Related Questions

શું આત્માનું અસ્તિત્વ છે?

શું આત્મા તરીકે ઓળખાતી ખરેખર કોઈ વસ્તુ છે? શું આત્મા વાસ્તવિકતામાં છે? જવાબ છે હા! જ્યારે તમે કોઈ વ્યક્તિને જતાં જુઓ છો, ત્યારે એવું માનો છો કે એની અંદર આત્મા છે. એવું શા માટે? કારણ કે જીવનું અસ્તિત્વ, તેની અંદર રહેલો આત્મા જે ચેતન તરીકે કાર્ય કરે છે તેના લીધે છે. આત્મા વગર, અસ્તિત્વ પણ નથી અને જીવન પણ નથી! આત્મા દેખી શકાતો નથી કારણ કે તે સૂક્ષ્મ છે. છતાં તેનો સંપૂર્ણ અનુભવ થઈ શકે છે. તે અનંત સુખનું ધામ છે!

ચાલો પરમ પૂજ્ય દાદા ભગવાન પાસેથી વધુ સમજીએ...

પ્રશ્નકર્તા : આત્મા હશે કે નહિ ? એ શંકા ઉત્પન્ન થાય એવું છે.

દાદાશ્રી : આત્મા છે જ ને ! 

પ્રશ્નકર્તા : આત્મા દેખી શકાય ? કે કલ્પના જ છે ? 

દાદાશ્રી : આપણને હવા દેખાતી નથી, છતાં તમને ખબર પડે ને કે હવા છે ? કે ના ખબર પડે ? આ અત્તરની સુગંધ આવે છે, પણ એ સુગંધ દેખાય છે ખરી ? છતાં આપણને 'અત્તર છે' એ વાતની ખાતરી થાય છે ને ? એવું 'આત્મા છે' એની આપણને ખાતરી થાય ! જેમ સુગંધ પરથી અત્તર ઓળખાય, એવું આત્મા એના સુખ ઉપરથી ઓળખાય, પછી આ બધું જગત 'જેમ છે તેમ' દેખાય. 

પ્રશ્નકર્તા : આત્મા જે છે એનો એક્સ-રેમાં કે કોઈ સાધનમાં ફોટો પણ પડતો નથી ! 

દાદાશ્રી : હા, આત્મા તો બહુ સૂક્ષ્મ છે એટલે એ હાથમાં આવે નહીં ને ! કેમેરામાં ના આવે ને આંખે દેખાય નહીં; દૂરબીનથી ય દેખાય નહીં, કશાથી દેખાય નહીં એવો આત્મા સૂક્ષ્મ વસ્તુ છે ! 

પ્રશ્નકર્તા : એટલે આશ્ચર્ય થાય કે આત્મા ક્યાં હશે ! 

દાદાશ્રી : એ આત્માની આરપાર દેવતા ચાલ્યો જાય તો ય એને દેવતા અડે નહીં, એટલો બધો આત્મા સૂક્ષ્મ છે. 

પ્રશ્નકર્તા : પણ દેહને કાપી નાખે, છેદન કરે તો ય આત્મા દેખાતો નથી. 

દાદાશ્રી : આત્મા દેખાય એવો છે જ નહિ ! પણ દેહને કાપી નાખે તો આત્મા નીકળી જાય છે ને ? માણસ મરી જાય છે ત્યારે કોણ નીકળી જાય છે ? 

પ્રશ્નકર્તા : આત્મા નીકળી જાય છે. 

દાદાશ્રી : હા, નીકળે છે, છતાં એ દેખાય એવો નથી. પણ છે ખરો. એ પ્રકાશ છે, અજવાળારૂપે છે. આ અજવાળું જ છે બધું એનું ! એ ના હોય તો પછી બધું ખલાસ થઈ ગયું. એ નીકળી જાય, એટલે પછી જોયેલું તમે ? નનામી જોયેલી ? એમાં અજવાળું હોય છે પછી ?  

પ્રશ્નકર્તા : ના. 

દાદાશ્રી : તો એ આત્મા નીકળી ગયો છે ! એટલે આત્મા તો પોતે જ્યોતિસ્વરૂપ છે. 

આપણે ‘પોતે’ આત્મા છીએ. તમે ખરેખર શુદ્ધાત્મા છો. તમારું અસ્તિત્વ તમારા આત્માના અસ્તિત્વને કારણે છે! 

જેઓ આત્માના અસ્તિત્વ પર શંકા કરે છે તે આવશ્યકપણે તેમના પોતાના આત્માનું જ અસ્તિત્વ પુરવાર કરે છે. જેને આત્મા વિશે શંકા ઊભી થાય છે ખરેખર તે જ જીવ છે. શું એવું શક્ય છે કે નિર્જીવને શંકા થાય? 

પ્રશ્નકર્તા : આ બધા ફોરેનનાં સાયન્ટિસ્ટોએ બધી શોધખોળ કરી છે કે કાચની પેટીમાં મરતાં માણસને રાખીને જીવ કેવી રીતના જાય, ક્યાંથી જાય છે, એ બધી તપાસ કરવા માટે બહુ પ્રયત્નો કર્યા, પણ ‘આત્મા છે કે નહિ?’ એવું કશું લાગ્યું નહિ. ‘જીવ છે જ નહિ’ એવું પુરવાર કર્યું.  

દાદાશ્રી : ના. પણ ‘આ અજીવ છે’ એવું કહે છે? આ પેટી અજીવ છે કે નહિ? અજીવ જ છે ને? તો આ માણસ અને આ પેટી બધું ય સરખું? 

પ્રશ્નકર્તા : ના, એવું નથી. પણ જીવ જેવી કોઈ વસ્તુ જતી નથી, એવું કહેવા માંગે છે. 

દાદાશ્રી : એ સાયન્ટિસ્ટો ‘માણસ’ બનાવે છે, નવાં હ્રદય બનાવે છે, બધું બનાવે છે ને? એટલે નવો માણસ બનાવે તો આપણા જેવો વ્યવહાર કરી શકે એ? 

પ્રશ્નકર્તા : નહીં કરી શકે. 

દાદાશ્રી : તો પછી શા આધારે એ સમજે છે કે જીવ જેવું કશું છે નહિ! 

પ્રશ્નકર્તા : એ લોકોએ તો કાચની પેટીમાં મરતા માણસને મૂકેલો પણ જીવ નીકળતી વખતે કશું દેખાયું નહિ એટલે માની લીધું કે જીવ નથી. 

દાદાશ્રી : જે શંકા કરે છે ને, કે જીવ જેવી વસ્તુ નથી, એમ જે કહે છે ને, એ જ પોતે જીવ છે. જેને શંકા પડે છે ને તે જ જીવ છે, નહિ તો શંકા પડે નહિ! અને આ બીજી જડ વસ્તુઓ છે ને, એ કોઈને શંકા ના પડે. શંકા જો કોઈને પડતી હોય તો એ જીવને જ પડે, બીજી કોઈ ચીજ એવી નથી કે જેને શંકા પડે. તમને સમજાય છે એવું? મરી ગયા પછી એને પોતાને શંકા પડે? ના, તો શું ચાલ્યું જતું હશે? 

પ્રશ્નકર્તા : પણ શરીરના મહત્વના અવયવો કામ કરતા બંધ થઈ જાય ત્યારે માણસ અવસાન પામે છે. જો આમ જ હોય તો જીવ જેવી વસ્તુ જ ના રહી. 

દાદાશ્રી : જીવ જેવી વસ્તુ છે જ! એ પોતે જ જીવ છે, છતાં પોતે પોતાની પર શંકા કરે છે. આ જેને શંકા પડે છેને, તે જ જીવ છે. આ દેહમાં જીવ નથી એવી જે શંકા કરે છે, તે જ જીવ છે. પોતાના મોઢામાં જીભ ના હોય અને પોતે બોલે કે, ‘મારા મોઢામાં જીભ નથી.’ એ જ પુરવાર કરે છે કે જીભ છે જ મહીં. સમજ પડી ને? એટલે આ શંકા છે. એ વાક્ય જ વિરોધાભાસ છે. લોકો કહે છે, ‘માણસ અવસાન પામે છે ત્યારે એમાં જીવ જેવી કોઈ વસ્તુ નથી!’ એ શબ્દ પોતે જ શંકા ઊભી કરે છે, એને શંકા થઈ છે. એ શંકા જ પુરવાર કરે છે કે જીવ છે ત્યાં. હું સાયન્ટિસ્ટો પાસે બેસુંને, તો એમને બધાને તરત સમજાવી દઉં કે આ જીવ બોલી રહ્યો છે. તું વળી, તારી નવી શંકા ઊભી કરે છે? એટલે જીવ તો દેહધારીમાં છે જ! 

આત્માનું અસ્તિત્વ હંમેશા હતું અને હંમેશા માટે રહેશે! 

વાસ્તવમાં, તમે આત્મા છો. શું તમે લોકોને આવું કહેતા નથી સાંભળ્યા, “મેં ગયા ભવમાં કાંઈક ખરાબ કર્મ કર્યા હશે?” તે પુરવાર કરે છે કે આપણે ગયા ભવમાં હતા. પુનર્જન્મ પુરાવો છે કે આત્મા છે; તે હતો, છે અને કાયમ માટે રહેશે. 

જે ખૂટે છે એ છે આત્માનો અનુભવ... 

પોતાના સાચા સ્વરૂપની અજ્ઞાનતાને કારણે આપણને આત્માના અસ્તિત્વ વિશે શંકા પડે છે અને આપણે “શું આત્મા છે?” તેના જવાબને શોધી રહ્યા છીએ. એકવાર આપણને તેનો અનુભવ થઈ જાય, પછી કોઈ શંકા નહીં રહે. માટે, આપણે ખરેખર “હું કોણ છું?” જાણવાની જરૂર છે. જ્યારે આ જ્ઞાન આપણને પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ દ્વારા પ્રાપ્ત થાય છે, ત્યારે આત્માના અનુભવની શરૂઆત થાય છે. ત્યારપછી, ‘હું શુદ્ધાત્મા છું’ જાગૃતિ સહજપણે રહે છે. આપણે અર્ધી રાતે ઉઠીએ ત્યારે પણ જાગૃતિ રહે છે. 

આમ, આત્માજ્ઞાન પ્રાપ્ત કરી, આત્મસ્વભાવમાં આવી અને આત્મારૂપે વર્તવું એ મનુષ્ય જીવનનો ધ્યેય છે. 

×
Share on