Related Questions

વિકારી વૃત્તિઓને કેવી રીતે કાબૂ કરવી?

જેવી આપણી અંદર વિષયની ઈચ્છાઓ અને વૃત્તિઓ ઊભી થાય છે, ત્યારે બહુ ઝડપથી આપણે તેમાંથી બહાર નીકળવાના ઉપાયો ખોળીએ છીએ. જો કે, એ ઉપાયો બહુ લાંબો સમય ટકતા નથી, કારણ કે, વિષયની ઈચ્છાઓને એમ ઝડપી ઉપાયો દ્વારા કાબૂમાં કરવું શક્ય જ નથી. તે માટે ઊંડી સમજણ, અખૂટ ધીરજ, આંતરિક સ્થિરતા અને સૌથી મહત્ત્વનો દૃઢ નિશ્ચય માંગે છે.

‘ઉપચાર કરતા નિવારણ સારું’

સૌ પ્રથમ તો એવી બધી જ વસ્તુઓથી દૂર રહો કે જેનાથી તમને આવેગ ઊભા થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો, તમારે વિષય સંબંધિત ચિત્રો, વિડીયો કે વાર્તાઓ વાંચવા કે જોવા ન જોઈએ. જ્યારે તમે આવી કોઈ પણ પ્રવૃત્તિ કરો છો, ત્યારે તે વિષયી વૃત્તિઓને દસ ગણી વધારી દે છે અને ઈચ્છાઓને કાબૂ કરવું મુશ્કેલ બનાવી દે છે.

વિજાતીય લોકો સાથે દૃષ્ટિ મિલાવવાનું અને કોઈ પણ ભોગે સ્પર્શ કરવાનું ટાળો. કુસંગી લોકો કે મિત્રો, જે મજાકમાં પણ વિષયને ઉત્તેજના આપતા હોય તો તેમના સંગમાં રહેવાનું ટાળો.કારણ કે, તમને ખબર જ નહીં પડે કે તમે ક્યારે તેમની સાથે સહમત થઈ જશો.

ચાલો વાંચીએ, પરમ પૂજ્ય દાદાશ્રી એમના જ શબ્દોમાં શું સલાહ અને સમજણ આપે છે:

આ વિષય તો હંમેશાં જેમ જેમ વિષય ભોગવતો જાય એમ વધારે વધારે સળગતું જાય. વિષય તો વધારે સળગતા જાય. જે સુખ ભોગવે છે એની તરસ વધતી જાય છે. ભોગવવાથી તરસ વધતી જાય. ના ભોગવે તો તરસ મટી જાય. એનું નામ તૃષ્ણા. ના ભોગવવાથી થોડા દહાડા હેરાન થઈએ વખતે મહિનો, બે મહિના. પણ અપરિચયથી બિલકુલ ભૂલી જ જવાય પછી.” તેઓ એવી સલાહ પણ આપે છે કેજે સંગમાં આપણે ફસાઈએ એવું હોય એ સંગથી બહુ જ છેટા રહેવું, નહીં તો એક ફેરો ફસાયા કે ફરી ફસાય ફસાય જ થયા કરેમાટે ત્યાંથી ભાગવું. લપસવાની જગ્યા હોય ત્યાંથી ભાગવું, તો લપસી ના પડાય.”

વિષયના વિચારોને લાંબા સમય સુધી વાગોળવા અને તેમાંથી કેવી રીતે સુખ લઈશું, તેવી કલ્પનાઓ કરવાથી તે આવેગો વધુ ને વધુ તીવ્ર બનશે. તેથી, પોતે જ જાગૃત રહેવું જોઈએ અને કોઈ પણ વિષયના વિચારને એક સેકન્ડ કરતા પણ વધુ ચલાવા ન દેવો જોઈએ.

પરંતુ, તમે આ વિચારો કે આવેગોને આવતાની સાથે જ કેવી રીતે અટકાવશો? વિષય ખરેખર શું છે, તેના અભ્યાસ અને પૃથક્કરણ દ્વારા. જેમાં આકર્ષણની વસ્તુનું સંપૂર્ણપણે અવમૂલ્યન કરવાનું આવી જાય છે. (દાખલા તરીકે, વ્યક્તિ, વિચારો, શરીરના અંગો, વગેરે.) બધી જ રીતે વિષયથી મળતું સુખ ફક્ત ભ્રાંતિ છે, સાચું નથી અને ક્ષણિક જ છે. તમે આવું વિચારીને પણ પૃથક્કરણ કરી શકો છો કે, જ્યારે તમે વિષયમાં કોઈ પણ રીતે તન્મયાકાર થાવ છો, ત્યારે તમે ભૂલી જાવ છો કે મનુષ્યનું શરીર ખરેખર કેટલો ગંદવાડો છે. જેમ કે, તમે ભૂલી જાવ છો કે આપણા શરીરના દરેક છિદ્રો અને અંગો દ્વારા કચરો જ બહાર નીકળે છે, જેનો દેખાવ અને ગંધ ચીતરી ચઢે તેવા હોય છે. જો સંડાસ, પરસેવો અને બીજા ડિસ્ચાર્જ આટલા બધા ગંદી ગંધવાળા હોય તો, જરા કલ્પના કરો કે આપણા શરીરની મહીં જે હશે તે કેવું હશે. વધુમાં, જો શારીરિક સંબંધ અને સ્પર્શમાં સાચું સુખ અને આનંદ હોય તો, પછી જ્યારે તમારી ચામડીમાં ખરજવું કે જખમ થયો હોય તો તે વખતે પણ સ્પર્શ કરવામાં આનંદ થવો જોઈએ, પણ તેવું નથી થતું. વળી, આ જગતમાં કોઈ પણ પ્રકારની પરવશતા દુઃખનું કારણ છે, તો પછી કોઈનીયે પરવશતા સુખનું કારણ કેવી રીતે બની શકે?

રક્ષણની પ્રથમ હરોળ

એકવાર તમે તમારી જાતને વિષયથી દૂર કરી અને તેમાં સુખ નથી એવું પૃથક્કરણ કરી લીધું, તો પછી જ્યારે તમારી અંદરથી વિષયના આવેગો ઊભા થશે ત્યારે તમે શું કરશો?

વિષયની ઈચ્છાઓ કે વૃત્તિઓ ઊભી થાય કે તરત જ તેને કેવી રીતે કાબૂમાં લેવી તેના માટેની ટીપ્સ અને યુક્તિઓનું આ લિસ્ટ છે:

  • વિષયના વિચારો મનમાં ઊભા થાય કે તરત જ તેની લિંક તોડી નાખો. આવું તમે કામમાં બદલાવ કરીને, તમારું ધ્યાન બદલાવીને અને બીજા કોઈ કામ વિશે વિચારવાનું ચાલુ કરીને કરી શકો છો.
  • કોઈ વિષય-વિકારનો મહીંથી વિચાર ઊગ્યો તો એ છોડવો તરત જ ઉખેડીને બહાર ફેંકી દેવો. વિષય એકલો જ એવો છે કે આવડો સહેજ છોડવો મોટો થયા પછી જતો નથી. એટલે એને ઊગતાની સાથે જ મૂળમાંથી ઉખેડીને ખેંચી નાખવાની જરૂર છે.
  • ચામડી વિનાનું મનુષ્યનું શરીર જુઓ. એ રૂપાળુ નહીં દેખાય. આવી પ્રેક્ટિસ ધૃણા પેદા માટે નહીં પરંતુ, એવી સમજણ અને મનુષ્યના શરીરનું વાસ્તવિક ચિત્ર મેળવવા માટે છે કે જેથી આપણે તેના તરફ આકર્ષિત ન થઈએ.
  • જો તમારી એવા કોઈની સાથે દૃષ્ટિ મળી કે જે તમારી મહીં વિષયના સ્પંદનો ઊભા કરે છે, તો તમારે તરત જ દૃષ્ટિ ખસેડી લેવી અને આંતરિક દ્રશ્યની લિંક બદલી નાખવી જોઈએ. નહીં તો, એમાંથી પાછા બીજ પડે છે. તેથી સૌથી સારું તો એ જ છે કે તરત જ માફી માંગીને ઉખેડીને ફેંકી દેવું.
  • અત્યારે અને પહેલાની જે કંઈ પણ ઈચ્છાઓ થઈ ગઈ છે, તે બધાની પ્રતિક્રમણ કરીને માફી માંગો. અત્યારે જે વિચારો ઊભા થાય છે તે વિષયની ગાંઠમાંથી ફૂટે છે, જે પહેલાથી બંધાઈ ગયેલી છે. કારણ કે, આ ગાંઠ દૂર નથી થઈ, તેથી કોઈને કોઈ સ્વરૂપમાં વિચારો આવવાનું ચાલુ રહે છે.
  • જો તમે કોઈના તરફ આકર્ષિત થાવ કે કોઈ વ્યક્તિને માટે વિષયની લાલચો ઊભી થાય, તો, તે જ વ્યક્તિના શુદ્ધાત્મા પાસે બ્રહ્મચર્ય પાળવાની શક્તિ માંગવાની કે, હે શુદ્ધાત્મા ભગવાન, મને આખા જગત જોડે બ્રહ્મચર્ય પાળવાની શક્તિઓ આપો!દાદા ભગવાન પાસે શક્તિઓ માંગે તો ઉત્તમ જ છે, પણ પેલું ડિરેક્ટ, જે દુકાન જોડે વ્યવહાર થયો છે ત્યાં માંગી લેવું એ સારામાં સારું.
  • વિષયના આવેગો ઊભા થતા જ અટકાવવા, પરમ પૂજ્ય દાદાશ્રીની થ્રી વિઝનની અજોડ ચાવી વાપરો. આ થ્રી વિઝનમાં, પોતાને જે વ્યક્તિનું આકર્ષણ થતું હોય તેને જાગૃતિથી જુએ છે કે, પહેલા વિઝનમાં નેકેડ દેખાય, બીજા વિઝનમાં ચામડી વગરનું દેખાય અને ત્રીજા વિઝનમાં પેટ કાપી નાખે તો બધા આંતરિક અંગો ઉઘાડા દેખાય. આવું કરવાનો હેતુ આ અનાત્મા વિભાગને જેમ છે તેમ જોવાનો છે. એકવાર આવો પ્રયોગ કરવાથી કોઈ પણ વ્યક્તિને આકર્ષણનું કારણ રહેતું નથી.
  • જેવો વિષયનો વિચાર ઊભો થાય કે તરત જ નીચેની પ્રાર્થના ચાલુ કરી દો: હે ભગવાન! મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે સ્ત્રી, પુરુષ અગર નપુંસક, ગમે તે લિંગધારી હોય તો તેના સંબંધી કિંચિંતમાત્ર પણ વિષય-વિકાર સંબંધી દોષો, ઈચ્છાઓ, ચેષ્ટાઓ કે વિચાર સંબંધી દોષો ન કરાય, ન કરાવાય કે કર્તા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને નિંરતર નિર્વિકાર રહેવાની પરમ શક્તિ આપો. અત્યારની ઈચ્છાઓ આપણા પૂર્વે આપેલા અભિપ્રાયો કે વિષયમાં સુખ છે તેના લીધે ઊભી થાય છે. આ પ્રાર્થના કરવાથી અને શક્તિઓ માંગવાથી આપણે માન્યતાઓ ભૂંસી નાખીએ છીએ અને ફરી ભવિષ્યમાં આવી ઈચ્છાઓ ઊભી ન થાય તે માટે શક્તિઓ માંગીએ છીએ.

આવેગની તીવ્રતા અને પ્રકારના આધારે એક જ સમયે તમારે ઘણી બધી ચાવીઓ વાપરવાની જરૂર પડે અથવા અમુક પરિસ્થિતિઓમાં અમુક ચાવીઓ સારું કામ કરે છે એવું લાગશે અને બીજી પરિસ્થિતિઓમાં બીજી ચાવીઓ સારું કામ કરે છે એવું લાગશે. કોઈ એક ચાવી કામ ના કરે તો મૂંઝાઈ નહીં જવાનું, તરત જ બીજી ચાવી સાથે આપણે તૈયાર રહેવું જોઈએ. લડાઈમાં ક્યારેય હારવાનું નથી, માત્ર તમારે લડવા માટેના નવા નવા રસ્તાઓ ખોળવાના છે.

ઈન્દ્રિય સુખો તરફની ઉદાસીનતાના કારણે, વિષયની ઈચ્છાઓ અને આવેગો પર સંયમ આવશે તે હંમેશાં માટે ટકશે. આવી ઉદાસીનતા ઈન્દ્રિયના સુખો એ કેવી રીતે માત્ર ભ્રામક જ છે, તેના વિગતવાર ચિંતવન દ્વારા જ થઈ શકે છે. વિષય તરફ વધારે ખેંચી જનાર બાબતો વિશે વિચાર કરવાને બદલે, આપણે ઈન્દ્રિય સુખોની ફસામણના દરેક પરિણામો, બ્રહ્મચર્યનું મહત્ત્વ અને ફાયદાઓ વિશે વિચારવું જોઈએ.

બ્રહ્મચર્ય પાળવાના ફાયદાઓ વિશે જાણવા માટે અહીં ક્લીક કરો.

બ્રહ્મચર્ય પાળવાનું મહત્ત્વ જાણવા માટે અહીં કલીક કરો.

વિષયની ઈચ્છાઓથી છૂટકારો મેળવવા માટેનો અંતિમ પગથિયું

વિષયની ઈચ્છાઓથી છૂટકારો મેળવવા માટેનું અંતિમ પગથિયું એ છે કે એવું દૃઢ પ્રતીતિ સાથે સમજવું કે કોઈ પણ પ્રકારના વિષયમાં કોઈ પણ રીતે સુખ નથી જ. આવું પ્રાપ્ત કરવા માટે, પોતાને વિષયથી પ્રાપ્ત થતા સુખ કરતા ચઢિયાતું સુખ ચાખવું પડશે. આવું સુખ માત્ર પોતાના શુદ્ધાત્મા પાસેથી જ પ્રાપ્ત થઈ શકે એમ છે. આવો આનંદનો અનુભવ કરવા, વ્યક્તિએ પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ પાસેથી આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું પડે.

આત્મજ્ઞાન પ્રાપ્તિ માટે વધુ જાણવા અહીં ક્લીક કરો.

Related Questions
  1. બ્રહ્મચર્ય પાળવું એટલે શું? બ્રહ્મચર્ય કેવી રીતે પાળવું?
  2. મારે બ્રહ્મચર્ય શા માટે પાળવું જોઈએ? મારે બ્રહ્મચારી તરીકેનું જીવન શા માટે પસંદ કરવું જોઈએ?
  3. વિકારી વૃત્તિઓને કેવી રીતે કાબૂ કરવી?
  4. વિકારી આકર્ષણ શાના કારણે થાય છે ?
  5. વિષય અને વિષયવિકારી આકર્ષણને બંધ કરવામાં મદદરૂપ બને એ માટે વિષય-વિકારનું વિશ્લેષણ.
  6. સંબંધોમાં વફાદારીની વ્યાખ્યા શું છે? સંબંધમાં વફાદાર કેવી રીતે રહેવું?
  7. સંબંધોમાં થતા ક્લેશને અટકાવામાં, બ્રહ્મચર્ય કેવી રીતે મદદરૂપ થઈ શકે?
  8. શું પરણેલા લોકો માટે બ્રહ્મચર્ય પાળવું અને બ્રહ્મચારી જીવન જીવવું શક્ય છે?
  9. લગ્નજીવનમાં થતા અણહક્કના વિષય અને વ્યભિચારનું શું પરિણામ આવે છે?
  10. થ્રી વિઝન - બ્રહ્મચર્યમાં કેવી રીતે રહેવું, તે માટેની અંતિમ ચાવી
  11. શું બ્રહ્મચર્ય પાળવાના કોઈ નિયમો હોય છે?
  12. હસ્તમૈથુનની આદતને કેવી રીતે બંધ કરી શકાય?
×
Share on