Related Questions

સાચા ગુરુ કોને કેહવાય? આધ્યાત્મિક ગુરુની પસંદગી કેવી રીતે કરવી?

ઉત્થાપન, એ તો ભયંકર ગુનો !

ગુરુને ગુરુ તરીકે માનીશ નહીં અને માનું તો પછી પૂંઠ ફેરવીશ નહીં ત્યાં આગળ. તને એ ના ગમતું હોય તો લોટું મૂક ! લોટાનો વાંધો નહીં આવે. અને જે' જે' કર, ત્યાં પછી બુધ્ધિ કૂદાકૂદ ના કરે, તો એ તારું કામ કાઢી નાખે. હવે આટલું બધું કોને સાચવતાં આવડે ?! આ બધું શી રીતે સમજાય ?!

પ્રશ્નકર્તા: ગુરુ કરતી વખતે બહુ સારો લાગે, સદ્ગુણી લાગે કે આના જેવો કોઈ છે જ નહીં. પણ કર્યા પછી પોલ નીકળે ત્યારે શું કરવું ?

દાદાશ્રી: એના કરતાં તો સ્થાપન કરવું જ નહીં. લોટું ઘાલવું સારું, તે કોઈ દહાડો ઉખેડવું તો ના પડે. લોટાની ભાંજગડ જ નહીં ને ! આ લોટું કંઈ એટલું બધું કામ ના કરે, પણ હેલ્પ બહુ કરે.

પ્રશ્નકર્તા: ગુરુની સ્થાપના તો કરી દીધી, પણ બુધ્ધિ કંઈ એકદમ જતી રહેતી નથી, એટલે એને અવળું દેખાય. એને એ શું કરે ?

દાદાશ્રી: દેખાય, પણ સ્થાપના કરી માટે હવે અવળું ના થાય. સ્થાપના કરી એટલે બુધ્ધિને કહી દેવાનું કે, 'અહીં આગળ તારું ચલણ નહીં રહે. મારું ચલણ છે આ. અહીં તારી ને મારી બેની હરિફાઈ આવી છે હવે. હું છું ને તું છે.'

એક ફેરો સ્થાપન કર્યા પછી ઉખેડવું એ તો ભયંકર ગુનો છે. તેનાં દોષ બેઠા છે આ હિન્દુસ્તાનનાં લોકોને ! એને ગુરુની સ્થાપના જ કરતાં નથી આવડતી. આજે સ્થાપન, તો કાલે ઉખાડે છે. પણ આવું ના ચાલે. ગુરુ જે કંઈ કરતાં હોય, તેમાં તું શું કરવા માથાકૂટ કરે છે ?! સ્થાપના કર્યા પછી ?! એક ફેરો દિલ ઠર્યું એટલે 'મને વાંધો નથી' એમ કરીને તમે ગુરુ કર્યા. તો હવે ગુરુના વાંધા કાઢો છો ?! વાંધા કાઢનારા કોઈ દહાડો મોક્ષે ગયા નથી, પણ નર્કમાં ગયા છે.

પછી ગુરુ તો દોષ જ ના કઢાય !

એટલે કોઈ સારા ગુરુ ખોળી કાઢવા કે જે આપણા દિલને ગમે. એવા ગુરુ ખોળવા પડે. આપણા દિલને આનંદ થાય એવા ગુરુ જોઈએ. કાયમને માટે આપણું દિલ ઠરે એવું હોય, ક્યારેય પણ આપણું મન એમની પ્રત્યે બગડે નહીં ગુરુ કર્યા પછી, એવા હોય તો ગુરુ કરવા. હા, નહીં તો પછી પાછળથી એમની જોડે આપણને લઠ્ઠબાજી ઊડે. દિલ ઠર્યા પછી લઠ્ઠબાજી ઊડવાની થાય તો ય લઠ્ઠબાજી કરવી નહીં. એક ફેરો દિલ ઠરી ગયું અને પછી આપણે બુધ્ધિથી માપવા જઈએ કે 'આ ગુરુ આવા કેવા નીકળ્યા ?!' તો ના ચાલે. બુધ્ધિને કહી દેવું કે 'એ આવા નીકળે જ નહીં. આપણે જે એક ફેરો જોઈ લીધા તે જ આ ગુરુ !'

એટલે અમે શું કહ્યું ? કે તારી આંખમાં સમાય એવા હોય, તેને ગુરુ કરજે. અને પછી ગુરુ એક દહાડો તારી જોડે ચિડાઈ ગયા તો એ ના જોઈશ હવે. પેલા સમાયા હતા એવા જોયા હતા, એના એ જ દેખાવા જોઈએ. આપણે પાસ કર્યા ને ?! આ છોકરીઓ ધણીને પાસ કરે તે ઘડીએ જે રૂપ જોયું હોય, તે પછી બળિયા બાપજી નીકળે તો ય એને પેલું રૂપ યાદ રાખે પછી એ ! શું કરે ત્યારે ?! તો દહાડા નીકળે. નહીં તો દહાડા ના નીકળે. તેમ સ્વચ્છંદ કાઢવો હોય, તેણે ગુરુને એ રીતે જ જોયા કરવું. ગુરુની ભૂલ નહીં જોવી જોઈએ. ગુરુ કર્યા એટલે કર્યા, પછી એક પણ દોષ દેખાય નહીં એવી રીતે રહેજે. અને નહીં તો આપણે બીજી જગ્યાએ જઈ શકીએ છીએ. એટલે ગુરુ આપણી આંખમાં સમાય એવા ખોળી કાઢી અને પછી એમના દોષ નહીં કાઢવાના. પણ લોક જાણતા નથી ને ગુરુ કરી બેસે છે.

×
Share on