ધર્મ અને અધ્યાત્મ વચ્ચે ચોક્કસપણે ખૂબ મોટો તફાવત છે.

ચાલો, આ બંને વચ્ચેના તફાવતનું એનાલિસીસ કરીએ.

સુખ અને શાંતિની શોધમાં વ્યક્તિ ધર્મ તરફ વળે છે.

દરેક ધર્મ તેની રીતે, શું સારું છે અને શું ખરાબ છે તેનું જ્ઞાન આપે છે. ધર્મ એ એક શ્રદ્ધા અથવા માન્યતા છે. તે આપણને ખરાબ બાબતો છોડીને સારી બાબતો ગ્રહણ કરતા શીખવે છે, કારણ કે કુદરતનો નિયમ એવો છે કે જ્યારે માણસ ખરાબ કામ કરે છે, ત્યારે તે પાપ બાંધે છે, જે તેને દુઃખ આપે છે; જ્યારે સારા કામ કરવાથી પુણ્ય બંધાય છે, જે તેને સુખ આપે છે.

spiritual-religion

દુનિયામાં ઘણા ધર્મોનું પાલન થાય છે, જેમ કે, હિંદુ, મુસ્લિમ, ખ્રિસ્તી વગેરે. વ્યક્તિ પોતાના આધ્યાત્મિક ડેવલપમેન્ટ પ્રમાણે પોતાના દૃષ્ટિકોણને બંધબેસતો ધર્મ શોધી જ લે છે; એવો ધર્મ, જેને વ્યક્તિ સાચો માનતો હોય અને પછી એ જ ધર્મને પોતે વળગી રહે છે.

  • ધર્મ એટલે કશું કરવાનો રસ્તો - આપણે ભગવાનની આરાધના કરવી પડે, ભગવાનું નામ જપવું પડે, ક્રિયાકાંડ કરવા પડે, પ્રાર્થના કરવી પડે, પશ્ચાત્તાપ કરવો પડે, ધ્યાન કરવું પડે. પત્ની-બાળકો તથા ઘર-સંપત્તિ, પૈસા અને મિલકતનો ત્યાગ કરવો પડે અને ખૂબ તપ પણ કરવું પડે. મોટા ભાગે, ક્રિયા કરવામાં હંમેશા ખૂબ જ બોજો અને સ્ટ્રેસ હોય છે.
  • કોઈ પણ કારણસર, જ્યારે આપણે જે ઈચ્છતા હોઈએ હોય તે પ્રમાણે ન થાય, ત્યારે અંદર સતત ડર અને ગભરામણ રહ્યા કરે છે, જે આપણને ખૂબ જ બેચેન કરી દે છે.
  • તેમાં કોઈ જ શંકા નથી કે સારા કામો કરવાથી આપણે પુણ્ય બાંધીએ છીએ, પરંતુ આ પુણ્યનું ફળ ભોગવવા માટે ફરી જન્મ લઈને સંસારમાં પાછા તો આવવું જ પડે છે. જન્મ-મરણની આ પરંપરા ખૂબ જ દુઃખદાયી છે અને માત્ર પુણ્યનું ફળ ભોગવવા માટે આ દુ:ખમાંથી પસાર થવું જ પડે છે.
  • ઉપરાંત, પુણ્યકર્મનું ફળ સામાન્ય રીતે ભૌતિક સુખના સ્વરૂપમાં હોય છે, જે સ્વભાવથી જ વિનાશી હોય છે. અને આ વિનાશી સુખનો જ્યારે અંત આવે છે ત્યારે તે વધારે દુ:ખ આપે છે.
  • અને જ્યારે વ્યક્તિ આવું સુખ ભોગવી રહી હોય, ત્યારે પણ તે થોડો સમય જ સંતોષ અનુભવે છે; પરંતુ પછી તે ધરાઈ જાય છે અને બીજા સાધનોમાંથી સુખ ભોગવવા દોટ મૂકે છે. આ ચક્ર અનંત જન્મો સુધી ચાલ્યા જ કરે છે.

ત્યારે જ અંદર કાયમી સુખ મેળવવાની આધ્યાત્મિક શોધ શરૂ થાય છે...

એવું સમજાય છે કે મહાવીર ભગવાન, શ્રીરામ ભગવાન, શ્રીકૃષ્ણ ભગવાન કે જે પણ ભગવાનમાં આપણે માનતા હોઈએ, તેમણે બુદ્ધિથી પર, અહંકારથી પર, જે સામાન્ય લોકો પાસે નથી એવું કંઈક પ્રાપ્ત કર્યું હતું. તેમણે એવું કંઈક પ્રાપ્ત કર્યું હતું જેના કારણે બહારના સંજોગો ગમે તેવા હોય, પણ તેઓ કાયમ સુખી રહેતા હતા; અને એટલે જ આજે આપણે તેમને ભગવાન તરીકે પૂજીએ છીએ.

spiritual-religion

જન્મ-જન્માંતરથી, જેમ જેમ આપણે આધ્યાત્મિક ડેવલપમેન્ટમાં આગળ વધીએ છીએ, તેમ તેમ છેવટે આપણા પોતાના જ અનુભવ દ્વારા આ વાત સમજાય છે કે, “આ બધી જ સાંસારિક વસ્તુઓ વિનાશી છે અને તેમાંથી મળતું સુખ પણ વિનાશી છે.” આ જ સમજણ આપણને કાયમી સુખ મેળવવાની આધ્યાત્મિક શોઘ માટે પ્રેરણા આપે છે. ત્યારે જ આપણને ભગવાન પાસે પહોંચવાની, તેમને અનુસરવાની અને અંતે તેમનામાં વિલીન થવાની ઈચ્છા થાય છે. પણ ભગવાન સાથે એકરૂપ કેવી રીતે થવું, તેની સમજણ હોતી નથી.

અને અહીંથી જ શોધ શરૂ થાય છે કે, “મને કાયમી સુખ ક્યાંથી મળશે?”

કુદરત જ એક દિવસ એવા સંજોગો ઊભા કરી આપે છે કે આપણી આ શોધનો અંત આવે છે, આપણને જ્ઞાની પુરુષનો ભેટો થાય છે.

અત્યાર સુધી ધર્મનું પાલન કરતી વખતે આપણે એવું જ વિચારતા અને માનતા આવ્યા છીએ કે, ”હું આ ધર્મનું પાલન કરું છું, હું પૂજા કરું છું, હું ધ્યાન કરું છું.” પરંતુ, “આ હું કોણ છે?”  એ ભાન આપણને જ્ઞાની પુરુષ કરાવે છે.

જો ખરેખર ‘હું’ આ નથી. તો પછી, “હું કોણ છું?”

અને ત્યાંથી જ અધ્યાત્મની શરૂઆત થાય છે.

અધ્યાત્મ એટલે આત્મસાક્ષાત્કાર પ્રાપ્ત કરવાનું જ્ઞાન, એટલે કે “હું કોણ છું” તેનું ભાન.

ધર્મ અને અધ્યાત્મ વચ્ચે ખૂબ મોટો તફાવત છે. ધર્મ આપણને એવું જ્ઞાન આપે છે, જે આપણે સારા અને ખરાબ વચ્ચેનો ભેદ સમજવામાં મદદ કરે છે; તે આપણને ખરાબ છોડવાનું અને સારું ગ્રહણ કરવાનું શીખવે છે. જ્યારે અધ્યાત્મમાં, કંઈ પણ છોડવાની કે નવું ગ્રહણ કરવાની જરૂર હોતી નથી. અધ્યાત્મ આપણને દ્વૈતથી પર, સારા-નરસાના ભેદથી પર જવાનું શીખવે છે. અધ્યાત્મ આપણને “ખરેખર હું કોણ છું?” અને “સારા કે ખરાબ કાર્યોમાં સાચો કર્તા કોણ છે?” તેનો અનુભવ કરાવે છે.

ચાલો જોઈએ કે એ કેવી રીતે?

જેમ ગટરના મેલા પાણીને કેટલાંય પ્રકારના સાધનો ગોઠવીને ખૂબ મહેનત કરીને ચોખ્ખું કરે. તો પણ એમાંથી હાઈડ્રોજન કે ઓક્સિજનની પ્રાપ્તિ થઈ શકતી નથી. હવે ખરાબમાંથી સારામાં જવું તેને અધર્મમાંથી ધર્મમાં આવવું કહેવાય. અને ગમે તેટલા ધર્મ પ્રાપ્તિ કર્યા પછી અધ્યાત્મમાં આવવાનું બાકી જ રહે છે. તત્ત્વને પામવાનું બાકી જ રહે છે. અધ્યાત્મ એટલે આત્મા સન્મુખ થવું અને છેવટે આત્મપ્રાપ્તિ કરી કેવળજ્ઞાન દશાએ પહોચવું ત્યારે સિદ્ધાંત પૂરો થયો કહેવાય.

હવે ગટરના પાણીમાંથી કોઈ સાયન્ટિસ્ટ પ્રયોગ કરીને હાઈડ્રોજન અને ઓક્સિજન છૂટો પાડે તો શું ઓક્સિજન કે હાઈડ્રોજન મેલા હશે કે ચોખ્ખા જ હશે? એ તો શુદ્ધ હોય જ. તેમ સંસારી રીતે ચોખ્ખા ગણાતા હોય કે મેલા ગણાતા હોય પણ મહીં આત્મતત્ત્વ તો બધામાં શુદ્ધ જ છે. પણ તેના જાણકાર પ્રત્યક્ષ અનુભવી જ્ઞાની જ તેની પ્રાપ્તિ કરાવી શકે છે, આત્માને સપૂંર્ણ દ્રવ્યથી, ગુણધર્મથી પર્યાયથી બધી જ રીતે જાણી લીધો છે ને નિરંતર પોતે અનુભવી રહ્યા છે ને બીજાને પ્રાપ્ત કરાવવાનું સામર્થ્ય ધરાવે છે, તેવા જ્ઞાની પુરુષ ભેદ વિજ્ઞાન દ્વારા આત્મસાક્ષાત્કાર કરાવી શકે છે.

spiritual-religion

જ્ઞાનવિધિ એ અક્રમ વિજ્ઞાન થકી આત્મસાક્ષાત્કાર પામવાનો વૈજ્ઞાનિક જ્ઞાનપ્રયોગ છે. જેમાં જ્ઞાની પુરુષની કૃપાથી મુમુક્ષુને માત્ર બે જ કલાકમાં આત્મ અનુભૂતિ એટલે કે પોતાના જ આત્માનો સાક્ષાત્કાર થાય છે.

×
Share on