Related Questions

મનની અંદર મતભેદ કેવી રીતે ઊભા થાય છે?

mind

'ગત' અને 'વર્તમાન' જ્ઞાન-દર્શન!

મન એટલે શું? પૂર્વભવનો લઈને આવેલો તૈયાર માલ. પૂર્વભવે જે આપણું હતું, આપણું જે ગયા અવતારમાં હતું, તેનું એક્ઝેક્ટ સબસ્ટન્સ રૂપે છે. ત્યાં આપણે જેવા સંયોગો જોયાને, એવી શ્રદ્ધા બેઠી. આ સંસાર એટલે સમસરણ માર્ગ છે. તે માર્ગમાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ બદલાયા જ કરે છે, નિરંતર! માર્ગ છે, એટલે ગયા અવતારમાં અગિયારમા માઈલમાં હો તમે, તો અગિયારમા માઈલમાં ત્યાં રણ જોયું એટલે મનમાં એવું નક્કી કર્યું કે એકાદ રૂમ હોય તો બહુ થઈ ગયું આપણે. પતરાંની હશે તોય ચાલશે. પછી બીજું નક્કી કર્યું કે કમાણી થોડીક હોય તો ચાલે, બસ. આપણો ખર્ચો નીકળવો જોઈએ. આવું નક્કી કર્યું.

અને પછી અત્યારે અહીં આગળ આવ્યા, સોળમા માઈલમાં. અહીં આગળ પાર વગરની હરેક વસ્તુ મળે, જોઈએ એવી મળે. અહીં લોક મોજશોખવાળાં જોયાં. પણ અત્યારે લઈને પેલું આવ્યો છે અને આજનું આ જ્ઞાન શું કહે છે કે 'મોજશોખ કરવા જેવાં છે.' પણ રૂમ તો એને એક જ મળી. જે નક્કી કરીને આવ્યો હતો ને, એ જ એને મળ્યું. એટલે એને આવું ને આવું ક્યાંથી આવ્યું પાછું? તે પેલું ખૂંચ્યા કરે. એટલે આપણા નક્કી કરેલા પ્રમાણે મળે છે. અને જોડે જોડે નવું જ્ઞાન નવું નક્કી કરે છે. આ નવા જ્ઞાનને અને જૂના જ્ઞાનને ઘર્ષણ થાય છે. પહેલાંની શ્રદ્ધા હતી ને આજની શ્રદ્ધામાં, એ બેમાં ઘર્ષણ થાય છે. અને એનું જ નામ મનની અશાંતિ! આખા જગતને, સાધુ-સંન્યાસી, બધાનેય અશાંતિ થાય!

ગયે અવતાર અગિયારમા માઈલમાં હતો, ત્યાં એને જ્ઞાન એવું દ્ઢ થઈ ગયું, શ્રદ્ધા એવી દ્ઢ થઈ ગઈ કે લાંચ લેવાય નહીં. બારમા માઈલમાં આવ્યો તે આજુબાજુ બધા સર્કલવાળા લાંચ લેતા હોય, એનાથી લેવી હોય તો ય લેવાય નહીં. કારણ કે એને અગિયારમા માઈલમાં શ્રદ્ધા બેસી ગઈ હતી. એટલે આજે એનું આ પ્રવર્તન આવ્યું છે. શ્રદ્ધા ગયા અવતારમાં હતી, પ્રવર્તન અત્યારે આવ્યું છે.

હવે ઘણા કાળ સુધી તો એને લેવી જ નહોતી અને એમેય બોલતો હતો કે ના ભઈ, આપણે જોઈતીય નથી, અને લાંચ લેવી એ વાતેય ખોટી છે. પછી એની વાઈફે દસ-પંદર વર્ષ સુધી ટકોર કર કર કરી કે ભાઈબંધો બધાએ મોટા મોટા બંગલા બાંધ્યા ને તમે તો આવા જ રહ્યા ને આમતેમ, એટલે એની શ્રદ્ધા મહીં ડગી ગઈ, કે 'આ હું ખોટું કરું છું. મારે લાંચ લેવી જ જોઈએ.' હવે એની શ્રદ્ધા ફરી પણ પ્રવર્તન ફરતું નથી. પ્રવર્તન તો એનું એ જ છે કે એનાથી લાંચ લેવાય નહીં.

ઘેરથી નક્કી કરીને ગયો કે આજ લાંચ લઈશું અને ત્યાં ઓફિસે કોઈ આપવા આવે તોય લાંચ ના લેવાય. હવે પછી એના મનમાં એમ થાય કે હું જ નબળો છું. મૂરખ છું. અલ્યા, તું નબળોય નથી કે મૂરખેય નથી. આ તો તારી શ્રદ્ધા જે બેઠેલી, તેનું શ્રદ્ધા ફળ આવ્યું છે આ. અને હવે અત્યારે આ શ્રદ્ધા તારી બદલાઈ ગઈ છે. તમને સમજાય છે આ વાત, હું શું કહેવા માગું છું તે?

અગિયારમા માઈલમાં આવી શ્રદ્ધા બેઠી હોય અને બારમા માઈલમાં નવી જ જાતનું ઉત્પન્ન થયું હોય. તે આ મનનું સંઘર્ષણ એનું છે બધું અને આ સંસારનાં દુઃખો છે. અમે તો એ જાણી જઈએ કે આ અગિયારમા માઈલની હકીકત આવી છે અને બારમા માઈલમાં જુદું હોય. મન અગિયારમા માઈલનું હોય છે. મન જે ફળ આપે છે, એ અગિયારમા માઈલનું આપે છે. અને જે જ્ઞાન છે તે બારમા માઈલનું દેખાડે છે કે ભઈ, આવું છે. આ ખોટું છે. એટલે આ બધું ઘર્ષણ ઊભું થાય છે.

કોઈ કહેશે, 'આવી સરસ સ્ત્રી છે છતાં આને કેમ ઘર્ષણ છે?' ત્યારે કહે, 'અત્યારના જ્ઞાનના હિસાબે જુદું લાગે છે, પણ આ સ્ત્રી સરસ છે એવી એણે જે શ્રદ્ધા અગિયારમા માઈલમાં બેસાડી હતી, તે આજે આવ્યું છે અત્યારે અને આજે જ્ઞાન જુદી જાતનું છે. એથી આ ઘર્ષણ થાય છે.'

હવે આ ઘર્ષણ અટકાવવા માટે, જ્ઞાનીઓના જ્ઞાન સિવાય કોઈ દહાડો આ ઘર્ષણ અટકી શકે નહીં. અને આ સંસાર તો આવો ને આવો ચાલ્યા કરશે. પણ એનું રૂટકોઝ (મૂળ કારણ) શું એ બતાવું છું આ. આનું રૂટકોઝ શું છે એ આપને સમજાયું? કારણ કે જગત અનાદિ પ્રવાહરૂપે જ છે. તમે કરતા નથી, પ્રવાહ જ કર્યા કરે છે. આ પ્રવાહના નિયમો જ તમને કર્તાપદમાં લાવે છે. અને કર્તાપદનું ભાન એ તમારો ઇગોઇઝમ છે.

એટલે ભગવાન આજે આને શું કહે છે? એક લાંચના પૈસા લે છે અને મનમાં નક્કી કરે છે કે, મારે આ ક્યાં થાય છે, આવું ક્યાં થાય છે? અને બીજો પૈસા નથી લેતો છતાં લેવાના ભાવ છે, તેને ભગવાન પકડે છે. યુ આર રિસ્પોન્સિબલ (તમે જવાબદાર છો). હા, આ ચોર થવાનો છે. આ સંસાર વધારશે.

પ્રશ્નકર્તા: અને પેલો છૂટી રહ્યો છે.

દાદાશ્રી: હા, એ છૂટી રહ્યો છે. એટલે કુદરતને ઘેર ન્યાય જુદી જાતનો છે. આ જેવું લોકોને દેખાય છે એવું નથી.

આપને સમજમાં આવે છે એ વાત?

Related Questions
  1. મન કેવી રીતે ઉત્પન્ન થાય છે? મનનું વિજ્ઞાન શું છે? અભિપ્રાયોથી ભરેલા મનને કેવી રીતે કાબુ કરવું?
  2. શું તમે તમારા વિચારોને કાબુ કરી શકો છો? શું તમે તમારા મનને કાબુ કરી શકો છો? તમે કેવી રીતે તમારા વિચારોને કાબુ કરી શકો?
  3. નેગેટિવ વિચારોમાંથી કેવી રીતે બહાર નીકળી શકાય? ખરાબ વિચારો પર કેવી રીતે કાબુ મેળવી શકાય?
  4. શા માટે હું માનસિક રીતે નબળો માણસ છું? કેવી રીતે હું ઝડપથી નિર્ણય લઈ શકું?
  5. શા માટે મારું મન ધાર્મિક ક્રિયાઓમાં એકાગ્ર નથી થતું? હું કેવી રીતે એકાગ્રતા રાખી શકું?
  6. મનની ગાંઠોને કેવી રીતે ઓગાળવી?
  7. મનની અંદર મતભેદ કેવી રીતે ઊભા થાય છે?
  8. શું વિચારોને દબાવી દેવા શક્ય છે? તમે તે કેવી રીતે કરો છો? મનને દબાવવાથી શું પરિણામો આવે છે?
  9. બેચેન મન કે અશાંતિમાંથી કેવી રીતે બહાર નીકળી શકાય?
  10. તમે કેવી રીતે તમારા મન પર કાબુ મેળવી શકો?
×
Share on