Related Questions

‘હું કોણ છું?’ અંગેની વૈજ્ઞાનિક સમજણ શું છે? પોતાના સ્વરૂપને ઓળખો.

શું તમે પોતાના સ્વરૂપને જાણો છો?

આપણે કહીશું, ‘હું ચંદુલાલ.’

તો આડકતરી રીતે, આપણે કહીએ છીએ કે આપણે આ દેહ છીએ.

પણ આપણે એવું ક્યારેય નથી કહેતા કે, ‘હું આ દેહ છું.’

આપણે એવું કહીએ છીએ કે, ‘આ મારો દેહ છે.’

આપણે એવું પણ કહીએ છીએ કે, ‘આ મારો હાથ છે, મારા પગ, મારી આંખો ,મારા કાન છે વગેરે.....’

તો પછી ‘હું’ /(‘I’) અને ‘મારું’/ ‘my’?શું છે?

શું તમે ક્યારેય ગૂગલ પર સર્ચ (શોધ) કર્યુ છે?

તમે વધુ સર્ચ(શોધ) કરો, એ પહેલા પરમ પૂજ્ય દાદાશ્રીનો આ જર્મન દંપતિ સુસાન અને લોઈડ સાથેનો સત્સંગ વાંચો:

પરમ પૂજ્ય દાદાશ્રી એ એમને પૂછ્યું કે, “તમે ‘I’માં લીન થવા માંગો છો કે ‘My’માં? બે તળાવ છે I’ અને ‘My’ના. જે લોકો “I’ના તળાવમાં ડૂબેલા હોય છે તેઓ ક્યારેય મરતાં નથી, જ્યારે જે લોકો ‘My’ના તળાવ માં ડૂબેલા હોય છે તેઓ ક્યારેય જીવતા નથી.” તો એ લોકે એ કહ્યું કે “ અમારે તો એવું જોઈએ છે, કે અમારે ફરી ક્યારેય મરવું ના પડે.” તો મે સમજાવ્યું કે,” ‘I’ માં કોઈ ચિંતા નથી, ‘My’ માટે ચિંતા ના કરો. ‘I’ અવિનાશી છે, ‘My’ વિનાશી છે.” તેથી, ‘I’અને ‘My’ ને સેપેરેટ (જુદા) કરો! માત્ર અડધા કલાક માં જ એ લોકો આ સમજી ગયા અને આનંદિત થઈ ગયા.”

હવે તમને વધુ મૂંઝવણ થઇ હશે, બરાબર? તો ચાલો આપણે તેને પરમ પૂજ્ય દાદાશ્રીના મુમુક્ષુ સાથેના સત્સંગ વાંચીને સરળ બનાવીએ.

દાદાશ્રી : શું નામ આપનું ?

પ્રશ્નકર્તા : મારું નામ ચંદુલાલ.

દાદાશ્રી : ખરેખર તમે ચંદુલાલ છો ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : ચંદુલાલ તો તમારું નામ છે. ચંદુલાલ એ તો તમારું નામ નહીં ? તમે 'પોતે' ચંદુલાલ કે તમારું નામ ચંદુલાલ ?

પ્રશ્નકર્તા : એ મારું નામ છે.

દાદાશ્રી : હા. તો 'તમે' કોણ ? જો 'ચંદુલાલ' તમારું નામ હોય તો તમે કોણ છો ? તમારું નામ અને તમે જુદા નહીં ? તમે નામથી જુદા છો, તો તમે કોણ ? આ વાત આપને સમજાય છે ને, કે હું શું કહેવા માગું છું એ ? 'આ મારા ચશ્મા' કહીએ તો ચશ્માને આપણે જુદા ને? એમ તમે નામથી જુદા છો એવું હજુ નથી લાગતું ? જેમ દુકાનને નામ આપીએ કે 'જનરલ ટ્રેડર્સ', એ કંઈ ગુનો નથી. પણ એના શેઠને આપણે કહીએ કે 'એય જનરલ ટ્રેડર્સ, અહીં આવ.' તો શેઠ શું કહે કે, 'મારું નામ તો જયંતિલાલ છે અને જનરલ ટ્રેડર્સ તો મારી દુકાનનું નામ છે.' એટલે દુકાનનું નામ જુદું અને શેઠ મહીં જુદા, માલ જુદો, બધું જુદું હોય ને ? તમને કેવું લાગે છે ?

પ્રશ્નકર્તા : બરોબર છે.

દાદાશ્રી : પણ આમાં તો 'ના, હું જ ચંદુલાલ છું' કહેશે. એટલે દુકાનનું બોર્ડે ય હું ને શેઠે ય હું ?! તમે ચંદુલાલ છો, એ તો ઓળખવાનું સાધન છે. નાનપણથી જ લોકો એ કે તમે 'ચંદુલાલ' છો એમ કેહતા રહ્યા અને તમે પણ માન્યું કે "હું ચંદુલાલ છું." આ નામધારી તમે પોતે છો એવું માનો છો. ખરેખર તમે એ નામધારી નથી પણ તમે ભાર પૂર્વક કહો છો કે તમે 'ચંદુલાલ' છો. કારણકે, બધા તમને એવું જ કહે છે. કારણકે તમે હકીકતમાં એ જાણતા નથી કે તમે કોણ છો, તમે એવું માનો છો કે જે નામ તમને મળ્યું છે તે જ તમે છો. આની તમારા પર જબરજસ્ત સાઈકોલોજીકલ ઈફેક્ટ (માનસિક અસર) થાય છે. આ ઈફેક્ટ અત્યાર સુધી આખી જિંદગી 'હું ચંદુભાઈ છું, હું ચંદુભાઈ છું' એમ કરી કરીને પરમાણુ પરમાણુમાં એ બેસી ગઈ છે, માટે તમે એવું માનો છો કે તમે 'ચંદુલાલ' છો. આ બિલીફ રોંગ છે અને આ રોંગ બિલીફના કારણે તમે, ‘ઉધાડી આંખે ઉંઘતા’ એવા અનંત જન્મો વિતાવ્યા છે. (પોતાના ખરા સ્વરૂપથી અજાણ)

*ચંદુલાલ (વાચકે પોતાનું નામ સમજવું) = જ્યારે દાદાશ્રી ‘ચંદુલાલ’ વાપરે અથવા જે વ્યકિતનું નામ લઈને દાદાશ્રી સંબોધે, ત્યારે વાચકે યથાર્થ સમજણ માટે પોતાનું નામ વાપરવું.
 

‘I’ માં શું આવે, ‘My’ માં શું આવે અને આત્માની વ્યાખ્યા શું છે?

તમારે My જેવી કશું વસ્તુ છે ? I એકલા છો કે Myસાથે છે?

પ્રશ્નકર્તા : My સાથે હોય ને !

દાદાશ્રી : શું શું My છે તમારે ?

પ્રશ્નકર્તા : મારું ઘર અને ઘરની બધી વસ્તુઓ.

દાદાશ્રી : બધી તમારી કહેવાય ? અને વાઈફ કોની કહેવાય ?

પ્રશ્નકર્તા : એ પણ મારી.

દાદાશ્રી : અને છોકરાં કોના ?

પ્રશ્નકર્તા : એ પણ મારા.

દાદાશ્રી : અને આ ઘડિયાળ કોનું ?

પ્રશ્નકર્તા : એ પણ મારું છે.

દાદાશ્રી : અને હાથ કોના છે ?

પ્રશ્નકર્તા : હાથ પણ મારા છે.

દાદાશ્રી : પછી 'મારું માથું, મારું બોડી, મારા પગ, મારા કાન, મારી આંખો' એવું કહેશો. આ શરીરમાં બધી જ વસ્તુને 'મારું' કહે છે, ત્યારે 'મારું' કહેનાર તમે કોણ છો ? એ વિચાર્યું નથી ? 'માય નેમ ઈઝ ચંદુલાલ' બોલે અને પછી કહેશો 'હું ચંદુલાલ છું', આમાં કંઈ વિરોધાભાસ નથી લાગતો?

પ્રશ્નકર્તા : લાગે છે.

દાદાશ્રી : તમે ચંદુલાલ છો, હવે આમાં I એન્ડ My બે છે. આ I એન્ડ My એ બે રેલવેલાઈન જુદી જ હોય. પેરેલલ જ રહે છે, કોઈ દહાડો એકાકાર થતું જ નથી. છતાં ય તમે એકાકાર માનો છો, તે સમજીને આમાંથી પ્ક્કને સેપરેટ કરી નાખો. તમારામાં જે My છે ને, એ બાજુએ મૂકો. My હાર્ટ, તો એ બાજુએ મૂકો. આ શરીરમાંથી બીજું શું શું સેપરેટ કરવાનું હોય?

પ્રશ્નકર્તા : પગ, ઈન્દ્રિયો.

દાદાશ્રી : હા. બધું જ. પાંચ ઈન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો બધું જ. પછી 'My માઈન્ડ' કહે છે કે 'I એમ માઈન્ડ' કહે છે ?

પ્રશ્નકર્તા : 'My માઈન્ડ' કહે છે.

દાદાશ્રી : મારી બુદ્ધિ કહે છેને ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : મારું ચિત્ત કહે છેને ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : અને 'My ઈગોઈઝમ' બોલે છે કે 'I એમ ઈગોઈઝમ' બોલે છે ?

પ્રશ્નકર્તા : My ઈગોઈઝમ.

દાદાશ્રી : 'My ઈગોઈઝમ' બોલશો તો એટલું જુદું પાડી શકશો. પણ તેથી આગળ જે છે, એમાં તમારો ભાગ શું છે તે તમે જાણતા નથી. એટલે પછી પૂરેપૂરું સેપરેશન થાય નહીં. તમારું અમુક જ હદ સુધી જાણો. તમે સ્થૂળ વસ્તુ જ જાણો છો, સૂક્ષ્મમાં જાણતા જ નથી. આ તો સૂક્ષ્મ બાદ કરવાનું, એ પછી સૂક્ષ્મતર બાદ કરવાનું, પછી સૂક્ષ્મતમ બાદ કરવાનું એ જ્ઞાની પુરુષનું જ કામ. પણ એક એક સ્પેરપાર્ટસ બધા બાદ કરતાં કરતાં જઈએ તો I ને My એ બે જુદું થઈ શકે ખરું ને ? I ને My બે જુદાં પાડતાં છેવટે શું રહે ? My ને બાજુએ મૂકો, તો છેવટે શું રહ્યું ?

પ્રશ્નકર્તા : I.

દાદાશ્રી : તે I એ જ તમે છો ! બસ, તે I ને રીયલાઈઝ કરવાનું છે.

પ્રશ્નકર્તા : તો સેપરેટ કરીને એમ જાણવાનું છે કે જે બાકી રહ્યું તે 'હું' છું.

દાદાશ્રી : હા, સેપરેટ કરીને જે બાકી રહ્યું તે તમે પોતે છો. I એ તમે પોતે જ છો. એની તપાસ તો કરવી પડશે ને ? એટલે આ સહેલો રસ્તો છે ને, I અને My જુદાં કરે તો ?

‘I’ અને ‘My’ માં ભેદ કેવી રીતે પડે?

‘'I’’ એ ભગવાન અને ‘'My’’ એ માયા. ‘My’ એ રીલેટીવ છે‘I’ નું. ‘I’એ રિયલ છે, આત્માનાં ગુણોનું આ 'I’ માં આરોપણ કરો તોય ‘તમારી’ શક્તિઓ બહુ વધી જાય. મૂળ આત્મા એકદમ ‘જ્ઞાની’ સિવાય ના જડે, પણ આ 'I’ and ‘My’ તદ્દન જુદાં જ છે. એવું બધાંને, ફોરેનના લોકોને પણ જો સમજાય તો તેમની ઉપાધિઓ ઘણી ઓછી થઇ જાય. આ સાયન્સ છે. અક્રમ વિજ્ઞાનની આ આધ્યાત્મિક રિસર્ચની તદ્દન નવી જ રીત છે. 'I’ એ આત્માની સહજ દશા છે અને 'My’ એ માલિકી ભાવ છે.

આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે જ્ઞાની જ કરાવે, આત્મા-અનાત્માનો ભેદ

આ વીંટીમાં સોનું અને તાંબું બે મહીં ભેગાં થયેલા હોય, એને આપણે ગામમાં ઘેર લઈ જઈએ કે ‘ભઈ, આને છૂટું કરી આપોને !’ તો બધા લોક કરી આપે ? કોઈ કરી આપે ?

પ્રશ્નકર્તા : સોની જ કરી આપે.

દાદાશ્રી : જેનો આ ધંધો છે, જે આમાં એક્સ્પર્ટ છે, તે સોનું અને તાંબું બન્ને જુદું કરી આપે, સો એ સો ટચનું સોનું જુદું કરી આપે. કારણ કે એ બેઉના ગુણધર્મ જાણે છે કે સોનાના આવાં ગુણધર્મ છે ને તાંબાના આવાં ગુણધર્મ છે. એવી જ રીતે જ્ઞાની પુરુષ આત્માના ગુણધર્મ જાણે છે ને અનાત્માનાયે ગુણધર્મ જાણે છે.

આ વીંટીમાં સોનું અને તાંબું મિક્ષ્ચર થઈ ગયું હોય છે, એટલે એને છૂટું પાડી શકાય. સોનું અને તાંબું એ બે કમ્પાઉન્ડ સ્વરૂપે થયું હોય, તો તે છૂટું પડી શકે નહીં. કારણ કે નહીં તો ગુણધર્મ જુદી જ જાતના થઈ જાય. એવી રીતે આની અંદર ચેતન અને અચેતન બધું મિક્ષ્ચર છે, એ કમ્પાઉન્ડ સ્વરૂપ થયેલું નથી. એટલે ફરી સ્વભાવને કાઢી શકાય. કમ્પાઉન્ડ થયું હોય તો જડત જ નહીં. ચેતનનાયે ગુણધર્મ જડત નહીં ને અચેતનનાંયે ગુણધર્મ જડત નહીં ને તીસરો જ ગુણધર્મ ઊભો થઈ જાત. પણ એવું નથી. એ તો મિક્ષ્ચર થયેલું છે ખાલી.

×
Share on