Related Questions

શા માટે લોકો આપણને દુઃખ આપે છે?

ન્યાય ખોળી ખોળીને તો દમ નીકળી ગયો છે. માણસના મનમાં એમ થાય કે આ મેં શું બગાડ્યું છે, તે મારું આ બગાડે છે.

પ્રશ્નકર્તા : એવું થાય છે. આપણે કોઈનું નામ લેતાં નથી, તો અમને લોક શું કરવા દંડા મારે છે ?

દાદાશ્રી : હા. તેથી તો આ કોર્ટો, વકીલો બધાનું ચાલે છે. એવું ના થાય તો કોર્ટોનું શી રીતે ચાલે ? વકીલનો કોઈ ઘરાક જ ના થાય ને ! પણ વકીલો યે કેવાં પુણ્યશાળી, તે અસીલો યે સવારમાં ઊઠીને વહેલા વહેલા આવે ને વકીલ સાહેબ હજામત કરતા હોય, તે પેલો બેસી રહે થોડીવાર. સાહેબને ઘેર બેઠાં રૂપિયા આપવા આવે. સાહેબ પુણ્યશાળી છે ને ! નોટિસ લખાવી જાય ને પચાસ રૂપિયા આપે. એટલે ન્યાય ખોળશો નહીં તો બધું ગાડું રાગે પડશે. તમે ન્યાય ખોળો છો એ જ ઉપાધિ છે.

પ્રશ્નકર્તા : પણ દાદા, એવો વખત આવ્યો છે ને કોઈનું ભલું કરતાં હોય, તો એ જ દંડા મારે.

દાદાશ્રી : એનું ભલું કર્યું અને એ પછી દંડા આપે છે, એનું નામ જ ન્યાય. અને એ મોઢે કહેવાનું નહીં. મોઢે કહીએ ત્યારે પાછું એના મનમાં એમ થાય કે આ લીહટ (નફ્ફટ) થઈ ગયા છે.

પ્રશ્નકર્તા : આપણે કોઈની જોડે બિલકુલ સીધા ચાલતા હોઈએ, તોય આપણને લાકડી મારે.

દાદાશ્રી : લાકડી મારી તે જ ન્યાય ! શાંતિથી રહેવા નથી દેતા ?

પ્રશ્નકર્તા : બુશકોટ પહેર્યો, તો કહેશે, બુશકોટ કેમ પહેર્યો ? અને આ ટીશર્ટ પહેર્યું, તો કહે, ટીશર્ટ કેમ પહેર્યું ? એ ઉતારી નાખીએ તોય કહે, કેમ ઉતારી નાખ્યું ?

દાદાશ્રી : એ જ ન્યાય આપણે કહીએ છીએ ને ! અને તેમાં ન્યાય ખોળવા ગયા, તેનો આ બધો માર પડે છે. એટલે ન્યાય ખોળવો નહીં. આ અમે સાદી-સીધી શોધખોળ કરેલી છે. ન્યાય ખોળીને તો આ બધાને સોળા પડી ગયા ને બન્યું એનું એ જ પાછું. સરવાળે તો એનું એ જ આવ્યું હોય. તો પછી શા માટે પહેલેથી ના સમજીએ ? આ તો અહંકારની ડખલ છે ખાલી !

બન્યું એ જ ન્યાય ! માટે ન્યાય ખોળવા જશો નહીં. તારા ફાધર કહે, 'તું આવો છે, તેવો છે.' એ બન્યું એ જ ન્યાય છે. એમની પર દાવો નહીં આપવાનો (માંડવાનો) કે તમે આ શા સારુ આમ બોલ્યા ? આ વાત અનુભવની છે અને નહીં તોય છેવટે થાકીનેય ન્યાય તો કરવો જ પડશે ને ! લોકો સ્વીકારતા હશે કે નહીં ? એટલે આમ ફાંફાં મારે, પણ હતો તેનો તે જ ? તો રાજીખુશીથી કરી લીધું હોય તો શું ખોટું ? હા, મોઢે એમને કહેવાનું નહીં, નહીં તો પાછાં ઊંધે રસ્તે ચાલે. મનમાં જ સમજી જવાનું કે બન્યું એ જ ન્યાય.

હવે બુદ્ધિને વાપરો નહીં, જે બને છે એ ન્યાય કહો. આ તો કહેશે, 'તમને કોણે કહ્યું હતું, જઈને ઊનું પાણી મૂક્યું ?' 'અલ્યા, બન્યું એ જ ન્યાય.' આ ન્યાય સમજાય તો, 'હવે હું દાવો નહીં માંડું' કહેશે. કહે કે ના કહે ?

ભૂખ્યા હોય એટલે આપણે કોઈને જમવા બેસાડીએ, અને પછી એ કહે, 'તમને જમાડવાનું કોણે કહ્યું હતું ? નકામા અમને ઉપાધિ કરી, અમારો ટાઈમ ગયો !' એવું બોલે તો આપણે શું કરવું ? વાંધો ઉઠાવવો ? આ જે બન્યું એ જ ન્યાય છે.

ઘરમાંથી બેમાંથી એક જણ બુદ્ધિ સમાવી દે ને, તો રાગે પડી જાય. એ એની બુદ્ધિમાં હોય તો પછી શું થાય ? રાતે ખાવાનુંય ના ભાવે પછી.

વરસાદ વરસતો નથી, એ ન્યાય છે. ત્યારે ખેડૂત શું કહે ? ભગવાન અન્યાય કરે છે. એ એની અણસમજણથી બોલે છે. તેથી કરીને કંઈ વરસાદ વરસી જશે ? નથી વરસતો એ જ ન્યાય. જો કાયમ વરસાદ પડતો હોય ને, દર સાલ ચોમાસું સારું કરતો હોયને તો વરસાદને શું ખોટ જવાની હતી ? એક જગ્યાએ ધૂમધડાકા કરીને ખૂબ પાણી રેડી દે અને પેણે દુકાળ પાડી દે. કુદરતે બધું 'વ્યવસ્થિત' કરેલું છે. તમને લાગે છે કુદરતની વ્યવસ્થા સારી છે ? કુદરત બધું ન્યાય જ કરે છે.

એટલે આ બધી સૈદ્ધાંતિક વસ્તુ છે. બુદ્ધિ જતી રહેવા માટે આ એક જ કાયદો છે. જે બને છે એ ન્યાય માનીશ એટલે બુદ્ધિ જતી રહેશે. બુદ્ધિ ક્યાં સુધી જીવતી રહે ? બને છે તેમાં ન્યાય ખોળવા જાય, તો બુદ્ધિ જીવતી રહે. આ તો પછી એ બુદ્ધિ સમજી જાય. બુદ્ધિ લજવાય પછી. એનેય લાજ આવે, બળ્યું કે હવે આ ધણી જ આવું બોલે છે, એનાં કરતા આપણે ઠેકાણે પડવું પડશે..

×
Share on