Related Questions

આધ્યાત્મિકતાના જુદા જુદા પ્રકારો કયા છે?

Spirituality

આધ્યાત્મિકતા પ્રાપ્ત કરવા માટે અધ્યાત્મના આ જગતમાં બે પ્રકાર છે, જે આ મુજબ છે:

  • ક્રમિક: આ પગથિયાં દ્વારા ઉપર ચઢવાનો માર્ગ છે.

    અહીં તમારે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે કશું ‘કરવું’ પડે છે. એટલે કે, કંઈક ધ્યાન કરો, કોઈ મંત્ર-જાપ કરો, પૂજા કરો, તપ કરો, ક્રિયાકાંડ કરો અને ‘હું કોણ છું’ તે જાણવા સાધના કરો અને અંતે તમે આત્મજ્ઞાન પ્રાપ્ત કરશો. આ માર્ગે આત્મા પ્રાપ્ત કરવો શક્ય છે, પરંતુ તે બહુ લાંબો છે.

  • અક્રમ: આ પગથિયાં વિનાનો અથવા લિફ્ટ માર્ગ છે.

    અધ્યાત્મના આ માર્ગ ઉપર, જ્ઞાનીની કૃપા દ્વારા આપણે એક જ કલાકમાં આત્મા પ્રાપ્ત કરીએ છીએ. પછીના એક કલાકમાં આપણે કઈ રીતે શુદ્ધાત્મામાં રહેવું અને કઈ રીતે આપણા બાંધેલા કર્મોમાંથી મુક્ત થવું કે જેથી નવા કર્મો બંધાય નહીં, તેના માટે આપણને પાંચ આજ્ઞા આપવામાં આવે છે.

ક્રમિક અને અક્રમ માર્ગમાં મુખ્ય વસ્તુ

ક્રમિક માર્ગમાં વ્યક્તિને ખરાબ કર્મો બંધ કરવાનું કહેવામાં આવે છે અને સારા કર્મો કરવા માટે કહેવામાં આવે છે. વ્યક્તિને તેની બધી નબળાઈઓ ક્રોધ, માન, માયા અને લોભમાંથી છુટકારો મેળવવા માટે સારી વસ્તુઓ તરફ વાળવામાં આવે છે. અક્રમમાં આ બધી વસ્તુઓનું કોઈ મહત્ત્વ નથી. અક્રમમાં અંદરના ભાવને પરિવર્તન કરવા ઉપર ભાર મૂકવામાં આવે છે.

ક્રમિક અને અક્રમ માર્ગમાં ત્યાગ

બન્ને પ્રકારના અધ્યાત્મિક માર્ગમાં ત્યાગ સ્થાન ધરાવે છે. ક્રમિક માર્ગ આપણી માલિકીનો ત્યાગ કરવાનો માર્ગ છે. પહેલા વ્યક્તિ સ્થૂળ માલિકીપણામાંથી બહાર નીકળે છે. પછી તે સૂક્ષ્મ માલિકીભાવનો ત્યાગ કરે છે જેવા કે, રાગ, ક્રોધ, માન, માયા, અને લોભ અને છેલ્લે તે સંપૂર્ણ અનુભવ આત્માની સ્થિતિએ (કેવળજ્ઞાન દશાએ) પહોંચે છે.

અક્રમ માર્ગમાં, જ્ઞાની તમારા અહંકારનો ત્યાગ કરાવી દે છે અને તમે તમારા સ્વરૂપને પ્રાપ્ત છો. તેથી, જ્ઞાનીની કૃપા દ્વારા શુદ્ધાત્માની પ્રતિતી, જાગૃતિ અને અનુભવ તમારી અંદર જ થવા લાગે છે. હવે આત્માની જાગૃતિ દ્વારા વ્યક્તિ તેના ક્રોધ, માન, માયા અને લોભના ગુનાઓ સાફ કરે છે.

અક્રમમાં જ્ઞાનીની પ્રત્યક્ષ કૃપાનું મહત્ત્વ

જ્ઞાની આપણને સીધી કૃપા દ્વારા આત્મજ્ઞાન કરાવે છે અને આપણા આત્માને જગાવે છે. આત્મા પ્રાપ્ત કર્યા પછી વ્યક્તિ દેહ અને આત્માને અલગ અલગ અનુભવે છે. આ જાગૃતિ નિરંતર રહે છે અને તેની સાથે સાંસારિક જીવનના કોઈ સુખ કે દુ:ખ અનુભવાતા નથી. તેના બદલે વ્યક્તિ તેના આત્માની અંદર રહેલા પરમાનંદનો નિરંતર અનુભવ કરે છે!

જો તમે તમારી જાતની સાચી ઓળખ માત્ર બે કલાકમાં જ પ્રાપ્ત કરી લો તો, તમને પરિણામ સ્વરૂપે કોઈ દુ:ખ અનુભવાશે જ નહીં. આનાથી મોટી વાત શું હોય શકે? આ જ્ઞાન મળ્યા બાદ વ્યક્તિમાં તુરંત જ મહત્ત્વપૂર્ણ પરિવર્તન અનુભવાય છે. તેના અનુભવો સાંભળીને લોકો આપમેળે જ આ માર્ગ પર ખેંચાય છે.

નીચેના સંવાદ દ્વારા આપણે અક્રમ માર્ગ દ્વારા થયેલ આત્મજ્ઞાન પછીના અનુભવોની ઝલક મેળવીએ:

દાદાશ્રી: મને કહો કે જો તમને રાતના બે વાગ્યે પણ જગાડવામાં આવે તો સૌપ્રથમ તમારા મગજમાં કઈ વસ્તુ આવશે?

પ્રશ્નકર્તા: ‘હું શુદ્ધાત્મા છું’ આ એક જ વસ્તુ મગજમાં આવે છે.

દાદાશ્રી: નહીં તો લોકો સંસારી ચીજોને યાદ કરે અને લોકો જે તેમને પ્રિય હોય તેમને યાદ કરે. પરંતુ, તમે તો આત્માને યાદ કરો. વ્યક્તિ ક્યારેય આ જાગૃતિ પ્રાપ્ત કરી શકે નહીં, કારણ કે, તે ખૂબ જ સૂક્ષ્મ છે. એટલા માટે જાતને અલખ નિરંજન કહેવામાં આવે છે. (અલખ – અતિ સૂક્ષ્મ કે જે જાણી ન શકાય. નિરંજન – સાંસારિક કોઈ વસ્તુ ચોંટી ન શકે કે બાંધી ન શકે). છતાં પણ તમે અહીં માત્ર એક કલાકમાં જ એવી પોતાની જાતની જાગૃતિ પ્રાપ્ત કરો છો! આ અક્રમ જ્ઞાનીની આધ્યાત્મિક સિદ્ધિ છે! આ દેવ-દેવીઓની દિવ્ય કૃપા છે! આ લોકોની કૃપાથી જ તમે માત્ર એક કલાકમાં જ અસાધારણ આધ્યાત્મિક સ્થિતિ પ્રાપ્ત કરી શકો છો! બીજો માર્ગ એ ક્રમિક માર્ગનું વિજ્ઞાન છે અને આ અક્રમ માર્ગ છે. બન્ને માર્ગનું જ્ઞાન એ જ સર્વોચ્ચ ભગવાન છે; ત્યાં જ્ઞાનમાં કોઈ તફાવત જ નથી!

×
Share on