Related Questions

મૃત્યુનું કારણ શું?

દેખીતી રીતે મૃત્યુના અનેક કારણો હોઈ શકે. કોઈને બીમારીના કારણે મૃત્યુ આવે, તો કોઈને અકસ્માતના કારણે. કોઈ કુદરતી આફતને કારણે મૃત્યુ પામે તો કોઈ પોતાના હાથે જીવન ટૂંકાવી દેતા મૃત્યુ પામે. પણ આ દેખીતા કારણો પાછળ ન દેખાતા એવા કયાં કારણો છે, જે મૃત્યુ માટે જવાબદાર છે? ચાલો સમજીએ.

મન-વચન-કાયાની બેટરી ડિસ્ચાર્જ થતાં મૃત્યુ:

આ શરીરને આપણે ચાર્જ કરેલી બેટરી સાથે સરખાવી શકાય. આપણે પાવરપ્લગમાં ચાર્જર નાખીને ફોનની બેટરીને ફુલ ચાર્જ કરીએ છીએ. પછી ચાર્જરમાંથી ફોન કાઢી લઈએ તો આખો દિવસ ફોનની બેટરી વપરાતી વપરાતી ડિસ્ચાર્જ થઈ જાય છે. તે જ રીતે, મનુષ્યનો જન્મ થાય ત્યારે પૂર્વે ચાર્જ થયેલી ત્રણ બેટરીઓ ડિસ્ચાર્જ થવાની શરૂઆત થાય છે, ૧) મનરૂપી બેટરી, ૨) વાણીરૂપી બેટરી અને 3) કાયારૂપી બેટરી. ઠેઠ ગર્ભમાંથી મન-વચન-કાયાની આ ત્રણે બેટરીઓ પરિણામ આપતી આપતી ડિસ્ચાર્જ થાય છે. પછી જેમ ફોનની બધી બેટરી વપરાઈ જાય ત્યારે આપણે ફોન ‘ડેડ’ થઈ ગયો એમ કહીએ છીએ, તે જ રીતે મન-વચન-કાયાની ત્રણે બેટરીઓ વપરાઈને ખલાસ થઈ જાય તેને ‘મૃત્યુ’ કહે છે.

આપણે ચાર્જરમાં નાખીને ફોન વાપરીએ તો એક બાજુ બેટરી ચાર્જ પણ થતી જાય છે, અને સાથે સાથે ડિસ્ચાર્જ પણ થાય છે. તે જ રીતે, મન-વચન-કાયાની ત્રણે બેટરીઓ ડિસ્ચાર્જ થતી વખતે આવતા ભવની ત્રણે બેટરીઓ ચાર્જ પણ થયા કરે છે. મૃત્યુ પછી ચાર્જ થયેલી બેટરીથી નવો જન્મ થાય છે, અને ફરીથી ડિસ્ચાર્જ થતાં થતાં પૂરી થાય છે ત્યારે મૃત્યુ થાય છે. આમ ચાર્જ-ડિસ્ચાર્જની, જન્મ-મરણની સાઈકલ ચાલ્યા જ કરે છે.

પહેલાંના સમયમાં મિકેનિકલ ચાવીવાળા ઢીંગલા આવતા હતા. એ રમકડાના ઢીંગલામાં એક વખત ચાવી ફેરવીએ તો ઢીંગલો એક ફૂટ જેટલું ચાલે અને પછી અટકી જાય. ત્રણ વખત ચાવી ફેરવીએ તો ત્રણ ફૂટ જઈને અટકી જાય. જેવી ચાવી ભરી હોય એવું ડિસ્ચાર્જ થાય. તેવી જ રીતે આ દેહમાં કર્મો જેટલાં અને જે પ્રકારે ચાર્જ કર્યાં હશે તે પ્રમાણે ડિસ્ચાર્જ થઈને આ દેહરૂપી ઢીંગલો પણ ઢળી પડશે.

સંચિત(દ્રવ્ય) કર્મ પૂરા થતાં મૃત્યુ:

candle

આયુષ્ય એક કર્મ છે. આપણે મીણબત્તીના ઉદાહરણથી સમજી શકીએ કે જ્યાં સુધી મીણબત્તીનો દોરો અને મીણ સળગે છે ત્યાં સુધી મીણબત્તીનું આયુષ્ય છે અને તે પ્રકાશ આપે છે. એમ કહી શકાય કે મીણબત્તી બને છે ત્યારથી જ મીણ, દોરો, તેનો સળગવાનો સમય એટલે કે આયુષ્ય અને પરિણામે નીકળતો પ્રકાશ લઈને આવે છે. તે જ રીતે મનુષ્ય પણ પૂર્વકર્મનો સ્ટોક એટલે કે સંચિત કર્મ લઈને આવે છે. સંચિત કર્મ (દ્રવ્ય કર્મ)માં નામ, રૂપ, ગોત્ર અને આયુષ્યરૂપી કર્મોનો સમાવેશ થાય છે, જેના આધારે મનુષ્યને કેવો દેહ મળશે, ક્યાં જન્મ થશે, જીવનમાં કેટલાં યશ-અપયશ મળશે અને કેટલું આયુષ્ય ભોગવશે તે નિર્ધારિત હોય છે. જેમ જેમ એ કર્મો ઉકલે છે, તેમ તેમ આયુષ્ય પણ વપરાય છે. જયારે કર્મો પૂરાં થઈ જાય છે, ત્યારે શ્વાસ પણ ખૂટી પડે છે અને મૃત્યુ થાય છે.

શ્વાસ ખૂટી પડે એ મૃત્યુ:

આયુષ્યનો આધાર શ્વાસોચ્છવાસના વપરાશ ઉપર રહે છે. મનુષ્ય જન્મે ત્યારે ગણતરીના શ્વાસ લઈને જ આવે છે. મનુષ્યનું આયુષ્ય વધારેમાં વધારે સો વર્ષનું ગણીએ તો નોર્મલ, તંદુરસ્ત માણસને સો વર્ષમાં જેટલા શ્વાસ અને ઉચ્છવાસની જરૂર હોય તેટલી ગણતરીના શ્વાસોચ્છવાસ તે લઈને આવે છે, એવો નિયમ જ છે. જે માણસ શ્વાસોચ્છવાસ ઓછાં વાપરે, તેનું આયુષ્ય વધીને એકસો ચાળીસ વર્ષનું પણ થઈ શકે. અને જે માણસ વધારે શ્વાસ વાપરે તે ત્રીસ વર્ષે મૃત્યુ પણ પામે.

વધારેમાં વધારે શ્વાસ શેમાં શેમાં વપરાય છે? જે ક્રિયામાં અંદર ભય લાગે, ગભરાટ ઉત્પન્ન થતો હોય તેવી દરેક ક્રિયામાં શ્વાસોચ્છવાસ સૌથી વધારે વપરાય. કેટલાક અઠંગ ચોર હોય કે જે પાકીટ કાપે, ચોરી કરે અને તોય પકડાય નહીં. ભલે તેઓ ચોરી કરતી વખતે એકદમ નિશ્ચિંત લાગતા હોય, પણ એ ચોરને ખરેખર ચોરી વખતે ચોગરદમથી ભય લાગે, અંદર ફફડાટ રહે કે ‘કોઈ જોઈ તો નહીં જાય ને!’, ‘પકડાઈ જઈશ તો?’ એટલે તેમાં શ્વાસ ખૂબ વપરાઈ જાય. તે જ રીતે ચોરીછૂપી રીતે પરસ્ત્રી કે પરપુરુષ સાથે અણહક્કના વિષય ભોગ ભોગવતી વખતે પણ ખૂબ ભય લાગે છે, અને શ્વાસોચ્છવાસ જાણે ગરગડી ઉકલે તેમ ઢગલેબંધ વપરાઈ જાય! એકાદ વખતના પરપુરુષ કે પરસ્ત્રીગમનમાં તો એકાદ વર્ષ જેટલું આયુષ્ય વપરાઈ જાય છે! માણસને ક્રોધ આવે ત્યારે પણ શ્વાસોચ્છવાસ વધારે વપરાય. આખો દિવસ દોડધામ કરે તેને પણ શ્વાસોચ્છવાસ વધારે વપરાય. જયારે બીજી બાજુ, જેટલું આત્માનું ધ્યાન રહે તેટલા શ્વાસ ઓછા વપરાય. એટલે શ્વાસોશ્વાસરૂપી આયુષ્ય નક્કી જ છે. પણ શ્વાસોચ્છવાસ ફ્રેકચર કરવા કે નહીં, તે પોતાના હાથમાં છે.

તેમ છતાં મનુષ્યના શ્વાસની ગણતરી, કર્મો અને આયુષ્ય બંધાવાની જટિલ પ્રક્રિયા સાદા ગણિતથી સમજી શકાય એમ નથી. જે વ્યક્તિ નાની ઉંમરે મૃત્યુ પામે એણે વધારે શ્વાસ વાપર્યા એમ માનવા કરતાં, એ ઓછા શ્વાસ જ લઈને આવી હતી તેમ માનવું યોગ્ય છે. પણ જો આયુષ્ય પાછળનું વિજ્ઞાન સમજાઈ જાય તો કોઈ સંત કે ડૉક્ટર આયુષ્ય વધારી શકે છે તે અંધશ્રદ્ધા ઊડી જાય.

જેટલા શ્વાસોચ્છવાસ ઓછા વપરાય એટલાં વર્ષો વધે એ તો નિયમ જ છે! એટલે કોઈ એવો અહંકાર ના કરી શકે કે ‘મે આયુષ્ય વધાર્યું!’ અથવા ‘મારું મૃત્યુ અમારે સ્વાધીન છે, અમારે ઈચ્છા હોય ત્યારે મૃત્યુ આવે.’ આ બંને રીતે બોલવું ગુનો કહેવાય છે. મનુષ્યને પોતે ભોગવવાનાં કર્મોમાં ફેરફાર કરવાની સહેજ પણ સત્તા નથી, તેમાં આયુષ્ય તો કેમનું વધારી શકાય?

ભગવાન મહાવીરનો નિર્વાણકાળ નજીક આવ્યો ત્યારે દેવોએ પ્રભુને વિનંતી કરી કે, 'વીર, આયુષ્ય વધારજો રે! બે-ત્રણ મિનિટનું આયુષ્ય વધારે તો આ દુનિયા પર ભસ્મક ગ્રહની અસર ના પડે.' કારણ કે મહાવીર ભગવાનના નિર્વાણ પછી અઢી હજાર વર્ષ સુધી આ ભસ્મક ગ્રહની વિપરીત અસર રહેવાની આગાહી હતી. દુનિયા ઉપર દુઃખો ના પડે એ હેતુથી દેવોએ ભગવાનને વિનંતી કરી હતી. ત્યારે ભગવાને કહ્યું કે, 'તેવું બન્યું નથી કે બનશે નહીં. ભસ્મક ગ્રહ આવવાનો છે, અને તે બનવાનું જ છે.' એટલે મૃત્યુને ટાળવું, ખસેડવું કે મોડું બોલાવવું એ ખુદ ભગવાનના હાથમાં પણ નથી.

કાળના આધારે આયુષ્ય:

સતયુગના કાળમાં મનુષ્યનું આયુષ્ય હજારો વર્ષોનું હતું. પછી જેમ જેમ કાળ ઊતરતો ગયો તેમ તેમ આયુષ્યના વર્ષો પણ ઘટતાં ગયાં. કળિયુગમાં આયુષ્ય વધારેમાં વધારે સો વર્ષનું ગણાય છે. એટલે જેમ યુગ બદલાય તેમ આયુષ્યમાં ફેરફાર થતા રહે છે.

અત્યારે એમ પણ કહેવાય છે કે મનુષ્યનું સરેરાશ આયુષ્ય વધી ગયું છે. અમુક વર્ષો પહેલાં મનુષ્યો સરેરાશ પાંસઠ વર્ષ જીવતા હતા, તે આજે પંચોતેર વર્ષ જીવે છે. તો એનું કારણ પણ એ જ છે કે તેઓ એટલું આયુષ્ય લઈને આવ્યા છે. પહેલાં આયુષ્ય વધારે હતું, હવે ઓછું થઈ ગયું. અને હવે પાછું આયુષ્ય વધ્યું છે, એમ અમુક ચઢ-ઉતર, ચઢ-ઉતર ચાલ્યા કરે છે.

સહી વગર મૃત્યુ ના થાય:

કુદરતનો નિયમ એવો છે કે કોઈ પણ માણસનું તેની પોતાની સહી વગર મૃત્યુ થાય નહીં.

પણ આ દુનિયામાંથી જવાની ઇચ્છા તો કોઈને ના હોય. તો પછી જાણીજોઈને પોતાના જ મૃત્યુની સહી કોણ કરે? ખરેખર મૃત્યુની સહી અજાણતા જ થઈ જાય છે.

એક ઉદાહરણ લઈએ, કોઈ વ્યક્તિ હોસ્પિટલમાં દાખલ હોય અથવા કોઈનો એક્સિડન્ટ થયો હોય, તે વખતે દેહમાં ભયંકર વેદના ઉપડે. એ દુઃખાવો સહન ના થાય ત્યારે તે દુઃખના માર્યા બોલી ઊઠે, કે “હે ભગવાન! હવે સહન નથી થતું, આ દેહ હવે છૂટે તો સારું!”. દુઃખ સહન ના થવાથી બોલાઈ જવાય કે “ભગવાન, અહીંથી જવાય તો સારું!” આને મૃત્યુની સહી થઈ ગઈ કહેવાય. પોતે બહુ જાગૃત હોય તો તેને સમજાય કે આ સહી થઈ ગઈ.

જ્યાં સુધી અહંકાર સહી ના કરે ત્યાં સુધી મૃત્યુ આવી ના શકે.

death-sign

 

×
Share on