Related Questions

જો અહંકાર કર્મ બાંધે છે તો એનાથી મુક્ત કેવી રીતે થવું?

પ્રશ્નકર્તા: ધેન ઈગોઇઝમ ઇઝ ધી ફન્ડામેન્ટલ કૉઝ (તો પછી અહંકાર મૂળ પાયાનું કારણ છે)?

દાદાશ્રી: ફન્ડામેન્ટલેય નથી. એ તો આ તમારું ઊભું થયેલું કૉઝ છે. કૉઝીઝ એન્ડ ઇફેક્ટ, ઇફેક્ટ એન્ડ કૉઝીઝ (કારણ ને પરિણામ, પરિણામ ને કારણ) હવે આ લીંક (શૃંખલા) તોડી નાખે તો મોક્ષ થાય. તો શું આમાંથી તોડી નાખવું જોઈએ, બેઉમાંથી? કયો ભાગ કાઢી નાખશે?

પ્રશ્નકર્તા: કૉઝ કાઢી નાખવાનાં.

દાદાશ્રી: હા, કૉઝ કાઢી નાખવાનાં. ઇફેક્ટ તો કોઈથી બદલાય નહીં. હવે કૉઝીઝ કેવી રીતે કાઢી નાખીએ?

પ્રશ્નકર્તા: કર્મથી રહિત થઈ જાવ એટલે.

દાદાશ્રી: નહીં, કર્મના કર્તા ના થવું જોઈએ. અકર્તાભાવ ઉત્પન્ન થવો જોઈએ. એને પોતાના અનુભવમાં આવવું જોઈએ કે હું કરતો નથી.

પ્રશ્નકર્તા: ઇટ હેપન્સ.

દાદાશ્રી: ઇટ હેપન્સ! પણ ઇટ હેપન્સ જાણવાથી કંઈ આપણને બહુ લાભ થતો નથી. ઈગોઇઝમ જરા નરમ થઈ જાય પણ ગાદી છોડે નહીં. જ્યાં સુધી ઈગોઇઝમ ગાદી છોડે નહીં ત્યાં સુધી કોઝિઝ બંધ થાય નહીં. કોઝિઝ એ ઈગોઇઝમનો જ ધંધો છે. ઈગોઇઝમથી કર્મ બંધાય છે.

કર્તા થયો કે બંધન થયું, પછી જેનો કર્તા થાય, તું સકામ કર્મનો કર્તા થા કે નિષ્કામ કર્મનો કર્તા થા. પણ કર્તા થયો એ બંધન. નિષ્કામ કર્મનું ફળ સુખ આવે, શાંતિ રહે સંસારમાં અને સકામનું ફળ દુઃખ આવે.

વીતરાગોએ કહ્યું કે આ કર્મ અને આત્મા, બે અનાદિથી છે. એટલે એની કંઈ આદિ થઈ નથી. એટલે કર્મના આધારે આ ભાવ ઉત્પન્ન થાય છે ને ભાવના આધારે કર્મ ઊભાં થાય છે. એમ ચાલ્યા જ કરે છે નિરંતર. આત્મા ત્યાં ને ત્યાં જ રહે છે.

પ્રશ્નકર્તા: પણ આત્માને જ શરીરનું વળગણ છે.

દાદાશ્રી: એ તો એને પોતાનું લાગતું નથી, વળગણ કશું લાગતું નથી. આ તો બધું અહંકારને જ છે. જો અહંકાર છે, તો આત્મા નથી અને આત્મા છે તો અહંકાર નથી, કર્તાય નથી.

શાસ્ત્રકારોએ બધા બહુ દાખલાઓ આપ્યા છે, પણ એ સમજ કેમ પડે તે? આ તો બધા જ અવળે રસ્તે ચાલે છે. જો આત્મજ્ઞાની પુરુષ હોય, તો છુટકારો થાય. આવું જાણેને કે કેટલા ભાગમાં કર્તા છે એ સમજાવે પેલા જ્ઞાની. આ તો એવું જ માને છે કે આ સામાયિક કરું છું તે હું કરું છું ને હું જ આત્મા છું. સામાયિક કરે છે તે આત્મા છે અને આ બીજું બધું કરે છે એ મિથ્યાત્વ છે. ક્રોધ-માન-માયા-લોભ કરે છે એ મિથ્યાત્વ છે. અલ્યા, 'કરે છે' શબ્દ આવે છે ત્યાંથી જ એ મિથ્યાત્વ છે. કરોમિ-કરોસિ ને કરોતિ એ બધું મિથ્યાત્વમાં.

અહંકારે અર્પી પરવશતા!

પોતાનું સ્વરૂપ જાણીએ ત્યારે અહંકાર વિલય થઈ જાય. આ જગત કોણે બનાવ્યું? કેવી રીતે ચાલે છે? કોણ ચલાવનાર છે? ઈશ્વર કોણ છે? આપણે કોણ છીએ? આ બધાં વળગણ કેમ થયાં છે? ના ગમતું હોય તોય વળગે અને ગમતું હોય તોય વળગે અને પરવશતા લાગે કે નહીં લાગે? પરવશતા બહુ લાગે છે, નહીં? શા માટે પરવશતા આપણને? આપણે સ્વતંત્ર પૂરેપૂરા સ્વતંત્ર છીએને તોય પરવશતા કેમ? ત્યારે કહે, 'આ અહંકારથી બધું પરવશ થઈ ગયા. આ બધું જાણો તો એ અહંકાર ખલાસ થઈ જાય, ઊડી જાય, એટલે કે ઉકેલ આવી જાય.' એ ઈગોઇઝમ તમારે કાઢવો છે?

પ્રશ્નકર્તા: એ તો બહુ સારું, બધાં પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય.

દાદાશ્રી: બે કલાકમાં કાઢી આપું, બે કલાકમાં!

પ્રશ્નકર્તા: સારું ત્યારે, આવી જઈએ. બે કલાક તો શું પણ તમે કહો એટલો ટાઈમ આવી જઈએ.

દાદાશ્રી: શૂરવીર છેને? કાઢી આપીશું ઈગોઈઝમ.

'પોતે કોણ છે' એટલું જ જાણવા જેવું છે. એ જાણ્યું કે છુટકારો થઈ ગયો. એ બધું તમને અહીં જાણવાનું મળશે. માટે તમારે અહીં આગળ ટાઈમ આપવો સત્સંગમાં.

* ચંદુભાઈની જગ્યાએ વાચકે પોતાનું નામ સમજવું.

Related Questions
 1. અહમ એટલે શું? શું અહમ અને અહંકાર બંને એક જ છે?
 2. શું તમારા તમામ વર્તન અને વિચાર પર તમારો કાબુ છે?
 3. અહંકાર કોને કેહવાય? અને તે આત્માથી કઈ રીતે જુદો છે?
 4. ઈગોઈઝમ કેવી રીતે ઓળખાય? ડીપ્રેશન કોને આવે છે?
 5. શું જપ (મંત્રોચ્ચાર), યોગ અને ભકિત મને અહંકારથી મુક્તિ અપાવી શકે?
 6. શું પોઝિટિવ અને નેગેટિવ અહંકાર- બન્ને અહંકાર જ છે?
 7. શું દયા એ અહંકારનો ગુણ છે?
 8. શું અહંકાર અને આત્મવિશ્વાસને કોઈ સંબંધ છે?
 9. અહંકાર એટલે શું? અહંકારમાંથી મુકત કેવી રીતે થવું?
 10. સુખ અને દુઃખનો અનુભવ કોને થાય છે? એ કોણ ભોગવે છે?
 11. જો અહંકાર કર્મ બાંધે છે તો એનાથી મુક્ત કેવી રીતે થવું?
 12. મારાપણામાંથી કેવી રીતે બહાર નીકળવું અને નિજાનંદ (આત્માનો આનંદ) કેવી રીતે પ્રાપ્ત કરવો?
 13. અહંકારની ઉત્પત્તિ કેવી રીતે થઇ?
 14. અહંકાર કેવી રીતે ખલાસ થાય? અને મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થાય?
×
Share on