
શ્રી મહાવીર સ્વામીએ એમની દેશનામાં પાંચ મહાવ્રતોની અદ્ભુત સમજણ આપી અને આવનારા કાળને અનુરૂપ લોકોના હિત માટે પાંચમું મહાવ્રત બ્રહ્મચર્ય ઉમેર્યું. આપણે ભગવાન મહાવીરનાં પુત્રી પ્રિયદર્શના અને જમાઈ જમાલિનો પરિચય મેળવીએ.
એક વખત ભગવાન મહાવીર પોતાના વિહાર દરમ્યાન એમના જન્મસ્થળ ક્ષત્રિયકુંડ પધાર્યા. ત્યાં એમના મોટા ભાઈ નંદીવર્ધન રાજગાદી ચલાવતા હતા. ભગવાન મહાવીર પધાર્યા છે એ જાણીને તેઓ ખૂબ આનંદ અને ઉલ્લાસથી પોતાની પ્રજાને લઈને ભગવાનના દર્શન કરવા ગયા. સાથે સાથે ભગવાનની પુત્રી પ્રિયદર્શના અને જમાઈ જમાલિ પણ ભગવાનના દર્શન કરવા ગયાં. ભગવાનની દેશના સાંભળીને પ્રિયદર્શના અને જમાલિ બંનેના હૃદયમાં ખૂબ જ વૈરાગ અને મોક્ષની અભિલાષા જાગી અને એમણે દીક્ષા લીધી. જમાલિએ પોતાના પાંચસો સૈનિકો સાથે અને પ્રિયદર્શનાએ પોતાની હજાર સખીઓ અને દાસીઓ સાથે દીક્ષા લીધી. દીક્ષા લઈને બધાએ ભગવાન મહાવીર સાથે વિહાર કર્યો.
ભગવાન મહાવીર, એમની પુત્રી પ્રિયદર્શના અને જમાલિ હજારો સાધુ અને સાધ્વીઓ સાથે વિહાર કરતાં-કરતાં એક ગામથી બીજે ગામ ગયાં. ભગવાને જમાલિને આચાર્ય બનાવ્યા અને અગિયાર અંગોની બધી જ વિદ્યાઓ પણ એમને શીખવાડી. જમાલિ ભણીગણીને ખૂબ સામર્થ્યવાન થઈ ગયો હતો. જમાલિ પોતે પણ પોતાનો નાનકડો સંઘ લઈને વિહાર કરતો હતો અને ખૂબ તપ કરતો હતો. પછી જમાલિએ ભગવાન મહાવીરને પૂછ્યું, “હે પ્રભુ! હવે, હું મારા સાધુઓના વૃંદને અને પ્રિયદર્શના એમના સાધ્વીઓના વૃંદને લઈને અમારી રીતે જુદા વિહાર કરતાં થઈ જઈએ?” ભગવાન કેવળજ્ઞાની હતા એટલે એમને પોતાના જ્ઞાનચક્ષુમાં દેખાઈ ગયું હતું કે જમાલિથી ભયંકર અનર્થ થવાનો છે. એટલે ભગવાને જમાલિને કંઈ પણ જવાબ ન આપ્યો; તેઓ મૌન રહ્યા. કારણ કે અનર્થ થવાનો હતો જ—એ ભગવાનને એમનાં જ્ઞાનમાં દેખાઈ ગયું હતું. એટલે ભગવાન જો ‘ના’ કહે તો પણ એ બનવાનું જ હતું અને જો ‘હા’ કહે તો પછી એ કાર્યમાં અનુમોદના થાય. એટલે ભગવાને તો ‘હા’ પણ ન કહી અને ‘ના’ પણ ન કહી, તેઓ મૌન રહ્યા.
મહાવીર સ્વામીના મૌનનો અર્થ જમાલિએ જુદી રીતે લીધો. જમાલિએ સ્વામીના મૌનનો પોતાને ફાવતો અને સગવડિયો અર્થ કર્યો કે જેમાં ભગવાનનો નિષેધ ના હોય એ ‘હા’ કહેવાય. આમ કરીને તેણે પોતાના શિષ્યો અને પ્રિયદર્શના સાથે પોતાનો જુદો સંઘ ઊભો કર્યો. તે પોતાનું મોટું વૃંદ લઈને ગામેગામ ફરતો હતો.
એક વખત એવું થયું કે જમાલિને જબરજસ્ત પિત્તજ્વર એટલે કે મેલેરિયા થયો. પછી એણે પોતાના શિષ્યોને કહ્યું, “મારી માટે પથારી પાથરો.” એમના બધા શિષ્યો આમતેમ આંટા મારતા હતા. જમાલિએ ફરી આવીને કહ્યું, “મારી પથારી કરો.” તો શિષ્યોએ કહ્યું, “તમારી પથારી થઈ ગઈ છે.” પછી જમાલિએ ત્યાં જઈને જોયું તો હજુ એમના શિષ્યો પથારી કરતા જ હતા, પાથરવાનું હજુ શરૂ કર્યું હતું. એટલે જમાલિએ કહ્યું, “હજુ પથારી થઈ નથી તો પછી તમે કેમ, પથારી થઈ ગઈ છે, એમ કહો છો?” તો બધા સાધુઓએ કહ્યું, “ભગવાન મહાવીરે તો આવું જ આપણને શીખવાડ્યું છે ને કે જે કાર્ય થઈ રહ્યું હોય એ થઈ ગયા બરાબર જ ગણાય. એટલે એ કાર્ય પૂરું થઈ ગયું છે એમ જ ગણાય.” પણ આ વાત જમાલિના મગજમાં ના બેઠી. એને ભગવાનની આ વાતનો અંદર વિરોધ થયો કે થઈ રહી ક્રિયાને થઈ ગઈ છે એવું કેવી રીતે કહેવાય? ક્રિયા પૂરી થઈ ગઈ હોય તો જ એને થઈ ગઈ કહેવાય. ભગવાનની આ વાત પર જમાલિને શંકા જાગી. પછી એ ભગવાન પાસે ગયો અને ભગવાનને પ્રશ્નો પૂછ્યો, “થઈ રહેલી ક્રિયાને થઈ ગઈ છે એવું કેવી રીતે કહેવાય? આ કઈ રીતે સાચું ગણાય?” ત્યારે ભગવાને કહ્યું, “આ બધા સાધુઓ કહે છે એ સાચું છે. થઈ રહેલી ક્રિયાને, થઈ ગઈ છે એમ કહેવાય. કારણ-કાર્યનો આ સિદ્ધાંત છે; જે કાર્યનાં કારણો સેવાઈ રહ્યાં હોય એને કાર્યમાં થઈ ગયું છે, એવું કહેવાય. એટલે કારણના કાર્યમાં આરોપણ થાય.”
સેવાઈ ગયેલાં કારણોને કાર્યમાં રૂપાંતર થઈ ગયેલું કહેવામાં હરકત નથી, એવો સિદ્ધાંત ભગવાન મહાવીરનો છે. વિપરીત બુદ્ધિથી જોઈએ તો આ સિદ્ધાંત ખોટો લાગે પણ ભગવાન મહાવીરની દૃષ્ટિથી જોઈએ તો તદ્દન સાચો છે. ભગવાન મહાવીરે જમાલિને ફોડ પાડ્યો પણ જમાલિના સમજમાં આ વાત ન આવી. આ તાત્ત્વિક વાત એ સ્વીકારવા તૈયાર ન હતો. પછી જમાલિએ પોતાના સાધુવૃંદને કહ્યું, “ભગવાનની આ વાત ખોટી છે. તત્ત્વ જાણવું હોય તો જે કામ પૂરું થયેલું ના હોય તો એને થઈ ગયું એવું કહેવાય નહીં.” આ સિદ્ધાંત ઉપર જમાલિનો મત ભગવાન મહાવીરથી જુદો પડ્યો. ભગવાન મહાવીરથી છૂટા પડીને જમાલિએ પોતાનો જુદો સંઘ ઊભો કર્યો. ભગવાને આ વાતને ખોટી કહી એનું જમાલિને ખરાબ લાગ્યું. ભગવાન ખોટા છે અને લોકોને ખોટું શીખવાડે છે એવું એના મગજમાં થઈ ગયું હતું.
ભગવાન ક્યારેય પણ ખોટું કહે? જેને જબરજસ્ત કેવળજ્ઞાન વર્તે છે, આખા બ્રહ્માંડના મોટામાં મોટા પદને પામેલા છે,તીર્થંકર ભગવાન છે, એ શા માટે ખોટું બોલે? એમને તો અંદર વર્તતું હોય તે જ કહે. ભગવાન તો કેવળજ્ઞાનમાં જ હતા; જ્ઞાનની વાત એમણે કરી હતી. જ્યારે જમાલિએ અજ્ઞાનની વાત પકડી રાખી હતી. જ્ઞાન અને અજ્ઞાનનો ક્યારેય મેળ પડે નહીં, ક્યારેય એકસરખા લાગે નહીં; એકમેકના વિરોધમાં જ હોય. જમાલિ અજ્ઞાનના પક્ષમાં બેઠો એટલે એણે ભગવાનની આ વાત સ્વીકારી નહીં. જ્યારે ભગવાને જમાલિની વાત ખોટી કહી ત્યારે એનો અંદર જબરજસ્ત અહંકાર ઘવાયો.
આ રીતે, ભગવાનની વાતથી જમાલિ વિખૂટો પડ્યો. ભગવાનની એક જ વાત, એક જ શબ્દ એને ઊંધો પકડાયો. એક બાજુ ગોશાળાને પણ નિયતિવાદનું ઊંધું પકડાયું હતું અને જમાલિને થઈ રહેલી ક્રિયાને થઈ ગઈ છે કહેવાનું ખોટું છે, આ એક જ સિદ્ધાંત એણે ખોટો પકડ્યો. એમાં તો કેટલો બધો રસ્તો ફંટાઈ ગયો! એ ભગવાનના માર્ગમાંથી કેટલો ઊંધા માર્ગે ચડી ગયો, કેટલી જોખમદારી છે! એટલે તો કહે છે ને કે મોક્ષમાર્ગ એ તલવારની ધાર પર ચાલ્યા બરાબર છે. બીજું કશું તપ-ત્યાગ અને કષ્ટ થાય તો કરવું અને ના થાય તો નહીં પણ ભગવાનની વાતને ઊંધી ના સમજીએ તો પણ ઘણી પ્રાપ્તિ થઈ કહેવાય. આજે ગમે એટલું આપણે કર્યા કરીએ પણ ભગવાનની વાતને આપણે ઊંધી રીતે લઈએ, તો ગમે એટલી ક્રિયાઓ કરી હોય પણ એ કશી લેખે લાગે નહીં. ભગવાન કહે એ બ્રહ્મવાક્ય.
“આણાએ ધમ્મો આણાએ તવો” – અર્થાત્ આજ્ઞા એ ધર્મ, આજ્ઞા એ તપ. પછી ભગવાનને છોડીને પોતાની બુદ્ધિથી ગમે એટલા તપ કરીએ તો એ અજ્ઞાન તપમાં જાય છે. કોનાથી વાંકા થયા? કોનાથી ઊંધા રસ્તે ચાલ્યા? તીર્થંકર ભગવાનના! ભલે જમાલિ જમાઈ હોય પણ એણે ભગવાનની કહેલી વાત ઊંધી પકડી, ભગવાનને દોષિત જોયા એનું ભયંકર પરિણામ આવે.
પરમ પૂજ્ય દાદા ભગવાનનો પોતાનો બહુ ઊંચો સિદ્ધાંત હતો કે જે સીડીથી આપણે ઉપર ચડ્યા હોઈએ, એ સીડીનો આપણે ક્યારેય પણ દોષ ના જોવાય, એમની ભૂલ ક્યારેય પણ ના જોવાય! એક જ ભૂલ જોઈ હશે તો આખું અજ્ઞાન ફરી વળશે અને પછી ધીમે ધીમે આપણને એમનું બધું જ ઊંધું દેખાશે. ખરેખર જેને મોક્ષે જવું છે અને સંસારના કર્મોમાંથી છૂટવું છે, એમણે કોઈનો પણ કિંચિત્માત્ર દોષ ના જોવાય. ગમે એનો, સામાન્ય મનુષ્યનો દોષ પણ ના જોવાય. ગમે એટલો ગુનેગાર હોય તોય એને દોષિત ના જોવાય, તો આપણે જે સીડીથી ઉપર ચડ્યાં હોઈએ એ આપણા આરાધ્ય ગુરુ, ભગવાન કે તીર્થંકરનો દોષ કેવી રીતે જોવાય? જેમનાથી આપણે કંઈ પણ પામ્યા છીએ, એમના તો જરાય દોષ ના જોવાય. કારણ કે એનાથી બહુ વિરાધના થાય, બહુ દોષ લાગે છે. એટલે તમામ શાસ્ત્રો અને જ્ઞાનીઓ આપણને ચેતવે છે કે જેનાથી તમને કંઈક પ્રાપ્તિ થઈ હોય એનો ક્યારેય પણ દોષ જોશો નહીં. નાનામાં નાનું પણ કંઈ પણ નેગેટિવ તમારા મગજમાં પેસવા ના દેશો. કારણ કે આપણે જે સીડીથી ચડ્યા, એ સીડીને કાપી નાખ્યા જેવી વાત થાય છે.
જમાલિએ પોતાની રીતે માની લીધું એને સ્વચ્છંદે ચડ્યો કહેવાય. ભગવાને કહ્યાની વાતથી પોતે પોતાની સમજણથી, પોતાના મતથી ચાલે, તો એને સ્વચ્છંદ કહ્યો છે.
એટલે તો આ કાળના મહાન જ્ઞાની શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું છે:
આનો અર્થ એમ થાય છે કે પોતે જો સ્વચ્છંદને રોકે તો ચોક્કસ એ મોક્ષને પામે. એવી ગેરંટીથી અને અધિકારથી શ્રીમદ્ રાજચંદ્રજીએ આ વાત કરી છે. પામ્યા એમ અનંત છે, એટલે કે બધા આવી રીતના જ પામ્યા છે. આ તીર્થંકર ભગવાનની સૈદ્ધાંતિક વાત છે.
સ્વચ્છંદની વ્યાખ્યા શું? પોતાની મતિએ, પોતાની સમજણે ચાલવું. જે આપણા જ્ઞાની, ગુરુ કે પ્રત્યક્ષમાં તીર્થંકર ભગવાન હોય, તેઓ આપણને જે સમજણ આપે, એમની સમજણને બાજુએ મૂકીને આપણે પોતાની સમજણથી કંઈક નવી રીતે જે ચાલીએ, એને સ્વચ્છંદ કહ્યું છે. સ્વચ્છંદની આપણને ખબર ના પડે. આપણને તો એવું જ લાગે કે હું ભગવાનની આજ્ઞા પ્રમાણે જ કરું છું પણ અંદર કંઈક દૃષ્ટિ જુદી થઈ ગઈ હોય. સ્વચ્છંદ એ બહુ ભયંકર રોગ છે. એટલે શ્રીમદ્ રાજચંદ્રજીએ અને પરમ પૂજ્ય દાદા ભગવાને પણ સ્વચ્છંદ પર ખૂબ ભાર મૂક્યો છે કે જો આજ્ઞામાં રહેશો તો સ્વચ્છંદ નામનો રોગ જશે અને આજ્ઞામાં નહીં રહો તો સ્વચ્છંદ ચડી બેસશે.
આગળ, શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું છે:
આનો અર્થ એમ થાય છે કે શ્રીમદ્જીએ સ્વચ્છંદ બમણો થાય એમ કહ્યું હતું. બીજા ઉપાયો કરવાથી સ્વચ્છંદ વધી જાય છે. એટલે પ્રત્યક્ષ સદ્ગુરુ યોગ અને ગુરુ પાસે પ્રત્યક્ષ રહીને આપણે સ્વચ્છંદને કાપી શકીએ છીએ. પ્રત્યક્ષના માર્ગદર્શન વિના જાતે સ્વચ્છંદ દૂર કરવા જતાં તે અનેકગણો થઈ જશે. મોક્ષ તો ક્યાં રહ્યો પણ અધોગતિમાં લઈ જશે. પ્રત્યક્ષ આગળ જ સ્વચ્છંદ જાય. બાકી તો પુસ્તક વાંચીને આપણે કોઈને ગણકારીએ નહીં. આપણે તો જે કરતા હોય તે જ કરીએ. રૂબરૂ હોય તો આપણે વાતે વાતે ટકોર કરે, દેખાડે કે એ આ ખોટું કરે છે. ચોપડા તો કોઈ કશું કાન પકડવા આવે નહીં; એ તો સામાન્ય ભાવે બધાના માટે જે સિદ્ધાંત હોય એ ચોપડામાં વર્ણન હોય. પ્રત્યક્ષનું આટલું બધું મહત્ત્વ છે. પ્રત્યક્ષને માથે રાખજો. માથે રાખશો તો જ આ સ્વચ્છંદ નામનો ભયંકર અવગુણ જશે. નહીં તો એ ચડી બેસશે.
જમાલિ પોતાના મતનું સ્થાપન કરીને તો સ્વચ્છંદે ચડ્યો હતો. તેણે ઘણા સાધુઓને પોતાની વાતને સાચી ઠરાવીને તે બધાને ભગવાનની વિરુદ્ધ વાત સમજાવવા લાગ્યો; કેટલાક સાધુઓએ જમાલિની વાત માની અને કેટલાકે ના માની. થોડા ઘણા જે જમાલિની વાત માનતા હતા તે સાધુઓ એના સંઘમાં ભેગા થયા અને જેમને જમાલિની વાત મગજમાં ના ઊતરી એ પછી ભગવાન મહાવીરની જ સાથે રહ્યા. ભગવાન મહાવીરની પુત્રી પ્રિયદર્શના પણ ભગવાનની વાતને સ્વીકારતી નહોતી અને તેણે પણ ભગવાનની સાથે છેડો ફાડી નાખ્યો અને જમાલિ જોડે પોતાનો સંઘ ઊભો કરી દીધો.
પ્રિયદર્શનાનો ક્યાંક પોતાના પતિ પ્રત્યેનો સૂક્ષ્મ મોહ રહ્યો હતો કે જે તીર્થંકર અને કેવળજ્ઞાની પરમાત્મા જેવા પોતાના પિતા હતા, તો પણ પિતાની વાતનો એને સ્વીકાર ના થયો. દીક્ષા લીધા પછી પણ પ્રિયદર્શનાને ક્યાંક પતિ પ્રત્યે મોહ બાકી રહ્યો હશે; જેના આધારે એમને જમાલિની વાત સાચી લાગી.
એક જ વખત જરાક મોહનું આવરણ આવ્યું તો પછી કેટલાય કાળ સુધી જાય નહીં. એના આધારે સ્ત્રી પર્યાય કેટલાય અવતારો સુધી મળ્યા જ કરે છે.
જેના પર આપણને રાગ હોય ત્યારે એ વ્યક્તિ ગમે એટલી ખરાબ હોય કે ગમે એટલું ઊંધું કરતી હોય તો પણ રાગના આવરણને લીધે એનું બધું સારું દેખાય. પછી જ્યારે એ આવરણ ખસે ત્યારે દોષ દેખાવાના ચાલુ થઈ જાય. આ રાગ અને દ્વેષથી પર થઈને જેમ છે તેમ યથાર્થ તત્ત્વ સ્વરૂપને જોવાનું છે.
આ રીતે, જમાલિ ભગવાન મહાવીરથી વિખૂટો પડ્યો અને પ્રિયદર્શના પણ મોહના લીધે પોતાના પતિની સાથે જતી રહી. બંને ભગવાનથી વિખૂટા પડ્યાં અને પોતપોતાની રીતે વિચરતાં ગયાં. જમાલિ એક વખત ભગવાન મહાવીર પાસે આવ્યો અને જબરજસ્ત અહંકારથી અને મદથી કહ્યું, “મને કેવળજ્ઞાન થઈ ગયું છે! મને કેવળદર્શન થઈ ગયું છે! હું સર્વજ્ઞ છું!” એટલે ગૌતમ સ્વામીને અંદર પ્રશ્ન થયો કે આ શું કહે છે! એમને જરાય ગમ્યું તો નહીં પણ છતાંય એમણે ભગવાન મહાવીરને પૂછ્યું, “આ શું વાત છે?” ત્યારે ભગવાને કહ્યું, “આ બરાબર નથી.”
ભગવાનની વાત સાંભળીને ગૌતમ સ્વામીએ જમાલિની પરીક્ષા લેવાનું નક્કી કર્યું કે જમાલિની પરીક્ષા લેવાથી ખબર પડશે કે ખરેખર જમાલિ પોતે કેવળજ્ઞાની અને સર્વજ્ઞ છે એમ કહે છે એ બધું સાચું છે કે નહીં! એટલે પછી ગૌતમ સ્વામીએ બધાની વચ્ચે જમાલિને પ્રશ્ન પૂછ્યો, “જો તું ખરેખર કેવળજ્ઞાન સંપન્ન હોય, તો તું મને મારા આ પ્રશ્નનો જવાબ આપ કે જીવ એ શાશ્વત છે કે અશાશ્વત છે? આ લોક શાશ્વત છે કે અશાશ્વત છે?” જમાલિને આના જવાબ જડ્યા નહીં એટલે મૌન થઈ ગયો. ભગવાન તો બધાં તત્ત્વોને જાણનારા હતા. એટલે ભગવાનની બહુ સરસ, ધીરગંભીર અને ભલભલાને સોંસરવી ઊતરીને એના જબરજસ્ત આવરણ ભેદીને ઠેઠ કેવળજ્ઞાન સુધી નિરાવરણ કરી નાખે એવી જબરજસ્ત વાણી નીકળી.
ભગવાન મહાવીરે કહ્યું, “આ એકાંતે લેવાની વાત નથી, આ સમજવાની વાત છે. લોક તત્ત્વથી શાશ્વત છે, દ્રવ્યથી શાશ્વત છે અને પર્યાયથી અશાશ્વત છે. અવસ્થાઓ વિનાશી છે અને મૂળ તત્ત્વ શાશ્વત છે. ઉદાહરણ તરીકે જેમ સૂર્ય પોતે શાશ્વત છે અને એના કિરણો બદલાયાં કરે છે, ઓછાં-વધતાં થાય છે, સીધા અને વક્રીભૂત થાય છે અને બંધ થઈ જાય છે, દિવસે દેખાય છે અને રાત્રે દેખાતા નથી, આ બધા સૂર્યના પર્યાયો છે. ચંદ્રના પણ પર્યાયો છે. મૂળ ચંદ્ર તો પૂર્ણ જ છે અને પર્યાયો બધા વિનાશી છે જે બદલાયા જ કરતા હોય છે, જ્યારે મૂળ તત્ત્વ શાશ્વત છે.”
ભગવાનની આવી સ્યાદ્વાદ વાણી ખૂબ જ ક્રિયાકારી અને કોઈ પણ રીતે પ્રમાણ દુભાય નહીં એવી હોય છે. ભગવાનની વાણી સાંભળીને બીજા બધાને ધન્ય ધન્ય થઈ ગયું પણ જમાલિનું મિથ્યાત્વ ગયું નહીં. કારણ કે જમાલિ જબરજસ્ત ભગવાનની વિરુદ્ધ પડેલો એટલે એને જબરજસ્ત આવરણ આવ્યું. ભગવાનની વિરાધનાનો એને ખૂબ દોષ લાગ્યો. તેણે ભગવાનની વાત માની જ નહીં અને ત્યાંથી ચાલ્યો ગયો. એનું મિથ્યાત્વ ગયું નહીં અને ઊલટું વધારે ગાઢ થતું ગયું કારણ કે એ ભગવાનને દોષરૂપે જોતો હતો. ત્યારબાદ, જમાલિ અને પ્રિયદર્શના પોતાના સંઘ સાથે ભગવાન મહાવીરથી છૂટા પડીને વિહાર કરતાં ગયાં.
એક વખત એવું બન્યું કે પ્રિયદર્શના પોતાની બધી સાધ્વીઓની સાથે મહાવીર ભગવાનના પરમ ભક્ત અને શ્રાવક એવા કુંભારની જગ્યાએ રાતવાસો કરવા રોકાયાં. ત્યારે અન્ય સાધુ અને સાધ્વીઓની જેમ કુંભારને પણ ખબર હતી કે કઈ રીતે જમાલિ અને પ્રિયદર્શના ભગવાન મહાવીરના સંઘથી વિખૂટા પડીને ઊંધા રસ્તે ચાલ્યાં હતાં. એટલે કુંભારે નક્કી કર્યું, “પ્રિયદર્શના ભગવાન મહાવીરનાં પુત્રી છે. આટલાં જબરજસ્ત ભાગ્યશાળી છે! એ કઈ રીતે અવળા માર્ગે જતાં રહે! એમને તો પાછાં વાળવાં જ જોઈએ.” એટલે કુંભારે પ્રિયદર્શનાને પાછી વાળવા માટેના સરસ ઉપાય શોધ્યો.
કુંભારનો મોટો નિભાડો હતો. એ નિભાડામાંથી કોલસો લઈને એણે પ્રિયદર્શનાની પાછળ ધીમે રહીને એના વસ્ત્ર ઉપર ફેંક્યો. એનાથી પ્રિયદર્શનાનું વસ્ત્ર બળવા માંડ્યું. એટલે એણે તરત બૂમાબૂમ કરી, “ઓહો! બળી રહ્યું છે. હું બળી ગઈ, બળી ગઈ. મને બચાવો, બચાવો!” એટલામાં કુંભાર અને બીજી બધી સાધ્વીઓએ આવીને પ્રિયદર્શનાને બચાવી લીધી. પણ કુંભારે તરત જ પ્રિયદર્શનાને ઉપદેશ આપ્યો, “તમે કયા આધારે બળી ગઈ કહો છો? તમે તો એ સિદ્ધાંતને માનો છો ને કે થઈ ગયા પછી જ બળીને રાખ થઈ જાઓ એ પછી જ તમારાથી બોલાય કે હું બળી ગઈ છું. અત્યારે તમે ક્યાં બળી ગયાં છો? થઈ રહેલી ક્રિયાને થઈ ગઈ છે, એવું કેવી રીતે કહેવાય? આ તો તમારો સિદ્ધાંત હતો ને? ભગવાનની વાત તમે કહ્યું એવી રીતે થઈ રહ્યું હોય એને જ ભગવાન થઈ ગયું એમ કહે છે.”
કુંભારની આ વાત સાંભળીને પ્રિયદર્શનાને અંદર એકદમ જ ઝબકારો થયો અને આવરણો ખસ્યાં. પોતાના ઉપર જ્યારે આવ્યું ત્યારે પ્રિયદર્શનાને અનુભવ થયો. બાકી શબ્દોથી ગમે એટલું બોલ બોલ કરીએ પણ જ્યાં સુધી આપણને અનુભવમાં ના આવે ત્યાં સુધી કોઈ પરિણામ ના આવે. દરેક વસ્તુનો અને દરેક શબ્દનો પોતાની અંદર અનુભવ કરવાનો છે; અનુભવ વગર તો બધું નકામું છે. શબ્દમાં રહેશે પણ અનુભવનું હશે તે પ્રેક્ટિકલમાં આવશે. શબ્દો તો ખાલી થિયરીમાં રહેશે.
આ પછી પ્રિયદર્શનાને ખૂબ પશ્ચાત્તાપ થયો કે, “અરેરે! હું મારા ભગવાનની વિરુદ્ધમાં પડી! હું કેવી નાલાયક કહેવાઉં. આત્મા માટે, મોક્ષ માટે મેં વર, રાજદરબાર બધું છોડ્યું છે. તો પછી શા માટે હું ભગવાનથી વિરુદ્ધ થઈ ગઈ? હજુ મારા મોહને મેં પકડી રાખ્યો છે. એક જમાલિની વાતને પકડીને હું ભગવાનની વિરુદ્ધ ગઈ.” જેવું આ બધું એની દૃષ્ટિમાં આવ્યું ત્યાં જ એના બધાં આવરણો તૂટ્યાં અને દોડતી દોડતી ભગવાન પાસે ગઈ અને એમના ચરણોમાં પડીને દિલથી પશ્ચાત્તાપ કર્યો. એમણે ભગવાન મહાવીર પાસે પોતાની ભૂલ કબૂલીને માફી માંગી અને કહ્યું કે મને ક્ષમા કરો. ભગવાન તો કરુણાના સાગર હતા. એમને તો ક્ષમા આપવાની ના હોય, સહજ ક્ષમા વર્તતી જ હોય.
પ્રિયદર્શનાની જેમ અન્ય સાધ્વીઓ પણ ભગવાનના સંઘમાં પાછાં ભળી ગયાં અને સાથે સાથે જમાલિના પણ ઘણા બધા સાધુઓ ભગવાનના ચરણે જતા રહ્યા. બધા સાધુ અને સાધ્વીઓ પ્રાયશ્ચિત્ત કરીને ચોખ્ખા થઈ ગયાં. ભગવાન મહાવીરની પાસે જબરજસ્ત પ્રાયશ્ચિત્ત કરવાનું ફળ એ આવ્યું કે પ્રિયદર્શનાનું આયુષ્યકર્મ પૂરું થયા બાદ તેઓ દેવગતિ પામ્યાં.
બીજી બાજુ જમાલિએ પણ ખૂબ તપશ્ચર્યા કરી પણ છેવટે તે એકલો જ રહ્યો હતો. એના સિવાયના બધા જ ભગવાનના શરણે જતા રહ્યા હતા. પછી જમાલિએ ઠેરઠેર ભટકીને ખૂબ તપ કર્યા. અંતે એનું આયુષ્ય પૂરું થતાં મૃત્યુ પામીને દેવલોકમાં ગયો. ભગવાન મહાવીરે ગૌતમ સ્વામીને વર્ણન કર્યું કે જમાલિ દેવલોકમાં જઈને પછી કેટલાય અવતારો ભટકી ભટકીને એક સમયે મોક્ષને પામશે. આગળ, ભગવાન મહાવીરના સમયમાં થયેલાં મહાસતી મૃગાવતીનો જીવન પરિચય મેળવીએ.
subscribe your email for our latest news and events
