શ્રી મહાવીર ભગવાનના એકથી સત્તર અને અઢારથી સત્યાવીસ ભવો વિશે આપણે ઊંડાણમાં વાંચ્યું. આગળ વાંચ્યું તેમ, બધા જ તીર્થંકરો ક્ષત્રિય હોય પરંતુ મરીચિના ભવમાં ઉત્સૂત્ર પ્રરૂપણા દોષને લીધે મહાવીર ભગવાનને બ્રાહ્મણીના ગર્ભમાં રહેવું પડ્યું હતું. બાદમાં, દેવોએ બ્રાહ્મણીના ગર્ભનું હરણ કરીને ત્રિશલા માતાના ગર્ભમાં સ્થાપન કર્યું, જે દસ આશ્ચર્યોમાંનું એક આશ્ચર્ય છે. લોકોનો ઉદ્ધાર કરવા મહાવીર ભગવાને જન્મ લીધો, જેઓ તે સમયે ભગવાનની સાથે હતા, તેઓ કેટલા ભાગ્યશાળી હશે! ચાલો, પ્રભુના ગર્ભહરણ આશ્ચર્યથી દીક્ષા સુધીનું ચરિત્ર વિગતવાર વાંચીએ.
મહાવીર ભગવાનના જન્મ વખતનું એક મોટું આશ્ચર્ય સર્જાયું હતું. આવું કોઈ કાળે બનતું નથી પણ આ ત્યારે બનેલું. અધ્યાત્મના દસ આશ્ચર્યોમાંનું આ એક આશ્ચર્ય બન્યું હતું. મહાવીર ભગવાનનો જીવ દેવાનંદા નામના બ્રાહ્મણી માતાના ગર્ભમાં આવ્યો હતો. એમના બ્રાહ્મણ પિતાનું નામ ઋષભદત્ત હતું. બ્રાહ્મણકુંડ નામના ગામમાં તેઓ રહેતા હતા. દેવાનંદા માતાએ ચૌદ સ્વપ્નાઓ એમના મુખમાંથી અંદર પ્રવેશતાં જોયેલાં. જે મોટે ભાગે દરેક તીર્થંકરના ગર્ભધારણ વખતે એમની માતાને આ ચૌદ સ્વપ્નાના સંકેત મળતા જ હોય છે. માતા દેવાનંદા ખૂબ આનંદમાં હતા અને બધા નિમિત્તિયાઓએ ફળ બતાવ્યું કે તમારી કૂખેથી તીર્થંકર ભગવાન જન્મ લેશે.
ગર્ભના ૮૨ દિવસ વીત્યા પછી દેવગતિમાં ઇન્દ્રનું સિંહાસન ડોલ્યું; એમણે પોતાનો ઉપયોગ મૂકીને જોયું તો ખબર પડી કે મહાવીર ભગવાન જે તીર્થંકર થવાના છે, એમનો જન્મ દેવાનંદા બ્રાહ્મણીની કૂખેથી થશે. આ તો કોઈ કાળે બને જ નહીં! હંમેશા તીર્થંકરો ક્ષત્રિય કુળમાં જ જન્મે. જેટલા ત્રેસઠ શલાકા પુરુષો થઈ ગયા એ બધા ક્ષત્રિય જ હતા અને ક્ષત્રિયમાં પણ પાછા ઉચ્ચ કોટિના રાજાઓ હતા; કોઈ સામાન્ય માણસનું તો અહીં કામ જ નહીં.
તીર્થંકર ભગવાનનું ક્ષત્રિયને બદલે બ્રાહ્મણ કુળમાં જન્મવું એવું ક્યારેય ઇતિહાસમાં બન્યું નથી. આનું એક કારણ એ કહેવામાં આવે છે કે જ્યારે મહાવીર ભગવાને મરીચિના પૂર્વભવમાં જે આખો ત્રિદંડીનો નવો ધર્મ સ્થાપન કર્યો અને બ્રાહ્મણની જેમ શિખા રાખીને બધા આચારો બદલી નાખ્યા, ત્યાર પછી એમના ઘણા અવતારો બ્રાહ્મણના થયા હતા. એના ફળરૂપે એમનો આ ભવમાં દેવાનંદા માતાની કૂખે બ્રાહ્મણ તરીકે જન્મ થવાનો હતો. મરીચિના ભવમાં કરેલો જાતિનો મદ, “હું ક્ષત્રિય અને બીજી બધી જાતિ નીચી. હું તો બહુ ઊંચો.”, એમ માનીને શ્રી ઋષભદેવ ભગવાને જે માર્ગ બતાવ્યો હતો એ માર્ગે ન ચાલતાં પોતે પોતાના અલગ જ માર્ગે ચાલ્યા. ઘણાં બધાં કારણોને આધારે ભગવાનનું બ્રાહ્મણ કુળમાં ગર્ભમાં આવવાનું થયું.
દેવોએ આને બહુ જ ગંભીર ગણીને નક્કી કર્યું, “ગમે તે થાય, આપણે આ ગર્ભનું હરણ કરવું જ જોઈએ અને ક્ષત્રિય માતાના ગર્ભમાં આનું પ્રત્યારોપણ કરવું જોઈએ.” દેવોની પાસે બધી જ સિદ્ધિઓ હોય. આ બાજુ, ક્ષત્રિયકુળમાં સિદ્ધાર્થ રાજાના પત્ની, રાજરાણી ત્રિશલાને પણ ગર્ભ રહ્યો હતો. દેવોએ નક્કી કરીને ૮૨ દિવસ પછી ત્રિશલા માતાના ગર્ભમાંનો જે જીવ હતો એ જીવનું હરણ કર્યું; એ જીવને બ્રાહ્મણી માતા દેવાનંદાના ગર્ભમાં મૂક્યો અને દેવાનંદા માતાના ગર્ભમાં જે મહાવીર ભગવાનનો જીવ હતો એને ત્રિશલા રાણીના ગર્ભમાં મૂક્યો. દેવોએ કેટલું મોટું કાર્ય કર્યું! બે ગર્ભની હેરાફેરી કરવી એ બહુ કઠિન કામ છે છતાં દેવો તો બધું જ કરી શકે.
જ્યારે ગર્ભની હેરાફેરી થઈ ગઈ ત્યારે બ્રાહ્મણી માતા દેવાનંદાને એ જ રાત્રિએ જે ચૌદ સ્વપ્ના આવ્યા હતા એ ચૌદે ચૌદ સ્વપ્ના એમના મુખમાંથી પાછા નીકળી ગયા અને બીજી બાજુ ત્રિશલા માતાએ આ ચૌદ સ્વપ્ના પોતાના મુખમાં પ્રવેશતાં જોયાં. ત્રિશલા માતા ખૂબ આનંદમાં આવી ગયા પણ દેવાનંદા માતા ખૂબ જ દુઃખી થઈ ગયા. એમને ખૂબ જ ભય લાગ્યો કે “મારો ગર્ભ કોઈએ હરણ તો નથી કર્યો ને? ગર્ભનું પતન તો નથી થયુંને?” એમ કરીને બહુ જ શોક કરવા લાગ્યા. પણ પછી ખબર પડી કે ગર્ભ તો છે. જે હેરાફેરી થઈ એ એમને ખબર નહોતી પડી.
ત્રિશલા માતા ચૌદ સ્વપ્ના આવવાથી ખૂબ જ આનંદમાં આવ્યા અને નિમિત્તિયાઓએ કહ્યું, “તમારી કૂખેથી તીર્થંકર ભગવાન જન્મ લેશે.” રાજા-રાણી ખૂબ આનંદમાં આવી સેવા-ભક્તિ અને દાન-ધર્મ કરવા લાગ્યા. પ્રભુ ગર્ભમાં આવતાં જ સિદ્ધાર્થ રાજાનો રાજપાટ ખૂબ જ વૃદ્ધિ પામવા માંડ્યો; ધન-ધાન્ય, સુખ-વૈભવ બધું પ્રજામાં ખૂબ જ વધ્યું. તીર્થંકર ભગવાનના ગર્ભમાં આવતાં જ આટલા બધા પરિણામો વર્તાયા. કેટલું બધું જબરજસ્ત પુણ્ય!
મહાવીર પ્રભુ માતાના ગર્ભમાં ત્રણ જ્ઞાન સહિત હતા - શ્રુતજ્ઞાન, મતિજ્ઞાન અને અવધિજ્ઞાન. ભગવાન ગર્ભમાં પણ સંપૂર્ણ જાગૃત હતા. મહાવીર ભગવાન પોતાના માતા-પિતા પ્રત્યે ખૂબ જ ભક્તપરાયણ હતા. ભગવાને માતાના ગર્ભમાં હલનચલન કરતાં જોયું કે આનાથી માતાને દુઃખ થાય છે. એટલે પોતે જરાય હાથ-પગ હલાવ્યા વગર ખૂબ જ સંકોચાઈને રહેવા લાગ્યા. ત્રિશલા માતાનો આખો ગર્ભ હલનચલન વગરનો થઈ ગયો એટલે માતાને ખૂબ ચિંતા થઈ કે ”મારા ગર્ભનો નાશ થયો કે શું?” આ પરથી માતાનું ખાવું-પીવું, સૂવું, બોલવું બધું બંધ થઈ ગયું અને અંદર ચિંતા અને ભોગવટામાં આવી ગયા.
ત્રિશલા માતાએ આ વાતની જાણ સિદ્ધાર્થ રાજાને કરી અને રાજાને પણ આ જાણીને ખૂબ જ દુઃખ થયું. માતા-પિતા બંને ખૂબ ચિંતા કરવા લાગ્યા. ભગવાનને અવધિજ્ઞાનથી આ વાતની જાણ થઈ કે મારા માતા બહુ દુઃખી થયા છે અને કંઈ ખાતા-પીતા નથી. એટલે એમણે ધીમે રહીને પોતાના પગનો અંગુઠો જરાક હલાવ્યો કે જેથી કરીને માતાને ખબર પડે. ભગવાનની હલનચલનથી ત્રિશલા માતાને અંદર હાશકારો થયો કે ભગવાન તો જાગૃત છે અને ગર્ભ પણ જીવિત છે.
માતા-પિતાને એમના પર અત્યંત રાગ હોવાથી મહાવીર ભગવાને સાતમા મહિને ગર્ભમાં જ અભિગ્રહ કર્યો, “હું મારા માતા-પિતાના દેહાંત પછી જ દીક્ષા લઈશ. એમની હાજરીમાં જો હું દીક્ષા લઈશ તો એમને ખૂબ દુઃખ થશે. આ ભયંકર આઘાત તેઓ જીરવી નહીં શકે.” સાતમા મહિનામાં જ ગર્ભમાં જ ભગવાને એમના માતા-પિતા દુઃખી ના થાય એવી ફરજ બજાવી.
ત્રિશલા માતા સાથે બધા દેવ-દેવીઓ ખૂબ જ સુંદર ધર્માલાપ અને આનંદ-પ્રમોદ સાથે સત્સંગ કરતાં હતાં. મહાવીર ભગવાન જ્યારે ગર્ભમાં હતા ત્યારે દેવ-દેવીઓ ત્રિશલા માતાની ખૂબ જ સારસંભાળ રાખતાં. ચોવીસે કલાક વારાફરતી બધા દેવીઓ ત્રિશલા માતાની સેવામાં હાજર રહેતાં. કારણ કે માતાના ગર્ભમાં ભગવાન બિરાજેલા હતા. માતાની સેવા એટલે ગર્ભમાં રહેલા ભગવાનની સેવા થયા બરાબર એવું એ લોકો માનતા હતા. ખૂબ ભક્તિભાવથી બધી દિક્કુમારી દેવીઓ આઠ-આઠના સમૂહમાં આવીને માતાની બધી રીતે - કોઈ નવડાવવાની, તો કોઈ સૂવડાવવાની, કોઈ જમાડવાની સેવા કરતાં. બધા બહુ કાળજી રાખતાં અને ત્રિશલા માતા પણ ખૂબ જ પ્રસન્ન હતાં.
મહાવીર ભગવાન જ્યારે ગર્ભમાં હતા ત્યારે ત્રિશલા માતાની પાસે સમકિતી દેવીઓ એમની સેવામાં રહેતાં. બહુ નજીકના સંપર્કમાં રહેવાથી ત્રિશલા માતાની દેવીઓ સાથે જ્ઞાનગોષ્ઠિ ખૂબ થતી હતી. બીજા સંસારી વિચારો માતાને તો આવતા જ ન હતા, કારણ કે માતાના ગર્ભમાં તીર્થંકર હતા; ચૌદ લોકના નાથ હતા. માટે માતાની બધી જ પરિણતી બદલાઈ ગઈ હતી અને એમને ધર્મની સાત્ત્વિક વાતો અને એ સંબંધી વિચારો બહુ જ ગમતા હતા. પોતાની બધી સેવામાં રહેનારા સમકિતી દેવીઓ સાથે માતા જ્ઞાનગોષ્ઠિ કરતાં હતાં.
ત્રિશલા માતાને ખૂબ બધું જાણવાની ઈચ્છા થતી હતી, એટલે ખૂબ બધા પ્રશ્નો દેવીઓને પૂછતાં અને સમકિતી દેવીઓએ એના બહુ જ સુંદર જવાબ આપેલાં છે. આ દેવીઓને જ્યારે એમને કોઈ જવાબ જડે નહીં તો ત્રિશલા માતાના ગર્ભમાં રહેલા તીર્થંકર મહાવીર ભગવાનની પાસે તેઓ જવાબ માંગતાં, ત્યારે તરત જ દેવીઓને અંદરથી જવાબ મળી જતા. ભગવાનની હાજરીમાં નીકળેલા જવાબો ભગવાનના સિક્કા સહિત હોય અને જરાય ખોટા ન હોય. એમાંના કેટલાક જવાબો આ મુજબ છે:
આ રીતે, જ્યારે મહાવીર ભગવાન માતા ત્રિશલાના ગર્ભમાં હતા ત્યારે દેવીઓ હાજર ને હાજર રહેતાં અને એમની બધી જ સેવા સંભાળી લેતાં.
શ્રી મહાવીર ભગવાનનો ચૈત્ર સુદ તેરસને દિવસે જન્મ થયો. પ્રભુની બહુ જ સુંદર સુવર્ણવર્ણી કાયા હતી. ભગવાનનું લાંછન સિંહ છે. ભગવાન એટલા રૂપરૂપના અંબાર હતા કે એમને જોઈને જ મોહિત થઈ જવાય. ભગવાનનો જેવો જન્મ થયો એવા બધા જ દેવ-દેવીઓ વારાફરતી એમના દર્શન કરવા ઊમટ્યાં. જન્મ થયા પછી મેરુ પર્વત ઉપર બધા ઇન્દ્રો ભગવાનને અભિષેક કરવા લઈ ગયા. ભગવાનનો પ્રથમ પ્રક્ષાલ અને દર્શન કરવા કરોડો દેવ-દેવીઓ પવિત્ર નદીઓના જળ લઈને આવ્યાં. તેઓ નદીઓની નદીઓ ઠલવાય એટલું જળ લઈને આવ્યાં.
ત્યારે ઇન્દ્ર દેવને વિચાર આવ્યો, “આટલું બધું પાણી ભગવાન ઉપર! ભગવાન તો નાજુક છે; એમનાથી સહન નહીં થાય.” ભગવાન ઇન્દ્ર દેવનો સંશય જાણી ગયા ને એમણે ધીમે રહીને પોતાના પગનો અંગૂઠો મેરુ પર્વતને દબાવ્યો જેનાથી આખો પર્વત નીચે બેસી ગયો. ત્યારે ઇન્દ્ર દેવને સમજાયું કે એમની શંકા ખોટી હતી. તીર્થંકર ભગવાન તો દેવાધિદેવ છે, ચૌદ લોકના નાથ છે. એમની તાકાતની ક્યાં વાત કરવી! પછી ખુશ થઈને બધાએ ભગવાનનો પ્રક્ષાલ કર્યો.
બધા દેવ-દેવીઓને બાળ ભગવાનને જોઈને ખૂબ વહાલ આવતું. આ જગતના લોકોને મોક્ષે લઈ જવા માટે, લોકોનો ઉદ્ધાર કરવા માટે તીર્થંકર ભગવાન અવતર્યા એનો આનંદ આનંદ બધે જ વર્તાયો. બધા દેવો ખૂબ જ આનંદથી ભગવાનની સેવા કરતા હતા. દેવો બાળ તીર્થંકરને એકદમ ચૂપચાપ ત્રિશલા માતાને ખબર જ ના પડે એમ એમની પાસે ભગવાન જેવું જ બનાવટી બાળ મૂકી ને બાળ તીર્થંકર ભગવાનને મેરુ પર્વત પર અભિષેક કરવા લઈ જતા હતા. અભિષેક કરીને દેવો પાછા બાળ તીર્થંકરને એમની માતાની બાજુમાં મૂળ સ્થાને લાવીને રાખી દેતા. લોકો ભગવાનને દૂરથી જોવા માટે દોડાદોડી કરતા.
ત્રિશલા માતાની કૂખમાં ચોવીસે કલાક જે તીર્થંકર ભગવાન બિરાજતા હતા એ માતાને કેટલી ધન્યતા લગતી હશે! કેટલો આનંદ થતો હશે! બધી દિક્કુમારી દેવીઓએ પ્રેમથી ભગવાનનો ઉછેર કર્યો. ભગવાન ૧૨ દિવસના થયા ત્યારે એમના રાજ્યમાં બધી જ બાજુએથી ખૂબ વૃદ્ધિ થઈ. ધન-દોલત, સુખ, અનાજ-પાણી અને લોકોમાં આનંદ આ બધું ખૂબ વધવા લાગ્યું. આ પરથી પિતાએ પ્રભુનું નામ ‘વર્ધમાન’ પાડ્યું. દેવોએ અવધિજ્ઞાનથી જોયું કે ભગવાનને બહુ બધા ઉપસર્ગો આવશે. ચોવીસ તીર્થંકરો થઈ ગયા, એમાં સૌથી વધુ ઉપસર્ગો મહાવીર ભગવાનને આવ્યા. એ બધામાં અડગ રહીને, બધા કર્મો ખપાવીને ભગવાન કેવળજ્ઞાન પામીને મોક્ષે ગયા. એમની વીરતાની વાત જ કંઈ ઔર; એટલે દેવોએ એમનું નામ ‘મહાવીર’ પાડ્યું.
ત્રિશલા માતા દ્વારા ઉછેરાતાં ઉછેરાતાં બાળ મહાવીર ભગવાન આઠ વર્ષના થયા. આઠ વર્ષના થયા એટલે એમની ભણવા માટેની પેરવીઓ શરૂ થઈ. ભગવાન રાજકુમાર હોવાથી તેમને સારામાં સારા ગુરુ, કે જે ભગવાનને બધી કળાઓ શીખવાડે એવી શોધ સિદ્ધાર્થ રાજાએ ચલાવી. દેવો અને ઇન્દ્રોને ખબર પડી કે આ ભગવાનને માટે ગુરુ! ચૌદ લોકના નાથને કોઈ સાધારણ ગુરુ ભણાવે? કેવું કહેવાય? તીર્થંકર ભગવાન તો આખી દુનિયાના દેવાધિદેવ કહેવાય. આખું જગત જેમને ગુરુપદ આપે તેમને આવી રીતે કોઈના શિષ્ય થવાનું? દેવોને આ બધું ગમ્યું નહીં અને એમણે અલગ જ યુક્તિ કરી.
ભગવાનના પિતા એમને ગુરુકુળમાં મૂકી આવ્યા પણ એમણે ભગવાનને ગુરુના આસને, ઊંચા સ્થાને બેસાડ્યા. બીજા બધા નીચે બેઠા; ભગવાન જ આઠમા વર્ષે બધાને શીખવાડવા લાગ્યા. ભગવાન ગર્ભમાંથી જ શ્રુતજ્ઞાન, મતિજ્ઞાન અને અવધિજ્ઞાન લઈને આવ્યા હતા. તીર્થંકર ભગવાન એટલે એમને બહુ શીખવાડવું ન પડે; એમને આવડતું જ હોય. ભગવાનના શ્રીમુખેથી પહેલી વાર એવું સુંદર વ્યાકરણ બહાર પડ્યું; એને ઇન્દ્ર વ્યાકરણ કહેવામાં આવે છે. બાળ ભગવાન બહાર રાજકુમારો સાથે ક્યાંય પણ રમવા જાય કે ફરવા જાય તો આખા નગરજનો ભગવાનના દર્શન માટે આતુર રહેતા. ભગવાનના દર્શનથી જ લોકો ઠંડક અનુભવતા અને એમની અંદરની આખી પરિણતી બદલાઈ જતી.
દેવગતિમાં ઇન્દ્ર દેવો તીર્થંકર ભગવાન મહાવીરની ખૂબ ચર્ચા કરતા હતા. ભગવાન કેવા વીર, સુંદર અને પ્રતાપી છે! બીજા એક દેવને આ મગજમાં બેઠું નહીં. એમને થયું કે “લાવ! હું મહાવીર ભગવાનની પરીક્ષા લઉં.” તો એ દેવ પરીક્ષા કરવા મોટા નાગનું રૂપ લઈને ફૂંફાડા મારતા મારતા આઠ વર્ષના મહાવીર ભગવાન પાસે ગયા. ભગવાન ત્યારે બીજા રાજકુમારો સાથે રમતા હતા અને નાગનો ફૂંફાડો જોઈ બધા ગભરાઈ ગયા. બીજા બધા રાજકુમારો નાસભાગ કરી ગયા જ્યારે ભગવાન તો ત્યાં સ્થિર ઊભા રહ્યા.
આખા જગતને અભયદાન આપનારાને ભય ક્યાંથી હોય? આઠ વર્ષના ભગવાનને જરાય ભય લાગ્યો નહીં; ઉપરથી પેલા નાગનું પૂછડું પકડીને એને વીંઝીને ઉછાળ્યો. આ જોઈ બધા રાજકુમારો ખુશ થઈને પાછા રમવા લાગ્યા. પેલા દેવ પણ ફરી પાછા ભગવાનની પરીક્ષા કરવા રમતા રમતા બીજા રાજકુમારોની જેમ પોતે પણ નાના આઠ વર્ષના રાજકુમારનું રૂપ ધરીને ત્યાં ભગવાનની સાથે રમવા લાગ્યા. એ રમતમાં જે હારે એ બધાએ ઘોડા થવાનું અને જે જીતે એણે બધા ઘોડા પર સવાર થઈને વારાફરતી બધા પર બેસવાનું હતું. એમાં મહાવીર ભગવાન જીતી ગયા. પછી બધા રાજકુમારો ઘોડા થયા અને ભગવાન એમના પર સવાર થઈને દાવ વસૂલ કરવા લાગ્યા. પછી પેલા દેવ પણ ઘોડો બન્યા અને મહાવીર ભગવાન એમના પર બેઠા. એ દેવે માયાથી પોતાનું શરીર ઊંચું કર્યું અને ભગવાનને મેરુ પર્વત જેટલા ઊંચા લાવી દીધા. બધા રાજકુમારો ગભરાઈ ગયા કે આ શું થયું; હવે ભગવાનનું શું થશે? આ બધા કૃત્યો કરીને પેલા દેવ તો ખુશ થઈ ગયા.
પછી મહાવીર ભગવાને પોતાનો પ્રતાપ બતાવ્યો અને એ દેવના પીઠ પર એક જ મુઠ્ઠી મારી અને એ દેવ પાછા એકદમ હતા તેવા નાના થઈ ગયા. ભગવાન તો આખી દુનિયાને એક મુઠ્ઠીમાં ભૂક્કો કરી નાખે એટલું બધું બળ ધરાવતા હતા, પણ તેઓ પોતાનું બળ વાપરે નહીં. આ તો ભગવાને ખાલી એ દેવને પાઠ ભણાવવા મુઠ્ઠી મારી હતી. પછી એ દેવે તો ભગવાનના ચરણમાં માફી માંગી અને કહ્યું કે “દેવોએ જે વર્ણન કર્યું હતું એના કરતા પણ આપ તો ખરેખર વધારે મહાવીર છો!” પછી એ દેવ ચાલ્યા ગયા.
એક વખત, ગાંડોતૂર થયેલો હાથી ગામના લોકોને ખૂબ જ હેરાન કરતો હતો. તે હાથી લોકોને પોતાના સૂંઢથી ઉખાડતો, પગ નીચે દાબતો અને ખૂબ ઈજા પહોંચાડતો હતો. ત્યાર બાદ એ મહાવીર ભગવાનના મહેલ આગળ દોડતો આવ્યો; ભગવાન ઝરૂખા ઉપર ઊભા હતા. ભગવાને હાથીને કહ્યું, ”તું આ શું કરી રહ્યો છે? તું કેટલા કર્મો બાંધી રહ્યો છે એની તને ખબર પડે છે? નિષ્કારણ, તું આ બધા લોકોને હેરાન કરે છે. કેટલાને મારી નાંખે છે. માટે તું બૂજ બૂજ.” ભગવાનની સૌમ્યતા, કરુણા અને પ્રેમ જોઈને હાથી ત્યાં ને ત્યાં જ ઠરીને શાંત થઈ ગયો. તે ભગવાનને સૂંઢથી નમસ્કાર કરી ચૂપચાપ પાછો ચાલ્યો ગયો.
ભગવાનની સૌમ્યતા અને શીતળતા કેવી કે સામાને ઠારી દે! તીર્થંકરોનો સૌમ્યતાનો ગુણ એવો હોય કે સામો ગમે તેટલો ઊકળેલો આવ્યો હોય પણ ભગવાનની નજર પડતાં જ, એમના બે શબ્દ સાંભળતાં જ, ટાઢોગાર થઈ જાય. શબ્દ તો પછી આવે પણ ભગવાનની આંખોથી જ ઠંડક વ્યાપી જતી. સૌમ્યતા એમની આંખોમાંથી વરસતી હતી. ભગવાનની સૌમ્યતા કેવી કે એમની પાસેથી કોઈને ખસવાનું મન ના થાય. નગરજનો ટીકી ટીકીને રાહ જોતા હોય કે ક્યારે ભગવાન આવે અને ક્યારે આપણને એમની એક નજર મળે. ભગવાન પર ગમે તેટલા ઉપસર્ગ થયા, એમને ગમે તેટલા લોકોએ હેરાન કર્યા પણ એમની સૌમ્યતા તો એકધારી એવી ને એવી જ રહેતી હતી.
એક વખત, આકાશમાંથી બે દેવો જતા હતા. એમને સંશય થયો અને તેઓ મુનિનો વેશ ધરીને ભગવાનની પાસે આવ્યા. ભગવાનને જોતાં જ એમના બધા જ સંશયો દૂર થઈ ગયા. ભગવાનની દૃષ્ટિ માત્રથી જ એમના તમામ આધ્યાત્મિક ગૂંચવાડાના બધા જ પ્રશ્નોનું સમાધાન આવ્યું. ભગવાનની દૃષ્ટિ કેવી નિર્મળ હશે!
સમય જતાં, મહાવીર ભગવાન યુવાન થયા અને બધી વિદ્યાઓ શીખ્યા. લગ્નને યોગ્ય થયા ત્યારે માતા-પિતાને એમ થયું કે એમના પુત્ર પરણે. ત્રિશલા માતાએ ભગવાનને લગ્ન માટે વિનંતી કરી. માતા-પિતાના સમજાવવા છતાં મહાવીર ભગવાન તો બહુ વિરક્ત હતા; એમને રસ જ ન હતો. આનાથી ત્રિશલા માતા બહુ જ દુઃખી થયા. પછી મહાવીર ભગવાનને થયું કે માતા-પિતા મારા આર્તધ્યાનમાં મૃત્યુ પામે એના કરતા હું લગ્ન કરું. આ આધારે ભગવાને માતાને લગ્ન માટે હા પાડી. માતા-પિતા ખૂબ આનંદમાં આવી ગયા અને લગ્ન માટેની જબરજસ્ત તૈયારીઓ કરી. મહાવીર ભગવાનના લગ્ન રાજકુમારી યશોદા સાથે નક્કી થયા. ભગવાન ભોગાવલી કર્મ પૂરું કરતા ગયા. તેમની પુત્રીનો જન્મ થયો, જેનું નામ નામ પ્રિયદર્શના હતું. પ્રિયદર્શનાના લગ્ન જમાલી નામના રાજકુમાર સાથે થયા.
ભગવાન જ્યારે ૨૮ વર્ષની ઉંમરે પહોંચ્યા ત્યારે, એમના માતા-પિતાનો દેહવિલય થયો. માતા-પિતાના દેહવિલયથી મહાવીર ભગવાનના મોટાભાઈ નંદીવર્ધનને ખૂબ જ આઘાત લાગ્યો અને તેઓ ખૂબ શોકમાં હતા. ત્યારે તેમણે મહાવીર ભગવાનને રાજગાદી સંભાળવા માટે વિનંતી કરી, પણ ભગવાન તો વિરક્ત હતા; એમને તો દીક્ષા જ લેવી હતી. ભગવાને પોતાના ભાઈને ચોખ્ખી ના પાડી, ”મારે તો રાજગાદી જોઈએ જ નહીં. તમે મોટા છો; રાજગાદી પર તમારો હક છે. હું તો દીક્ષા લેવાનો છું; તમે કહો તો હું આજે જ દીક્ષા લેવા તૈયાર છું.” એમના મોટાભાઈ ખૂબ દુઃખી થયા અને કહ્યું, ”ના, એક તો માતા-પિતાનો શોક મને હજુ ગયો નથી અને તું જઈશ તો મને બીજો આઘાત લાગશે.” ભગવાને તેમના મોટા ભાઈને ખૂબ સમજાવ્યા. નંદીવર્ધન માની ગયા પણ કહ્યું, “હમણાં નહીં, બે વર્ષ સુધી તો હું નહીં જવા દઉં. મને કળ વળવા દે; આમાંથી બહાર નીકળવા દે પછી હું જવા દઈશ.” મહાવીર ભગવાન માની ગયા, કારણ કે કોઈને દુઃખી કરીને કેવી રીતે મોક્ષ થાય! એક જીવને કિંચિત્માત્ર દુઃખ થાય તો આપણો મોક્ષ અટકે.
એક વર્ષ બાદ ભગવાને વર્ષીદાન શરૂ કર્યું અને બધાને પુષ્કળ દાન આપ્યું. ત્રીસમા વર્ષે એમનો દીક્ષા મહોત્સવ થયો. દેવો દ્વારા મહાવીર ભગવાનના દીક્ષા મહોત્સવની રચના થઈ. દાન માટે દેવોએ જબરજસ્ત કુબેર ભંડાર ખાલી કર્યો. ત્રીસમા વર્ષે દીક્ષા લેતાં જ ભગવાનને મનઃપર્યવજ્ઞાન પ્રગટ થયું. ભગવાને દીક્ષા લીધી; પોતાની જાતે જ પોતાના વાળનો લોચ કર્યો. ભગવાન એટલા લાવણ્યમય હતા કે લોકો એ જોઈને એમના પર મોહિત, મૂર્છિત થઈ પડતા હતા. એનાથી બચવા માટે પોતાનું રૂપ મંદ કરવા માટે ભગવાને લોચ કર્યો.
મહાવીર પ્રભુ દીક્ષા લઈને જંગલમાં એકલા નીકળી પડ્યા. ત્યાં આગળ એમની પાસે એક બ્રાહ્મણ આવ્યો. બ્રાહ્મણે કહ્યું, ”ભગવાન, તમે દીક્ષા લેતા પહેલાં જે વર્ષીદાન કર્યું અને ખૂબ લોકોને દાન આપ્યું ત્યારે હું કમાવા માટે બીજા દેશમાં ગયો હતો. મને તમારી પાસેથી કંઈ મળ્યું નહીં. હું બહુ જ ગરીબ છું. મારી પાસે ખાવાના પણ પૈસા નથી. એટલે તમે મને કંઈક આપો.” ભગવાને કહ્યું, ”મારી પાસે હવે આપવા જેવું કઈ છે નહીં. હું તો બધું છોડીને નીકળી આવ્યો છું. બહુ ત્યારે આ ધોતિયાનો અડધો ટુકડો તને આપું. આ બહુ કિંમતી છે. તું એમાંથી કંઈક મેળવ.” પછી પેલો બ્રાહ્મણ ભગવાનનું અડધું ધોતિયું લઈને જતો રહ્યો. જ્યારે એ ટુકડો ગામમાં વેચવા નીકળ્યો ત્યારે કોઈકે એને કહ્યું, “આમાંનો બીજો ટુકડો તું લાવી આપ તો આપણને પૂરા પૈસા મળશે. આ તો બહુ કિંમતી છે. લાખ રૂપિયા મળશે; અડધા તારા અને અડધા મારા.” બ્રાહ્મણે કહ્યું, ”મને બીજો ટુકડો મળશે કેવી રીતે? પેલાએ કહ્યું, “તું એમની પાછળ પાછળ ફરજે. એ ઝાંખરામાં ભરાઈ જશે તો તને મળી જશે. ભગવાન તો એ લેવા પણ ઊભા નહીં રહે.” પછી એવું જ બન્યું કે ભગવાનનું પેલું કપડું ઝાંખરામાં ભરાઈ ગયું, પણ ભગવાન તો એ મૂકીને ચાલતા થયા અને સંપૂર્ણ દિગંબર અવસ્થામાં આવ્યા. બ્રાહ્મણે એ કાપડના બે ટુકડા સાંધીને વેચીને અડધો લાખ રૂપિયા મેળવ્યા. કોઈ તીર્થંકર કે મનુષ્યને ન આવ્યા હોય તેવા મહાવીર ભગવાનને આવેલા ઉપસર્ગોની શરૂઆત વિશે આગળ વાંચીએ.
subscribe your email for our latest news and events