ચોવીસમા તીર્થંકર શ્રી મહાવીર સ્વામી: પૂર્વભવો ભાગ-૨

૨૫૦૦ વર્ષો પૂર્વે થયેલા આ કાળના ચોવીસમા અને અંતિમ તીર્થંકર શ્રી મહાવીર ભગવાનના સત્તર ભવો વિશે આપણે આગળ વાંચ્યું. હવે આગળ જોઈશું કે ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં તેમણે અહંકાર અને ભોગવિલાસથી ખૂબ પાપકર્મો કર્યા. દ્વારપાળના કાનમાં સીસું રેડાવવાનું ફળ તેમને એ મળ્યું કે અંતિમ ભવમાં દીક્ષા લીધા બાદ એ જ દ્વારપાળે પ્રભુના કાનમાં બરુ ઠોક્યા, જેની અસહ્ય વેદના એમને છ મહિના સુધી ભોગવવી પડી. સિંહના ભવમાં સમતા રાખીને પ્રાયશ્ચિત્ત કરવાથી ખૂબ ઊંચું ફળ મળ્યું. ચાલો, હવે આગળના દસ ભવો વિશે વિગતમાં વાંચીએ.

અઢારમો ભવ - ત્રિપૃષ્ઠ વાસુદેવ અને ઓગણીસમો ભવ

ભરતક્ષેત્રમાં પ્રજાપતિ રાજા અને ભદ્રા રાણીને ત્યાં અચલકુમાર બળદેવનો જન્મ થયો. રાણી બહુ જ સારા અને સુશીલ હતા. ભદ્રા રાણીને ચાર સ્વપ્નો દેખાયા, એના પરથી ભાખવામાં આવ્યું કે રાણીની કૂખે બળદેવનો જન્મ થશે. અમુક સમય વીત્યા બાદ પ્રજાપતિ રાજાના બીજા પત્ની મૃગાવતીને સાત સ્વપ્નો આવ્યા અને એના પરથી નિમિત્તિયાઓ દ્વારા એવું ભાખવામાં આવ્યું કે મૃગાવતી રાણીની કૂખે વાસુદેવ જન્મ લેશે અને તે અત્યંત પ્રતાપી હશે. વાસુદેવનો જન્મ થયો; એમની પીઠ પર ત્રણ વાંકીચૂકી પાંસળીઓ હતી, એ આધારે એમનું નામ ‘ત્રિપૃષ્ઠ’ પાડવામાં આવ્યું. તીર્થકર શ્રી શ્રેયાંસનાથ ભગવાનના કાળમાં ત્રિપૃષ્ઠ વાસુદેવનો જન્મ થયો. ત્રિપૃષ્ઠ વાસુદેવ (મહાવીર ભગવાન) બહુ જ નાની વયમાં બહુ બધી વિદ્યાઓ ઝડપથી શીખ્યા. અચલ બળદેવને પોતાના ભાઈ ત્રિપૃષ્ઠ વાસુદેવ પ્રત્યે ખૂબ આકર્ષણ રહેતું હતું. હંમેશા બળદેવ અને વાસુદેવ બંને ઓરમાઈ ભાઈ હોય અને બંને એટલા બધા એકબીજાની જોડે લાગણીથી બંધાયેલા હોય કે દુનિયામાં એવા ભાઈઓનો પ્રેમનો જોટો ક્યાંય મળે નહીં એવો અજોડ પ્રેમ હોય છે. બંને જણા બધી વિદ્યાઓ શીખીને ખૂબ જ પ્રતાપી અને શૂરવીર થયા.

વિશાખાનંદીનો જીવ ભરતક્ષેત્રમાં અશ્વગ્રીવ નામના પ્રતિવાસુદેવ તરીકે જન્મ્યો. અશ્વગ્રીવ ખૂબ જ શક્તિશાળી અને અડધી પૃથ્વીનો રાજા હતો. હંમેશા પ્રતિવાસુદેવ અડધી પૃથ્વીના રાજા હોય છે. એક વખત અશ્વગ્રીવે પોતાના મૃત્યુ વિશે નિમિત્તિયાઓને પૂછ્યું કે ”મારું મૃત્યુ કેવી રીતે થશે?” ત્યારે નિમિત્તિયાઓએ કહ્યું, ”બે વસ્તુ હશે તેનાથી. એક તો તારા દૂત ચંડવેગને જે મારશે અને ભગાડી દેશે તેનાથી અને બીજું આ જે સંઘપુરમાં કેસરી સિંહ છે (જે બહુ ઉપદ્રવી અને બહુ લોકોને મારી નાખતો હતો; એ સિંહને મારી નાખવું અઘરું હતું.) એને જે કોઈ મારી નાખશે તો સમજી જજે કે એ તારા મૃત્યુનું કારણ બનશે.” એટલે અશ્વગ્રીવ રાજાને અંદર બહુ લ્હાય બળી ગઈ અને બહુ જ ભોગવટો આવ્યો કે, ”હવે શું થશે? કોણ મને મારનારો હશે!” એની શોધમાં એણે માણસો લગાડી દીધા. અશ્વગ્રીવ રાજાએ પોતાના દૂત ચંડવેગ પાસે એ વ્યક્તિની શોધ કરાવી.

પછી ધીમે ધીમે પ્રતિવાસુદેવ અશ્વગ્રીવના જ ખંડણી રાજા, પ્રજાપતિ રાજાના બે પુત્રો અચલ બળદેવ અને ત્રિપૃષ્ઠ વાસુદેવની શૂરવીરતા, નામના અને કીર્તિ લોકોમાં ખૂબ જ ફેલાઈ હતી. આ સાંભળીને અશ્વગ્રીવ રાજાએ પ્રજાપતિ રાજાના બે પુત્રોની પરીક્ષા લેવાનું નક્કી કર્યું. તેણે પોતાના દૂત ચંડવેગને પ્રજાપતિ રાજા પાસે મોકલ્યો. જેવો દૂત ચંડવેગ પ્રજાપતિ રાજાના દરબારમાં આવ્યો ત્યાં દૂતને જોતાં જ દરબારમાં સંગીત વાગતું બંધ થઈ ગયું. સંગીત બંધ કરીને દૂતની આગતા-સ્વાગતા કરીને એમના ખબર-અંતર પૂછ્યા. દરબારમાં ચાલી રહેલી મહેફિલ તૂટી જતાં ત્રિપૃષ્ઠ વાસુદેવને બહુ જ ગુસ્સો આવ્યો કે ”આ વળી કોણ આવ્યો? અમારા રંગમાં ભંગ પડાવનારો!” વાસુદેવ એટલે જબરદસ્ત અહંકારી અને શક્તિશાળી હોય; એમના રંગમાં ભંગ પડે એટલે એમનો બહુ પિત્તો જાય. ત્રિપૃષ્ઠ વાસુદેવ પ્રજાપતિ રાજાની સામે કશું બોલી ના શક્યા પણ તેમણે નક્કી કર્યું કે “મારા રંગમાં ભંગ કરાવવા બદલ આને તો હું જોઈ લઈશ!”

પ્રજાપતિ રાજાએ દૂતનો ખૂબ જ સત્કાર કર્યો અને તેમને ખંડણી પેટે ઘણા બધા રત્નો, હાથી-ઘોડાઓ આપીને એને વિદાય કર્યો. દૂતની વિદાયની ખબર પડતાં જ અચલ બળદેવ અને ત્રિપૃષ્ઠ વાસુદેવ બંનેએ ચંડવેગની પાછળ જઈને એને ખૂબ જ માર માર્યો. પછી ચંડવેગે પ્રતિવાસુદેવ અશ્વગ્રીવ પાસે જઈને બધું કહ્યું. અશ્વગ્રીવ રાજા સમજી ગયો કે બે કારણોમાંથી એક કારણ તો ત્રિપૃષ્ઠ વાસુદેવ છે પણ હજુ પાકા પાયે એમને વધુ ખાતરી કરવી હતી.

અશ્વગ્રીવ રાજાએ બીજી યુક્તિ કરી. કેસરી સિંહ બહુ જ ભયંકર સિંહ હતો. અશ્વગ્રીવ રાજાના રાજ્યમાં એક એવો વિસ્તાર હતો કે જ્યાં આ સિંહ બધાને મારી નાખતો હતો અને કોઈને ખેતી કરવા નહોતો દેતો. અર્ધચક્રી રાજા પાસે ૧૬,૦૦૦ ખંડણી રાજાઓ હોય. અશ્વગ્રીવ રાજાએ એમના બધા ૧૬,૦૦૦ ખંડણી રાજાઓને વારાફરતી પોતાની સેના સાથે એ સિંહના પ્રદેશમાં જઈને ત્યાં રક્ષણ કરવાનું કહ્યું. એમાં ત્રિપૃષ્ઠ વાસુદેવનો વારો આવતો ન હતો, પણ પોતાની શંકાની વધુ ચકાસણી કરવા માટે અશ્વગ્રીવ રાજાએ તેમને વહેલા જવા કહ્યું. ત્યારે પ્રજાપતિ રાજાને અચલ બળદેવ અને ત્રિપૃષ્ઠ વાસુદેવે કહ્યું, ”પિતા, અમે બધું સંભાળી લઈશું. અમારે સેનાની જરૂર નથી. અમે બધે પહોંચી વળીશું. સિંહને મારવો એટલે શું મોટી વાત છે!” એમ કરીને બંને ગયા. પછી ત્યાં આગળ જઈને લોકોએ એમને કહ્યું, ”એક વર્ષ સુધી તમારે અહીં ચોકી કરવી પડે. પછી એક વર્ષમાં જો પેલો સિંહ આવે તો તમારે એને મારવાનો.” ત્યારે ત્રિપૃષ્ઠ વાસુદેવને થયું કે “એક વર્ષ સુધી કોણ રાહ જુએ! મને બતાવો, ક્યાં રહે છે? કઈ ગુફામાં છે? હું હમણાં પતાવી દઉં.” પછી પોતે સારથિ સાથે ગુફા પાસે ગયા.

mahavir swami

ત્યાં આગળ સિંહ ગુફામાંથી બહાર નીકળ્યો. પણ ત્રિપૃષ્ઠ વાસુદેવે જોયું કે સિંહ પાસે રથ જેવું કંઈ છે નહીં; એટલે પોતે રથમાંથી નીચે ઊતર્યા. પછી તેઓ પોતે હથિયાર લઈને સિંહને મારવા ગયા પણ વિચાર આવ્યો, ”અરે! આ સિંહની પાસે દાંત અને નખ સિવાય બીજું કોઈ હથિયાર છે નહીં. હું તો ક્ષત્રિય છું, રાજા છું. ક્ષત્રિયો બિનહથિયારવાળા પર હથિયાર ના મારે. પાછળથી ઘા ના કરે.” એટલે એમણે બધા હથિયાર નાખી દીધા. પછી સિંહ જ્યારે તરાપ મારીને ત્રિપૃષ્ઠ વાસુદેવને મારવા આવ્યો અને ત્યાં જ વાસુદેવે એક જ ક્ષણમાં તે સિંહનું મોઢું પકડીને એના બે ફાડિયા કરી નાખ્યા. પેલો સિંહ તરફડવા લાગ્યો. જ્યારે થોડી ક્ષણો માટે એ સિંહમાં જીવ હોય છે, ત્યારે ત્રિપૃષ્ઠ વાસુદેવનો સારથિ એને બોધ આપે છે, ”તું કોના હાથે મરે છે એ તને ખબર છે? આ વાસુદેવ છે! અડધી પૃથ્વીના રાજા અને આવતી ચોવોસીના છેલ્લા તીર્થંકર મહાવીર ભગવાન થવાના છે. માટે તું ગમે તેના હાથે મર્યો નથી. તારું મૃત્યુ પણ ભવ્ય થઈ ગયું.” સિંહને અંદર શાંતિ લાગી અને એણે સમતામાં દેહ છોડ્યો. આ સારથિ એટલે મહાવીર ભગવાનના વખતમાં ગણધર ગૌતમ સ્વામીનો જીવ.

આની અશ્વગ્રીવ રાજાને ખબર પડતાં એને પાકી ખાતરી થઈ ગઈ કે હવે એના મૃત્યુનું કારણ ત્રિપૃષ્ઠ વાસુદેવ જ છે. બીજી બાજુ, ત્રિપૃષ્ઠ વાસુદેવના ખૂબ પરાક્રમો સાંભળીને વિદ્યાધર જ્વલનજટીએ પોતાની કન્યા સ્વયંપ્રભા એમને આપવા માટે નક્કી કર્યું અને અશ્વગ્રીવને એમ થયું કે સ્વયંપ્રભાના મારી સાથે લગ્ન કરવાને બદલે ત્રિપૃષ્ઠ વાસુદેવ સાથે કેમ નક્કી થયું? વિદ્યાધર જ્વલનજટીને થયું કે અશ્વગ્રીવ જેવા ઘરડા સાથે મારી કન્યાને કેવી રીતે પરણાવું? એટલે તેમણે પોતાની કન્યા ત્રિપૃષ્ઠ વાસુદેવ સાથે જ પરણાવી. આથી અશ્વગ્રીવ રાજાએ જબરજસ્ત ક્રોધમાં આવીને મોટું યુદ્ધ કર્યું. યુદ્ધમાં વિદ્યાધર જ્વલનજટીએ તો બધા વિદ્યાધરોને મારી નાખ્યા, પણ સામે અશ્વગ્રીવ તો પ્રતિવાસુદેવ હતા. એની સામે ત્રિપૃષ્ઠ વાસુદેવ નાના યુવાન જેવા હતા; તેમના પાસે વિદ્યાઓ ન હતી. પછી ત્રિપૃષ્ઠ વાસુદેવ અને અચલ બળદેવ યુદ્ધની બધી વિદ્યાઓ અને કળાઓ ફટાફટ શીખી ગયા. ત્રિપૃષ્ઠ વાસુદેવ છ મહિનામાં શીખવાને બદલે આઠ દિવસમાં બધી વિદ્યાઓ શીખી જાય એટલા બધા શક્તિશાળી હતા. પછી ત્રિપૃષ્ઠ વાસુદેવ અને અશ્વગ્રીવ પ્રતિવાસુદેવ વચ્ચે જબરજસ્ત યુદ્ધ થયું. એ યુદ્ધમાં અશ્વગ્રીવ પ્રતિવાસુદેવનું મૃત્યુ થયું અને ત્રિપૃષ્ઠ વાસુદેવ અડધી પૃથ્વીના રાજા થયા. એની મેળે જ અશ્વગ્રીવ પ્રતિવાસુદેવનું બધું રાજ્ય ત્રિપૃષ્ઠ વાસુદેવને મળી ગયું. ત્યાર બાદ, ત્રિપૃષ્ઠ વાસુદેવનો રાજ્યાભિષેક થયો.

ત્રિપૃષ્ઠ વાસુદેવ ખૂબ જ ભોગવિલાસવાળા હતા અને અહંકારના માર્યા એમણે ઘણા ખોટા કામો કર્યા. ભોગવિલાસ માટે એમને ૩૨,૦૦૦ રાણીઓ હતી. એક વખત ત્રિપૃષ્ઠ વાસુદેવ પોતાના મહેલના અંતઃપુરમાં સૂતા હતા. એ કાળે ત્રિપૃષ્ઠ વાસુદેવની પાસે ખૂબ જ સારા અને નિપુણ એવા શાસ્ત્રીય સંગીતકારો હતા. એ સંગીતકારના વાજિંત્રો પણ અજોડ હતા. ત્રિપૃષ્ઠ વાસુદેવે નક્કી કર્યું હતું કે પોતે દરરોજ આ સંગીત સાંભળતાં સાંભળતાં સૂઈ જશે. એમના અંતઃપુરના જે દ્વારપાળ હતા એમને વાસુદેવે એવો હુકમ કર્યો કે જ્યારે પોતે ઊંઘી જાય, ત્યારે જ દ્વારપાળે સંગીતકારો પાસેથી વાજિંત્રો બંધ કરાવી દેવાના, જેથી કરીને એમને ઊંઘમાં ખલેલ ન પહોંચે. પણ બન્યું એવું કે સંગીતકારોએ એટલી સરસ ધૂન વગાડી કે પછી દ્વારપાળ સહિત બધા જ એ સંગીતના તાનમાં આવી ગયા હતા. એક બાજુ ત્રિપૃષ્ઠ વાસુદેવ તો ભર નિદ્રામાં હતા, પણ સંગીત તો આખી રાત સુધી ચાલ્યા જ કર્યું. પરોઢિયે પછી ત્રિપૃષ્ઠ વાસુદેવ જ્યારે ઊઠ્યા અને જાગતાં જ જ્યારે એમણે સંગીત સાંભળ્યું તો તેઓ ખૂબ ક્રોધે ભરાયા. અતિ ક્રોધિત થઈને ત્રિપૃષ્ઠ વાસુદેવે દ્વારપાળના કાનમાં ગરમ સીસું રેડાવ્યું અને કહ્યું, “તને સંભળાયું નહીં? તું આટલો બધો સંગીતના તાનમાં ખોવાઈ ગયો! માટે જા, તારા કાનને બહેરા કરી નાખું.” કાનમાં સીસું રેડવાથી બહેરો તો શું પણ એ દ્વારપાળ મરી ગયો.

mahavir swami

આ ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં થયેલા પાપનું ફળ ભગવાન મહાવીર જ્યારે દીક્ષા લઈને જંગલમાં નીકળી પડ્યા, ત્યારે આવ્યું અને એમને ભોગવવું પડ્યું. આવનારા ભગવાન મહાવીરના ભવમાં ભગવાનના કાનમાં આ જ બધા સંગીતકાર અને દ્વારપાળે બરુ ખોસ્યા. જેની વેદના ભગવાનને છ મહિના સુધી ભોગવવી પડી. કરેલા કર્મનું ફળ આપણને છોડે નહીં. ગમે તેવું હોય તો પણ આપણે કરેલું કર્મ નિકાચિત કર્મ હોય છે, જે ગમે તે કરો તોય છોડે નહીં. ગમે તેટલો પશ્ચાત્તાપ કરો તોય હળવું થાય પણ છોડે નહીં. વાસુદેવ રાજાને એમની જિંદગીમાં પશ્ચાત્તાપ હોય જ નહીં, કારણ કે એ પોતે જે બધું કરે છે એ બરાબર જ કરે છે એવું માનતા હોય છે. ત્રિપૃષ્ઠ વાસુદેવે બધા પર ખૂબ જ અત્યાચારો અને હિંસા કરી હતી. કાનમાં સીસું રેડીને અને અહંકારે કરીને ખૂબ ભયંકર પાપકર્મો કર્યા હોવાથી એમને સાતમી નર્કનું આયુષ્ય બંધાયું અને અચલ બલદેવ પોતાના ભાઈ ત્રિપૃષ્ઠ વાસુદેવના વિરહમાં દીક્ષા લઈને પછી મોક્ષે ગયા.

ત્રિપૃષ્ઠ વાસુદેવના જીવે ઘણા ભવો સુધી ભટક ભટક કર્યું. તિર્યંચમાંથી મનુષ્યમાં અને મનુષ્યમાંથી તિર્યંચમાં એમ એની ભટકામણ ચાલતી રહી.

સિંહ અને અન્ય છ ભવો

એક જંગલમાં બહુ મહાભયંકર સિંહ તરીકે ત્રિપૃષ્ઠ વાસુદેવનો જન્મ થયો. એ સિંહ બધાને બહુ જ હેરાન કરતો; એ જંગલમાં કોઈ જઈ ના શકે. જે કોઈ જાય તે બધાને મારી મારીને ખાતો હતો. એટલે એ સિંહનો બધાને ખૂબ ભય રહેતો હતો. સિંહને બોધ આપવા માટે એક વખત ઉપરથી બે દેવો નીચે પૃથ્વી પર ઊતર્યા. એ દેવોને ખબર હતી કે આ મહાવીર ભગવાનનો પૂર્વભવ છે અને જો અત્યારે આ બોધને નહીં પામે તો આ એમના જે બધા ભવો આગળ જે ચડતા આવવાના છે એને બદલે આ તો વધારે ઊતરી પડશે. એટલે બે દેવો સિંહને બોધ આપવા વિમાન દ્વારા નીચે આવ્યા.

સિંહે એમને જોઈને ખૂબ જ ક્રોધિત થઈને ત્રાડ પાડી પણ તેઓ તો દેવ હતા; એમને ગમે તે કરો કશું થાય નહીં. એટલે સિંહ જરાક પાછો પડ્યો. સિંહના ઢીલા પડવાથી બે દેવોએ વારાફરતી એને બોધ આપી કહ્યું, ”તું આ શું કરે છે? તને ખબર છે તું કોણ છે? પાછલા ભવમાં તું ત્રિપૃષ્ઠ વાસુદેવ હતો અને પ્રથમ તીર્થંકર ઋષભદેવ ભગવાનનો તું પૌત્ર મરીચિ હતો. હવે પછી તારું ચક્રવર્તીનું પદ આવશે. છેલ્લે તું ચોવીસમો તીર્થંકર મહાવીર થવાનો છું! તું આ શેમાં પડ્યો છે? કેટલી બધી હિંસા માંડી છે! તું બૂજ, બૂજ, બૂજ... આ પાપમાંથી બહાર નીકળ અને તારી દૃષ્ટિને બદલ. તું સાચી વસ્તુને સમજ.” આ દેવો તો બધી જ ભાષામાં બોલી, સમજી શકે. એટલે આ બધી આત્માની અને મોક્ષની વાતો સાંભળતાં જ સિંહના દિલમાં અંદર ઠંડક થઈ ગઈ. એનો બધો ક્રોધ અને સંતાપ શમી ગયા. અંદર ક્યારેય કોઈ કાળે અનુભવી ન હોય એવી શાંતિ એને લાગી. ત્યાર પછી સિંહે નક્કી કર્યું કે હવે મારે કોઈને પણ મારવું નથી. દેવોનો બોધ સાંભળતાં સિંહને ખૂબ પશ્ચાત્તાપ થયો કે પોતે શું શું કર્યું! કેટલા લોકોને મારી નાખ્યા! કેટલા જાનવરોને, મનુષ્યોને માર્યાં. આ બધું પાપ એને યાદ આવતું ગયું. જેમ જેમ દેવો બોધ આપતા ગયા, તેમ તેમ એની આંખમાંથી આંસુ સરતા ગયા. બે હાથ જોડીને સિંહે ખૂબ જ ભક્તિભાવથી પોતાના કરેલા પાપોનો પશ્ચાત્તાપ કરતો ગયો. તે જેમ જેમ પશ્ચાત્તાપના આંસુ સારતો ગયો, તેમ તેમ એનું હૃદય ચોખ્ખું થતું ગયું.

mahavira story

હંમેશા પશ્ચાત્તાપથી ગમે એવું પાપ હોય તે ધોવાઈ જાય છે. એટલા માટે આપણા કરેલા પાપોને ધોવા માટે તીર્થંકરોએ પ્રતિક્રમણ, પ્રત્યાખાન અને આલોચનાનું જબરજસ્ત હથિયાર આપ્યું છે. જાગૃત માણસે ક્ષણે ક્ષણે પ્રતિક્રમણ કરવાનું હોય છે.

પશ્ચાત્તાપ જ્યાં સુધી ના થાય ત્યાં સુધી કોઈ પાપ ધોવાતું નથી; પાપનો ગઠડો વધતો જ જાય છે. સિંહે આ બોધ પામીને પોતાના કરેલા પાપો ખૂબ આંસુથી ધોઈ નાખ્યા અને પોતે ખૂબ નિર્મળ થઈ ગયો. ત્યાર પછી તેણે વારંવાર બે ઉપકારી દેવોને વાંદીને એમની પ્રદક્ષિણા કરી અને સાચા દિલથી એને અહો અહો થયું. બોધ આપીને બંને દેવો પોતાના વિમાનમાં જતા રહ્યા અને સિંહને ખૂબ વિરહ લાગ્યો. પછી એણે નક્કી કર્યું, “હવે પછીનું જીવન સંપૂર્ણ અહિંસામય જીવવું. અત્યાર સુધી જે હિંસાઓ કરી એ અજ્ઞાનતાથી કરી, પણ હવે મને બોધ મળ્યો છે તો હવે પછી હું કોઈ પણ જીવને હિંસા નહીં કરું.” ભલભલા આચાર્યો પણ ના પાળે એવો સુંદર આચાર એ સિંહ પાળતો થઈ ગયો. એણે અનશન વ્રત લઈ લીધું, ચોવીસે કલાક કંઈ પણ ખાવું પીવું નહીં; મોઢામાં પાણીનું એક ટીપું પણ ન મૂકવું. જંગલમાં સિંહને હરતોફરતો જોઈ લોકો ફફડે નહીં માટે તે એક શીલા ઉપર ટાઢ-તડકામાં હલનચલન કર્યા વગર નિશ્ચેત થઈને મડદાની જેમ પડ્યો રહ્યો. આ રીતે સિંહે લોકોને અભયદાન આપ્યું. સૂક્ષ્મ જીવો મરી ન જાય એ માટે સિંહ પોતે પાસું પણ ફેરવતો ન હતો. એને મડદું જાણીને બધા પક્ષીઓ ચાંચો મારીને એનું માંસ ખાવા માટે પ્રયત્ન કરતાં; હાથીઓ સૂંઢથી એની કેશવાળીને ખેંચે ને નોચ કરતા, આ બધાને તે સમતાથી સહન કરી લેતો હતો. અંદર એક પણ ઊંહકાર નહોતો; તેણે જબરજસ્ત તપ કર્યું. એક મહિના સુધી બધા દુઃખ સહન કરતાં કરતાં પોતાના કર્મો ખપાવ્યા અને જબરજસ્ત ધર્મધ્યાનમાં રહીને એનો દેહ છૂટ્યો અને તે મનુષ્ય અવતારમાં આવ્યો. તિર્યંચમાંથી મનુષ્ય અવતારમાં આવતા સિંહે કેટલા બધા તપ અને દુઃખો સહન કરવા પડ્યા.

પરમ પૂજ્ય દાદા ભગવાન કાયમ કહેતા, ”દુઃખ આવે એ આત્માનું વિટામિન છે અને સુખ એ દેહનું ફૂડ છે.” માટે કોઈ દુઃખ આવે ત્યારે આપણને વિટામિનની ગોળીઓ મળે છે એમ ગણીને ચાલવું. નહીં તો દુઃખ આવે તો કંપી જવાય. આપણે કાયર નથી.

“મોક્ષમાર્ગ છે શૂરાનો, નહીં કાયરનું કામ ત્યાં.”

શૂરવીરતાથી ગમે તેટલા દુઃખ આવે એને પાર ઉતારવાના છે. દુઃખથી આપણે કંપી જઈએ, ભય પામી જઈએ તો એ દુઃખ આપણને અનેકગણું થઈને આવશે.

સિંહના આત્માએ મનુષ્ય અવતારમાં આવીને ખૂબ જ ભક્તિ-આરાધના કરીને દેવગતિનું આયુષ્ય બાંધ્યું. દેવગતિમાં સારો કાળ વ્યતીત કર્યા પછી તેઓ અપર મહાવિદેહ ક્ષેત્રમાં પ્રિયમિત્ર ચક્રવર્તી થયા. ચક્રવર્તી થઈને તેઓ આખી પૃથ્વીના રાજા થયા અને પછી એમણે દીક્ષા લીધી. દીક્ષા લઈને ખૂબ ભક્તિ-આરાધના કરીને દેવગતિમાં જન્મ લીધો. દેવગતિમાંથી પછી તેઓ ભરતક્ષેત્રમાં નંદન રાજા તરીકે જન્મ્યા. નંદન રાજાએ દીક્ષા લીધી અને ખૂબ જ ભક્તિ-આરાધના કરતાં કરતાં, વીસ સ્થાનકો આરાધીને તીર્થંકર નામગોત્ર બાંધ્યું.

તીર્થંકર નામગોત્ર બાંધીને પોતાનું તો જબરજસ્ત શ્રેય કર્યું, પણ સાથે સાથે ચોથા આરાના છેલ્લા તીર્થંકર તરીકે આવીને કરોડો લોકોનો ઉદ્ધાર કર્યો અને કેટલાય લોકોને મોક્ષે લઈ ગયા. આ તીર્થંકરપદ એટલું જબરજસ્ત છે કે પોતાનું તો કલ્યાણ થાય, પણ જોડે જોડે કરોડોને મોક્ષે લઈ જાય. એવા તીર્થંકરોને આપણે વારંવાર વંદીએ, વારંવાર નમસ્કાર કરીએ, એમના ચરિત્રો ગાઈએ, એમના કીર્તન ગાઈએ તો આપણને પણ ખૂબ શક્તિ મળે અને આપણું પણ આત્મવીર્ય જાગે. નંદન રાજાએ તીર્થંકર ગોત્ર બાંધીને પોતાનું બાકીનું આયુષ્ય પૂરું કરીને દેવગતિમાં જન્મ લીધો.

ખૂબ લાંબો કાળ દેવગતિના સુખો ભોગવીને, ભગવાન મહાવીરના જીવને, દેવગતિમાં એમના આયુષ્યના છ મહીના બાકી હતા, ત્યારે ખ્યાલ આવી ગયો હતો કે હવે એમને પૃથ્વી ઉપર જવાનો સમય આવી ગયો છે. દેવલોકોની એવી વિશેષતા હોય છે કે જ્યારે એમનું દેવગતિનું આયુષ્ય પૂરું થઈ જાય, પછી એમને જ્યાં જન્મ મળવાનો હોય તે વિશે અવધિજ્ઞાનથી પહેલેથી ખબર પડે અને એમની કંઠની માળા સૂકાવા લાગે.

હંમેશા દેવોના કંઠમાં જે માળા હોય તે ક્યારેય કરમાય નહીં. પણ જ્યારે એમનો ચ્યવનકાળ નજીક આવે ત્યારે એમને આ એક સંકેત મળતો હોય છે. પછી જ્યાં જન્મ થવાનો હોય તે એમને અવધિજ્ઞાનમાં દેખાય પણ ખરું. જો સારી ગતિમાં જવાના હોય તો એમના સુખમાં વધારો થાય અને નીચી ગતિમાં જવાનું હોય તો એમને બહુ દુઃખ લાગે.

મહાવીર ભગવાનને પણ એ પ્રમાણે સંકેત મળ્યો હતો પણ બીજા બધા દેવોની જેમ ભગવાનને દુઃખ કિંચિત્‌માત્ર પણ થયું ન હતું. કેમ? એમને તો ઓહોહો! તીર્થંકરનો દેહ મળવાનો હતો. આખા બ્રહ્માંડમાં ઊંચામાં ઊંચો એમને દેહ મળવાનો હતો. એટલે એમને જરાય દુઃખ ન હતું, ઊલટું આનંદ આનંદ હતો. તીર્થંકર દેહમાંથી તેઓ મોક્ષે જ જવાના હતા. મહાવીર ભગવાનના ગર્ભહરણ આશ્ચર્યથી લઈને દીક્ષા સુધીનું વૃત્તાંત આગળ વાંચીએ.

×
Share on