
શ્રી ભગવાન મહાવીર પોતાના કર્મો ખપાવવા કાયોત્સર્ગ મુદ્રામાં પોતાના આત્મધ્યાનમાં લીન હતા ત્યારે એક ગોવાળે ભગવાનના કાનમાં બરુ ઠોકીને ભયંકર ઉપસર્ગ કર્યો. એક વૈદ્ય અને એક વણિક શેઠના ઉત્તમ નિમિત્તથી ભગવાનના કાનમાં ખોસાયેલા બરુ નીકળ્યા અને અંતે ભગવાન રોગમુક્ત થયા. તીર્થંકર ભગવાન મહાવીરના કેવળજ્ઞાનની એ દિવ્ય ક્ષણો કેવી હશે! ત્યારે દેવો તથા માનવો દ્વારા કેવો આનંદોત્સવ થયો હશે એ વિશે તથા તેમના ગણધરો અને ચતુર્વિધ સંઘની સ્થાપના વિશે વાંચીએ.
ભગવાન મહાવીર વિહાર કરતાં કરતાં ઋજુવાલિકા નદીને કિનારે પહોંચ્યા. ત્યાં જૃંભિક ગામના પાદરે, શાલના વૃક્ષની નીચે ભગવાન પોતાના આત્મધ્યાનમાં રહેતા રહેતા જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, મોહનીય અને અંતરાય - આ ચાર ઘાતીકર્મોનો સંપૂર્ણ ક્ષય કરીને કેવળજ્ઞાન પામ્યા. ભગવાનને કેવળજ્ઞાન થયું એ દિવસ વૈશાખ સુદ દશમનો હતો અને ત્યારે દેવોએ ખૂબ આનંદ અને હર્ષોલ્લાસમાં દુંદુભિઓનો નાદ કર્યો.

જેની દેવો તથા ચંદનબાળા જેવા કેટલાંય લોકો રાહ જોઈને બેઠા હતા કે ક્યારે ભગવાન મહાવીરને કેવળજ્ઞાન થાય અને ક્યારે તેમને ભગવાનના શરણમાં જઈને, એમની પર્ષદામાં બેસીને નિરંતર દેશના સાંભળવા મળે! એમની દેશના માટે લોકો તડપી રહ્યાં હતાં. પ્રભુને કેવળજ્ઞાન થયું ત્યારે ત્રણેય લોકમાં શાંતિ શાંતિ શાંતિ થઈ ગઈ. ભગવાનની દેશનાની બહુ ઊંચી પળ હતી.
ભગવાન મહાવીરને કેવળજ્ઞાન થયા બાદ દેવોએ સમોવસરણ રચ્યું અને બધે જ ઓહોહો આનંદ આનંદ કર્યો! આકાશવાણી થાય, દેવો ત્યાં દોડી દોડીને આવે એ જોઈને લોકોને પણ થાય કે ભગવાનની દેશના નજીકમાં છે અને લોકો દોડી દોડીને આવે. પણ, ભગવાન મહાવીરના વખતમાં એક મોટી બીના બની ગઈ કે એમને કેવળજ્ઞાન થયા બાદ, દેવો દ્વારા પહેલું સમોવસરણ રચાયું પણ એમની પ્રથમ દેશના સંપૂર્ણ નિષ્ફળ ગઈ. ભગવાનની દેશના સાંભળવા કોઈ આવ્યું જ નહીં.
પાંચમો આરો બેસવાનો નજીકનો કાળ હોવાથી લોકોના કેટલા બધા દુર્ભાગ્ય કે ભગવાનની દેશના સાંભળવા કોઈ ના આવ્યું! આ મોટું આશ્ચર્ય કહેવાય છે. અધ્યાત્મ જગતના દસ આશ્ચર્યોમાંનું આ એક આશ્ચર્ય ગણાય છે કે ભગવાન મહાવીરની દેશનામાં એક પણ વ્યક્તિ હાજર ન હતું. અલબત્ત, બધા દેવો હાજર હતા પણ દેવો જેમની માટે બધું કરી રહ્યા હતા એ મનુષ્યો આવ્યા ન હતા.
ભગવાનના શ્રીમુખેથી નીકળેલી વાતની તો ક્યાં વાત જ કરવી! ભગવાન મહાવીરની વાણીમાંથી અગિયાર અંગ અને બાર ઉપાંગ એવા સુંદર શાસ્ત્રો રચાયાં છે. એમાં ખાસ કરીને, ઉત્તરાધ્યયન સૂત્ર, ભગવતી સૂત્ર, આચારાંગ સૂત્ર, સ્થાનાંગ સૂત્ર (ઠાણાંગ સૂત્ર) અને સૂયગડાંગ સૂત્ર વગેરે કેટલાંય શાસ્ત્રો ભગવાનની વાણીના આધારે રચાયાં છે.
આ સૂત્રો આપણી પાસે અત્યારે હાજર છે, પણ એની માટે આપણે ઘણી બધી વસ્તુઓ ગુમાવવી પડે છે. કારણ કે ભગવાનની સામે બેસીને આપણે પ્રત્યક્ષ દેશના સાંભળીએ અને ૨૫૦૦ વર્ષો પહેલાંની નીકળેલી વાણી. પહેલાં તો કોઈ લખતું નહોતું પણ ગણધરો ઝીલતા હતા, અંદર ધારણ કરતા હતા અને આગળ પ્રદાન કરતા હતા અને કેવળીઓ એ વાણી અક્ષરેઅક્ષર, કાનો-માત્રાના ફેરફાર વગર આગળ પ્રદાન કરી શકતા હતા. પણ એની પછી આગળ પ્રદાન કરવામાં ફેરફાર થઈ જ જાય.
જે લોકોને તીર્થંકર ભગવાનની વાણી પ્રત્યક્ષ સાંભળવા મળી તેઓ કેટલા નસીબવાન હશે! એમના જબરજસ્ત પુણ્યાનુબંધી પુણ્યની તો વાત જ જુદી કહેવાય! આપણે પણ એ કાળમાં ક્યાંક ને ક્યાંક કોઈક રૂપે હોઈશું તો ખરા જ! પણ આપણને આવરણો એટલા હશે કે આપણને ભગવાનની વાણી સાંભળવાની ઈચ્છા જ નહોતી થતી; ભગવાન પાસે જવાની ઈચ્છા જ નહોતી થતી.
ભગવાન મહાવીરની બીજી દેશના પાવાપુરીમાં થઈ અને ત્યાં બધા દેવો દ્વારા સમોવસરણ રચાયું. ભગવાને એમની દેશનામાં પાંચ મહાવ્રતો પર સરસ વાત કરી હતી. હજુ ભગવાન મહાવીરનો ચતુર્વિધ સંઘ સ્થપાયો ન હતો અને પછી એમની બીજી દેશના થવાની હતી પણ લોકો ભગવાનની દેશના સાંભળવા પ્રત્યક્ષ આવ્યા હતા; એ બધા માટે આ પ્રથમ દેશના હતી.
તે વખતે લોકોમાં બ્રાહ્મણોનો બહુ જ પ્રભાવ હતો. તેઓ પ્રખર શાસ્ત્રવેત્તા ગણાતા હતા; તેઓ યજ્ઞો પણ ખૂબ કરતા હતા. ગૌતમકુળમાં ત્રણ બ્રાહ્મણો બહુ જ પ્રખર હતા; ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ અને વાયુભૂતિ. આ ત્રણે ભાઈઓ જબરજસ્ત શાસ્ત્રાભ્યાસ કરીને બધા વેદ-વેદાંતો અને ઉપનિષદો મુખપાઠ કરીને બહુ યજ્ઞો કરતા અને એ કાળમાં તેઓ બહુ પ્રખ્યાત હતા.
ત્રણે ભાઈઓ પોતાની જાતને સર્વજ્ઞ જ માનતા હતા. અન્ય બ્રાહ્મણપુત્રો - વ્યક્ત, સુધર્મા, મંડિત, મૌર્યપુત્ર, અકંપિત, અચલભ્રાતા, મૈતાર્ય અને પ્રભાસ વગેરે મળીને અગિયાર બ્રાહ્મણપુત્રો હતા. પ્રત્યેક બ્રાહ્મણપુત્ર પાસે સેંકડો શિષ્યો હતા. જેમ કે, ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ અને વાયુભૂતિ બ્રાહ્મણપુત્રો પાસે પાંચસો પાંચસો શિષ્યો હતા. અન્ય બ્રાહ્મણપુત્રોને કોઈના ત્રણસો તો કોઈના ચારસો શિષ્યો હતા.
એ વખતે એક બાજુ પાવાપુરીમાં ભગવાન મહાવીરનું સમોવસરણ રચાયું અને બીજી બાજુ એ જ ગામમાં અગિયારે અગિયાર બ્રાહ્મણપુત્રોએ મોટા યજ્ઞનું આયોજન કર્યું હતું. યજ્ઞમાં જબરજસ્ત આહુતિ અને વેદોચ્ચારના મંત્રોથી સુંદર વાતાવરણ થયું હતું. સંસ્કૃતમાં વેદોનું ઉચ્ચારણ કરીએ તો વાતાવરણ પવિત્ર થાય છે; યજ્ઞ કરનારાઓમાં પણ એક શક્તિ હોય છે.
જ્યાં સુધી તીર્થંકર ભગવાન મહાવીરને કેવળજ્ઞાન થયું ન હતું અને દેશના આપતા ન હતા, ત્યાં સુધી આ જ બધા ધર્મના માર્ગે લઈ જનારા હતા. એ જ લોકોએ ભગવાન પાસે આવીને પોતાનું આગળનું સોપાન સર કર્યું. પછી જેવી ભગવાન મહાવીરના સમોવસરણની રચના થઈ ત્યારે ઓહોહો! કોટિ-કોટિ દેવતાઓ ભગવાનની દેશના સાંભળવા પાવાપુરીમાં પધાર્યા.
શ્રી મહાવીર સ્વામીના અગિયાર ગણધરોનો વધુ પરિચય મેળવીએ.
ઇન્દ્રભૂતિ, વાયુભૂતિ અને અગ્નિભૂતિ સહિત અગિયારે બ્રાહ્મણપુત્રોએ જબરજસ્ત મોટો યજ્ઞ કર્યો. જ્યારે યજ્ઞમાં આહુતિઓ આપતા હતા ત્યારે એમને એવી અપેક્ષા હતી કે દેવો એમના યજ્ઞમા આવશે. તે વખતે એટલી બધી સંખ્યામાં દેવો આવ્યા કે આખું આકાશ કોટિ દેવતાઓથી આચ્છાદિત થયું હતું. ત્યારે ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ અને વાયુભૂતિ બ્રાહ્મણપુત્રોને થયું કે આ દેવો તો આપણા જ યજ્ઞમાં હાજરી આપવા પધારે છે. દેવોને દૂરથી જોતાં લોકોને પણ ખૂબ આનંદ થયો. પણ જોતજોતામાં તો દેવો યજ્ઞનો આખો ભાગ ઓળંગીને આગળ દૂર નીકળી ગયા! જ્યાં ભગવાન મહાવીરનું સમોવસરણ રચાયું હતું એ દિશામાં દેવો ગયા.
એટલે યજ્ઞ કરતા બ્રાહ્મણપુત્રો એકદમ નિરાશ થઈ ગયા કે આ શું થયું? દેવો બધા ક્યાં જતા રહ્યા? પછી લોકોએ કહ્યું, “પેલી બાજુ ગામના પાદરે ઉદ્યાનમાં સર્વજ્ઞ તીર્થંકર ભગવાન મહાવીર પધાર્યા છે. ત્યાં દેવોએ મોટું સમોવસરણ રચ્યું છે અને ત્યાં ભગવાન જબરજસ્ત દેશના આપી રહ્યા છે. આ બધા દેવો ત્યાં જઈ રહ્યા છે.” આ સાંભળીને ઇન્દ્રભૂતિ ગૌતમને અંદર જબરજસ્ત તાપ થઈ ગયો. તેઓ ક્રોધથી લાલ-પીળા થઈ ગયા, ”હેં સર્વજ્ઞ! હું જ સર્વજ્ઞ છું! આ જગતમાં બીજો સર્વજ્ઞ કેવી રીતે હોઈ શકે? મારા જેટલું જ્ઞાન કોને હોઈ શકે? આ તો કોઈ નક્કી પાખંડી હશે જે લોકોને છેતરે છે અને પોતાની જાતને ખોટા સર્વજ્ઞ કહેવડાવે છે! હવે હું ત્યાં જઉં અને આ કોણ સર્વજ્ઞ છે, આ મહાવીર કોણ છે એને હરાવી દઉં; બધાની વચ્ચે ઉતારી પાડું અને બતાડી દઉં કે હું સર્વજ્ઞ છું કે તું છે?! એનો બધો જ ગર્વ હરી લઉં!” એમ કરીને ગુસ્સામાં ને ગુસ્સામાં ભગવાનની પાસે ગયા.
વાસ્તવમાં જે સર્વજ્ઞ હોય એને ક્રોધ હોય? સર્વજ્ઞ હોય એને કોઈને હરાવવાની વૃત્તિ હોય? જે આખી દુનિયાથી હારેલો છે તે જ ખરો જીતેલો કહેવાય! આ સંસારમાં, જે ખરેખર સર્વજ્ઞ હોય એમને લૌકિક હારજીતનું મહત્ત્વ ન હોય. પણ ઇન્દ્રભૂતિ ગૌતમને શાસ્ત્રનું જ્ઞાન બહુ હતું અને એ વાતનો એમને અહંકાર હતો. શાસ્ત્રનું બહુ જ્ઞાન હોય એનો અહંકાર બહુ જ ચગી જાય અને એમ થાય, “હું બધું જાણું છું.” પણ ખરું જાણ્યું તો એને કહેવાય કે ઠોકર ના વાગે. જો ક્રોધ-માન-માયા-લોભ, રાગ-દ્વેષ જેવા કષાયો થતા હોય તો એને જાણ્યું કઈ રીતે કહેવાય? અંધારામાં ઠોકર લાગે પણ અજવાળામાં લાગે? જો જ્ઞાનરૂપી અજવાળું થયું હોય તો ઠોકર કેવી રીતે લાગે?
ઇન્દ્રભૂતિ ગૌતમ મહાવીર ભગવાનના સમોવસરણમાં ગયા અને ત્યાં સમોવસરણની જાહોજલાલી અને કોટિ સંખ્યામાં હાજર દેવોને જોઈને આશ્ચર્ય પામ્યા. એમને થયું કે મારા યજ્ઞમાં તો ક્યારેય એકેય દેવ દેખાયા નથી અને અહીં તો ખૂબ બધા દેવો આવ્યા છે. એક વખત માટે તો તેઓ અંજાઈ ગયા પણ પછી એમને અહંકાર આવ્યો કે, “આમને તો હું પાંસરા કરી જ નાખું.”
એટલામાં ભગવાન મહાવીરે ખૂબ જ કરુણા અને પ્રેમથી ભવોભવથી વિખૂટા પડેલા પોતાના પરમ સ્નેહી એવા પરમ મિત્રને કરુણાભાવથી કહ્યું, “હે ઇન્દ્રભૂતિ ગૌતમ! તમારું સ્વાગત છે.” ભગવાનની કરુણા અને પ્રેમમય વાણી સાંભળતાં જ ઇન્દ્રભૂતિ ગૌતમનું હૃદય એક સમય માટે સ્થિર થઈ ગયું, એમનો ક્રોધ એકદમ ઠંડો પડી ગયો. એમને અંદર થયું કે, “ઓહો! આ તો મારું નામ અને ગોત્ર પણ જાણે છે! માટે કંઈક છે તો ખરું!” પણ છતાં ફરી પાછો એમનો અહંકાર ફરી વળ્યો કે, “આ તો, હું જગતમાં પ્રખ્યાત છું એટલે મને ઓળખી ગયા હશે.” ભગવાન તો ભગવાન હતા! ઇન્દ્રભૂતિ ગૌતમનો લાખ અહંકાર ઊભો થાય અથવા તો આખી દુનિયાના તમામ લોકોના લાખોવાર અહંકાર ઊભા થાય તોય ભગવાનને અહંકાર હતો જ નહીં તો ક્યાંથી ઊભો થવાનો હતો!
જે ઇન્દ્રભૂતિ ગૌતમ ભગવાન મહાવીરને ઉતારી પાડવા, એમને હરાવવા માટે અંદર સંશય લઈને આવ્યા હતા એ સંશય કાઢવા માટે ભગવાન મહાવીરે સામેથી પ્રેમપૂર્વક ઇન્દ્રભૂતિ ગૌતમને બોલાવ્યા. કારણ કે ભગવાનને મનઃપર્યવજ્ઞાન હતું. એટલે ભગવાને સામેથી જ ઇન્દ્રભૂતિ ગૌતમનાં મનનો સંશય જાણીને કહ્યું, “હે ઇન્દ્રભૂતિ ગૌતમ! તારા મનમાં સંશય છે કે જીવ છે કે નહીં?”
પછી ભગવાને જવાબ આપ્યો, “જીવ છે, આત્મા છે, ચિત્ત અને ચૈતન્ય આત્માને વિજ્ઞાન દ્વારા સંજ્ઞાથી અનુભવી શકાય એવું છે. જ્ઞાન, દર્શન અને પરમાનંદ એ આત્માના ગુણો છે; એ ગુણો અનુભવી શકાય એવા છે. આત્માની ઓળખાણ થવાથી આ અનુભવ થાય છે. આ અનુભવથી જ સિદ્ધ થયેલી વસ્તુ છે કે આત્મા છે જ અને એમાં કોઈ શંકા નથી! માટે હે ઇન્દ્રભૂતિ! તું તારા આત્માને ઓળખ, તારા ખરા સ્વરૂપને ઓળખ! જે સ્વરૂપમાં તું અત્યારે છું, એ સ્વરૂપ વિનાશી છે, એ અનાત્મ વિભાગ છે, એ ક્ષણભંગુર છે અને તું આત્મસ્વરૂપે છું, એ શાશ્વત છે; માટે એ તારું સ્વરૂપ છે. એ સ્વરૂપને તું ઓળખ! તો તારા તમામ સંશયો, તમામ દુઃખો, તમામ કષાયો છૂટી જશે. અહીંયાં જ તને મોક્ષનો અનુભવ થશે.”
ભગવાન મહાવીરની આવી સુંદર વાતો સાંભળીને ઇન્દ્રભૂતિ બ્રાહ્મણપુત્ર ભગવાનની આગળ ઝૂકી ગયા. એમના હૃદયના તમામ સંશયો દૂર થયા અને એમણે ભગવાન મહાવીર પાસે પોતાના પાંચસોએ પાંચસો શિષ્યો સાથે દીક્ષા લીધી.
ગૌતમ ગણધર કેટલા મહાન અને સરળ હૃદયી હતા કે ભગવાનના જરાક જ સમજાવતાં જ, એમનો સંશય ટળતાં, ભગવાનની વાતનો એમને અંદરથી તરત જ સ્વીકાર થઈ ગયો. ઇન્દ્રભૂતિ ગૌતમે ભગવાન મહાવીર પાસે પોતે તો દીક્ષા લીધી પણ પોતાના પાંચસો શિષ્યો પાસે પણ દીક્ષા લેવડાવી. અત્યારના કાળમાં આપણને ક્યાંક સાચું લાગે તો પણ ત્યાં ઝૂકવા માટે આપણો અહંકાર ના પાડી દેતો હોય છે.
કોઈક ગુરુને એવું પણ થાય કે, “મારા આટલા બધા શિષ્યો છે; હું ગાદીપતિ છું. તો હું આ બધું છોડી દઈશ તો મારી ગાદી ચાલી જશે અને મારા શિષ્યો પણ બધા જતા રહેશે! એટલે હું કેવી રીતે મારી ગાદી છોડીને બીજાના શરણમાં જઈ શકું?” અહંકારના માર્યે પોતાનું તો બગાડે છે અને પોતાના શિષ્યોનું પણ બગાડે છે. આગળ પ્રગતિ કરવા નથી દેતા. ગૌતમ ગણધરનું આવું નહોતું. એમની પાસેથી સરળતા શીખવા જેવી છે.
ભગવાન મહાવીર પાસેથી દીક્ષા લીધી અને કુબેરદેવે ગૌતમ સ્વામીને ચારિત્રધર્મની બધી વિધિઓ પૂરી કરી આપી, એમને બધા ઉપકરણો લાવી આપ્યા. પછી ગૌતમ સ્વામી ભગવાન મહાવીરના ચરણોમાં આવીને બેસી ગયા. ગૌતમ સ્વામી ભગવાન મહાવીરના પ્રથમ દીક્ષિત થયા.
અગ્નિભૂતિ બ્રાહ્મણપુત્ર, કે જેમનો યજ્ઞ ચાલતો હતો, એમણે પોતાના મોટાભાઈ ઇન્દ્રભૂતિ ગૌતમની ખૂબ રાહ જોઈ પણ બહુ મોડું થતાં તેઓ અંદર ધૂઆંપૂઆં થયા કે, “જરૂર ઇન્દ્રભૂતિને છેતરીને મૂર્ખ બનાવ્યા લાગે છે. હવે, હું જઉં અને ભગવાન મહાવીરને હરાવીને મારા ભાઈને પાછા લઈ આવું.” આમ કરીને અગ્નિભૂતિ સમોવસરણમાં ગયા.
ત્યાં ઇન્દ્રભૂતિ ગૌતમને ભગવાન મહાવીરની પાસે દીક્ષા લઈને બેઠેલા જોતાં તેઓ ધૂઆંપૂઆં થતાં આવ્યા અને પછી તરત જ ભગવાન મહાવીરે એમને બહુ પ્રેમથી કહ્યું, “હે ગૌતમ અગ્નિભૂતિ, પધારો! તમારું અમે સ્વાગત કરીએ છીએ.” આ સાંભળીને તરત જ અગ્નિભૂતિને થયું કે આ મારું નામ જાણે છે!
પછી આગળ ભગવાને કહ્યું, “તમારા મનમાં સંશય છે કે કર્મ છે કે નહીં?” ભગવાને જવાબ આપ્યો, “કર્મ છે જ. બે વસ્તુ છે: એક આપણો આત્મા છે અને બીજું વળગેલા કર્મો છે. જો કર્મો ન હોય તો આપણને જીવનમાં સુખ કે દુઃખ ભોગવવાનું ક્યાંથી આવે? ઘણી વાર આપણે અનુભવીએ છીએ કે કશું કર્યું ન હોવા છતાં દુઃખ આવે છે અને ઘણી વાર આપણે થોડું કર્યું હોય તો પણ ઢગલેબંધ સુખ આવે છે. એ શા આધારે આવે છે? અમુક વસ્તુઓ આપણને ભેગી થાય છે, કેટલાકને નથી થતી; તો એ બધાનો આધાર શું? એ પૂર્વભવે બાંધેલા કર્મનું પરિણામ છે. આપણો જન્મ શા આધારે થાય છે? કંઈક એની પાછળ કૉઝ તો હોવું જોઈએ ને! કૉઝ હોય તો એની ઈફેક્ટ આવે. પૂર્વભવમાં જે બંધાયેલું એ કૉઝ છે અને આ ભવમાં એ કર્મનું પરિણામ આવે છે તે ઈફેક્ટ છે. ઈફેક્ટ આપણે જોઈ શકીએ છીએ પણ કૉઝ જોઈ શકતા નથી. કારણ-કાર્યની આ શૃંખલા છે. ગયા ભવમાં અજ્ઞાનતાથી બાંધેલા કર્મોને આ ભવમાં આપણે ભોગવતાં જઈએ છીએ. ભોગવીએ છીએ એ પરિણામ છે, ઈફેક્ટ છે અને એના બીજ એટલે કે કૉઝ પૂર્વભવમાં નંખાઈ ગયેલાં છે.”
આવી રીતે કર્મની વાત ભગવાને અગ્નિભૂતિ ગૌતમને સમજાવી અને એમને સંતોષ થયો. અગ્નિભૂતિ ગૌતમે પણ તમામ સંશયો છોડીને પોતાના પાંચસોએ પાંચસો શિષ્યોની સાથે ભગવાન મહાવીર પાસેથી દીક્ષા લીધી.
વાયુભૂતિ બ્રાહ્મણપુત્રને અંદર થયું કે, “મારા બે ભાઈઓ ગયા અને હજુ આવતા એમને આટલી વાર કેમ લાગી? બધા ભગવાન મહાવીર પાસે બેસી ગયા લાગે છે અને જરૂર ભગવાને બધાને ભરમાવીને એમના પર કોઈ માયાજાળ નાખી લાગે છે. હું હમણાં જ જઈને એમને હરાવી દઉં અને જીતી જઉં!” એમ કરીને તેઓ પણ ક્રોધિત થઈને ભગવાન મહાવીરના સમોવસરણમાં ગયા, પણ ભગવાનને જોતાં જ તેઓ ઠરી ગયા.
ભગવાને કહ્યું, “આવો, વાયુભૂતિ ગૌતમ! પધારો!” ભગવાનની વાણી સાંભળતા જ એમને અંદર એકદમ ઠંડક થઈ ગઈ. પછી ભગવાને કહ્યું, “તમારી અંદર સંશય છે કે જીવ અને શરીર એક છે કે બે?“
ભગવાને સમજાવ્યું, “જીવ અને શરીર બે વસ્તુ છે. આત્મા એ આપણું સ્વરૂપ છે અને શરીર એ આપણાથી નોખું છે. જ્યારે માણસનું મૃત્યુ થાય છે શરીર અહીંનું અહીં રહે છે, જેને લોકો બાળી મૂકે છે. પણ, જે વસ્તુ નીકળી જાય છે, તે જ આત્મા છે. આત્મા હોય તો જ આ શરીર ચેતનવંતું છે, ક્રિયાશીલ છે. આપણને બધી જ વસ્તુઓની ઈફેક્ટ આત્માના આધારે મળે છે. જો આત્મા ન હોય તો આ શરીર એ એક મડદું કહેવાય છે. આત્મા બધી ઇન્દ્રિયોથી જુદો જ છે; જેમ કે કાનથી સંભળાય છે, આંખથી દેખાય છે. આ બધી ઇન્દ્રિયો એ શરીરનો એક ભાગ છે અને આત્મા એનાથી જુદો છે. ઘડપણમાં અથવા તો કોઈ બીમારીમાં જો આપણને આંખે દેખાવાનું બંધ થઈ જાય, છતાં પણ પૂર્વે જોયેલું આપણને બધું યાદ રહે છે. પૂર્વેનું બધું આપણે અંદરના ચક્ષુથી જોઈ શકીએ છીએ. જો ઇન્દ્રિય એકલી જ હોય તો ઇન્દ્રિયના ગયા બાદ શેના આધારે આપણે જોઈ શકીએ છીએ? કાનમાં બહેરાશ આવી ગઈ હોય છતાં પણ પૂર્વે સાંભળેલા શબ્દો વ્યક્તિને ગુંજતા હોય. કારણ કે મહીં અંદર આત્મા રહેલો છે અને તેના આધારે બધું જેમ છે એમ અનુભવાય છે. જો અંદર આત્મતત્ત્વ ન હોત તો ઇન્દ્રિયોના જવાથી બધું પૂરું થઈ જાત. આ બધી અંદર નોંધ રાખનારું કોણ છે? આત્મતત્ત્વ.”
એમ ભગવાનની વાતથી વાયુભૂતિ બ્રાહ્મણપુત્રનો સંશય જતો રહ્યો. એમણે પણ પોતાના પાંચસો શિષ્યો સાથે ભગવાન પાસેથી દીક્ષા લીધી.
ભગવાન મહાવીર પાસે ચોથા બ્રાહ્મણપુત્ર વ્યક્ત આવ્યા. વ્યક્ત પોતાની અંદર જે પ્રશ્ન લઈને આવ્યા, એ ભગવાને એમનું નામ લઈને સામેથી કહ્યું, ”તારો પ્રશ્ન છે કે પંચભૂતો છે જ નહીં; બધું બ્રહ્મ છે, બધું શૂન્ય છે.” તેઓ પંચમહાભૂતોને સ્વીકારતા ન હતા.
પછી ભગવાને સમજાવ્યું, “આ તો દેખીતી વસ્તુ છે. પાંચ મહાભૂતો તો દેખાય એવા છે. જેમ કે, પૃથ્વી, અગ્નિ, પાણી, વાયુ અને આકાશ. આકાશ કદાચ ના દેખાય પણ શૂન્યાવકાશ જેવી વસ્તુ તો છે જ ને. જેમાં બધી વસ્તુઓ રહે છે, સ્થાન પામે છે એ આકાશ તત્ત્વ છે. આ પાંચ મહાભૂતો દેખાય એવા છે એટલે કોઈ ન સ્વીકારે એવું છે જ નહીં. નાના છોકરાંને પણ સમજાય એવી વાત છે.”
ભગવાનના આ રીતે સમજાવતાં વ્યક્તનો સંશય દૂર થયો. પછી વ્યક્ત બ્રાહ્મણપુત્ર પણ પોતાના પાંચસો શિષ્યો સાથે દીક્ષા લઈને ભગવાનની પર્ષદામાં બેસી ગયા.
ભગવાન મહાવીરને હરાવવાના આશયથી બ્રાહ્મણપુત્ર સુધર્મા સમોવસરણમાં ગયા. ભગવાને સુધર્મા બ્રાહ્મણપુત્રને જોતાં જ એમનું નામ લઈને આવકાર્યા અને એમના મનનો સંશય હતો એ સામેથી ભગવાને કહ્યું, “જીવ આ ભવમાં છે તેવો જ પરભવમાં થાય છે? સંસારમાં કારણ મળતું જ નથી કે કાર્ય થાય.” એટલે પરભવ છે કે નહીં એની સુધર્મા બ્રાહ્મણપુત્રને શંકા હતી. મનુષ્યમાંથી મનુષ્ય જ જન્મે, પશુમાંથી પશુ જ જન્મે; એમાં કંઈ ફેરફાર થાય નહીં. એવી શંકા સંબધી પ્રશ્ન એમણે પૂછ્યો.
ભગવાને બહુ સુંદર ઉત્તર આપ્યો અને તાર્કિક રીતે પણ સમજી શકાય કે, “ઘઉંમાંથી ઘઉં જ થાય એવું કઈ રીતે થઈ શકે? આ ભવમાં ઘઉંનો છોડ છે અને જીવ તો એમાં રહેલો જ છે. પછી એના જે દાણા થાય છે એ ઘઉંના જ થાય તે બીજા ન થાય, પણ એ ઘઉંના દાણા જે થાય છે એમાં તો બીજા જીવો છે. ધારો કે, એક ઘઉંના છોડમાં પચીસ હજાર દાણા થયા. તો એ દાણામાં જુદો જુદો જીવ આવે છે. આ છોડનો જીવ એમાં નથી જતો. દાણા વવાય છે એમાંથી બીજા છોડ ઊગે છે, તોય આ છોડ તો જીવતો ને જીવતો જ રહેલો છે. તો આનો જીવ પેલામાં ક્યાં ગયો કહેવાય? એટલે એકવાર આમાંથી આમાં ફરી આનો આ જ થાય એવું નથી. એ તો એના કર્મ પ્રમાણે અને ઉત્ક્રાંતિવાદ પ્રમાણે થતું જાય છે. મનુષ્યમાંથી મનુષ્ય જ થાય. આપણે ધારો કે મેટરનિટી વોર્ડમાં જઈએ તો મનુષ્યમાં સ્ત્રીના પેટે મનુષ્ય જ જન્મે; કંઈ કૂતરાં-બિલાડાં ના જન્મે. પણ આ જીવ થોડી એના છોકરામાં જતો રહે છે! મા તો જીવતી જ છે. એટલે આ જે સિમિલી છે એવું નથી. આ મા મર્યા પછી ક્યાં જશે એ ના ખબર પડે. મનુષ્યને એના કર્મ પ્રમાણે મૃત્યુ પછી કઈ ગતિ મળશે એ માત્ર કેવળીઓ તથા જ્ઞાનીઓને જ ખબર પડે; બીજાને ખબર ના પડે.”
આ બધી વાતો ભગવાન મહાવીરે સમજાવી અને બ્રાહ્મણપુત્ર સુધર્માને સમજાયું કે ચાર ગતિનો આધાર શું? જો માનવતા હોય તો માનવતામાંથી માનવ જ થાય, પાશવીપણું કર્યું હોય તો આવતા ભવે એને તિર્યંચગતિ મળે, સુપરહ્યુમન હોય તો દેવગતિમાં જાય અને ભયંકર દુરાચારી, રાક્ષસી હોય, પોતાની મોજમજા માટે અનર્થ કરીને લોકોને મારી નાખે એવો રાક્ષસી જીવ આવતા ભવે નર્કગતિમાં જાય છે.
એટલે આ સિદ્ધાંત છે જ કે કર્મની ગતિ બદલાય છે. અત્યારે જેવા કર્મો કરે, બાંધે છે તેના આધારે એને ગતિ થાય છે. ચતુર્ગતિ છે અને એના સિવાય પંચમ મોક્ષગતિ પણ છે. મનુષ્ય જેવા કર્મ કરે એ પ્રમાણે એને ગતિ મળે છે. ભગવાન મહાવીરના આ પ્રમાણે સમજાવાતાં સુધર્મા બ્રાહ્મણપુત્રને જે શંકા હતી તે શંકાનું સમાધાન થયું અને તેમણે પણ ભગવાન પાસેથી પાંચસો શિષ્યો સાથે દીક્ષા લીધી.
મંડિત બ્રાહ્મણપુત્રને પણ અન્યની જેમ ભગવાન મહાવીરને હરાવી પાડવાની વૃત્તિ થઈ અને જેવા તેઓ સમોવસરણમાં આવ્યા ત્યાં ભગવાન મહાવીરે એમને નામ દઈને આવકાર્યા અને કહ્યું, “તારા મનમાં પ્રશ્ન છે કે બંધ અને મોક્ષ શું છે? મિથ્યાત્વથી કર્મ બંધાય?”
ભગવાને જવાબ આપતાં કહ્યું કે મિથ્યાત્વથી કર્મ બંધાય અને એ બંધને છોડતાં છોડતાં બધાં કર્મો ખપાવે ત્યારે મોક્ષ થાય. પછી એના માટે આપણે શંકા કરવાની જરૂર નથી. આમ, સુંદર રીતે ભગવાન મહાવીર દ્વારા જબરજસ્ત સમાધાન પામીને મંડિત બ્રાહ્મણપુત્રએ પોતાના સાડા ત્રણસો શિષ્યો સાથે ભગવાન પાસે દીક્ષા લીધી.
ભગવાને જબરજસ્ત મોક્ષ તત્ત્વની વાત કરી છે. ઘણાંને એવો પ્રશ્ન થતો હશે કે મોક્ષ જેવી વસ્તુ કંઈ છે જ નહીં. આપણે શા માટે મોક્ષે જવાની જરૂર છે? અહીંયાં મજા કરો ને! ત્યાં જઈને બેસી રહેવાનું, કશું કરવાનું નહીં, એવું તે શું કામ છે! પણ એ બધું કરી કરીને આપણે કેટલા સુખી થયા? દરરોજ પાર વગરના ઢગલેબંધ દુઃખો હોય જ છે અને સહન થતા નથી. કહેવાય નહીં, સહેવાય નહીં અને મરાય પણ નહીં એવી સ્થિતિમાં જીવાય છે!
તો એ બધાથી છૂટીને ભલેને સિદ્ધક્ષેત્રમાં ના જવું હોય પણ અહીં એટલું તો પ્રાપ્ત કરીએ કે કોઈ પણ પ્રકારનું દુઃખ આપણને અડે જ નહીં; આપણા સુખમાં આવીએ. કાયમી સુખની પ્રાપ્તિ એ જ મોક્ષ છે. જે સુખ આવ્યા પછી ક્યારેય દુઃખ ના આવે એને જ મોક્ષ કહેવાય છે. આપણે બધાએ પણ એ જ પ્રાપ્ત કરવાનું છે અને એ પ્રાપ્ત કરવાની પાછળ જ આપણે પડીએ અને આપણે એના માટે જ જીવીએ એવો ધ્યેય નક્કી કરીએ.
મૌર્ય બ્રાહ્મણપુત્રને પ્રશ્ન થયો, “આ વળી કોણ તીર્થંકર? અને શું છે આ બધું? મારા કરતાં કંઈ વધી જાય એવું હોઈ શકે જ નહીં!” એ પોતાના મદના માર્યા ભગવાન મહાવીરને હરાવવા એમની પાસે ગયા. ભગવાને એમને બધા ગણધરોની જેમ નામથી બોલાવ્યા, “આવો પધારો મૌર્ય! તમારું સ્વાગત છે!”
એમના મનના સંશયો ભગવાને સામેથી પોતાના મનઃપર્યવજ્ઞાનથી જોઈને પૂછ્યું, ”તને અંદર પ્રશ્ન છે કે દેવતાઓ કેમ પૃથ્વી ઉપર આવતા નથી? આ શંકા તને છે ને?”
ભગવાને જવાબ આપ્યો, “એનું કારણ એ છે કે દેવો ખૂબ જ ભોગવિલાસમાં, સુગંધી, સુંદરવન, પુષ્પો બધું હોય એમાં જ રહેતા હોય છે. એમને જરા પણ દુર્ગંધ સહન ના થાય. એટલે દેવો દુર્ગંધવાળી પૃથ્વી ઉપર આવતા નથી. તીર્થંકરોનો જન્મ થાય, કેવળજ્ઞાન કે નિર્વાણ થાય; એમના પંચકલ્યાણ વખતે બધા દેવો પધારે. બાકી, સામાન્ય રીતે દેવો પૃથ્વી પર આવે નહીં. જો કોઈએ બહુ સાધના કરી હોય તો પરાણે દેવો આવે પણ એમને પૃથ્વી પર રહેવું બહુ ગમતું નથી.”
મૌર્ય બ્રાહ્મણપુત્રને તરત જ સંશયનું તરત જ સમાધાન થઈ ગયું અને ભગવાનના ચરણમાં ઝૂકી ગયા. તેમણે પણ પોતાના સાડા ત્રણસો શિષ્યો સાથે ભગવાન મહાવીર પાસેથી દીક્ષા લીધી.
અકંપિત નામના બ્રાહ્મણપુત્ર પણ ભગવાન મહાવીરની પરીક્ષા લેવા આવ્યા. એમને પણ બધાની જેમ જ ભગવાને નામથી બોલાવ્યા અને એમના મનનો સંશય કહ્યો, “તારા મનમાં સંશય છે કે નારકી જીવો છે કે નહીં? જો નારકી જીવો હોય તો આપણને દેખાતા કેમ નથી? શું એ નારકી જીવો અહીં આવી શકે કે નહીં?”
એમની શંકાનું સમાધાન આપતા ભગવાને કહ્યું, “નારકી જીવો કેવળીઓ જ જોઈ શકે, બીજું કોઈ નહીં. અમે પોતે જ કેવળી છીએ, પૂર્ણ જ્ઞાની છીએ; અમે જોઈને કહીએ છીએ કે આ જીવો છે. અહીંયાં તેઓ આવી પણ ના શકે અને આપણાથી ત્યાં જઈ પણ ના શકાય. કર્મના હિસાબ હોય તે જ જઈ શકે, બાકી બીજાનું તો કામ જ નહીં.”
અકંપિત બ્રાહ્મણપુત્રને પણ સમાધાન થયું અને તેમને પોતાના આશરે ત્રણસો શિષ્યો સાથે ભગવાન મહાવીર પાસેથી દીક્ષા લીધી.
અચલભ્રાતા નામના બ્રાહ્મણપુત્રને મહીં શંકા હતી કે ભગવાન મહાવીર, જે પોતાને ભગવાન કહેવડાવે છે, એ ખરા છે કે ખોટા? એ પોતાનો સંશય લઈને ગયા. ભગવાને પોતાના મનઃપર્યવજ્ઞાનથી જાણીને એમને આવકાર્યા અને કહ્યું, આવો અચલભ્રાતા! તમારું સ્વાગત હો! તારા મનમાં પ્રશ્ન છે કે પાપ અને પુણ્ય છે કે નહીં? એનું ફળ શું છે? આ શંકાનું સમાધાન કરું છું કે પાપ અને પુણ્ય છે જ. એના વગર આપણા જીવનમાં સુખ અને દુઃખનો અનુભવ થઈ શકે એમ નથી. કેટલાક જન્મથી જ ભૂખમરામાં, ગરીબીમાં દુઃખી, કેટલાક હેન્ડિકેપ હોય છે. આ બધું કયા આધારે થાય છે? કંઈક તો કૉઝ હશે જ ને કે જેની આ ઈફેક્ટ આવી. પાપ હશે તેને લીધે આ દુઃખ ભોગવવાનું આવે છે અને પુણ્યને લીધે સુખ મળે છે. જબરજસ્ત વૈભવ-વિલાસ, સુખ, માન-કીર્તિ આ બધું પુણ્યનું ફળ એને મળે છે.
પાપ અને પુણ્ય કેવી રીતે બંધાય છે? બીજાને સુખ આપવાથી પુણ્ય અને દુઃખ આપવાથી પાપ બંધાય છે. આપણાથી અજાણતામાં આ દુઃખ અને સુખ બીજાને આપવાની ક્રિયા થઈ જ જાય છે, એની પાછળ આ કંઈ જાગૃતિ નથી હોતી એટલે કર્મ બંધાઈ જ જાય છે. એકવાર એક્શન થઈ એનું રિએક્શન આવ્યા વગર રહે જ નહીં. એક્શનનું રિએક્શન સમાન અને વિરુદ્ધ હોય જ; એ છોડે નહીં. આ બધું કુદરતી છે, કોઈના હાથમાં નથી. પાપ કે પુણ્યનું ફળ આપનાર કોઈ ઉપર ગવર્નર નથી કે ભગવાન નથી. ભગવાન આપણી અંદર જ છે, આપણું સ્વરૂપ છે. આત્મા કહો, પરમાત્મા કહો, ઈશ્વર કહો કે પરમેશ્વર, જે કંઈ કહો, એ આપણો પોતાનો આત્મા એ જ છે; દરેક જીવમાત્રની અંદર છે તે જ સર્વસ્વ છે. એ કોઈને દુઃખ આપતો નથી, સુખ આપતો નથી. અહંકાર અને બુદ્ધિના આધારે આ થાય છે. પુણ્ય અને પાપથી જ્યારે સંપૂર્ણ મુક્ત થવાય, એક પણ પરમાણુ પુણ્યનું કે પાપનું ના રહે, ત્યારે મોક્ષ થાય છે.
લોકો માત્ર પુણ્યને જ મહત્ત્વ આપે છે. જ્યારે મોક્ષની અપેક્ષાએ પુણ્ય અને પાપ બેય સરખાં અને નિકાલી છે; બંનેમાંથી છૂટવાનું છે. ગયા ભવમાં આપણે બુદ્ધિના આશયમાં જેવું નક્કી કર્યું હોય એવું આપણને આ ભવમાં મળે છે, પણ વાટખર્ચીમાં આપણી પાસે પુણ્યનું ભાથું હોવું જોઈએ. જો એ સિલકમાં ના હોય તો વસ્તુ માટે લાખ ભાવના કરી હોય તોય અત્યારે એ ભેગી ના થાય, પુણ્ય આમાં વપરાય છે.
પોતે નક્કી કરીને લાવે છે કે મારે મોટર-બંગલા-ગાડી આ બધું જોઈએ છે, તો પુણ્યનું ભાથું હોય તો એમાં વપરાય અને એ બધું મળે. કોઈ કીર્તિ માટે માંગે, કોઈ સારો પરિવાર માંગે, એમાં એનું પુણ્ય વાપરી કાઢે. ધર્મ માટે તો માંડ એક-બે ટકા પણ કોઈ રાખતું નથી; બધું ભૌતિક સુખોમાં નાખી દે છે.
જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદા ભગવાન કાયમ કહેતા કે અમે અમારા બુદ્ધિના આશયમાં ખાલી પાંચ ટકા ભૌતિક માટે રાખ્યા છે; પંચાણું ટકા અમારા આત્મા અને જગત કલ્યાણ માટે રાખ્યા છે. જ્ઞાનીઓ સંસારમાં વિરક્ત હોય; તેઓ પોતાનું પુણ્ય સંસારના વૈભવ, ભોગ-વિલાસમાં ના વાપરે. ભગવાન મહાવીરની આ વાત સાંભળીને અચલભ્રાતાને સમાધાન થયું અને તેઓ પ્રભુને ઝૂકી પડ્યા. તેમણે પોતાના ત્રણસો શિષ્યો સાથે ભગવાનના ચરણોમાં દીક્ષા લીધી.
ભગવાન મહાવીર પાસે મેતાર્ય બ્રાહ્મણપુત્ર આવ્યા; એમને પણ ભગવાન માટે જબરજસ્ત અભાવ હતો. એમને થતું હતું, “આવા તો વળી કોણ છે? બધા ત્યાં જઈને ચોંટી જાય છે; પાછા આવતા જ નથી. લાવ હું જઈને બધાને ખખડાવી નાખું. જે મહાવીર મહાવીર કરે છે એ બધાને ઉતારી પાડું.” એમ કરીને એ ગયા પણ ભગવાન તો કેવળજ્ઞાનમાં બધું જાણતા જ હતા.
જેવા મેતાર્ય બ્રાહ્મણપુત્ર સમોવસરણમાં આવ્યા, ત્યાં જ ભગવાને કહ્યું, “આવો મેતાર્ય! પધારો! તમારા મનમાં શંકા છે કે પરભવ છે કે નહીં?” પછી ભગવાને એનો જવાબ આપતાં કહ્યું, “પરભવ છે જ. આ ભવ જેવો છે એવો જ પરભવ છે. આવતો ભવ નિશ્ચિત છે કારણ કે, કર્મનું ફળ ત્યાંથી જ છૂટવાનું છે. આ બાંધેલા કર્મોને છોડવા માટે કંઈક તો જોઈએ કે નહીં! મરતા સુધી માણસ કેટલી બધી હિંસા કરતો હોય છે, દુઃખ દેતો હોય છે. આ બધું ક્યાં જાય? ક્યાં જઈને છોડે? તો એની માટે બીજો ભવ તો જોઈએ જ ને! માટે પરભવ છે એ નક્કી છે, નિશ્ચિત છે.”
આપણે આ ભવમાંથી છૂટવાનું કરીએ તો પરભવ છૂટી જાય એવું છે. આ ભવમાં આપણે આત્મજ્ઞાન લઈએ અને દેહભાવથી છૂટી જઈએ તો પરભવ છૂટી જાય એવો છે અને મોક્ષ પ્રાપ્ત થાય એવો છે. જાતિસ્મરણ જ્ઞાન પામેલાઓ પાસેથી પરભવની વાતો સંભાળીએ છીએ ત્યારે ખરેખર એનો તાળો મળે છે કે ચોક્કસ આમ જ હતું. અત્યારે પણ આ કાળમાં કેટલાય કિસ્સાઓ એવા છે કે જેમાં પાછલા ભવનું ખબર પડે છે અને એ પ્રમાણે બધું સાચું નીકળે છે. શ્રીમદ્ રાજચંદ્રને પણ પોતાના પાછલા નવસો ભવો દેખાયા હતા. માટે, આ વસ્તુ ખોટી છે જ નહીં. પરભવ છે જ. ભગવાન મહાવીરની વાતોથી સમાધાન પામીને મેતાર્ય બ્રાહ્મણપુત્રએ પણ પોતાના ત્રણસો શિષ્યો સાથે દીક્ષા લીધી અને પ્રભુની પર્ષદામાં જઈને બેઠા.
પ્રભાસ નામના બ્રાહ્મણપુત્ર પણ અન્ય બ્રાહ્મણપુત્રની જેમ જ ભગવાન મહાવીરના સમોવસરણમાં એમને હરાવવાના આશયથી આવ્યા હતા. ભગવાન તો સંપૂર્ણ વીતરાગ હતા; એમનો આશય તો બધાને બોધ પમાડીને મોક્ષે લઈ જવાનો હતો. એમના જ્ઞાનમાં તો હતું જ કે આ બધા બ્રાહ્મણપુત્રો ગણધર થઈને મોક્ષે જવાના છે.
એટલે ભગવાન મહાવીરે એમને બહુ પ્રેમથી આવકાર્યા, “આવો પ્રભાસ! પધારો! તમારું અમે સ્વાગત કરીએ છીએ.” અને પછી ભગવાને કહ્યું, “તમને અંદર પ્રશ્ન થાય છે કે શું બંધન છે કે નથી? મોક્ષ શું છે અને બંધન શું છે? તમારે આ બધું જાણવું છે.” પછી ભગવાને એના જવાબમાં આગળ કહ્યું, “શું અત્યારે તમને બંધનનો અનુભવ થાય છે? જો, ના થતો હોય તો તમે જુઓ, તપાસ કરો કે તમને પરવશતા કેટલી બધી લાગે છે!”
સવારે ઊઠ્યા ત્યારથી લઈને રાત્રે સૂતા સુધી પરવશતા પરવશતા પરવશતા! આપણને આરામથી સૂઈ જવું હોય છતાં સમય થાય ત્યારે ઊઠી જ જવું પડે. આપણે ના ઊઠીએ તો બીજું કોઈ આવીને ઉઠાડી જ જાય. છતાંય ખબર નથી પડતી એટલે મોહના માર્યે બધું મીઠું લાગે છે.
પરવશતા તો ઊઠવામાં, નોકરી-ધંધા કરવામાં બધે છે જ. જો સાધુ થયા હોય તો એમને ભિક્ષા લેવા જવાનું, સરખું મળ્યું ના મળ્યું, વરસાદ પડે તો ચાલવું ના ચાલવું અને જો ગુરુ-મહારાજ પોતાના શિષ્યને ભૂલ થાય એટલે દબડાવે તો શિષ્યને પરવશતા લાગે. સંસારમાં નોકરી કરવી હોય તો બોસની પરવશતા લાગે, ઘરમાં પતિને પત્નીથી અને પત્નીને પતિથી પરવશતા લાગે, છોકરાંઓને માતા-પિતાને આધીન રહેવાનું પરવશ લાગે. ક્યાં પરવશતા નથી? આપણા માટે પરવશતા એ જ બંધન છે. જો આટલું ભાન થાય તો આગળ મોક્ષની વાત આપણને સૂઝે, મોક્ષે જવાનું નક્કી થાય.
બંધન અને મોક્ષનું મોટું રહસ્ય ભગવાન મહાવીરે પ્રભાસ બ્રાહ્મણપુત્રને સમજાવ્યું. ચાર પ્રકારની ગતિઓમાંથી છૂટવા માટે કોઈ પણ ક્રિયા, તપ-જપ, ધ્યાન, ઉપવાસ, નિયમ કશું જ કામ લાગતું નથી. મોક્ષે જવા માટે તો સમ્યક્ જ્ઞાન, સમ્યક્ દર્શન, સમ્યક્ ચારિત્ર અને સમ્યક્ તપ - આ ચાર મોક્ષના પાયા કહ્યા છે. આત્માનું ભાન થાય, આત્માનું દર્શન, આત્માનું જ્ઞાન, એ ખરેખર સમ્યક્ જ્ઞાન-દર્શન છે. પછી જ્ઞાન-દર્શનમાં રહે, જોવા-જાણવામાં આવે ત્યારે અંદર કષાયો ખલાસ થાય. ખરું ચારિત્ર એને કહેવાય છે. તપ બે પ્રકારના છે: બાહ્ય તપ અને અભ્યંતર તપ. એમાં અભ્યંતર તપ મોક્ષ માટેનું છે, જેને અદીઠ તપ પણ કહેવામાં આવે છે.
અભ્યંતર તપ વિશે પરમ પૂજ્ય દાદા ભગવાને કહ્યું છે કે જો મોક્ષે જવું હોય તો કોઈ ગમે તેટલું અપમાન કરે, અપશબ્દો કહે પણ અંદર સમતા રહે અને હૃદય લાલચોળ થતું હોય તો એને આત્મભાવમાં રહીને જુદા જુએ કે આ પુદ્ગલ પરમાણુઓ બળી રહ્યાં છે, ખાખ થઈ રહ્યાં છે, ખરી રહ્યાં છે. એવું એને જ્ઞાનમાં હાજર રહે ત્યારે મોક્ષ માટેની પ્રગતિ થઈ કહેવાય.
અંતર તપથી બધાં કર્મો બળીને ભસ્મીભૂત થાય છે, એમનેમ નહીં. એટલે ખરું મોક્ષનું તપ તો અભ્યંતર તપ છે. આ કર્મબંધન અનાદિ છે. આત્માનું જ્ઞાન થાય ત્યારથી કર્મબંધનમાંથી છૂટવાની શરૂઆત થાય છે અને બધાં કર્મો ખપે પછી મોક્ષ થાય છે. પછી મોક્ષમાં આત્મા અનંતકાળ સુધી પોતાના સ્વાભાવિક સુખમાં નિરંતર રાચતો હોય છે.
આ પ્રકારે ભગવાને સુંદર વાતો સમજાવી. ભગવાન મહાવીરની આ વાત સાંભળીને પ્રભાસ બ્રાહ્મણપુત્ર પણ સમાધાન પામીને પ્રભુને ઝૂક્યા અને પોતાના શિષ્યો સાથે ભગવાન મહાવીરના ચરણોમાં દીક્ષા લીધી.
ભગવાન મહાવીરે બહુ સુંદર દેશના આપી અને અગિયારે અગિયાર ગણધરોને પોતાના જ્ઞાનથી એવા તરબોળ કરી દીધા કે એમને ભગવાનની વાત સિવાય બીજી કોઈ વાત અંદર ના રહી. તેઓ ભગવાનને સમર્પિત થયા અને પછી ભગવાન મહાવીરે એમને સુંદર બોધ આપીને ગણધર પદે સ્થાપ્યા. અગિયાર ગણધરોમાં સુધર્મા સ્વામીને સૌથી મોટા વડીલ બનાવ્યા, સાધુઓના આચાર્ય બનાવ્યા. કારણ કે એમનું આયુષ્ય સૌથી વધારે હતું.

આ બાજુ, ચંદના કે જેમણે સૂપડામાં બાકળા વહોરાવીને ભગવાન મહાવીરનો કડક અભિગ્રહ પૂરો કર્યો હતો, એમને અંદરથી એવી તીવ્ર ભાવના હતી કે ભગવાન જ્યારે કેવળજ્ઞાન પામશે ત્યારે હું એમની પાસેથી દીક્ષા લઈશ. ભગવાનના સમોસરણમાં જઈ રહેલા દેવોને જબરજસ્ત આનંદ-પ્રમોદ, નાચગાન અને દુંદુભિનો નાદ કરતાં તથા આકાશમાં આટલો બધો કોલાહલ જોઈને, ચંદનાએ બહાર નીકળીને જોયું અને એમને થયું, “ઓહોહો! આ તો કંઈક જબરજસ્ત થઈ રહ્યું છે! કદાચ ભગવાન મહાવીરને કેવળજ્ઞાન થઈ ગયું ના હોય!” એટલામાં એક દેવે આવીને ચંદનાને એમણે સમાચાર આપ્યા, “હા! ભગવાનને કેવળજ્ઞાન થયું છે.” તેઓ ચંદનાજીને પોતાની સાથે પાવાપુરીમાં કે જ્યાં દેશના ચાલુ હતી, ત્યાં ઉપાડીને લઈ ગયા.
ત્યાં ભગવાન મહાવીરે ચંદનાને દીક્ષા આપીને પોતાની પ્રથમ સ્ત્રી શિષ્યા બનાવ્યા. પછી આચાર્યા ચંદનાજી તરીકે લોકો એમને ઓળખે છે. રાજકુમારીઓ અને અન્ય સ્ત્રીઓએ એ જ વખતે ભગવાન મહાવીર પાસેથી દીક્ષા લીધી અને ભગવાને ચંદનાજીને બધાના ઉપરી બનાવ્યા. પોતાના જબરજસ્ત પ્રભાવથી મહાસતીજી ચંદનાએ બધા બહેનોની જવાબદારી લીધી અને મોક્ષમાર્ગ ખપાવવા માટે આગળનું બધું જ માર્ગદર્શન એમને આપતા રહ્યાં.
આવી રીતે ઘણા બધા શ્રાવકો અને શ્રાવિકાઓએ ભગવાન મહાવીર પાસે દીક્ષા લીધી અને ચતુર્વિધ સંઘની સ્થાપના થઈ. આ રીતે ભગવાન મહાવીરનો સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા તેમ જ અગિયાર ગણધરોનો ચતુર્વિધ સંઘ રચાઈ ગયો.
ભગવાન મહાવીરે એમની દેશનામાં ઉત્પાદ, વ્યય અને ધ્રુવ એ સનાતન દ્રવ્યના સિદ્ધાંતો વિશે સમજાવ્યું. આખા બ્રહ્માંડમાં છ શાશ્વત દ્રવ્યો છે. દરેક દ્રવ્ય જેમ કે, આત્મા, જડ તત્ત્વ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, કાળ તત્ત્વ અને આકાશ તત્ત્વ, આ છ પ્રકારના દ્રવ્યો છે. એ દ્રવ્યના પોતાના સ્વાભાવિક ગુણધર્મો છે. દરેકના પોતપોતાના ગુણધર્મો છે; એ ગુણધર્મો અન્વય ગુણો છે જેમાં ક્યારેય ફેરફાર થતો નથી. બીજા વ્યતિરેક ગુણો છે જે એકબીજાના સમન્યવયથી ઊભા થાય છે અને પાછા ખલાસ થાય છે.
દરેક દ્રવ્યને પોતાના સ્વાભાવિક દ્રવ્ય, ગુણ અને પર્યાય આ ત્રણ વસ્તુ હોય જ છે. દ્રવ્યનું દ્રવ્ય એટલે કોઈ શાશ્વત તત્ત્વ હોય એનું મેટર તો હોય જ - એ મેટર એ દ્રવ્ય કહેવાય છે અને એના ગુણધર્મ પણ હોય. એ ગુણધર્મ એનો ગુણ કહેવાય છે. પર્યાય એટલે જે અવસ્થાઓ છે એ બદલાતી જાય છે, જે ઊભી થાય છે અને શમાઈ જાય છે.
એટલે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ, આ ત્રણ, પર્યાયને લાગુ પડે છે. દ્રવ્ય અને ગુણ તો સ્થિર છે. ઘણાંને પ્રશ્ન થાય છે કે દ્રવ્ય અને ગુણ તો શુદ્ધ જ છે પણ પર્યાય શુદ્ધ છે કે અશુદ્ધ? અમુક લોકો માને છે કે પર્યાય અશુદ્ધ થઈ જાય છે અને અમુક લોકો માને છે કે પર્યાય અશુદ્ધ થતા નથી, એ પણ શુદ્ધ જ રહે છે. જો પર્યાય અશુદ્ધ થઈ જાય તો પછી એ પરિશુદ્ધ કઈ રીતે થાય? પછી મોક્ષમાં પણ અશુદ્ધ પર્યાયથી સંસાર તો ચાલુ જ રહે.
ખરેખર, વાસ્તવિકતામાં સૈદ્ધાંતિક રીતે, તત્ત્વરૂપે નિશ્ચયનયથી પર્યાય પણ શુદ્ધ જ છે પણ વ્યવહારનયથી જોવાથી આપણને અશુદ્ધ ભાસે છે. પોતે જ્યારે આત્મામાં સંપૂર્ણ આવી જાય ત્યારે એને ખુલ્લું થઈ જાય છે કે પર્યાય ક્યારેય બગડતા નથી; એ પણ શુદ્ધ જ છે. આત્મા કોઈમાં ભેળસેળ થતો જ નથી. દરેક દ્રવ્યનો મોટામાં મોટો ગુણ છે ટંકોત્કીર્ણવત્.
પરમ પૂજ્ય દાદા ભગવાને પણ ખૂબ સુંદર સમજાવ્યું છે કે ટંકોત્કીર્ણવત્ એટલે શું - કે જેમાં બે દ્રવ્ય ભેગા થાય અને ગમે તેટલા પાસે ને પાસે રહે તો પણ એનું મિક્ષ્ચર થાય પણ કમ્પાઉન્ડ ના થાય. જેમ કે તેલ અને પાણીને ગમે તેટલું હલાવીને એકાકાર કરવા જઈએ પણ એ એકાકાર ના જ થાય. એના પાર્ટિકલ જુદાં જ રહે એટલે કે એનું સોલ્યુશન ક્યારેય ના થાય, એનું ઈમલ્શન થાય. એ હેટ્રોજીનીયસ જ રહે, હોમોજીનીયસ ના થઈ શકે, એટલે પાર્ટિકલ જુદાં જ રહે.
એવા છ એ દ્રવ્યો અનંતકાળથી પાસે ને પાસે હોય તો પણ એ એકબીજાથી નોખાં જ છે. એ ગુણને ટંકોત્કીર્ણ કહ્યું છે અને એવો આપણો આત્મા ટંકોત્કીર્ણવત્ છે. આપણો આત્મા અનંત અવતારથી અનંત દેહમાં ગયો છે, પણ એ દ્રવ્યથી, ગુણથી, પર્યાયથી અને નિશ્ચયનયથી શુદ્ધ જ છે. એ ક્યારેય અશુદ્ધ થયો જ નથી; ભ્રાંતિથી એવું લાગે છે કે અશુદ્ધ થઈ ગયું છે પણ એ શુદ્ધ જ છે.
અનંતકાળથી અનંતજ્ઞેયોમાં આત્માએ પરિવર્તન કર્યું છે જેનું જ્ઞાન દરેક જ્ઞેયમાં ગયું છે પણ એનું જ્ઞાન જ્ઞાનસ્વરૂપે જ રહ્યું છે; સંપૂર્ણ શુદ્ધ છે, સર્વાંગ શુદ્ધ છે. એ ક્યારેય અશુદ્ધિને પામ્યું નથી કે અંશમાં પણ પરિણમ્યું નથી, સર્વાંગ જ રહ્યું છે.
તીર્થંકરોની આ જબરજસ્ત તત્ત્વની વાતો છે. અનંતકાળથી ભટકતો આપણો આત્મા છે, તે કોઈ પણ કાળે કે એક સમય માટે પણ કોઈ પણ પર્યાયમાં પેઠો નથી, અશુદ્ધ થયો નથી. આત્મા ત્રણેય કાળ શુદ્ધ હતો, છે અને રહેવાનો છે. મોક્ષમાં પણ એ સ્થિતિમાં આત્મા અનંતકાળ સુધી રહે છે.
ભગવાન મહાવીર પ્રત્યે અદમ્ય ભક્તિ અને ઉત્કૃષ્ટ સમપર્ણભાવ ધરાવતા શ્રેણિક રાજા અને એમના રાજવી કુટુંબનો પરિચય અહીં મેળવીએ.
subscribe your email for our latest news and events
