ફેરવવાના છે.

ઘણાને સાચુંખોટું કરવું પડતું હોય છે; મોટા અધિકારીઓ લાંચ માંગતા હોય છે. જો લાંચ ના આપે તો ધંધો ઠપ થઈ જાય. પણ જો આપણો ધ્યેય હોય કે ના મારે જૂઠું કરવું જ નથી, એને થોડી મુશ્કેલીઓ આવશે, અડચણોય આવશે, પણ જેને ધ્યેય નક્કી છે એને એવા સંજોગો મળી જ આવશે. એને સારા માણસો પણ મળી આવશે અને બધું સારું સારું જ મળી આવશે. એને ધંધો પણ એવો મળી આવશે કે ખોટું ના કરવું પડે.

માણસે જીવનમાં સત્ય અપનાવવાનો નિશ્ચય કરવો જોઈએ. આપણા પોતાના નીતિ માટેના સત્યનો આગ્રહ પકડી રાખવો જોઈએ. પણ કોઈ વ્યક્તિ સાથેના વ્યવહારમાં આપણાથી એને દુઃખ થાય અથવા એનું ભયંકર અહિત કે નુકસાન થાય તો એવા સત્યને ખરેખર સત્ય નથી કહેવાતું; એ અસત્યમાં જતું રહે છે. જ્યારે મોક્ષમાર્ગમાં આત્માની વાત આવે છે, ત્યારે આ બધું સાપેક્ષ સત્ય થાય છે. આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી આ બધો વ્યવહાર રિલેટિવ છે, સાપેક્ષ છે. જ્યારે સત્યનો આગ્રહ છૂટે ત્યારે સંપૂર્ણ વીતરાગ દશા પ્રાપ્ત થાય છે.

વીતરાગો અને તીર્થંકરોને સત્યનો આગ્રહ કિંચિત્‌માત્ર નથી હોતો. પોતાના વાતની, મતની અને વિચારોની પકડ નથી ત્યારે વીતરાગ દશા આવે છે. તેઓ પોતાની ભૂલ થઈ હોય તો એનું ક્યારેય ઉપરાણું નથી લેતા. મોક્ષે જનારાઓનો આ લક્ષણો હોય છે.

આપણે પોતાના મતને જ સત્ય માનીએ છીએ અને એ સાપેક્ષ સત્ય છે; વ્યૂ પોઈન્ટના આધારે છે. દરેક પોતપોતાના વ્યૂ પોઈન્ટ પર બેઠો છે અને વ્યૂ પોઈન્ટ પરથી જ એને લાગે છે કે મને જે દેખાય છે એ જ સાચું છે! પણ ખરું સત્ય સેન્ટરમાં છે. જે આત્મદશામાં આવ્યો હોય, પૂર્ણ વીતરાગ થયો હોય, એને જ આખા જગતના તમામ સત્યો દેખાય છે અને નિરપેક્ષ સત્ય સેન્ટરમાં છે એવું એને નિરંતર વર્તે છે. જ્યાં સુધી આત્મદૃષ્ટિ ના થાય અને દરેકને આત્મસ્વરૂપે ના જોવાય ત્યાં સુધી રિયલ સત્ય નહીં જડે, ત્યાં સુધી રિલેટિવ સત્ય જ દેખાશે. રિલેટિવ સત્યમાં અસત્ય પણ આવશે અને સત્ય પણ આવશે.

૩) ત્રીજું મહાવ્રત અચૌર્ય છે. અચૌર્ય એટેલે એવું વ્રત કે જેમાં વિચાર, ભાવ, ક્રિયા અને વાણીથી જરા પણ ચોરી ન કરવી.

૪) ચોથું મહાવ્રત બ્રહ્મચર્ય છે. શ્રી પાર્શ્વનાથ ભગવાનના વખતમાં ચાર જ મહાવ્રત હતા. પછી ભગવાન મહાવીરે પાંચમું બ્રહ્મચર્ય મહાવ્રત ઉમેર્યું. અપરિગ્રહમાં બ્રહ્મચર્ય સમાયેલું જ હતું પણ સામાન્ય લોકોને આ ભેદ ખબર નહીં પડે, આ ભેદ પકડી નહીં શકાય અને એનો દુરુપયોગ થશે. “ભગવાને ક્યાં બ્રહ્મચર્ય માટે કશું કહ્યું છે!”, એમ કરીને એનો દુરુપયોગ ના કરે એટલા માટે આ પાંચમું મહાવ્રત ભગવાન મહાવીરે ઉમેર્યું.

પરણ્યા ના હોય ત્યાં સુધી ચુસ્ત બ્રહ્મચર્ય હોવું જોઈએ અને પરણ્યા પછી પોતાની પત્ની સિવાય બહાર બીજી કોઈ પણ સ્ત્રી એટલે કે પરસ્ત્રી પર જરા પણ દૃષ્ટિ ના બગડે, કુદૃષ્ટિ ના થાય, એના માટે વિચાર પણ ના બગડે, એના માટે જરાય પણ ભાવ ના બગડે, મનથી પણ એના માટે દૃષ્ટિ ના બગડવી જોઈએ.

બાકી તો, લોકો દૃષ્ટિથી અણહક્કનું કેટલું બધું ભોગવે છે. મનથી તો કેટલાય ભોગવી જાય છે. એ કેટલું ભયંકર કહેવાય. આપણી પત્ની, બહેન કે દીકરીને કોઈ મનથી ભોગવતું હોય અને આપણે ખબર પડે તો આપણને કેટલો બધો સંતાપ થાય. આપણને શોભે આવું? ક્યાં ભગવાનની વાત? ક્યાં બ્રહ્મચર્યની વાત? ક્યાં શ્રાવક ધર્મની વાત? ક્યાં બાર વ્રત અંગીકાર કરવાની વાત? અને ક્યાં આ!?

આજકાલ ટીવી શોઝ વિષયોમાં આપણને સ્લીપ કરે છે. ટીવીમાં પણ કેટલો બધો વ્યભિચાર થાય છે. આ બધું શોભે આપણને? એ બધું જોયા પછી આપણા પલ્લામાં આવ્યું શું? નરક! નરક પલ્લામાં આવે છે; બીજું કશું આવતું નથી. આપણે જ્યાં છીએ ત્યાંથી પાછા ફરવું. એવો નિશ્ચય કરવો કે આ ખોટું છે ને આવું ના હોવું જોઈએ. આપણો અભિપ્રાય, આપણી બ્રહ્મચર્ય માટેની નિષ્ઠા ડગવી ના જોઈએ.

૫) પાંચમું મહાવ્રત અપરિગ્રહ છે. આપણને જે જે વળગેલું છે, એ બધું પરિગ્રહ કહેવાય. મન, વચન અને કાયા એ આપણા સૌથી પહેલા પરિગ્રહો છે. પછી પતિ-પત્ની, બાળકો, ઘરબાર, ઘરવખરી, સગાં-વહાલાં, પોતાનો ધંધો, માન-અપમાનને પણ પરિગ્રહ કહ્યું છે. ગ્રહ એટલે ગ્રહાઈ જવું. જ્યાં જ્યાં આપણે ગ્રહાઈ ગયાં છીએ, એ આપણા માટે પરિગ્રહ કહેવાય છે. જ્યાં આપણું ચિત્ત ગ્રહાઈ જાય એને પરિગ્રહ કહેવામાં આવે છે.

જ્ઞાનીઓને મન, વચન અને કાયાનું વળગણ નથી હોતું; એનાથી પણ જુદા રહેતા હોય છે. જ્યાં મન, વચન અને કાયાનું વળગણ છૂટ્યા પછી આત્મામાં રહેવાય છે. દેહના, મનના અને વાણીના પરિગ્રહો, અંદર સૂક્ષ્મ કષાયો વગેરે આપણને કેટલું બધું વળગેલું હોય છે, જેને લીધે આપણો આત્મા વ્યક્ત નથી થતો, એનો આપણને અનુભવ નથી થતો. આ દેહની કે કોઈ પણ વસ્તુની મૂર્છા ના રહે ત્યારે ખરો પરિગ્રહ છૂટ્યો કહેવાય.

આપણને જે યાદ આવે અને દુઃખ આપે એ પણ બધો પરિગ્રહ છે. એ વળગેલું છે માટે આપણને દુઃખ આપે છે. વસ્તુનો બોજો રહે એનું નામ પરિગ્રહ. જેમ જેમ બોજો ખસતો જાય તેમ તેમ આપણામાંથી મમતાપણું નીકળતું જાય છે. જે વસ્તુ આપણને મૂર્છિત કરી નાખે, એ આપણને પરિગ્રહની જેમ વળગી જાય છે. સમજણથી જેટલો પરિગ્રહ ઓછો થતો જશે એટલું આત્મામાં સ્થિર રહેવાશે.

જ્ઞાનીઓ અને તીર્થંકરો નિરિન્દ્રિયથી પણ આગળ અતીન્દ્રિય સુખમાં હોય છે. નિરિન્દ્રિયથી ઘણા આગળ તેઓ કેવળ આત્માના સુખને જ એ વેદે; બાકી કોઈ સુખને એ વેદે નહીં. સંસારીઓને હૂંફ અને અસલામતીને કારણે પરિગ્રહ વળગે છે. આપણી પોતાની અસલામતી અને હૂંફના આધારે પરિગ્રહ ઊભો થાય છે. અંતે આ દેહના અને મન-વચન-કાયાના  પરિગ્રહો તો હોય જ છે.

અપરિગ્રહવાળાની ઓળખાણ કઈ રીતે થાય? જેમને કશું અડે જ નહીં; મન-વચન-કાયાના પરિગ્રહથી છૂટીને જેઓ નિરંતર આત્મામાં રહે છે! ગમે તેટલું સંસારમાં મોટું નુકસાન થઈ જાય તો પણ એક ચિંતા ના થાય એનું નામ અપરિગ્રહ છે.

જેમણે ભગવાન વીરના માર્ગે જવું છે, આ સંસારમાંથી છૂટવું છે, મોક્ષે જવું છે, એમણે અંદર શૂરાતનમાં આવીને, વીર થઈને આ બધામાંથી બહાર તો નીકળવું જ પડશે! તીર્થંકર ભગવંતો પાંચે મહાવ્રતો સંપૂર્ણ પાર કરીને સંપૂર્ણ વીતરાગ થયા છે. એવા ભગવાનને આપણે કોટિ કોટિ નમસ્કાર કરીએ છીએ! આગળ વાંચીએ કે મહાવીર સ્વામીનાં પુત્રી પ્રિયદર્શના અને જમાઈ જમાલિ પ્રભુ પાસેથી દીક્ષા લીધા પછી કેવી રીતે તેમનાથી અલગ થઈ ગયા.

Related Topic

×
Share on