Related Questions

આસકિત પાછળનું વિજ્ઞાન શું છે?

એ કોના જેવું છે ? આ લોહચુંબક હોય અને આ ટાંકણી અહીં પડી હોય ને લોહચુંબક આમ આમ કરીએ તો ટાંકણી ઊંચીનીચી થાય કે ના થાય ? થાય. લોહચુંબક નજીક ધરીએ તો ટાંકણી એને ચોંટી જાય. એ ટાંકણીમાં આસક્તિ ક્યાંથી આવી ? એવી રીતે આ શરીરમાં લોહચુંબક નામનો ગુણ છે. કારણ કે મહીં ઈલેક્ટ્રિકલ બોડી છે. એટલે એ બોડીના આધારે ઈલેક્ટ્રિસિટી બધી થયેલી છે. તેથી શરીરમાં લોહચુંબક નામનો ગુણ ઉત્પન્ન થાય છે, તે પોતાના પરમાણુ મળતાં આવે ત્યાં આકર્ષણ ઊભું થાય અને બીજાની જોડે કશું નહીં. એ આકર્ષણને આપણા લોકો રાગ-દ્વેષ કહે છે. કહેશે, 'મારો દેહ ખેંચાય છે.' અલ્યા, તારી ઇચ્છા નથી તો દેહ કેમ ખેંચાય છે ? માટે 'તું' કોણ છે ત્યાં આગળ ?

આપણે દેહને કહીએ 'તું જઈશ નહીં', તો ય ઊઠીને હેંડવા માંડે. કારણ કે પરમાણુનું બંધાયેલું છેને, તે પરમાણુનું ખેંચાણ છે આ. મળતાં પરમાણુ આવે ત્યાં આ દેહ ખેંચાઈ જાય. નહીં તો આપણી ઈચ્છા ના હોય તોય દેહ કેમ કરીને ખેંચાય ? આ દેહ ખેંચાઈ જાય, એને આ જગતનાં લોકો કહે, 'મને આની પર બહુ રાગ છે.' આપણે પૂછીએ, 'અલ્યા, તારી ઈચ્છા ખેંચાવાની છે ?' તો એ કહેશે, 'ના, મારી ઈચ્છા નથી, તોય ખેંચાઈ જવાય છે.' તો પછી આ રાગ નથી. આ તો આકર્ષણનો ગુણ છે. પણ જ્ઞાન ના હોય ત્યાં સુધી આકર્ષણ કહેવાય નહીં. કારણ કે એના મનમાં તો એમ જ માને છે કે 'મેં જ આ કર્યું.' અને આ 'જ્ઞાન' હોય તો પોતે ફક્ત જાણે કે દેહ આકર્ષણથી ખેંચાયો અને આ મેં કંઈ કર્યું નથી. એટલે આ દેહ ખેંચાય ને, તે દેહ ક્રિયાશીલ બને છે. આ બધું પરમાણુનું જ આકર્ષણ છે.

આ મન-વચન-કાયા આસક્ત સ્વભાવના છે. આત્મા આસક્ત સ્વભાવનો નથી અને આ દેહ આસક્ત થાય છે તે લોહચુંબક ને ટાંકણીનાં જેવું છે. કારણ કે એ ગમે એવું લોહચુંબક હોય તોય એ તાંબાને નહીં ખેંચે. શેને ખેંચે એ ? હા, લોખંડ એકલાને ખેંચે. પિત્તળ હોય તો ના ખેંચે. એટલે સ્વજાતીયને ખેંચે. એવું આમાં જે પરમાણુ છેને આપણા બોડીમાં, તે લોહચુંબકવાળા છે, તે સ્વજાતીયને ખેંચે. સરખા સ્વભાવવાળા પરમાણુ ખેંચાય. ગાંડી વહુ જોડે ફાવે અને ડાહી બેન છે, તે એને બોલાવતી હોય તોય ના ફાવે. કારણ કે પરમાણુ મળતાં નથી આવતાં.

એટલે આ છોકરા પર પણ આસક્તિ જ છે ખાલી. પરમાણુ પરમાણુ મળી આવ્યાં. ત્રણ પરમાણુ આપણાં અને ત્રણ પરમાણુ એનાં, એમ પરમાણુ મળી આવ્યાં એટલે આસક્તિ થાય. મારા ત્રણ અને તમારા ચાર હોય તો કશું લેવાદેવા નહીં. એટલે વિજ્ઞાન છે આ બધું તો. 

×
Share on
Copy