Related Questions

શું વિચારોને દબાવી દેવા શક્ય છે? તમે તે કેવી રીતે કરો છો? મનને દબાવવાથી શું પરિણામો આવે છે?

વિચારોનું શમન શી રીતે?

પ્રશ્નકર્તા: મનમાં ચાલતા વિચારોનું શમન કેવી રીતે કરવું?

દાદાશ્રી: વિચાર કોણ કરે છે?

પ્રશ્નકર્તા: મન.

દાદાશ્રી: તો તમે કોણ છો?

પ્રશ્નકર્તા: દૈહિક રીતે હું શરીર છું.

દાદાશ્રી: બીજી રીતે શું છો?

પ્રશ્નકર્તા: બીજી રીતે આત્મા છું.

દાદાશ્રી: અત્યારે આત્મા છો કે શરીર છો?

પ્રશ્નકર્તા: અત્યારે તો શરીર જ છું.

દાદાશ્રી: શરીર એ તમે ન્હોય, શરીર તો તમારું છે આ. તમે તો અહંકાર છો. ત્યાં એક બાજુ આત્મા એ તમારો છે. મનેય અહંકારનું છે, એ મનને તમારે શું લેવાદેવા? મન પાર્ટનરશિપમાં છે તમારી જોડે? આપણી જોડે રહેતો હોય, પણ આપણે લેવાદેવા શું? લેવાદેવા ના હોય તો પછી એ જતું રહે.

પ્રશ્નકર્તા: વિચારોનું શમન કેવી રીતે કરવું?

mind

દાદાશ્રી: વિચારો આપણે જોયા કરવા કે શું વિચારો આવે છે. આ સિનેમામાં ગયા હોય તો ફિલ્મ જોવાની હોય કે એની જોડે કચકચ કરવાની હોય?

પ્રશ્નકર્તા: પણ મનમાં ઊલટા-સુલટા વિચાર આવે છે.

દાદાશ્રી: એ તો મનનો સ્વભાવ વિચાર કરવાનો છે. આપણે ના કહીએ તોય વિચાર કરે. આપણે કહીએ, 'આવાં વિચાર કેમ કરે છે?' ત્યારે કહે, 'ના, મારે આવાં વિચાર કરવા છે.' જેમ સાસુ ખરાબ મળી હોય, તે સાસુની અથડામણમાં ના આવવું હોય તો છેટા રહેવું હોય તો રહીએ. એવું મન જોડે છેટા રહેવું. એને કહીએ, 'તું તારી મેળે બૂમો પાડ્યા કર.'

પ્રશ્નકર્તા: અંદરથી વિચાર આવવો અને ઇચ્છા થવી, એ બેમાં શું ફેર?

દાદાશ્રી: એ વિચાર આવે તેને મંજૂર કરીએ તો ઇચ્છા થઈ ગઈ. મંજૂર ના કરીએ તો કશુંય નહીં. મહીં વિચાર આવે કે ફરવા જઈએ, તો આપણે મંજૂર કર્યુ કે, 'ભઈ, જઈએ.' પછી કોઈ વાંધો ઊઠાવે તો પાછો ઊકળાટ, ઊકળાટ થઈ જાય અને મંજૂર જ ના કરીએ તો કશુંય નહીં!

Reference: Book Name: આપ્તવાણી-10(P) (Page #116 - Paragraph #10, Entire Page #117, Page #118 – Paragraph #1 & #2)

ન દબાવાય મનને કદી!

તમને સમજાયું ને, મનને મારવા જેવું નથી?

પ્રશ્નકર્તા: બરોબર છે.

દાદાશ્રી: હા, નહીં તો એબ્સંટ માઈન્ડેડ થઈ જાય. મન તો ઊલટું આનંદ પામવા જેવું હોય.

પ્રશ્નકર્તા: નિરંતર વિચારો આવ્યા જ કરે છે, આવ્યા જ કરે છે, એનું શું કારણ?

દાદાશ્રી: એ વિચારો ના આવે તો પછી મન ખલાસ થઈ ગયું કહેવાય, બ્રેક ડાઉન (ભાંગી ગયું) થઈ ગયું કહેવાય.

એટલે મન કાઢી નાખવા જેવી ચીજ નથી. મનને મારી નાખવા જેવી ચીજ નથી. લોક મનને માર માર કરે છે. અલ્યા, મનને શું કરવા માર માર કરે છે? બિચારા એનો શો દોષ? દોષ કોનો ને કોને માર માર કરીએ વગર કામના? અમે અમારા મનને કોઈ દા'ડો માર્યુ નથી એ બિચારાને! તે અમારું મન કેવું સરસ છે, તે અમે એને જેમ કહીએ તેમ એ ચાલે. અને તમે તો એને ચૂંટીઓ ખણો, ધોલોય મારો, ઠપકારો ને બધુંય કરો તમે તો. કેટલાક કહે છે કે 'હું મનને દબાવું છું.' અલ્યા, મનને શું કરવા દબાવે છે? અલ્યા, એ સ્પ્રીંગની પેઠે કૂદશે! આ સ્પ્રીંગને બહુ દબાવીએ તો શું થાય? ચઢી બેસશે.

માઇન્ડ પાસે કામ લેવું, તે તમને નહીં સમજાવાથી આ દશા થઈ છે. જેમ આ એક મોટી લોંચ હોય, બે લાખ રૂપિયાની હોય, કોઈને ફ્રી ઓફ કોસ્ટ આપી. પછી લોંચ દરિયામાં મૂકે. તે લોંચ તો જાય તો જાય પણ એ હઉ જાય. મહીં બેઠા હોય, તેનેય મારી નાખે. એને માટે કેવી રીતે લોંચને વાપરવી એ આવડવું જોઈએ ને? એટલે અત્યારે મનને કેવી રીતે વાપરવું, એ એની પાસે તરકીબ નથી. તેની આ સ્થિતિ થઈ છે ને! નહીં તો મન તો બહુ સરસ કામ કરનારું છે.

(મહાત્માને) તમને મન અત્યારે હેલ્પ કરે છે કે નુકસાન કરે છે?

પ્રશ્નકર્તા: મદદ કરે.

દાદાશ્રી: હેલ્પ કરે ઊલટું.

Reference: Book Name: આપ્તવાણી-10(P) (Page #113 – Paragraph #2 to #8, Page #114 – Paragraph #1 to #4)

Related Questions
  1. મન કેવી રીતે ઉત્પન્ન થાય છે? મનનું વિજ્ઞાન શું છે? અભિપ્રાયોથી ભરેલા મનને કેવી રીતે કાબુ કરવું?
  2. શું તમે તમારા વિચારોને કાબુ કરી શકો છો? શું તમે તમારા મનને કાબુ કરી શકો છો? તમે કેવી રીતે તમારા વિચારોને કાબુ કરી શકો?
  3. નેગેટિવ વિચારોમાંથી કેવી રીતે બહાર નીકળી શકાય? ખરાબ વિચારો પર કેવી રીતે કાબુ મેળવી શકાય?
  4. શા માટે હું માનસિક રીતે નબળો માણસ છું? કેવી રીતે હું ઝડપથી નિર્ણય લઈ શકું?
  5. શા માટે મારું મન ધાર્મિક ક્રિયાઓમાં એકાગ્ર નથી થતું? હું કેવી રીતે એકાગ્રતા રાખી શકું?
  6. મનની ગાંઠોને કેવી રીતે ઓગાળવી?
  7. મનની અંદર મતભેદ કેવી રીતે ઊભા થાય છે?
  8. શું વિચારોને દબાવી દેવા શક્ય છે? તમે તે કેવી રીતે કરો છો? મનને દબાવવાથી શું પરિણામો આવે છે?
  9. બેચેન મન કે અશાંતિમાંથી કેવી રીતે બહાર નીકળી શકાય?
  10. તમે કેવી રીતે તમારા મન પર કાબુ મેળવી શકો?
×
Share on