Related Questions

ભોગવટામાંથી કેવી રીતે મુક્ત થવું?

લોકો સહનશક્તિ વધારવાનું કહે છે, પણ તે ક્યાં સુધી રહે ? જ્ઞાનની દોરી તો ઠેઠ સુધી પહોંચે. સહનશક્તિની દોરી ક્યાં સુધી પહોંચે ? સહનશક્તિ લિમિટવાળી છે, જ્ઞાન અનલિમિટેડ છે. આ 'જ્ઞાન' જ એવું છે કે કિંચિતમાત્ર સહન કરવાનું રહે નહીં. સહન કરવું એ તો લોખંડને આંખથી જોઈને ઓગાળવું. એટલે શક્તિ જોઈએ. જ્યારે જ્ઞાનથી કિંચિતમાત્ર સહન કર્યા વગર પરમાનંદ સાથે મુક્તિ ! પાછું સમજાય કે આ તો હિસાબ પૂરો થાય છે ને મુક્ત થવાય છે.

જે દુઃખ ભોગવે એની ભૂલ અને સુખ ભોગવે તો એ એનું ઈનામ. પણ ભ્રાંતિનો કાયદો નિમિત્તને પકડે. ભગવાનનો કાયદો-રિયલ કાયદો, એ તો જેની ભૂલ હોય તેને જ પકડે. આ કાયદો એક્ઝેક્ટ છે અને તેમાં કોઈ ફેરફાર કરી શકે તેમ છે જ નહીં. જગતમાં એવો કોઈ કાયદો નથી કે જે કોઈને ભોગવટો આપી શકે ! સરકારનોય કાયદો ભોગવટો ના આપી શકે.

આ ચાનો પ્યાલો તમારી જાતે ફૂટે તો તમને દુઃખ થાય ? જાતે ફોડો તો તમારે સહન કરવાનું હોય ? અને જો તમારા છોકરાથી ફૂટે તો દુઃખ, ચિંતા ને બળતરા થાય. પોતાની જ ભૂલોનો હિસાબ છે એમ જ સમજાય તો દુઃખ કે ચિંતા થાય ? આ તો પારકાંના દોષ કાઢીને દુઃખ ને ચિંતા ઊભી કરે છે ને નરી બળતરા જ રાત-દહાડો ઊભી કરે છે અને ઉપરથી પોતાને એમ લાગે છે કે મારે બહુ સહન કરવું પડે છે.

પોતાની કંઈ ભૂલ હશે તો જ સામો કહેતો હશે ને ? માટે ભૂલ ભાંગી નાખોને ! આ જગતમાં કોઈ જીવ કોઈ જીવને તકલીફ આપી શકે નહીં, એવું સ્વતંત્ર છે અને તકલીફ આપે છે તે પૂર્વે ડખલ કરેલી તેથી. તે ભૂલ ભાંગી નાખો પછી હિસાબ રહે નહીં.

×
Share on