Related Questions

સ્પર્ધાથી શું નુકસાન થાય છે?

સ્પર્ધા એ સંસારનું વિટામીન છે. એ આપણને સંસારમાં ખૂંપાવી નાખે છે. દરેક જગ્યાએ પોતાને વધારે લાભ મળે એ રોગ સ્પર્ધામાં પાડે છે. સ્પર્ધામાં મને વધારે મળે, મારા કુટુંબને વધારે મળે, બીજાને ઓછું મળે એવી વૃત્તિ સતત કામ કરતી હોય છે. બધા ખસે અને હું આગળ વધું એમ સ્પર્ધા કરવાથી પછી કુદરત આપણને જ કહે છે કે, “તું ખસ અને બધા આગળ વધે“. એટલે સ્પર્ધાથી સામાને નુકસાન ઓછું થાય છે પણ પોતાનું જ ભયંકર અહિત થાય છે. અંદર સામી વ્યક્તિ માટે એટલી બધી નકારાત્મકતા પેસી જાય છે કે પરિણામે પોતે જ નીચે પડે છે.

સ્પર્ધા નોતરે અધોગતિ!

જે વ્યક્તિ પ્રત્યે સ્પર્ધા હોય તેની સાથે જબરજસ્ત દ્વેષ ઊભો થાય છે, જેને તેજોદ્વેષ કહે છે. જે સ્પર્ધામાં પડે એને ખૂબ ભોગવટા હોય. તેને એક દિવસ પણ ચેન ના પડે, શાંતિ ના હોય. રાત-દિવસ બસ એ જ ચાલતું હોય કે કેમ કરીને આગળ વધું!

સ્પર્ધા મનુષ્યોને ઘર્ષણમાં નાખે છે. સ્પર્ધાથી અથડામણ અને વેરઝેર વધે છે. સ્પર્ધાના પરિણામે ઈર્ષ્યા ઊભી થાય, સામસામી ચડસ થાય ને માણસ તંતે ચડે. કેટલાક નેગેટિવ સ્પર્ધામાં પડ્યા હોય તો સતત બીજાને ખસેડીને, એનું નુકસાન કરીને પણ હું કેમ કરીને આગળ નીકળી જાઉં એની પેરવીમાં જ હોય. એ તો ભયંકર કર્મો બાંધે જેના પરિણામે અધોગતિમાં જવું પડે.

સ્પર્ધામાં શક્તિ વેડફાય

આપણા સમય અને શક્તિ સ્પર્ધામાં વેડફાઈ જાય છે. આમ પણ રેસકોર્સમાં પડવાથી ક્યાં કોઈ ફેરફાર થવાનો છે? પરમ પૂજ્ય દાદા ભગવાન કોન્ટ્રાક્ટના ધંધામાં ટોપ ઉપર પહોંચ્યા હતા. એમણે નજીકથી સ્પર્ધા જોઈ હતી. તેઓશ્રી રેસકોર્સમાં ઊતરવાના પરિણામો બતાવતા કહે છે કે, “આ લોકોની તો રીત જ ખોટી છે, રસમ જ આખી ખોટી છે! તે આ લોકોની રીત ને રસમ પ્રમાણે આપણે દોડીને પહેલો નંબર લાવ્યા પછી યે પાછો છેલ્લો નંબર આવ્યો. તે હું પછી સમજી ગયો કે આ દગો છે! હું તો એમાં યે દોડેલો, ખૂબ દોડેલો, પણ એમાં પહેલો નંબર આવ્યા પછી છેલ્લો નંબર આવેલો. ત્યારે થયું કે 'આ ચક્કર કઈ જાતનું? આ તો ફસામણ છે!' આમાં તો કોઈ નંગોડ માણસ ગમે ત્યારે આપણને ધૂળધાણી કરી નાખે. એવું કરી નાખે કે ના કરી નાખે? પહેલો નંબર આવ્યા પછી બીજે દહાડે જ હાંફ હાંફ કરી નાખે! એટલે અમે સમજી ગયા કે આમાં પહેલો નંબર આવ્યા પછી છેલ્લો નંબર આવે છે, એટલે ઘોડદોડમાં ઊતરવું નહીં.

સ્પર્ધા લાવે અનીતિ અપ્રમાણિકતા

પૈસા કમાવાની સ્પર્ધામાં ને સ્પર્ધામાં લોકો નોકરી કે ધંધામાં ખોટાં કામ કરતા પણ અચકાતાં નથી. પૈસા કમાવા માટે અનીતિ અને અપ્રમાણિકતા આચરે છે. પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે “ડીસઓનેસ્ટી ઈઝ ધી બેસ્ટ ફૂલિશનેસ!” અનીતિ અને અપ્રમાણિકતા એ મોટામાં મોટી મૂર્ખાઈ છે.

કારણ કે, ખોટા કામો છુપાવવા અંદર સતત ચિંતા અને સ્ટ્રેસ ઊભા થાય છે. શેઠની બે-ત્રણ મિલો હોય, પણ અંદર બફારો વર્ણન ના કરી શકાય તેવો જબરજસ્ત હોય! ક્યારે હાર્ટ ફેઈલ થઈ જાય કહેવાય નહીં.

એટલું જ નહીં, પૈસાની સ્પર્ધાનો કોઈ અંત નથી. કેમ કે સાચા-ખોટા કામો કરીને ખૂબ પૈસા કમાઈને પણ કોઈ ધરાયો નથી. જેટલા વધુ પૈસા કમાય, તેટલી પોતાનાથી વધારે પૈસાવાળા સાથે સ્પર્ધા થાય. પહેલો નંબર આવે, સફળતા મળે પણ તે એકાદ વર્ષ માટે છાપા કે મેગેઝીનમાં આવે, પણ પછી એ સફળતા લાંબી ન ટકે.

સ્પર્ધામાં પડેલાની પર્સનાલિટી ના પડે

ઘણી વખત સ્પર્ધા પોતાની ઇમ્પ્રેશન પાડવા કે વિશેષતા સ્થાપિત કરવા માટે પણ થતી હોય છે. પણ ખરેખર ઇમ્પ્રેશન વધતી તો નથી, ઊલટી ઘટી જાય છે. પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, “રેસકોર્સમાં પર્સનાલિટી ના પડે, કોઈની જ ના પડે!” અને તેઓશ્રી એમ પણ કહે છે કે “તમે રેસકોર્સમાંથી ખસ્યા કે તરત પર્સનાલિટી પડશે.”

સ્પર્ધામાં બે જણા એકબીજાનો ટાંટિયો ખેંચવા જાય ત્યાં છેવટે બેઉ પડે છે. બેમાંથી કોઈ પણ ઊંચું નથી આવી શકતું. જયારે બે વ્યક્તિ સ્પર્ધામાં પડે, ત્યારે બીજા લોકોનાં તેનો પડઘો પણ સારો નથી પડતો. જે સ્પર્ધામાંથી સંપૂર્ણ ખસી જાય એનો જબરજસ્ત પ્રભાવ પડે. પણ જે સ્પર્ધામાં પડેલો હોય એ પોતે જ પોતાની વેલ્યુ ઓછી કરી નાખે છે.

ઈર્ષ્યાથી પોતાને જ નુકસાન

ઈર્ષ્યા એક મોટો અવગુણ છે. જેમાં બીજાની પ્રગતિને અટકાવવા જતા પોતાની જ પ્રગતિ ભયંકર રીતે રૂંધાય છે. કારણ કે, કુદરત એક વાવ જેવી છે. જેમ એક ઊંડી વાવમાં આપણે બોલીએ કે “તું ચોર છે!” તો સામે વાવ આપણને ચાર વખત પડઘો આપે છે કે “તું ચોર છે, તું ચોર છે...” તેવી જ રીતે આપણે કોઈ માટે અવળું વિચારીએ કે “આની પડતી થાઓ!” તો સામે કુદરત આપણને અનેકગણું કરીને મોકલે છે અને પરિણામે પોતાની જ પડતી થાય છે. જગતનો કાયદો શું છે કે “બીજા પડે અને હું આગળ આવું” એવો ભાવ થાય તો આપણે પડીએ અને બીજા આગળ આવે. ઊલટું, જે બાબતના આધારે ઈર્ષ્યા થાય છે એ બાબત ટેમ્પરરી હોય છે. નામ, કામ, પૈસો કે પ્રતિષ્ઠા આજે છે ને કાલે ભૂલાઈ જશે. પણ પોતે માનવતાના રસ્તેથી નીચે પડે છે અને નુકસાન કરી બેસે છે.

ઘણીવાર ઈર્ષ્યામાં દેખીતી રીતે દ્વેષ નથી વ્યક્ત થતો. આમ વ્યક્તિના મોઢે તો બધું સારું-સારું રાખીએ છીએ, પણ પાછલા બારણે એવા પ્રયત્નો થતા હોય, જેનાથી સામો પ્રગતિ જ ના કરી શકે, પોતાનાથી આગળ ના નીકળી શકે. સંસારમાં આવી કૂટનીતિ ચાલ્યા જ કરતી હોય છે. જાણે-અજાણે ઈર્ષ્યા કરીને વ્યક્તિ સામાની પ્રગતિમાં નહીં, પણ પોતાની પ્રગતિમાં ભયંકર અવરોધ નાખે છે.

જેને ઈર્ષ્યા થાય છે તેણે સમજવાની જરૂર છે કે આમ કરીને એ પોતે જ પોતાની ભયંકર ઘોર ખોદે છે. સામાને પછાડવાના કે અટકાવવાના પ્રયત્નોમાં કદાચ એટલા સમય પૂરતું એને નુકસાન જઈ શકે, પણ લાંબા ગાળે પોતાનું જ મોટું નુકસાન થાય છે. ઈર્ષ્યા અને સ્પર્ધામાંથી વેર જન્મે છે જે ભવોભવ ભટકાવનારું બને છે. જેટલો સામા માટે ભાવ બગાડે કે, “એને ખલાસ કરી નાખું, વગોવું, પછાડું“ એટલું જ પોતે પોતાનું જ બગાડે છે.

ખરેખર તો જેની કાચી બુદ્ધિ હોય એ જ સ્પર્ધા અને ઈર્ષ્યામાં પડે. ઊંચી બુદ્ધિવાળો તારણ કાઢી નાખે, કે ઈર્ષ્યા કરવાથી ફાયદો શું? નુકસાન શું? અને ખરો બુદ્ધિશાળી એમાં ક્યારેય ના પડે.

ટીકા, પોતાનું જ બગાડે

ઘણા લોકો પીઠ પાછળ નિંદા પણ કરે છે. કોઈની ગેરહાજરીમાં નિંદા કે ટીકા કરીએ તો એ વ્યક્તિને તેના સ્પંદનો પહોંચી જ જાય છે. તેનું સાયન્સ સમજાવતા પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે, “નિંદા ના કરાય. આ વાતાવરણમાં બધા પરમાણુઓ જ ભરેલા છે. પહોંચી જાય બધું. ક્શું એક શબ્દ પણ કોઈના માટે બેજવાબદારીવાળો ના બોલાય. અને બોલવું હોય તો કંઈક સારું બોલ, કીર્તિ બોલ. અપકીર્તિ ના બોલીશ.

પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે નિંદા અને ટીકાથી પોતાને જ નુકસાન થાય છે. તેઓશ્રી કહે છે કે, “ટીકા કરવાથી પહેલાં આપણા કપડાં બગડે છે, બીજી ટીકાથી દેહ બગડે છે અને ત્રીજી ટીકાથી હૃદય બગડે છે.” માટે કોઈનામાં ઊંડા ના ઊતરવું.

આ દુનિયામાં જો કોઈ જબરજસ્ત નુકસાન હોય તો તે નિંદા કરવામાં છે. પરમ પૂજ્ય દાદા ભગવાન નિંદા અને ટીકાનું જોખમ સમજાવે છે.

દાદાશ્રી : કોઈ પણ માણસની વ્યક્તિગત વાત કરવાનો અર્થ જ નથી. સામાન્યભાવે વાત સમજવાની જરૂર. વ્યક્તિગત વાત કરવી, એ તો નિંદા કહેવાય. અને નિંદા એ તો અધોગતિમાં જવાની નિશાની! કોઈની નિંદા કરો એટલે તમારે ખાતે ડેબીટ થયું અને પેલાને ખાતે ક્રેડિટ થયું. એવો ધંધો કોણ કરે? અને માણસની નિંદા કરવી ને, એ જ માર્યા બરોબર છે. માટે નિંદામાં તો બિલકુલે ય પડવું જ નહીં. માણસની નિંદા કોઈ દહાડો કરવી નહીં. એ પાપ જ છે.

સામાને હરાવવામાં જોખમ

ખરેખર તો સ્પર્ધામાં સામાને હરાવવામાં મોટું જોખમ છે. આપણે સામાને હરાવીએ એટલે સામો પછી આપણને હરાવવાની તૈયારી કરે. સામસામો બદલો લેવાય અને હાર-જીતનો વેપાર ચાલુ થઈ જાય.

કોઈ એક કંપનીની કોઈ ક્ષેત્રમાં મોનીપોલી હોય અને ત્યારે બીજી કંપની એ જ ક્ષેત્રમાં ઉપર આવે ત્યારે એકની મોનોપોલી તૂટે છે અને જનતાને ફાયદો થાય છે. પણ એનું નુકસાન એ થાય છે કે, બેઉમાં ગળાકાપ સ્પર્ધા શરૂ થવાથી વેરઝેર વધે છે. પછી એક કંપની બીજી કંપનીના મેનેજરને ફોડે અને પોતાની કંપનીમાં ઓફર આપે. ત્યારે બીજી કંપની પણ એનો બદલો વાળે.

મોટી મોટી લડાઈઓ પણ સ્પર્ધાના પરિણામે જ સર્જાય છે. રામાયણ અને મહાભારત જેવા યુદ્ધ થવા પાછળ સત્તા માટે, સ્ત્રી માટે કે લક્ષ્મી માટે સ્પર્ધા જ કારણભૂત હતા. સ્પર્ધામાં પડેલા બે મહારથીઓ લડે અને બંનેની લડવાડમાં આખો સમાજ, આખી સંસ્થા, આખું ગામ, આખું રાજ્ય કે આખા દેશને નુકસાન થઈ જાય.

સ્પર્ધા ત્યાં દુઃખ

જ્યાં સ્પર્ધા હોય ત્યાં દુઃખ હોય જ. ઇનામ કાયમ પહેલા નંબરવાળાને જ મળે. બાકીના બધા હાંફી હાંફીને મરી જાય, અને રખડી મરે, તોય કશું વળે નહીં. આપણી આસપાસ પણ આવી ઘોડદોડ આપણને જોવા મળતી જ હોય છે. પરમ પૂજ્ય દાદા ભગવાન આવા લૌકિક વ્યવહારના એક પ્રસંગને દૂરથી ઊભા ઊભા નિરીક્ષણ કરે છે અને તેનું આબેહૂબ વર્ણન અહીં કરે છે.

દાદાશ્રી : એક મોટા પ્રેસિડેન્ટ હતા. આમ સારા માણસ. મોટા વકીલ હતા. તે લગનમાં આવ્યા એટલે 'આવો, આવો ચંદુભાઈ આવો' કહે, તે આમ બેસાડ્યા. પછી ઝવેરચંદ આવ્યા, તે 'આવો આવો' કહીને એમને આમ બેસાડ્યા. એટલે એ ચંદુભાઈને ખસવું પડ્યું. આખી સીટ ખસેડવી પડી. તે એમ બે-ચાર સીટ ખસેડવા પડ્યાને એટલે મોઢું ઊતરી ગયેલું. પહેલું ખસેડ્યું તેમાં થોડુંક ઉતર્યું. બીજા વખતે વધારે, ત્રીજા ને ચોથા વખતે તો ઊતરી ગયેલું તે હું જોયા કરું. મેં કહ્યું, 'આની શી દશા થઈ આ બિચારાની. અરેરે... અહીંયા બધાંય વાજાં વાગે છે ફર્સ્ટ ક્લાસ. આ લોકો પીણાં પીએ છે ને આ આમની શી દશા થઈ! એના મનમાં ને મનમાં વિચાર કરે. આ સમજદાર નહીં, પણ બોલે તો બોલાય પણ નહીં અને પેલા પીણામાં ય સ્વાદ ના આવે. વાજાં સરસ વાગે. લોકો કેવાં સારાં સારાં છે ને મોઢાં જોવામાં ય સ્વાદ ના આવે. મને જોવામાં આનંદ આવે કે આ કેવા ફસાયા છે.

લગ્ન જેવા સામાજિક પ્રસંગ હોય, કુટુંબીઓનો મેળાવડો હોય કે ઓફિસના રોજના કામ, આવી સ્પર્ધા જોવા મળતી જ હોય છે. જેમાં એક વ્યક્તિને માન મળે, અને બીજા બધા વીલા મોઢે ઊભા હોય. પરમ પૂજ્ય દાદાશ્રી આવા આ પ્રસંગનું તારણ આપતા કહે છે કે સ્પર્ધા જ દુઃખનું કારણ છે.

દાદાશ્રી : એટલે આ લોકો સ્પર્ધા કરે છે ને, તેથી દુઃખ આવે છે. આ તો 'રેસકોર્સ'માં ઊતરે છે. આ 'રેસકોર્સ' જે ચાલે છે એને જોયા કર, કે આ કયો ઘોડો પહેલો આવે છે?! એ જોયા કરે તો જોનારને કંઈ દુઃખ થતું નથી. 'રેસકોર્સ'માં ઊતરે છે તેને દુઃખ થાય છે. માટે 'રેસકોર્સ'માં ઊતરવા જેવું નથી!!

હરીફાઈ ગુમાવે માણસાઈ

પોતે બે બેડરૂમના ઘરમાં સુખેથી રહેતા હોય. પણ મિત્રનો ચાર બેડરૂમનો ફ્લેટ જુએ એટલે મહીં પેટમાં તેલ રેડાય અને પછી પોતાનું ઘર જોઈને રોજ દુઃખી થાય કે પેલા જેવો મોટો ફ્લેટ લેવો છે. આમ ને આમ પોતે જ સુખી જીવનમાં દુઃખ નોતરે છે. દેખાદેખીથી કઈ રીતે સ્પર્ધા પેસે છે, અને તે શું નુકસાન કરે છે તેનું સચોટ ઉદાહરણ પરમ પૂજ્ય દાદા ભગવાન આપણને આપે છે.

દાદાશ્રી : અત્યારે તો શ્રેષ્ઠી કેવા થઈ ગયા છે? બે વર્ષ પહેલાં નવા સોફા લાવ્યો હોય તો ય પાડોશીનું જોઈને બીજા નવા લાવે. આ તો હરીફાઈમાં પડયા છે. એક ગાદી ને તકિયો હોય તો ય ચાલે. પણ આ તો દેખાદેખી ને હરીફાઈ ચાલી છે. તેને શેઠ કેમ કહેવાય? આ ગાદી-તકિયાની ભારતીય બેઠક તો બહુ ઉંચી છે. પણ લોકો તેને સમજતા નથી ને સોફાસેટની પાછળ પડયા છે. ફલાણાએ આવો આણ્યો તો મારે ય એવો જોઈએ. ને તે પછી જે કજિયા થાય! ડ્રાઈવરને ઘેરે ય સોફા ને શેઠને ઘેરે ય સોફા! આ તો બધું નકલી પેસી ગયું છે. કો'કે આવાં કપડાં પહેર્યાં તે તેવાં કપડાં પહેરવાની વૃત્તિ થાય! આ તો કો'કે ગૅસ પર રોટલી કરતાં જોયાં તે પોતે ગૅસ લાવ્યો. અલ્યા, કોલસાની અને ગૅસ પરની રોટલીમાં ય ફેર સમજતો નથી? ગમે તે વસાવો તેનો વાંધો નથી પણ હરીફાઈ શેને માટે? આ હરીફાઈથી તો માણસાઈ પણ ગુમાવી બેઠા છે. આ પાશવતા તારામાં દેખા દેશે તો તું પશુમાં જઈશ! બાકી શ્રેષ્ઠી તો પોતે પૂરો સુખી હોય ને પોળમાં બધાંને સુખી કરવાની ભાવનામાં હોય. પોતે સુખી હોય તો જ બીજાને સુખ આપી શકે. પોતે જ જો દુઃખીઓ હોય તો તે બીજાને શું સુખ આપે? દુઃખીઓ તો ભક્તિ કરે અને સુખી થવાના પ્રયત્નમાં જ રહે!

સારરૂપે, જે પણ ક્ષેત્રમાં રેસકોર્સમાં ઊતરીએ ત્યાં આગળ પ્રગતિ થવાને બદલે એ ઊલટી રૂંધાય છે. રેસકોર્સની બહાર નીકળીએ ત્યારે પોતાની અંદર ઝાંખવાની શરૂઆત થાય છે. પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે હું આ સંસારમાં 'રેસકોર્સ'માં પડ્યો નહીં. તેથી મને આ 'ભગવાન' જડ્યા!

×
Share on