Related Questions

સાચા ગુરુ અને સદગુરુ કયા પ્રકારનું ધ્યાન કરાવે છે?

ગુરુ કેવા હોવા જોઈએ?

આ તો લોક ગુરુને સમજ્યા જ નથી. હિન્દુસ્તાનના લોકો ગુરુને સમજ્યા જ નથી કે ગુરુ કોને કહેવાય તે ! જે કોઈ પણ ભગવાં કપડાં પહેરીને બેઠો હોય તો એને આપણા લોકો 'ગુરુ' કહી દે છે. શાસ્ત્રના બે-ચાર શબ્દો બોલે એટલે એને આપણા લોકો 'ગુરુ' કહે છે. પણ એ ગુરુ નથી.

એક માણસ કહે છે, 'મેં ગુરુ કર્યા છે.' ત્યારે મેં કહ્યું, 'તારા ગુરુ કેવા છે' એ મને કહે. આર્તધ્યાન-રૌદ્રધ્યાન ન થતાં હોય એ ગુરુ. એ સિવાય બીજા કોઈને ગુરુ કહેવા એ ગુનો છે. એને સાધુ મહારાજ કહેવાય, ત્યાગી કહેવાય, પણ ગુરુ કહેવા એ ગુનો છે. નહીં તો પછી સંસારિક સમજણ જોઈતી હોય તો વકીલે ય ગુરુ, બધા ય ગુરુ જ છે ને, પછી તો !

જે ગુરુ ધર્મધ્યાન કરાવી શકે, એનું નામ ગુરુ કહેવાય. ધર્મધ્યાન કોણ કરાવી શકે ? જે આર્તધ્યાન છોડાવી શકે ને રૌદ્રધ્યાન છોડાવી શકે, તે ધર્મધ્યાન કરાવી શકે. જે ગુરુને કો'ક ગાળ ભાંડે તો રૌદ્રધ્યાન ના થાય ત્યારે જાણવું કે અહીં ગુરુ કરવા જેવા છે. આજે આહાર ના મળ્યો હોય તો આર્તધ્યાન ના થાય ત્યારે જાણવું કે અહીં ગુરુ કરવા જેવા છે.

પ્રશ્નકર્તા: આર્તધ્યાન-રૌદ્રધ્યાન ન થતાં હોય તો પછી એને સદ્‍ગુરુ ના કહેવાય ?

દાદાશ્રી: સદ્‍ગુરુ એ તો ભગવાનનું પ્રતિનિધિત્વ ધરાવતા હોય. જે મુક્ત પુરુષ હોય, તે સદ્‍ગુરુ કહેવાય. ગુરુને તો બધાં હજુ જાતજાતનાં બધાં કર્મો ખપાવવાનાં હોય અને સદ્‍ગુરુએ તો કર્મો ઘણાંખરાં ખપાવી દીધેલાં હોય. એટલે આર્તધ્યાન-રૌદ્રધ્યાન ન થતાં હોય તો એ ગુરુ અને હાથમાં મોક્ષ આપે એ સદ્‍ગુરુ. સદ્‍ગુરુ મળવા મુશ્કેલ ! પણ ગુરુ મળે તો ય બહુ સારું.

×
Share on