Related Questions

ક્રોધ એટલે શું?

ક્રોધ એટલે પ્રગટ અગ્નિ

ક્રોધ એટલે પોતે પોતાના ઘરને દીવાસળી ચાંપવી, જેમાં પહેલા પોતે બળે, પછી બીજાને બાળે. કોઈ ખેતરમાં સૂકા ઘાસના મોટા મોટા પૂળા ભેગા કર્યા હોય, અને પછી એ ઘાસમાં એક જ સળગતી દીવાસળી નાખીએ, તો શું થાય? ભડભડતી આગ સાથે બધું ઘાસ સળગવા માંડે અને આસપાસની વસ્તુઓ પણ સળગે. એમ પોતાના ઘરમાં ઘાસ ભર્યું હોય અને દીવાસળી ચાંપવી, એનું નામ ક્રોધ. પહેલાં પોતે સળગે અને પછી પાડોશીને સળગાવે.

Anger

ક્રોધ એ નિર્બળતા

કેટલાક લોકો સવારમાં ચા ઠંડી હોય તો ગુસ્સો કરે અને ટેબલ પછાડે. કેટલાક પોતાનો ખાવાનો મોહ ના પોષાય, જમવાનું બરાબર ના બન્યું હોય તો કકળાટ કરી મૂકે અને તોડફોડ કરી નાખે. કેટલાક જોઈતી વસ્તુ ન મળે તો ઘરમાં ક્લેશ કરી નાખે. કેટલાક લોકો મોટું નુકસાન થઈ ગયું હોય તો ક્રોધ કરે. મોટેભાગે પોતાની ઇચ્છા વિરુદ્ધ થાય ત્યારે વ્યક્તિ ક્રોધિત થઈ જાય. એટલે બાહ્ય પરિબળો ક્રોધ નથી કરાવતા, પણ આપણી અંદરના કષાયો ક્રોધ કરાવે છે. એટલે ક્રોધ એ આપણી નબળાઈ છે. જે લોકો વાતે વાતે ક્રોધિત થઈ જાય એમનો લોકો ઉપર પ્રભાવ ઝીરો થઈ જાય છે.

ક્રોધની નિર્બળતાને કારણે વ્યક્તિનું શરીર બરાબર દેખાતું હોય પણ અંદર માનસિક રીતે વિકનેસ આવી જાય, સ્થિરતા ભાંગી પડે, સહનશીલતા ઘટતી જાય છે.

ક્રોધનું સ્વરૂપ

ક્રોધ એ ઉગ્ર પરમાણુઓ છે. જેમ ફટાકડાની કોઠીની અંદર દારૂગોળો ભરેલો હોય, તે ફૂટે ત્યારે ઝાળ લાગે. પછી અંદરનો દારૂગોળો બધો પૂરો થઈ જાય એટલે કોઠી એની જાતે શાંત થઈ જાય. તેવું જ ક્રોધનું છે.

ક્રોધ બે પ્રકારનો હોય છે. એક ક્રોધ તે વાળી શકાય તેવો - નિવાર્ય. એટલે કે, કોઈની ઉપર ક્રોધ આવ્યો હોય તો તે અંદરને અંદર ફેરવી શકાય અને તેને શાંત કરી શકાય, તે વાળી શકાય તેવો ક્રોધ. માણસ આ સ્ટેજે પહોંચે તો તેનો વ્યવહાર ઘણો જ સુંદર થઈ જાય!

બીજા પ્રકારનો ક્રોધ તે વાળી ના શકાય તેવો - અનિવાર્ય. ઘણો પ્રયત્ન કરે પણ એક વાર સળગાવ્યા પછી ફટાકડાની કોઠી ફૂટ્યા વગર રહે જ નહીં! તે જ રીતે વાળી ના શકાય તેવો અનિવાર્ય ક્રોધ હોય છે. આવો ક્રોધ પોતાનું તો અહિત કરે જ છે, પણ સામાનું ય ભયંકર અહિત કરે છે!

પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, “અમે ઉગ્રતા રહે તેને ક્રોધ નથી કહેતા, ક્રોધમાં તાંતો રહે તે જ ક્રોધ કહેવાય. ક્રોધ તો ક્યારે કહેવાય કે મહીં બળતરા થાય. બળતરા થાય એટલે ઝાળ લાગ્યા કરે અને બીજાને પણ તેની અસર લાગે, તે કઢાપા રૂપે કહેવાય અને અજંપા રૂપે અંદર જ એકલો બળ્યા કરે. પણ તાંતો તો બન્નેય રૂપમાં રહે. જ્યારે ઉગ્રતા જુદી વસ્તુ છે.

તાંતો રહે એનું નામ ક્રોધ!

anger

ક્રોધમાં તાંતો હોય તેને જ ક્રોધ કહેવાય. ઉદાહરણ તરીકે, પતિ-પત્નીમાં રાત્રે ઝઘડો થયો હોય, ક્રોધ જબરજસ્ત ભભૂકી ઊઠ્યો હોય, આખી રાત બેઉ જાગતાં પડ્યાં હોય. પછી સવારે પત્ની ચા લઈને આવે ત્યારે ચાનો કપ સહેજ પછાડીને ટેબલ પર મૂકે. એટલે પતિ સમજી જાય કે હજી આને તાંતો છે! એટલે કે, ગઈકાલે ઝઘડો થયો એનો તંત હજુ ચાલુ છે. એનું નામ ક્રોધ. બગડી ગયેલા મોઢા ઉપરથી જ ક્રોધનો તાંતો રહ્યો છે એ સમજાઈ જાય. પછી તાંતો ગમે તેટલા વખતનો હોઈ શકે. કેટલાકને તો આખી જિંદગીનો તાંતો હોય! બાપ-દીકરામાં ઝઘડો થયો હોય તો વર્ષો સુધી બાપ એના દીકરાનું મોઢું ના જુએ, અને દીકરો એના બાપનું મોઢું ના જુએ!

પંદર વર્ષ પહેલાં કોઈએ આપણું અપમાન કર્યું હોય, અને પંદર વર્ષ સુધી એ વ્યક્તિ આપણને ભેગી ન થઈ. પણ આજે જો એ વ્યક્તિનો ભેટો થાય, એ સામે આવે તો ભેગા થતાની સાથે જ પંદર વર્ષ પહેલાંનું પાછલું બધું યાદ આવી જાય, એ તાંતો કહેવાય. તાંતો ભલભલાનો જાય નહીં. એક વખત કોઈને જો તમે કંઈ સળી કરી હોય, પછી એ પંદર-પંદર દિવસ સુધી આપણી સાથે બોલે નહીં, એ તાંતો!

ક્રોધ એ માનનો ગુરખો

મનુષ્યમાં મુખ્યત્વે ક્રોધ-માન-માયા-લોભ એમ ચાર કષાયો કામ કરતા હોય છે. એમાં ક્રોધ અને માયા (કપટ) એ અનુક્રમે માન અને લોભના રક્ષક તરીકે હોય છે. ક્રોધ કષાય એ માનનો ગુરખો છે, એટલે કે જયારે માન કષાયને હરકત આવે એવું હોય, ત્યારે વ્યક્તિ ક્રોધ કરીને તેનું રક્ષણ કરી નાખે છે.

ઉદાહરણ તરીકે, કોઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિને અપમાનજનક શબ્દોમાં કહે કે, “તું નોનસેન્સ છે!” તો બીજી વ્યક્તિ સામા ઉપર ગુસ્સે થઈને તોડી પાડે કે, “તું મને નોનસેન્સ કહેવાવાળો કોણ? તારામાંય ક્યાં સેન્સ છે?”. આમ અપમાન થાય ત્યારે તરત સામે ક્રોધ કરવો એ ક્રોધથી માનનું રક્ષણ થયું કહેવાય.

મોટેભાગે આપણી અપેક્ષા કરતા માન ઓછું મળે, માન ના મળે, અપમાન મળે, આપણા કહ્યા પ્રમાણે કોઈ ના કરે ત્યારે આપણને અપમાન લાગે છે અને ક્રોધ આવી જતો હોય છે. આ બધા પ્રસંગોમાં માન કષાયનું રક્ષણ ક્રોધથી થાય છે.

ફેર ક્રોધ અને ગુસ્સામાં!

આમ જોઈએ તો ગુસ્સો અને ક્રોધ સમાનાર્થી શબ્દો છે. પણ પરમ પૂજ્ય દાદા ભગવાન ક્રોધ અને ગુસ્સા વચ્ચેનો સૂક્ષ્મ ભેદ દર્શાવે છે.

પ્રશ્નકર્તા : દાદા, ગુસ્સા ને ક્રોધમાં શું ફરક?

દાદાશ્રી : ક્રોધ એનું નામ કહેવાય કે જેમાં અહંકાર સહિત હોય. ગુસ્સો ને અહંકાર બે ભેગું થાય ત્યારે ક્રોધ કહેવાય અને છોકરા જોડે બાપ ગુસ્સે થાય એ ક્રોધ ના કહેવાય. એ ક્રોધમાં અહંકાર ના ભળે. માટે એ ગુસ્સો કહેવાય.

ઘણુંખરું સંસારમાં અજ્ઞાનદશામાં થતા ક્રોધમાં અહંકાર ભળેલો જ હોય. તેમાં હિંસકભાવ હોય, તાંતો હોય, પોતે બળે અને બીજાને બાળે. આત્મજ્ઞાન થયા પછીનો ક્રોધ મડદાલ હોય. તેમાં હિંસકભાવ ન હોય. એ ક્રોધ પરિણામરૂપે હોય અને ઇફેક્ટ આપીને જતો રહે.

×
Share on