Related Questions

બેરોજગારી અને દેવાની પરિસ્થિતિમાં આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?

જ્યારે આપણી પાસે નોકરી ન હોય, ભારે દેવું હોય અને આવી પડેલી મુશ્કેલીનો કોઈ અંત દેખાતો ન હોય એવી પરિસ્થિતિઓ આપણને ખૂબ વિટંબણાઓમાં ઘેરી દે છે. આ સમય એવો કપરો હોય છે કે, ચિંતા, તણાવ અને અનિશ્ચિતતાનો ભય આપણને ઘેરી વળે છે. પછી સંજોગો પણ એવા આવે છે કે આપણને આ મુશ્કેલીઓમાંથી બચવાની કોઈ આશા દેખાતી નથી. આવા લાચારીના સમયે, ભારે કર્જા/દેવાની સ્થિતિમાં જ્યારે બીજો કોઈ રસ્તો જડતો નથી ત્યારે આત્મહત્યા કરીને જીવન સમાપ્ત કરવું, એ જ એકમાત્ર ઉપાય દેખાય છે. પણ આ સાચો રસ્તો નથી!

જરા વિચાર કરી જુઓ કે, શું આત્મહત્યાથી આપણી વર્તમાનની મુશ્કેલીઓનો અંત આવશે? આનો, ટૂંકામાં ટૂંકો જવાબ છે,’ના’. આમ કરવાથી તો પરિસ્થિતિ વધુ વણસે છે. એટલું તો વિચારો કે, જે લોકો આપણા પર નિર્ભર છે, તેમનું શું થશે? આપણને એવું લાગે છે કે, આત્મહત્યાથી બધી મુશ્કેલીઓનો અંત આવી જશે. પણ ના, પરિણામે આવા કૃત્ય બાદ આપણા પરિવારજનોની ખરી મુશ્કેલીઓની શરૂઆત થાય છે, જેનો અંત પણ નિશ્ચિત નહીં હોય. આપણને એ બાબતની કલ્પના પણ કરવી મુશ્કેલ થઈ જશે કે આપણા ગયા બાદ એ લોકોની પરિસ્થિતિ કેવી થઈ જશે?

માટે, આવી પડેલી મુશ્કેલીઓનો સામનો કરવામાં જ આપણું હિત સમાયેલું છે. એક સાથે બધી સમસ્યાઓનું સમાધાન લાવવું શક્ય નથી. જો આપણે બધી જ સમસ્યાઓને એકસાથે ઉકેલવા જઈશું તો મૂંઝાઈ જશું અને પછી પરિસ્થિતિને નિયંત્રિત કરવું પણ અઘરું થઈ જશે. તેના બદલે, એક સમયે એક જ સમસ્યાને પ્રાથમિકતા આપીને તેનો ઉકેલ લાવવા પ્રયત્ન કરવો જોઈએ.

એટલું જાણી રાખવું કે, ચિંતા કરવાથી ક્યારેય ઉકેલ આવતો નથી પણ પરિસ્થિતિ વધુ વણસે છે. હકીકતમાં, ચિંતાથી અંતરાયો ઊભા થાય છે.

નીચે દર્શાવેલા ઉપાયો થકી આપણે દેવા સંબંધી સમસ્યાઓનું સમાધાન લાવી શકીએ છીએ:

  • આપણે નવી જોબ શોધવાનો પ્રયત્ન કરી શકાય. જોબ શોધતાં સમયે મનને સ્થિર રાખીને, પોઝિટિવ અભિગમ કેળવી શકાય. બની શકે કે આપણને જેવી જોઈએ એવી જોબ ના પણ મળે. પણ હિત એમાં જ છે કે, જ્યાં સુધી આપણે પગભર ના થઈએ ત્યાં સુધી આપણે અમુક પ્રકારની જોબની પસંદગી છોડીને જે તક મળે એને સ્વીકારી લેવી જોઈએ.
  • આપણે જોબ શોધી રહ્યાં છીએ એ અંગે આપણી આસપાસનાં લોકોને માહિતગાર પણ કરી શકાય. આપણે જેટલું લોકો સાથે સંપર્ક વધારીશું, એટલી આપણને જોબ મળવાની સંભાવના વધી જશે. આ બાબતમાં ક્યારેય મૌન રહીને ભોગવટામાં ન રહેવું જોઈએ. જેમ જેમ આપણે જોબ શોધવા માટે લોકોના પરિચયમાં આવીશું એમ આપણને ખ્યાલ આવશે કે, સામે લોકો પણ આ બાબતે આપણને મદદ કરવા તત્પર જ હોય છે.
  • આર્થિક અને ભાવનાત્મક રીતે આપણે પરિવાર અને મિત્રો પાસેથી મદદ પણ માંગી શકીએ છીએ.
  • જોબને અનુરૂપ એવો અભ્યાસ કરીને ઇન્ટરવ્યૂ માટેની તૈયારી કરી શકાય.
  • જ્યાં સુધી કોઈ નવી જોબ ના મળે ત્યાં સુધી આપણે મનને કોઈ યોગ્ય કામમાં પરોવીને વ્યસ્ત રાખવું; નહીં તો આપણી ચિતાઓ જ આપણને ઘેરી વળશે. આ પ્રમાણે મનને ડાયવર્ટ કરવાથી આપણને બધી મુશ્કેલીઓ વચ્ચે પણ અંતરશાંતિ વર્તાશે.
  • આપણે પોઝિટિવ રહેવું જોઈએ. પોઝિટિવ રહેવાથી આગળ પરિણામ પણ પોઝિટિવ જ આવે છે.
  • યાદ રાખવું કે, સમયાનુસાર સંજોગો પણ બદલાય છે, માટે આપણે ધીરજ રાખવી જોઈએ.

પેન્ડીંગ બિલ અથવા દેવાની ચુકવણી વખતે નીચે દર્શાવેલ સમજણ ગોઠવી શકાય:

  • બિલનાં પેમેન્ટને પ્રાધાન્ય આપવું. જેટલા બિલ ભરવાનાં હોય એનું લીસ્ટ બનાવીને એમાંથી જે બિલનું પેમેન્ટ પહેલાં કરવાનું હોય એને પહેલું પ્રાધાન્ય આપી શકાય.
  • આપણા વધારાનાં ખર્ચા પર કાપ મૂકીને, એ બાબતે ગંભીરતાથી વિચારી શકાય કે, આપણા જીવનનિર્વાહ માટે જરૂરિયાતની વસ્તુ કેટલી છે.
  • બની શકે એટલી બ્રાંડ વિનાની વસ્તુ ખરીદીને, ખર્ચા પર કાપ મૂકી શકાય.
  • એવો સમય પણ આવી શકે કે, આપણી બચતમાંથી આપણે ખર્ચ કરવાની જરૂર પડે.
  • આપણા સગા-સંબધીઓ પાસેથી લોન માંગીને મદદ કરવા માટે પૂછી શકાય અને જ્યારે આપણી આર્થિક પરિસ્થિતિ સુધરે ત્યારે એ લોનની રકમ તરત જ ચૂકવી દેવાશે, એવું પ્રોમિસ પણ આપી શકાય.

આ બધાથી સમજવું કે આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરવો અને ‘મારે મરવું છે’ એમ વિચારવું એનાથી મુશ્કેલીઓનો અંત નથી આવવાનો. તે ફક્ત બાબતોને વધુ ખરાબ કરશે. આવા પડકારરૂપ સંજોગો આપણને મજબૂત બનાવવા માટે આવતા હોય છે. માટે, આપણે દૃઢ નિશ્ચય અને પોઝિટિવ અભિગમ રાખીને આ મુશ્કેલ સમયને પણ સરળતાથી પાર કરી શકીશું, એવી ભાવના રાખવી જોઈએ.

‘હવે, આપણી પાસે કંઈ જ બચ્યું નથી. હવે, શું કરવું? હવે, કોઈ ઉમીદ નથી રહીં!’, આવા પ્રકારના નબળા વિચારોનાં વમળમાં આવવાના બદલે, ’હવે, બધું સારું જ થશે’, ‘જે પરિસ્થિતિ આવે એને હું પહોંચી વળીશ’, આવા પોઝિટિવ વિચારો કરવા. જ્યારે પણ મનમાં નેગેટિવ વિચાર આવે ત્યારે એની સામે પોઝિટિવ વિચારોને ગોઠવીને આપણે મનને ડાયવર્ટ કરી શકીએ છીએ.

તદુપરાંત, આવા મુશ્કેલીના સમયે, જો આપણે બીજાને દોષિત જોઈશું તો એ આપણા જ અંતરાયનું કારણ બનશે. માત્ર પોતાના ધ્યેયને કેન્દ્રમાં રાખીને આ મુશ્કેલ સમયમાંથી પાર ઊતરી શકાય એમ છે. જો આપણે જીવનમાં પોઝિટિવિટીને અપનાવીશું તો એની મેળે જ આપણને સવળા સંજોગો ભેગા થશે.

Related Questions
  1. શું વધારે પડતા લાગણીશીલ થવાથી વ્યક્તિ આત્મહત્યા કરે છે? આ માટેનો ઉપાય શું છે?
  2. લોકો આત્મહત્યા કેમ કરે છે? આત્મહત્યાના વિચારોનું મૂળ કારણ શું છે?
  3. પ્રેમી સાથે કરેલા આત્મહત્યાના પ્રોમિસના પરિણામો શું આવે? શું પ્રેમ માટે આપઘાત કરવો જોઈએ?
  4. ટીનેજર્સમાં આત્મહત્યાના કારણો શું છે? યુવાનોમાં આપઘાતનું પ્રમાણ કેમ વધી રહ્યું છે?
  5. આત્મહત્યા બાદ શું થાય છે? આત્મહત્યા કેમ ન કરવી જોઈએ?
  6. આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
  7. જ્યારે તમારાથી કોઈને એટલું દુઃખ થઈ જાય કે તે વ્યક્તિને આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
  8. બ્રેકઅપ પછી આત્મહત્યાની પરિસ્થિતિને કેવી રીતે અટકાવવી?
  9. નિષ્ફળતાના કારણે થતી આત્મહત્યાને કેવી રીતે અટકાવી શકાય?
  10. જીવનનાં મુશ્કેલ સમયમાં, કંટાળીને આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
  11. બેરોજગારી અને દેવાની પરિસ્થિતિમાં આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
  12. શું એકલતાના કારણે આત્મહત્યા કરવી એ ઉકેલ છે?
  13. મને કોઈ સમજી શકતું નથી. કોઈ મારું ધ્યાન નથી રાખતું. મને મારા જીવનનો અંત લાવવો છે. મારે શું કરવું જોઈએ?
  14. મેં ભૂલ કરી છે. હવે મારે જીવવું નથી. હું મારી જાતને મારી નાખવા માંગુ છું.
  15. જો કોઈ આત્મહત્યા કરવાનું વિચારે તો શું કરવું? આત્મહત્યા ટાળવા માટે અહીં સહાયતા મેળવો.
  16. આત્મહત્યા સંબંધી વિચારોને કેવી રીતે અટકાવી શકાય?
×
Share on