Related Questions

ભાવ હિંસા એટલે શું?

જ્યાં ક્રોધ-માન-માયા-લોભ છે એ આત્મહિંસા છે અને પેલી જીવડાંની હિંસા છે. ભાવહિંસાનો અર્થ શો ? તારી જાતની જે હિંસા થાય છે, આ ક્રોધ-માન-માયા-લોભ એ તારી જાતને બંધન કરાવડાવે છે, તે જાતની દયા ખા. પહેલી પોતાની ભાવઅહિંસા અને પછી બીજાની ભાવઅહિંસા કહી છે.

આ નાની જીવાતોને મારવી એ દ્રવ્યહિંસા કહેવાય અને કોઈને માનસિક દુઃખ આપવું, કોઈના પર ક્રોધ કરવો, ગુસ્સે થવું, એ બધું હિંસકભાવ કહેવાય, ભાવહિંસા કહેવાય. લોક ગમે એટલી અહિંસા પાળે, પણ અહિંસા કંઈ એવી સહેલી નથી કે જલદી પળાય. અને ખરી દરઅસલ હિંસા જ આ ક્રોધ-માન-માયા-લોભ છે. આ તો જીવડા માર્યા, પાડા માર્યા, ભેંસો મારી, એ તો જાણે કે દ્રવ્યહિંસા છે. એ તો કુદરતના લખેલા પ્રમાણે જ ચાલ્યા કરે છે. આમાં કોઈનું ચાલે એવું નથી.

એટલે ભગવાને તો શું કહ્યું હતું કે પહેલું, પોતાના કષાય ન થાય એવું કરજે. કારણ કે આ કષાય એ મોટામાં મોટી હિંસા છે. એ આત્મહિંસા કહેવાય છે, ભાવહિંસા કહેવાય છે. દ્રવ્યહિંસા થઈ જાય તો ભલે થાય, પણ ભાવહિંસા ના થવા દઈશ. તો આ લોકો દ્રવ્યહિંસા અટકાવે છે પણ ભાવહિંસા ચાલુ રહે છે.

માટે કોઈએ નક્કી કર્યું હોય કે ‘મારે નથી જ મારવા’, તો એને ભાગે કોઈ મરવા નહીં આવે. હવે આમ પાછું એણે સ્થૂળહિંસા બંધ કરી કે આપણે કોઈ જીવને મારવો નહીં. પણ બુદ્ધિથી મારવા એવું નક્કી કર્યું હોય તો તો પાછું એનું બજાર ખુલ્લું હોય. તે ત્યાં આવીને ‘ફુદાં’ અથડાયા કરે અને એય હિંસા જ છે ને !

માટે કોઈ જીવને ત્રાસ ના થાય, કોઈ જીવને કિંચિત્માત્ર દુઃખ ના થાય, કોઈ જીવની સહેજ પણ હિંસા થાય, એ ન હોવું જોઈએ. અને કોઈ મનુષ્યને માટે એક સહેજ પણ ખરાબ અભિપ્રાય ના હોવો જોઈએ. દુશ્મનને માટેય અભિપ્રાય બદલાયો તો એ મોટામાં મોટી હિંસા છે. એક બકરુ મારો તેના કરતાં આ મોટી હિંસા છે. ઘરનાં માણસ જોડે ચિઢાવું, એ બકરુ મારો તેના કરતાં આ વધારે હિંસા છે. કારણ કે ચિઢાવું એ આત્મઘાત છે. ને બકરાનું મરવું એ જુદી વસ્તુ છે.

અને માણસોની નિંદા કરવીને એય માર્યા બરોબર છે. માટે નિંદામાં તો પડવું જ નહીં. બિલકુલેય માણસની નિંદા કોઈ દા’ડો કરવી નહીં. એ હિંસા જ છે.

પછી જ્યાં પક્ષપાત છે ત્યાં હિંસા છે. પક્ષપાત એટલે કે અમે જુદા ને તમે જુદા, ત્યાં હિંસા છે. આમ અહિંસાનો બિલ્લો ધરાવે છે કે અમે અહિંસક પ્રજા છીએ. અમે અહિંસામાં જ માનવાવાળા છીએ. પણ ભઈ, આ પહેલી હિંસા તે પક્ષપાત. જો આટલો શબ્દ સમજે તોય બહુ થઈ ગયું. એટલે વીતરાગોની વાત સમજવાની જરૂર છે.

×
Share on