Related Questions

સમકિત થયા પછી સાચું પ્રતિક્રમણ થાય ! (આત્મ જ્ઞાન પછી સાચું પ્રતિક્ર્મણ થાય.)

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કેવી રીતે શુદ્ધ ગણાય ? સાચું પ્રતિક્રમણ કેવી રીતે થાય ?

દાદાશ્રી : સમકિત થયા પછી સાચું પ્રતિક્રમણ થાય. સમ્યક્ત્વ થયા પછી, દ્રષ્ટિ સવળી થયા પછી, આત્મદ્રષ્ટિ થયા પછી સાચું પ્રતિક્રમણ થઈ શકે. પણ ત્યાં સુધી, પ્રતિક્રમણ કરે અને પસ્તાવો કરે તો એનાથી ઓછું થઈ જાય બધું. આત્મદ્રષ્ટિ ના થઈ હોય અને જગતના લોક ખોટું થયા પછી પસ્તાવો કરે ને પ્રતિક્રમણ કરે, તો એનાથી પાપ ઓછાં બંધાય, સમજ પડીને ? પ્રતિક્રમણ-પસ્તાવો કરવાથી કર્મો ઊડી જાય !

કપડાં પર ચાનો ડાઘ પડે કે તરત તેને ધોઈ નાખો છો તે શાથી ?

પ્રશ્નકર્તા : ડાઘ જતો રહે એટલા માટે.

દાદાશ્રી : એવું મહીં ડાઘ પડે કે તરત ધોઈ નાખવું પડે. આ લોકો તરત ધોઈ નાખે છે. કંઈ કષાય ઉત્પન્ન થયો, કશું થયું કે તરત ધોઈ નાખે તે સાફ ને સાફ, સુંદર ને સુંદર ! તમે તો બાર મહિને એક દહાડો કરો, તે દહાડે બધાં લૂગડાં બોળી નાખે ?!

અમારું શૂટ ઑન સાઈટ પ્રતિક્રમણ કહેવાય. એટલે તમે કરો છો એને પ્રતિક્રમણ કહેવાય નહીં. કારણ કે કપડું એકુંય ધોવાતું નથી તમારું. અને અમારાં તો બધાં ધોવાઈને ચોખ્ખાં થઈ ગયાં. પ્રતિક્રમણ તો એનું નામ કહેવાય કે કપડાં ધોવાઈ ને ચોખ્ખાં થઈ જાય.

લૂગડાં રોજ એક એક ધોવાં પડે. ત્યારે જૈનો શું કરે ? બાર મહિના થાય એટલે બાર મહિનાનાં બધાં લૂગડાં ધૂએ ! ભગવાનને ત્યાં તો એ ના ચાલે. આ લોકો બાર મહિને લૂગડાં બાફે છે કે નહીં ? આ તો એકે એક ધોવું પડે. પાંચસો-પાંચસો લૂગડાં દરરોજનાં આખો દહાડો ધોવાશે ત્યારે કામ થશે. 

જેટલાં દોષ દેખાય એટલાં ઓછા થાય. આમને રોજના પાંચસો દોષ દેખાય છે. હવે બીજાને નથી દેખાતા, એનું શું કારણ ? હજુ કાચું છે એટલું, કંઈ દોષ વગરનો થઈ ગયો છે, તે નથી દેખાતો ?!

ભગવાને રોજ ચોપડો લખવાનો કહ્યો હતો, તે અત્યારે બાર મહિને ચોપડો લખે છે. જ્યારે પર્યૂષણ આવે છે ત્યારે. ભગવાને કહ્યું કે સાચો વેપારી હોય તો રોજ લખજે ને સાંજે સરવૈયું કાઢજે. બાર મહિને ચોપડો લખે છે, પછી શું યાદ હોય ? એમાં કઈ રકમ યાદ હોય ? ભગવાને કહ્યું હતું કે સાચો વેપારી બનજે અને રોજનો ચોપડો રોજ લખજે અને ચોપડામાં કંઈ ભૂલ થઈ, અવિનય થયો એટલે તરત ને તરત પ્રતિક્રમણ કરજે, એને ભૂંસી નાખજે. 

×
Share on