Related Questions

ટીનેજર્સને કેવી રીતે સમજાવવા?

પ્રશ્નકર્તા : વ્યવહારમાં કોઈ ખોટું કરતું હોય તો તેને ટકોર કરવી પડે છે, તો એનાથી તેને દુઃખ થાય છે. તો તે કેવી રીતે એનો નિકાલ કરવો ?

દાદાશ્રી : ટકોર કરવામાં વાંધો નથી, પણ આપણને આવડવું જોઈએને ! કહેતાં આવડવું જોઈએ ને, શું ?

પ્રશ્નકર્તા : કઈ રીતે ?

દાદાશ્રી : બાબાને કહીએ, 'તારામાં અક્કલ નથી, ગધેડો છું.' આવું બોલીએ તો પછી શું થાય તે ! એને ય અહંકાર હોય કે નહીં ? તમને જ તમારો બોસ કહે કે 'તમારામાં અક્કલ નથી, ગધેડો છું.' એવું કહે તો શું થાય ? ના કહેવાય આવું. ટકોર કરતાં આવડવી જોઈએ.

પ્રશ્નકર્તા : કઈ રીતે ટકોર કરવાની ?

દાદાશ્રી : એને બેસાડવો. પછી કહીએ, આપણે હિન્દુસ્તાનના લોક, આર્ય પ્રજા આપણી, આપણે કંઈ અનાડી નથી અને આપણાથી આવું ન થાય કંઈ. આમતેમ બધું સમજાવી અને પ્રેમથી કહીએ ત્યારે રાગે પડે. નહીં તો તમે તો માર, લેફ્ટ એન્ડ રાઈટ, લેફ્ટ એન્ડ રાઈટ લઈ લો તે ચાલતું હશે ?

પરિણામ પ્રેમથી કર્યા સિવાય આવે નહીં. એક છોડવો ઉછેરવો હોયને, તો ય તમે પ્રેમથી ઉછેરો, તો બહુ સારો ઉછરે. પણ એમ ને એમ પાણી રેડોને, બૂમાબૂમ કરો, તો કશું ના થાય. એક છોડવો ઉછેરવો હોય તો ! તમે કહો કે ઓહોહો, સરસ થયો છોડવો. તે એને સારું લાગે છે! એ ય સરસ ફૂલાં આપે મોટાં મોટાં ! તો આ પછી મનુષ્યોને તો કેટલી બધી અસર થતી હશે ?

પ્રશ્નકર્તા : પણ મારે શું કરવાનું ?

દાદાશ્રી : આપણું બોલેલું ફળતું ના હોય તો આપણે બંધ થઈ જવું જોઈએ. આપણે મૂરખ છીએ, આપણને બોલતાં નથી આવડતું, માટે બંધ થઈ જવું જોઈએ. આપણું બોલેલું ફળે નહીં અને ઊલટું આપણું મન બગડે, આપણો અવતાર બગડે. આવું કોણ કરે તે ?

એટલે એક માણસ સુધારી શકાય એવો આ કાળ નથી. એ જ બગડેલો છે, સામાને શું સુધારે તે ? એ જ 'વિકનેસ'નું પૂતળું હોય, તે સામાને શું સુધારે તે ? એને માટે તો બળવાનપણું જોઈએ. એટલે પ્રેમની જ જરૂર છે. 

×
Share on
Copy