Related Questions

ખોટા કર્મોને (પાપ કર્મોને) સારા કર્મો (પુણ્ય કર્મો) ખલાસ કરી શકે?

karma

પ્રશ્નકર્તા : પાપકર્મ અને પુણ્યકર્મનું પ્લસ-માઈનસ થઈને નેટમાં રીઝલ્ટ આવે છે, ભોગવટામાં ?

દાદાશ્રી : ના, પ્લસ-માઈનસ ના થાય. પણ એને ભોગવટામાં ઓછા કરી શકાય. પ્લસ-માઈનસનો તો આ દુનિયા છે ને ત્યારથી કાયદો જ નથી. નહીં તો લોકો અક્કલવાળા જ લાભ ઉઠાવી જાત એમ કરીને. કારણ કે સો પુણ્ય કરે અને દસ પાપ કરે, એ દસ બાદ કરીને મારા નેવું છે, જમે કરજો, કહેશે. તે અક્કલવાળા તો ફાવી જાય બધા. આ તો કહે છે, આ પુણ્ય ભોગવ અને પછી આ દસ પાપ ભોગવ.

પ્રશ્નકર્તા : દાદા, આપણે અહંકાર વગર કોઈ પણ સત્કર્મ થાય અથવા કોઈ સંસ્થાને, હોસ્પિટલ કે એને પૈસા આપે તો આપણાં કર્મો પ્રમાણે જે ભોગવવું પડે એ ઓછું થાય એ સાચી વાત ?

દાદાશ્રી : ના, ઓછું ના થાય. ઓછું-વધતું ના થાય. એ બીજાં કર્મ બંધાય. બીજાં પુણ્યૈનાં કર્મ બંધાય. પણ તે આપણે કો'કને ગોદો મારી આવ્યા એનું ફળ તો ભોગવવું પડે, નહીં તો જાણે બધા વેપારી લોકો પેલા બાદ કરીને પછી નફો એકલો જ રાખે. એ એવું નથી. કાયદા બહુ સુંદર છે. એક ગોદો માર્યો હોય તેનું ફળ આવશે. સો પુણ્યમાંથી બે બાદ નહીં થાય. બે પાપેય ખરું અને સો પેલું પુણ્ય પણ ખરું. બન્ને જુદાં ભોગવવાનાં.

પ્રશ્નકર્તા : એટલે આ શુભ કર્મ કરીએ અને અશુભ કર્મ કરીએ, બન્નેનું ફળ જુદું મળે ?

દાદાશ્રી : અશુભનું અશુભ ફળ આપે જ. શુભનું શુભ આપશે. કશું ઓછું-વત્તું થાય નહીં. ભગવાનને ત્યાં કાયદો કેવો છે ? કે તમે આજે શુભકર્મ કર્યું એટલે સો રૂપિયા દાન આપ્યા, તો સો રૂપિયા જમે કરે એ અને પાછા પાંચ રૂપિયા કો'કને ગાળ ભાંડી ઉધાર્યા, તમારે ખાતે ઉધારે એ. એ પંચાણું જમે ના કરે. એ પાંચ ઉધારેય કરે ને સો જમેય કરે. બહુ પાકા છે. નહીં તો આ વેપારી લોકોને ફરી દુઃખ જ ના પડે. એવું હોય ને તો જમે-ઉધાર કરીને એમનું જમે જ હોય અને તો પછી કોઈ મોક્ષે જાય જ નહીં. અહીં આગળ આખો દા'ડો પુણ્ય ને પુણ્ય હોય. પછી કોણ જાય મોક્ષે ? આ કાયદો જ એવો છે કે સો જમે કરે ને પાંચ ઉધારેય કરે. બાદબાકી કરવાની નહીં. એટલે માણસને જમે કર્યું હોય તે પાછું ભોગવવું પડે, તે પુણ્યૈ ગમે નહીં પાછું, બહુ પુણ્ય ભેગું થયેલું હોય ને, દસ દા'ડા, પંદર દા'ડા જમવાનું કરવાનું, બધું લગન-બગન ચાલતાં હોય, ગમે નહીં, કંટાળો આવે. બહુ પુણ્યમાંય કંટાળો આવે. બહુ પાપમાંય કંટાળો આવે. પંદર દા'ડા સુધી સેન્ટ ને અત્તરો આમ ઘસઘસ કરતાં હોય, જમાડો ખૂબ, તોય ખીચડી ખાવા ઘેર નાસી જાય. કારણ કે આ સાચું સુખ નથી. આ કલ્પેલું સુખ છે. સાચું સુખ કોઈ દા'ડો અભાવેય ના થાય. એ આત્માનું જે સાચું સુખ છે, એનો અભાવ ક્યારે ય પણ ના થાય. આ તો કલ્પિત સુખ છે. 

×
Share on