Related Questions

દેહમાં આત્મા માટેની મારી શોધ નિષ્ફળ નીવડી. ખરેખર તે મને ક્યાંથી પ્રાપ્ત થઈ શકશે?

લોકો આત્માની શોધ કરી રહ્યા છે પણ હજુ સુધી તેમને પ્રાપ્તિ થઈ નથી. એ લોકો પોતાની જાતે પ્રયત્ન કરે છે, તેથી તે નિરર્થક રહે છે. તો આત્માની શોધ માટે શું કરવું જોઈએ? જ્યારે આત્મઝંખના માટેની વાત આવે છે, ત્યારે તમને એવા પ્રત્યક્ષ જ્ઞાનીની જરૂર છે કે જેમણે પોતે શરીરમાં આત્માનો અનુભવ કરેલો છે. માનવ શરીરમાં આત્મા ક્યાં રહેલો છે એ જાણવા માટે, ચાલો આવા એક જ્ઞાની પાસેથી જાણીએ.

આત્મા સંપૂર્ણ 'દેહ'માં છે 

આત્મા શરીરથી ઢંકાયેલો છે. નખ અને વાળ કે જેને આપણે કાપીએ છીએ ને, એમાં આત્મા નથી. બીજે બધે જ આ શરીરમાં આત્મા છે. 

જ્યાં પીડાનો અનુભવ થાય છે, ત્યાં આત્મા છે  

આ શરીરમાં જ્યાં જ્યાં ટાંકણી અડાડીએ ને દુઃખનો અનુભવ થાય, એટલે ત્યાં આત્મા છે. જ્યાં દુઃખ થાય ત્યાં આત્મા છે. મૃત્યુ સમયે જ્યારે આત્મા ચાલ્યો જાય પછી આપણે ટાંકણી માર માર કરીએ તોય પણ શરીર બોલે નહીં, કશુંય હલે-કરે નહીં ને! કારણ કે, આત્માની ગેરહાજરીમાં શરીરને દુ:ખનો અનુભવ થતો નથી. 

ચાલો, આપણે વધુ સમજીએ નીચે દર્શાવેલા પરમ પૂજ્ય દાદાશ્રી સાથેના સંવાદો પરથી:- 

પ્રશ્નકર્તા: પણ આ શરીરમાં આત્માનું સ્થાન કયું છે? 

દાદાશ્રી: એવું છે, આત્મા આ શરીરમાં કઈ જગ્યાએ નથી? આ વાળમાં આત્મા નથી અને આ નખ છે ને, જેટલા નખ કાપીએ છીએ ને, એ ભાગમાં આત્મા નથી. બીજે બધે જ આ શરીરમાં આત્મા છે. એટલે કયા સ્થાનમાં આત્મા છે એવું પૂછવાની જરૂર નથી, કયા સ્થાનમાં આત્મા નથી, એમ પૂછવાનું. આ વાળમાં, આપણે જે વાળ કાપીએ છીએ ને, એમાં આત્મા નથી. ઊંઘમાં કોઈએ વાળ કાપી લીધા તો આપણને કશી ખબર ના પડે, એટલે એમાં આત્મા નથી અને જ્યાં આત્મા છે ને, ત્યાં તો આ ટાંકણી ખોસીએ તો તરત ખબર પડી જાય. 

પ્રશ્નકર્તા: સામાન્ય રીતે આત્મા તો મગજમાં હોય ને? અને આ જ્ઞાનતંતુઓને લીધે પેલી ટાંકણી ખોસીએ તો ખબર પડે ને? 

દાદાશ્રી: ના, આખા શરીરમાં આત્મા છે. મગજમાં તો મગજ હોય, એ તો મશીનરી છે અને એ તો આ બધી અંદરની ખબરો આપનાર સાધન છે. આત્મા તો આખા શરીરમાં જ રહેલો છે. અહીં પગે જરીક કાંટો વાગ્યો કે તરત ખબર પડી જાય ને?! 

આત્માની હાજરીને કારણે શરીરમાં દુ:ખ અને સુખની લાગણી કે સંવેદના થતી હોય છે. તેમ છતાં રસપ્રદ વાત એ છે કે આત્મા આ દુ:ખ કે સુખને અનુભવતો નથી. આત્માનો સ્વભાવ જ્ઞાન છે. તેથી, આત્મા દુ:ખ અને સુખને માત્ર જાણે છે; તે બીજી કોઈ પણ વસ્તુમાં તન્મયાકાર થતો નથી. અહીં પરમ પૂજ્ય દાદા ભગવાન આ સમજાવે છે: 

પ્રશ્નકર્તા: આત્માને દુઃખ થાય છે એમ આપણે કહી શકીએ? 

દાદાશ્રી: આત્માને દુઃખ હોય નહીં. આ બરફ પર દેવતા નાખીએ તો બરફ દઝાય ખરો? 

પ્રશ્નકર્તા: વાળ કાપવાથી આપણને દર્દ થતું નથી એટલે ત્યાં આત્મા નથી? 

દાદાશ્રી: નથી. 

પ્રશ્નકર્તા: અને જ્યાં દર્દ થાય છે ત્યાં આત્મા છે? 

દાદાશ્રી: હા, ત્યાં આત્મા છે. 

આત્મા દેહના આકાર પ્રમાણે સંકોચ-વિકાસ પામે  

આત્મા પ્રત્યેક જીવમાત્રમાં છે; તે હાથીમાં પણ છે અને કીડીમાં પણ છે. જો આત્મા આખા શરીરમાં હોય તો તેનું કદ કેટલું છે? 

આ પ્રશ્નના જવાબ આત્માનો વધુ એક ગુણ ખુલ્લો થાય છે: તે શરીરના ભાજન પ્રમાણે સંકોચ અને વિકાસ પામે છે. ચાલો જોઈએ કેવી રીતે... 

પ્રશ્નકર્તા: જેમ મનુષ્યના આખા શરીરમાં આત્મા છે, એવી રીતે કીડીમાં અને હાથીમાં પણ આખા શરીરમાં આત્મા છે? 

દાદાશ્રી: હા, આખા શરીરમાં આત્મા હોય છે. કારણ કે, આત્મા સંકોચ-વિકાસનું ભાજન છે. જેટલા પ્રમાણમાં ભાજન હોય એટલા પ્રમાણમાં એ વિકાસ પામે. ભાજન નાનું હોય તો એટલા પ્રમાણમાં સંકોચ પામે! 

પ્રશ્નકર્તા: આત્મા કપાઈ જાય ખરો? 

દાદાશ્રી: આત્મા કપાય નહીં, છેદાય નહીં, કશુંય ના થાય. 

પ્રશ્નકર્તા: અહીંથી હાથ કપાઈ જાય તો પછી? 

દાદાશ્રી: આત્મા એટલો સંકોચાઈ જાય. આત્માનો સ્વભાવ સંકોચ અને વિકાસ છે, એ પણ આ સંસાર અવસ્થામાં. સિદ્ધ અવસ્થામાં એવું નથી. સંસાર અવસ્થામાં સંકોચ અને વિકાસ બેઉ થઈ શકે. આ કીડી હોય ને તે એમાંય આત્મા આખો છે. અને હાથીમાંય એક જ આખો આત્મા છે. પણ એ વિકાસ થયેલો છે. હાથ-પગ કાપે ને ત્યારે આત્મા સંકોચાઈ જાય અને એ પણ અમુક ભાગ કપાઈ જાય ને તો સંકોચાય. પછી ના સંકોચાય!  

વિવિધ સંસારિક માન્યતાઓ વચ્ચે ખરી વાસ્તવિકતા શું છે!!  

સામાન્ય રીતે આત્માની શોધ અલગ અલગ ધાર્મિક માન્યતાઓના આધારે હોય છે. જેમ કે, આત્મા શરીરના અમુક ચોક્ક્સ જગ્યા પર રહેલો છે અને તે અમુક કદ ધરાવે છે. આમાની મોટાભાગની લૌકિક માન્યતાઓ છે, જે લોકોએ અત્યાર સુધી પ્રાપ્ત કરેલી આધ્યાત્મિકતાના પ્રમાણમાં હોય છે. આ માન્યતાઓ આધ્યાત્મિક વિકાસના માર્ગ પર પ્રગતિ કરવા ઈચ્છુક વ્યક્તિના મન અને હૃદયને પ્રોત્સાહિત કરવાની દ્રષ્ટિથી સભાનપણે સ્થાપિત કરવામાં આવે છે. આથી, આવી માન્યતાને અનુસરતા હોઈએ, ત્યારે હંમેશાં ધ્યાનમાં રાખવું જોઈએ કે વાસ્તવિક સત્ય હજી જાણવાનું બાકી છે. પરમ પૂજ્ય દાદાશ્રી આવી લૌકિક માન્યતાઓ વિશે પ્રશ્નકર્તાને માર્ગદર્શન આપતા હોય એવું એક ઉદાહરણ અહીં આપેલું છે. 

પ્રશ્નકર્તા: પણ યોગશાસ્ત્રમાં તો એવું કહે છે કે અહીં બ્રહ્મરંધ્રમાં આત્મા છે. 

દાદાશ્રી: એ બધું યોગશાસ્ત્ર એમને માટે કામનું છે. તમારે સાચું જાણવું છે? લૌકિક જાણવું છે કે અલૌકિક જાણવું છે? બે જાતનું જ્ઞાન, એક લૌકિકમાં ચાલે છે એ અને બીજું વાસ્તવિક જ્ઞાન. તમારે વાસ્તવિક જાણવું છે કે લૌકિક? 

પ્રશ્નકર્તા: બંને જાણવું છે. 

દાદાશ્રી: જો લૌકિક જાણવું હોય તો આત્માનું સ્થાન હૃદયમાં છે અને અલૌકિક જાણવું હોય તો આત્મા આખા શરીરમાં છે. લૌકિક જાણવું હોય તો આ દુનિયા ભગવાને બનાવી છે અને અલૌકિક જાણવું હોય તો ભગવાને દુનિયા બનાવી નથી. 

પ્રશ્નકર્તા: એવું પણ કહેવાય છે કે હૃદયમાં અંગૂઠા જેવડો આત્મા છે. 

દાદાશ્રી: ના, એ બધી વાતમાં કશો માલ નથી.  

પ્રશ્નકર્તા: પણ ઉપનિષદમાં આ વાક્ય આવે છે, 'અંગુષ્ઠ માત્ર પ્રમાણ' - તારા હૃદયની અંદર આત્માનું પ્રતિબિંબ જોવું હોય તો એવું ધ્યાન કર કે તને 'અંગુષ્ઠ માત્ર પ્રમાણ'માં દેખાય. 

દાદાશ્રી: આ સાયન્ટિફિક વાત નથી. એટલે સાયન્ટિફિક હોત તો હું આગળ વધત. આ તો એક સ્તરવાળાને સ્થિર કરવાનું સાધન છે. સાવ ખોટું નથી, ખોટું તો કેમ કહેવાય? જે વસ્તુ કોઈ પણ માણસને સ્થિર કરી શકે, એને ખોટી તો કહેવાય જ નહીં ને! એટલે આ જે હૃદય છે ને, તેની મહીં સ્થૂળ મન છે, એટલે ત્યાંની ધારણા છે. આ હૃદયમાં જો ધારણ કરો ને, તો પછી આગળ વધાય. અને આગળ વધવા કોણ નથી દેતું? બુદ્ધિ આગળ વધવા દેતી નથી અને હૃદયની ધારણા આગળ વધવા દે એવી છે, મોક્ષે જવું હોય તો હૃદયની હેલ્પ ચાલશે. એટલે દિલનું કામ જોઈશે. બુદ્ધિથી નહીં ચાલે.

×
Share on