Related Questions

મન કેવી રીતે ઉત્પન્ન થાય છે? મનનું વિજ્ઞાન શું છે? અભિપ્રાયોથી ભરેલા મનને કેવી રીતે કાબુ કરવું?

mind

આ છે, મનનાં ફાધર-મધર!

પ્રશ્નકર્તા: એ કેવી રીતે જાણવું?

દાદાશ્રી: કોઈને પૂછવું, કોઈ પુસ્તકમાં ફાધર-મધરનું નામ લખેલું નથી?

પ્રશ્નકર્તા: દુનિયાના કોઈ પુસ્તકમાં નથી લખ્યું, દાદા. એ આપની પાસે જ છે.

દાદાશ્રી: ફાધર-મધર ના હોય તો માઈન્ડ હોય જ નહીં. ફાધર-મધર છે જ. કોણ ફાધર છે તે તમે જાણો છો? ચા મોળી આવે તો 'ચા મોળી છે' એવો અભિપ્રાય આપો કે ના આપો?

પ્રશ્નકર્તા: આપીએ.

દાદાશ્રી: એ ઓપિનિયન ઈઝ ધી ફાધર ઓફ માઈન્ડ એન્ડ લેંગવેજ ઈઝ ધી મધર ઓફ માઈન્ડ. (અભિપ્રાય એ મનના પિતા છે અને ભાષા એ મનની માતા છે.) જે લેંગવેજમાં તમે ઓપિનિયન આપો છો એ લેંગવેજ મધર છે અને ઓપિનિયન ફાધર છે. ઓપિનિયન ના હોય તો મન હોય નહીં. આ દુનિયામાં પહેલી વખત બધા ફોડ પડ્યા; એક્ઝેક્ટનેસમાં (યથાર્થતાએ)!

મનના ફાધર અને મધર કોઈને જડ્યાં જ નથી. વર્લ્ડ (દુનિયા) હશે ત્યારથી નથી કહેવાયું. તે આ પહેલી વખત માઈન્ડના ફાધર-મધર કહેવામાં આવે છે. એટલે આ અભિપ્રાય આપે તો મન ઊભું થઈ જાય. અભિપ્રાય આપવાની લોકોને ટેવ હોય છે?

પ્રશ્નકર્તા: હોય છે.

દાદાશ્રી: તેનાથી આ મન ઊભું થયેલું છે, બીજું કશું નહીં.

ફાધર-મધર છેટાં, તો જન્મે ના બેટા!

અત્યારે આપણે મન બંધ કરવું હોય, બે-ચાર અવતારમાં મન બંધ કરી દેવું હોય, તો એનો રસ્તો હશે ખરો?

પ્રશ્નકર્તા: કોઈ સ્વીચ હશેને, ઑફ કરવાની.

દાદાશ્રી: આખું જગત મનને આઘુંપાછું કરવા માગે છે. અલ્યા, ફાધર-મધરને ખોળને તો આઘુંપાછું થઈ શકે. પછી એના મધર ને ફાધરને ભેગા જ થવા ના દઈએ, તો ફરી ઊભું ક્યાંથી થાય? એક અવતારમાં જ આવી સમજણ કરે તો ફરી બીજા અવતારમાં મન જ ઊભું થાય નહીં. મન આપણા વશમાં રહે, એવું સાધારણ મન રહ્યા કરે.

ભાષા એ મધર છે. ભાષા બોલવાની, પણ અભિપ્રાય નહીં રાખવાનો. આ ખરેખર ગેરેન્ટેડ વાત છે. જો ઓપિનિયન બંધ કરી દો તો તમારું મન એક-બે અવતાર પૂરતું થોડું, થોડું, થોડું થઈને બે અવતારમાં ખલાસ થઈ જશે.

પ્રશ્નકર્તા: પણ માઈન્ડ જે છે, એ તો આગળનું ચાર્જ કરેલું એ ડિસ્ચાર્જ થાય છે ને! એમાં આપ જે અત્યારે કહો છો, ઓપિનિયન અને લેંગવેજ, એ અત્યારની વાત થઈ, એટલે કે આવતા ભવનું માઈન્ડ અટક્યું?

દાદાશ્રી: નવું માઈન્ડ અટક્યું. જે જન્મ પામી ગયેલું છે, એ તો ફળ આપ્યા વગર રહે નહીં. નવું જન્મ પામતું બંધ થઈ જાય, એનાં ફાધર-મધરને ઓળખીએ તો. એ પ્રમાણે વર્તન રાખીએ. ફાધર-મધરને જુદા રાખીએ તો એમાં પછી છોકરાનો જન્મ થાય નહીં. વાત સમજવા જેવી છે. બહુ ઊંડી વાત છે, ઝીણી વાત છે.

પ્રશ્નકર્તા: આ તો આપે બહુ સાયન્સની વાત કહી.

દાદાશ્રી: હા, તે જ કહું છું ને, અભિપ્રાય ના હોય તો છોકરાં હોય જ નહીં ને! એટલે અભિપ્રાય ઈઝ ધી ફાધર. આ સહેલામાં સહેલી વાત. બાકી, મનનું કોઈ નિરાકરણ કરી શકે નહીં. આ વર્લ્ડમાં કોઈએ કરેલુંય નથી ને કરી શકશેય નહીં. મનનું નિરાકરણ, પહેલામાં પહેલું આ બહાર પડ્યું છે.

તમે કાલે સવારે અભિપ્રાય બાંધવાના છોડી દો તો મન બંધ થઈ જાય. કોઈ અભિપ્રાય બાંધો કે તરત નવું મન આગળનું ઉત્પન્ન થઈ જશે. બસ, અભિપ્રાય જ છે. મનને બહુ મોટી ચીજ ગણવામાં આવી છે, પણ એ અભિપ્રાયોથી મન ઊભું થયું છે.

શું ઈચ્છામાંથી મન નહિ?

આપણે જે ઓપિનિયન આપીએ છીએ દરેક બાબતમાં, એનાથી દ્વન્દ્વોનું સર્જન થાય છે અને દ્વન્દ્વોના સર્જનથી મનનું સર્જન થાય છે. એ ઓપિનિયન બંધ થયો એટલે મન બંધ થઈ ગયું. આપને સમજમાં આવે છે?

પ્રશ્નકર્તા: પણ મન ઇચ્છામાંથી નથી થતું?

દાદાશ્રી: એ ઇચ્છા ઓપિનિયનમાંથી જ થઈ છે બધી. ઇચ્છાનો વાંધો નથી. તમે જલેબી ખાવ તેનો વાંધો નથી. તેથી મન ઊભું થતું નથી. તમે ઓપિનિયન આપો કે 'સારી છે' એટલે મન ઊભું થાય. ઇચ્છાઓ અને મનને કશું લેવાદેવા નથી.

પ્રશ્નકર્તા: આગળ જવાની ઇચ્છા થઈ પણ 'જવાશે કે નહીં' એ દ્વન્દ્વ ઊભો થયો ને?

દાદાશ્રી: એ દ્વન્દ્વ ઊભો ના થવો જોઈએ. એ દ્વન્દ્વો ઊભા ના થાય તેટલા માટે ઓપિનિયન બંધ કરી દેવાના તો મન બંધ થઈ જાય.

મનની મધર દરેકની પોતપોતાની લેંગવેજ છે. મધર વગર પછી અભિપ્રાય શી રીતે આપે? શબ્દ વગર?

પ્રશ્નકર્તા: એટલે બન્ને ભેગાં હોય તો જ માઈન્ડ થાય.

દાદાશ્રી: તમે અભિપ્રાય આપતા બંધ થઈ જાવ. વગર કામનો તમારો અભિપ્રાય આપો છો. તમારે લેવા નહિ, દેવા નહિ. 'આ સારું ને આ ખોટું' - અરે, પણ તમારે શું લેવાદેવા? એ સારું-ખોટું એ ફિલ્મોનું છે, સીનેમાનું (પ્રકૃતિનો ભરેલો માલ) છે. આપણે તો ત્યાં સુધી કે 'ફલાણા ભાઈ ગયા તે સારું છે ને આ ભાઈ આવે તો સારું છે!' અલ્યા, તમારે લેવાદેવા વગર મન શું કરવા ઊભું કરો છો, વગર કામના? તમારી બાઉન્ડ્રીનું મન ઊભું કરો, કરવું હોય તો. આ ઠેર ઠેર મન ઊભું કર્યું? તમારા મનની બાઉન્ડ્રી (હદ) કેવડી? મોટી છે કે નાની છે?

પ્રશ્નકર્તા: નાની છે.

દાદાશ્રી: હા, તે એવી જોઈએ. કેવી સરસ નાની બાઉન્ડ્રીમાં આ નિરાંતે રહે છે! નાનું છાપરું, બગીચા સાથે બાંધી તેમાં રહે છે. અને તમે તો મેડે, બીજે માળે, ત્રીજે માળે રહો છો, બગીચોય નહિ. 'ફલાણો થયો કે નહિ', તેમાં કશામાં ઊંડા ઉતરે જ નહિ. પોતાની બાઉન્ડ્રી પૂરતું જ. ત્યારે જ બધી ગિફ્ટ આવે ને! અને પેલા દોઢડાહ્યાને ભાગે કશુંય નહિ.

પ્રશ્નકર્તા: સવારથી સાંજ સુધી એક વસ્તુ માટે ચાર-ચાર વખત અભિપ્રાય બદલે.

દાદાશ્રી: એના કરતાં તો કોલેજનું સર્ટિફિકેટ સારું કે ફરે નહીં ને! અને આમનાં સર્ટીફિકેટ ફરી જાય.

પ્રશ્નકર્તા: આપે બહુ સરળ ભાષામાં આપ્યું કે અભિપ્રાય બાંધશો નહીં, નહીં તો મન ઊભું થશે.

દાદાશ્રી: હા, અભિપ્રાય જ આ બધું કામ કરી રહ્યો છે. આખું મન જ અભિપ્રાયથી બંધાયેલું છે. તેમાં પાછા નવા અભિપ્રાયો બંધાય છે. એટલે આ ફસામણ નથી નીકળે એવી. એ તો 'જ્ઞાની પુરુષ', જે પોતે મુક્ત થયેલાં હોયને, તે જ આપણને મુક્ત કરે.

એટલે ગમે તેટલાં કારણો હશે, પણ મુખ્ય કારણ શું? રૂટ કોઝ? ત્યારે કહે, અભિપ્રાય.

Related Questions
  1. મન કેવી રીતે ઉત્પન્ન થાય છે? મનનું વિજ્ઞાન શું છે? અભિપ્રાયોથી ભરેલા મનને કેવી રીતે કાબુ કરવું?
  2. શું તમે તમારા વિચારોને કાબુ કરી શકો છો? શું તમે તમારા મનને કાબુ કરી શકો છો? તમે કેવી રીતે તમારા વિચારોને કાબુ કરી શકો?
  3. નેગેટિવ વિચારોમાંથી કેવી રીતે બહાર નીકળી શકાય? ખરાબ વિચારો પર કેવી રીતે કાબુ મેળવી શકાય?
  4. શા માટે હું માનસિક રીતે નબળો માણસ છું? કેવી રીતે હું ઝડપથી નિર્ણય લઈ શકું?
  5. શા માટે મારું મન ધાર્મિક ક્રિયાઓમાં એકાગ્ર નથી થતું? હું કેવી રીતે એકાગ્રતા રાખી શકું?
  6. મનની ગાંઠોને કેવી રીતે ઓગાળવી?
  7. મનની અંદર મતભેદ કેવી રીતે ઊભા થાય છે?
  8. શું વિચારોને દબાવી દેવા શક્ય છે? તમે તે કેવી રીતે કરો છો? મનને દબાવવાથી શું પરિણામો આવે છે?
  9. બેચેન મન કે અશાંતિમાંથી કેવી રીતે બહાર નીકળી શકાય?
  10. તમે કેવી રીતે તમારા મન પર કાબુ મેળવી શકો?
×
Share on