Related Questions

શું મોક્ષની વ્યાખ્યા વાસ્તવિક છે? કે પછી મોક્ષ એ માત્ર કલ્પના જ છે?

આધ્યાત્મિક દ્રષ્ટિએ, મોક્ષની વ્યાખ્યા મુક્તિ અને છૂટકારા જેવી જ થાય છે. ઘણા માણસો માટે, મોક્ષ એટલે બધા દુ:ખોમાંથી મુક્તિ; જ્યારે અમુક લોકો માટે મોક્ષ એટલે જન્‍મ-મરણના ફેરામાંથી મુક્તિ. બહુ થોડા લોકો એવું પણ માને છે કે મોક્ષ એટલે બધા પાપોમાંથી મુક્તિ. જો કે, શું આ બધા અર્થઘટનો વાસ્તવિક છે? શું મોક્ષ ખરેખર છે? શું મોક્ષ જેવું સત્ય ખરેખર છે? ચાલો જોઇએ!

કોઇ વસ્તુ વાસ્તવિક છે કે કલ્પના છે તે જાણવાનો સરળ રસ્તો તેનો અનુભવ કરવો એ છે. દાખલા તરીકે; જ્યારે તમને ખાસ ચા આપવામાં આવે, ત્યારે તમારે તે ચા ખરેખર મીઠી અને ખાસ છે તેની ખાતરી કરવા ચાખવાની જરૂર પડે છે. એકવાર તમે સ્વાદનો અનુભવ કરી લો, પછી તમને તેના વિશે કોઈ શંકા હશે નહીં. આથી, કોઇપણ વસ્તુ વાસ્તવિક છે તેની ખાતરી કરવા તમારે તેનો ‘અનુભવ’ કરવો પડે છે. આમ, ખરેખર એ વાસ્તવિકતા છે તેની પુષ્ટિ કરવા માટે જરૂરી એવો આ ‘અનુભવ’ છે.

માટે મોક્ષ વાસ્તવિકતમાં છે તેની ખાતરી કરવા, આપણે તેનો અનુભવ કરવાની જરૂર પડે છે. જ્યારે આપણે જીવંત છીએ ત્યારે જ તે માણી લેવો જોઇએ. મોક્ષ રોકડા નાણાની જેમ આપણા હાથમાં આવી જવો જોઇએ.

મોક્ષની વ્યાખ્યા છે –‘કાયમનું સુખ’. રોકડા નાણાની જેમ કાયમના સુખનો અનુભવ કઇ રીતે કરવો? ચાલો શોધ કરીએ...

મોક્ષ ના બે પ્રકારો છે.

પહેલા પ્રકારનો મોક્ષ:

જ્યારે તમને આ જ જીવનના દુ:ખોમાંથી છૂટકારો અનુભવાશે તે પહેલા પ્રકારનો મોક્ષ છે. જો કોઇ આપણને દુ:ખ પહોંચાડે છે અથવા આપણા ઘરમાં કશું દુ:ખદ બને છે, આવી પરિસ્થિતિમાં પણ જો આપણું સુખ ટકી રહે, તો કહી શકાય કે વ્યક્તિએ ખરેખર પહેલા પ્રકારનો મોક્ષ અનુભવ્યો છે.

અત્યંત પીડા (ભોગવટો) અથવા પ્રતિકુળતા વચ્ચે પણ તમને આત્માના આનંદનો અનુભવ થશે. જ્યારે આત્મજ્ઞાન પ્ર્રાપ્ત થાય અને શુધ્ધાત્મા પદમાં જ રહેવાય ત્યારે જ આ શક્ય બને છે. જ્યારે તમારી સ્વયંની અજ્ઞાનતામાંથી તમે મુક્ત થાવ છો, ત્યારબાદ તમામ દુઃખોથી મુક્ત એવી દશાની પ્રાપ્તિ તમને થશે.

આત્મજ્ઞાન પ્રાપ્ત થયા પછી, તમને કોઇ દુ:ખ અડશે નહિ. જાગૃત આત્માના પ્રકાશમાં તમે પોતાની ભૂલો જોઇ શકવા સમર્થ થશો.

બીજા પ્રકારનો મોક્ષ:

જ્યારે તમે તમારા બધા કર્મોથી મુક્ત થાવ છો, એટલે કે તમામ સાંસારિક બંધનોમાંથી છૂટકારો થાય ત્યારે બીજા પ્રકારનો મોક્ષ પ્રાપ્ત થાય છે. તમારા આત્માને એકપણ અણુ ચોંટેલો રહેતો નથી. બધા કર્મો સંપૂર્ણપણે પૂરા થાય છે અને તમે જન્મ-મરણના ફેરામાંથી મુક્ત થાવ છો. આ સ્થિતિને પ્રાપ્ત કરવા માટે, તમને આત્માનો સંપૂર્ણ અનુભવ થવો જરૂરી છે અને માનવ દેહ હોવો જોઇએ. તમે એવા સૂક્ષ્મ દેહથી જ સમગ્ર વિશ્વને, વિશ્વના દરેક અણુ સહિત જોઇ શકો છો અને પછી પૂર્ણ સ્વતંત્રતા મેળવી શકો છો. તમને આ બધા અનુભવો થયા પછી, તમે મોક્ષ, સિધ્ધક્ષેત્ર (કે જ્યાં સંપૂર્ણ મુક્ત થયેલ આત્માઓ કાયમ રહેતા હોય) માં જાવ છો. એ મોક્ષ છે!

મોક્ષના બે પ્રકારો વિશેનો પરમ પૂજ્ય દાદાશ્રી સાથેનો સંવાદ નીચે દર્શાવ્યા પ્રમાણે છે.

પ્રશ્નકર્તા : મોક્ષનો અર્થ સાધારણ રીતે આપણે જન્મ-મરણમાંથી મુક્તિ એમ કરીએ છીએ.

દાદાશ્રી : હા, એ ખરું છે. પણ એ છેલ્લી મુક્તિ છે, એ સેકન્ડરી સ્ટેજ છે. પણ પહેલા સ્ટેજમાં, પહેલો મોક્ષ એટલે સંસારી દુઃખનો અભાવ વર્તે. સંસારના દુઃખમાંય દુઃખ અડે નહીં, ઉપાધિમાંય સમાધિ રહે, એ પહેલો મોક્ષ. અને પછી આ દેહ છૂટે ત્યારે આત્યંતિક મોક્ષ છે. પણ પહેલો મોક્ષ અહીં થવો જોઈએ. મારો મોક્ષ થઈ જ ગયેલો છે ને^! સંસારમાં રહે છતાં પણ સંસાર અડે નહીં એવો મોક્ષ થઈ જવો જોઈએ. તે આ અક્રમ વિજ્ઞાનથી એવું થઈ શકે એમ છે.

×
Share on