Related Questions

કોઈ આપણી સાથે ખોટું કામ કરે ત્યારે ન્યાય શું છે?

પોતાની આસપાસ કોઈ ખોટાં કામ, જેમ કે ચોરી, લૂંટફાટ, મારફાડ, દુરાચાર કે ભ્રષ્ટાચાર થતાં સાંભળીને લોકોને થાય કે આમાં ન્યાય થવો જ જોઈએ. ખોટું કામ કરનારાને સજા થવી જ જોઈએ, ગમે તેમ કરીને તેમને રોકવા જોઈએ, સરકારે તેમની સામે કડક નિયમો બનાવવા જોઈએ વગેરે. પણ મોટેભાગે લોકો સમાચાર વાંચીને ફક્ત ચર્ચા માટે વાતો કરે છે. જ્યારે ખરેખર તેમની સામે આવો પ્રસંગ બને ત્યારે કોઈ જઈને મદદ નથી કરી શકતું. આંખ સામે ગુનો થઈ રહ્યો હોય, પણ ગુનેગારના હાથમાં છરી કે બંદૂક હોય, તો પોતે ડરના માર્યા કશું નથી કરી શકતા. તો આવા સમયે સાચો ન્યાય શું છે?

ન્યાય શું છે?

સાચો રસ્તો એ છે કે ક્યાંય ખોટું થતું હોય તો બનતા તમામ પ્રયત્નો કરવા. જરૂર પડે ત્યાં પચીસ-પચાસ માણસોને ભેગા કરવા, પોલીસમાં ફરિયાદ નોંધાવવી, કોર્ટમાં કેસ લડવો વગેરે. પણ અંદરખાને જાગૃત રહેવું. બહારના ગુના અટકાવવા જતાં, અંદરના ગુનામાં ન પડવું. અંદરના ગુના કયા છે? રાગ અને દ્વેષ. કોઈ સારું કાર્ય કરે તો આપણે તેના માટે સારું કહીએ, આપણને માનભેર બોલાવે તો આપણે ખુશ થઈએ, એ બધું રાગમાં જાય. જ્યારે કોઈ વ્યક્તિ ખરાબ કામ કરે કે આપણું અપમાન કરે તેના માટે આપણને અભાવ, તિરસ્કાર થાય, તે બધું દ્વેષમાં જાય. બહારના ગુના કરતા રાગ-દ્વેષ વધુ જોખમી છે. બાહ્ય ગુનાઓ માટે સંસારની કોર્ટમાં કેસ લડાશે કે બે મહિનાની જેલ થશે ને પછી તેમાંથી છૂટી જવાશે. પણ આંતરિક ગુના માટે કુદરતની કોર્ટમાં ગુનો નોંધાશે, જેનું ફળ ભવોભવ ભોગવવું પડશે. એમાંથી છૂટવું હોય તો કોઈ જીવને દુઃખ ન આપવું.

રાગ-દ્વેષ ન થાય તે માટે વાસ્તવિકતા સમજવી પડશે. જેમ કોઈ બેંકમાં એક માણસ દસ લાખ રૂપિયા ડિપોઝિટ કરે અને બીજો માણસ દસ લાખ રૂપિયાની લોન લે તો બેંકની દૃષ્ટિએ કોણ સારું ને કોણ ગુનેગાર? કોઈ નહીં. ઊલટું, બધા લોન લેનારા હોય તો બેંક ખાલી થઈ જાય, ને જો બધા ડિપોઝિટ કરનારા હોય તો પણ વ્યાજ આપી આપીને બેંક ખાલી થઈ જાય. જેણે લોન લીધી છે એણે વ્યાજ સાથે લોન પરત ચૂકવવી જ પડશે. તેવી જ રીતે જે લોકો અત્યાચાર, દુરાચાર, ભ્રષ્ટાચાર કરે છે તે કુદરતની બેંકમાંથી લોન લે છે, જેનું રિપેમેન્ટ કરવા આવવું જ પડશે. બીજી બાજુ, જે દાન, સેવા કે પરોપકાર જેવાં સારાં કાર્યો કરે છે તે કુદરતની બેંકમાં ડિપોઝિટ કરે છે. એ સુખના રૂપમાં વ્યાજ ભોગવશે. કુદરત માટે કોઈ સારું કે ખરાબ નથી. વાસ્તવિકતામાં કોઈ ગુનેગાર નથી. માટે કોઈના માટે રાગ-દ્વેષ કરવા જેવા નથી.

ઘરે બેઠાં સમાચારોમાં ક્યાંય ખોટું થયું એમ સાંભળીએ, ત્યારે જાતજાતના વિકલ્પો કરવાને બદલે, શ્રેષ્ઠ ઉપાય છે પ્રાર્થના! દુનિયામાં સુખ અને શાંતિ રહે, લોકોને સદ્‌બુદ્ધિ આવે, કોઈ જીવને દુઃખ ન થાય, લોકો ગુનામાંથી પાછા ફરે તેવી સાચા દિલથી પ્રાર્થના કરવી. આમ કરવાથી આપણને તો શાંતિ રહે છે, નવા ગુના નથી બંધાતા અને દુનિયામાં એના પોઝિટિવ સ્પંદનો પણ ફેલાય છે.

આપણી આસપાસ ક્યાંક ખોટું થઈ રહ્યું હોય, તેમાં કઈ સમજણે રાગ-દ્વેષ ન થાય તેની કેટલીક ચાવીઓ નીચે આપેલ છે.

કૉઝ વગર ઈફેક્ટ ન હોય

જેમ ઘઉંના દાણા વાવ્યા હોય તો ઘઉંના ડૂંડાં ઊગે અને બાજરીના દાણા વાવ્યા હોય તો બાજરી ઊગે. તેવી રીતે આ ભવમાં આપણી સાથે જે કાંઈ બની રહ્યું છે તે પૂર્વે કૉઝિઝ કર્યાં હતાં તેનું ફળ આવી રહ્યું છે. જેવી પરીક્ષા આપી હોય, તેવું જ પરિણામ આવે. એટલે કોઈ વ્યક્તિ આપણા પૈસા ચોરી જાય, કોઈ આપણું નુકસાન કરી જાય, તો એ પરિણામ આવ્યું કહેવાય. કારણ વગર પરિણામ ન હોઈ શકે.

કુદરતનો ન્યાય

ધારો કે, આપણે ખોટી રીતે નાણું ભેગું કર્યું હશે, તો એક દિવસ ચોર આવીને બધું એકસાથે ચોરીને લઈ જશે. ચોર તો નિમિત્ત માત્ર છે, આપણા ગુનાનો દંડ આપવા. પણ ક્યારેક એમ પણ બને કે આપણી પરસેવાની કમાણી જતી રહે, ત્યારે આપણે દુઃખી થઈને ચોરને ગાળો ભાંડીએ. કારણ કે ત્યારે આપણને આપણો ગુનો નથી દેખાતો. ખરેખર તો પૂર્વભવના હિસાબ આ ભવમાં ચૂકવાય છે.

કુદરતનો નિયમ એવો છે કે હિસાબ વગર કોઈ આપણું કશું લઈ શકે નહીં. જેમ આપણા નામે ટપાલ લખાઈ હોય તો આપણા જ સરનામે પોસ્ટમેન આવીને આપે, બીજાને ના આપે. એવી રીતે કુદરત પણ આપણા જ કર્મનું ફળ આપણને પહોંચાડે છે. રસ્તા પરથી હજારો લોકો પસાર થઈ ગયા હોય, પણ કાંટો આપણા જ પગમાં વાગે. જેમ આપણે ટ્રાફિકનું રેડ સિગ્નલ વટાવી જઈએ, તો પોલીસવાળો આપણને ઊભા રાખીને દંડ આપશે. તેમ આપણી ભૂલ છે ત્યાં સુધી દંડ આપનારા આવશે. ભૂલો ખલાસ થઈ ગઈ તો કોઈ દંડ આપનારું નહીં આવે એવી ગેરન્ટીવાળી વાત છે.

આપણે એમ પણ જોયું છે કે લોકો મોટી મોટી રકમો લઈને ફરતા હોય, સ્ત્રીઓ ઘરેણાથી લથબથ જતી હોય તો પણ ચોરી ના થાય. ઘરમાં ચોર આવે ને કબાટો પીંખીને થોડોઘણો માલ ચોરીને લઈ જાય, પણ મોટી રકમ ખાનામાં ટુવાલ નીચે ઢાંકીને રાખી હોય તે બચી જાય. એટલે સમજાય કે આપણું હશે તે જતું નહીં રહે અને જે જવાનું હશે તે ગયા વગર નહીં રહે.

આધ્યાત્મિક દૃષ્ટિએ ખરેખર ગુનેગાર કોણ? ભૂલ કોની? જે ભોગવે છે તેની! કારણ કે પૂર્વે ગુના કર્યા હતા તેનો દંડ આજે મળે છે. ચોર ચોરી કરી જાય તો લૌકિક કોર્ટમાં ચોર જે પકડાયો તે ગુનેગાર ગણાય. પણ કુદરતની કોર્ટમાં જેને ત્યાં ચોરી થઈ તે. કારણ કે તેના પૂર્વના ગુનાનું ફળ આજે આવ્યું. વહુ સાસુને દુઃખ દેતી હોય તો લોકોની દૃષ્ટિએ વહુ ગુનેગાર, પણ આધ્યાત્મિક દૃષ્ટિએ સાસુની ભૂલ હશે તેથી વહુ દુઃખ દે છે. આજે જે નવા ગુના બંધાશે તેનું ફળ આવતા ભવમાં ભોગવાશે. કોઈને દુઃખ આપીશું તો તે જીવ સામે વેર બાંધશે. પછી એ વેરનો હિસાબ ચૂકવશે ત્યારે આપણને ભયંકર દુઃખ આપશે, એમ સાઈકલ ચાલ્યા જ કરશે.

કોઈ માણસ રસ્તાની બાજુમાં ઊભો હોય અને રોંગ સાઈડથી વાહન આવીને તેને અડફેટમાં લઈ લે, ને માણસ મરી જાય. તો આપણું લોહી ઊકળી ઊઠે કે નિર્દોષ વ્યક્તિ સાથે આવો અન્યાય કેમ? જેણે આખી જિંદગી કોઈ ગુનો કર્યો જ નથી તેને આવો દંડ કેમ? પણ આપણને એક જ ભવનું દેખાય છે. જેમ કોઈ માણસે આગલા દિવસે લારી પર ગમે તેમ ખાધું હોય, ને આજે ઝાડા-ઊલટી ચાલુ થાય તો આપણને સમજાય કે પહેલાં ખાધું તેનું પરિણામ આવ્યું છે. બે દિવસ વચ્ચે રાત જાય છે, તેમ બે ભવ વચ્ચે મૃત્યુ જાય છે. પણ આપણને પૂર્વભવ યાદ નથી રહેતો. એટલે કયા કારણથી આજે આ પરિણામ ભોગવવું પડે છે તે સમજાતું નથી. 

એક્સિડન્ટ એટલે ‘ટુ મેની કૉઝિઝ એટ એ ટાઈમ’ (અસંખ્ય કારણો એક જ વખતે). કેટલાય સંજોગો ભેગા થાય ત્યારે મોટો અકસ્માત થાય. રસ્તામાં ઘણા ઊભા હતા. એક જ વ્યક્તિનું મૃત્યુ કેમ થયું? પૂર્વભવના હિસાબ વગર કોઈને ભોગવવાનું ન આવે એવો નિયમ છે. જેણે માણસને કચડી માર્યો તે દુનિયાની કચેરીમાં ગુનેગાર સાબિત થાય કે ન થાય, પણ કુદરતની કોર્ટમાં તેનો ગુનો અવશ્ય નોંધાય છે. પછી તે જ્યારે પકડાશે ત્યારે તે દંડ ભોગવશે, ને આજે જેને ભોગવવાનું આવ્યું તે પાછલા ગુના પકડાયા તેથી. એમાં, આપણે કોઈને ગુનેગાર જોઈએ, બદલાની ભાવના કરીએ, તો આપણો ગુનો બંધાશે. પછી આપણે એનો બદલો લઈશું, સામો વેર બાંધશે ને એનો હિસાબ ભવિષ્યમાં આપણે ચૂકવવો પડશે. એમ કરતાં કરતાં સંસારમાં દુઃખો અને ભટકામણનો અંત નહીં આવે. એટલે આજે નવા ગુના ન કરીએ જેથી ભવિષ્યમાં એનો દંડ મળે. 

ન્યાય ખોળતાં ગૂંચ વધે

જગત સંપૂર્ણ ન્યાય સ્વરૂપ જ છે. પણ મારી સાથે અન્યાય થયો, એમ કરીને આપણે ન્યાય ખોળવા જઈએ, નિમિત્તને ગાળો ભાંડીએ કે મારીએ, એનાથી દુનિયામાં ઝઘડા અને લડાઈઓ વધે છે.

મોટાભાગના ઘરોમાં મિલકતના ભાગલા પડે ત્યારે પણ કકળાટ થતો હોય છે. બાપદાદાના મકાન, જમીન, દાગીના ને મૂડીના વરસમાં ભાગલા પડે, ત્યારે બધા સંતાનો “મને સરખું મળવું જોઈએ” એમ કરીને ઝઘડા કરી મૂકે છે. ભોગવવાનું ઝાઝાં વર્ષ હોય પણ નહીં, પણ કકળાટ કરીને આવતા ભવના કર્મ બાંધે છે. પિતાની અઢીસો વીઘા જમીન હોય ને તેમના મૃત્યુ પછી ચારે દીકરા પાસે પચાસ પચાસ વીઘા જમીન જવાની હોય. પણ વહીવટ મોટા દીકરાના હાથમાં આવે ને કોઈને પચીસ, કોઈને પચાસ, કોઈને ચાલીસ, તો કોઈના હાથમાં ખાલી પાંચ વીઘા જમીન આવે. પછી “મારી સાથે અન્યાય કર્યો!” એમ કરીને ભાઈઓ એકબીજાની સામે કોર્ટે ચડે અને વેર બાંધે. જ્યારે કુદરત શું કહે છે કે ગયા ભવમાં આપણે વધારે લઈ લીધું હોય ને બીજાને ઓછું મળ્યું હોય, તો આ ભવમાં બીજાને વધારે મળે ને આપણને ઓછું. જેમની સાથે ગયા ભવનું લેણું હોય તેમને આજે ચૂકવવાનું આવે, ને જેમની સાથે દેણું બાંધ્યું હોય તેમની પાસેથી લેવાનું. એમ સામસામે હિસાબ ચૂકવાયા કરે છે. જ્યારે પોતાનું મૃત્યુ થાય છે, ત્યારે ન જમીન સાથે આવે છે ન પોતાનો દેહ. પણ જમીનના ટૂકડા માટે કરેલા રાગ-દ્વેષ જરૂર પોતાની સાથે આવે છે અને ભવોભવ ભટકાવે છે.

સાચો ન્યાય કોને કહેવાય?

કોઈએ આપણા પૈસા ઉધાર લીધા હોય અને પાછા ના આપે ત્યારે, “શું કામ પૈસા નથી આપતા, મારા હક્કના છે, એની પાસે આટલા પૈસા છે તોય દબાવી દીધા છે, આવા લોકોને સીધા કરવા જ પડશે.” એમ બુદ્ધિનું ચક્કર ચાલુ થઈ જાય. પછી કોર્ટે ચડીએ ને કેસ કરીએ. પૈસા ઉઘરાવતી વખતે બેફામ બોલીએ, તો સામાને દુઃખ થાય અને એનો અહંકાર ઘવાય. પૈસા આપતી વખતે જેટલો વિનય રાખીએ તેટલા જ વિનયથી પૈસા માંગવા. વ્યક્તિ સામે ભેગી થાય તો “ઓહોહો, આજે તમે લકી કે હું લકી કે આપણે ભેગા થયા.” એમ ગમ્મત કરતાં કરતાં ઉઘરાણી કર્યા કરવી. આપણે નમ્રતાથી કહેવું કે “મારે અડચણ છે, પૈસાની બહુ જરૂર છે. કોઈની પાસેથી લઈને પણ મને અપાવો.” આપણે ધક્કા ખાઈએ તોય ના આપે, ને ઘરમાં ખાવા-પીવા રહેવાની અગવડ ના હોય, તો બન્યું તે ન્યાય કહીને સ્વીકારી લેવું. પણ રાગ-દ્વેષ કે ઝઘડા ન કરવા. કારણ કે પૈસાની કિંમત કરતાં સામાનો અહંકાર છંછેડાય તેની વધારે કિંમત છે. જેનાથી ગૂંચવાડો વધે ને સામો વેર બાંધે છે.

પરમ પૂજ્ય દાદા ભગવાન ન્યાયની પરિભાષા સમજાવતા કહે છે કે, “જો મને ન્યાયી મળતું હોય તો હું ન્યાયી છું એ વાત નક્કી થઈ ગઈ. ન્યાય તો એક આપણું થર્મોમીટર છે.” જેમ થર્મોમીટરમાં પારો ચડી ગયો તો આપણામાં ગરમી છે એટલે, થર્મોમીટરનો કોઈ વાંક નથી. મેં પહેલાં ન્યાય કર્યો હશે તો આજે મારી સાથે ન્યાય થશે, ને અન્યાય કર્યો હશે તો અન્યાય થશે. એટલે મૂળ રહસ્ય અહીં છે કે આપણે કઈ રીતે વર્તવું. હું ન્યાયી છું કે નથી તે જ આપણે જોવાનું છે.

મોટો ભાઈ પચાસ વીઘાને બદલે પાંચ વીઘા આપે તો સમજી જવું કે આ જ ન્યાય છે. ભાઈને કહેવું, “બરાબર છે, તું ખુશ છે ને?” અને બીજા દિવસે સાથે જમવા બેસવું. ગમે તેવા સંજોગોમાં બહાર હસી-ખુશીથી અને પ્રેમથી વ્યવહાર કરવો અને અંદરખાને સમજણમાં રાખવું કે પૂર્વેનો હિસાબ ચૂકતે થયો.

નિષ્પક્ષપાતી રીતે વિચારીએ, તો ઘરમાં પોતાના પત્ની ને છોકરાં પાછળ લાખો રૂપિયા ખર્ચી નાખતા હોઈએ. પણ જો મિત્ર દસ હજાર રૂપિયા પાછો ના આપે તો વર્ષોની મિત્રાચારી તૂટી જાય. સંતાનોને ભણાવવા પાછળ, નોકરી ધંધામાં સેટ કરવા માટે, પરણાવવા માટે ફરજ છે એમ કરીને, પોતે રાગથી પૈસા લૂંટાય છે. જ્યારે મિત્રમાં દ્વેષથી લૂંટાય છે. પછી સંતાનો મોટા થઈને પાછા આપે કે ના પણ આપે. વાસ્તવિકતામાં સંતાનો તેમના પુણ્યના હિસાબે ભોગવે છે અને આપણા હિસાબે આપણને આપે છે. મિત્ર પણ તેના હિસાબથી પૈસા લઈ જાય છે. જો આવી સમજણ હાજર નહીં રાખીએ તો રાગ-દ્વેષ વધ્યા જ કરશે. મિત્રો સાથે રેસ્ટોરેન્ટમાં ખાણીપીણીમાં હજારો રૂપિયા ખર્ચી નાખે, પણ રિક્ષાવાળો પચાસ રૂપિયા વધારે માંગે તો છેતરે છે, એમ કરીને માથાકૂટ ને ઝઘડા કરે. ત્યાં સમજવું જોઈએ કે પૈસો જવા માટે આવ્યો છે. એક રીતે નહીં તો બીજી રીતે જશે. એમાં પૈસા તો ગુમાવીએ છીએ, સાથે કકળાટ કરીને અંદરના ગુના બાંધી ડબલ નુકસાન કરીએ છીએ. એના બદલે બન્યું તે ન્યાય કરીને સ્વીકારી લેવું.

ટૂંકમાં, અન્યાય થતો લાગે ત્યાં પૂરતા પ્રયત્નો ચોક્કસ કરવા. જરૂર પડે તો પોલીસમાં ફરિયાદ નોંધાવવી, કોર્ટમાં કેસ લડવો પણ ઉપલક રહીને. અંદર સમજી રાખવું કે આપણા પૂર્વના કોઈ ગુનાનો દંડ આવ્યો છે. ન્યાય ખોળવાનું બંધ થશે તો સંસારના દુઃખો બંધ થશે. જે બન્યું તે ન્યાય જ છે સ્વીકારી લઈશું તો રાગ-દ્વેષ નહીં થાય, નહીં તો નવા ગુના બંધાયા જ કરશે. 

×
Share on