Related Questions

લોભ એટલે શું?

જે વસ્તુ પ્રિય થઈ પડી હોય તેના તાનમાં ને તાનમાં રહેવું તેનું નામ લોભ. એ મળે તોય સંતોષ ના થાય! લોભિયો તો સવારમાં ઊઠ્યો ત્યાંથી રાત્રે આંખ મીંચાય ત્યાં સુધી લોભમાં હોય. એનું નામ લોભિયો. સવારમાં ઊઠ્યો ત્યારથી ગાંઠ જેમ દેખાડે તેમ એ ફર્યા કરે. લોભિયો હસવામાંય વખત ના બગાડે. આખો દહાડો લોભમાં જ હોય. માર્કેટમાં પેઠો ત્યાંથી લોભ. જો લોભ, લોભ, લોભ, લોભ! વગર કામનો આખો દહાડો આમ ફર્યા કરે. લોભિયો શાકમાર્કેટમાં જાય ને તો એને ખબર હોય કે આ બાજુ બધું મોંઘું શાક હોય અને આ બાજુ સસ્તી ઢગલીઓ વેચાય છે. તે પછી સસ્તી ઢગલીઓ ખોળી કાઢે ને રોજ એ બાજુ જ શાક લેવા જાય.

લોભિયો ભવિષ્યના હારુ બધું ભેગું કરે. તે બહુ ભેગું થાય એટલે પછી બે મોટા મોટા ઉંદર પેસી જાય ને બધું સાફ કરી જાય!

લક્ષ્મી ભેગી કરવાની ઈચ્છા વગર ભેગું કરવું. લક્ષ્મી આવતી હોય તો અટકાવવી નહીં અને ના આવતી હોય તો ખોતરવી નહીં.

greed

લક્ષ્મીજી તો એની મેળે આવવા માટે બંધાયેલી જ છે. અને આપણી સંઘરી સંઘરાય નહીં કે આજે સંઘરી રાખીએ તો પચ્ચીસ વર્ષ પછી છોડી પૈણાવતી વખતે, તે દહાડા સુધી રહેશે, એ વાતમાં માલ નથી અને એવું કોઈ માને તો એ બધી વાત ખોટી છે. એ તો તે દહાડે જે આવે તે જ સાચું. ફ્રેશ હોવું જોઈએ.

માટે આવતી વસ્તુ બધી વાપરવી, ફેંકી ના દેવી. સદરસ્તે વાપરવી અને બહુ ભેગી કરવાની ઈચ્છાઓ રાખવી નહીં. ભેગી કરવાનો એક નિયમ હોય કે ભઈ, આપણી મૂડીમાં, અમુક પ્રમાણમાં તો જોઈએ. જેને મૂડી કહેવામાં આવે, એટલી મૂડી રાખી અને પછી બાકીનું યોગ્ય જગ્યાએ વાપરવું. લક્ષ્મી નાખી દેવાય નહીં.

લોભનો પ્રતિપક્ષ શબ્દ છે સંતોષ. પૂર્વભવમાં જ્ઞાન કંઈક થોડું ઘણું સમજ્યો હોય. આત્મજ્ઞાન નહીં, પણ જગતનું જ્ઞાન સમજ્યો હોય તેને સંતોષ ઉત્પન્ન થયેલો હોય, અને જ્યાં સુધી આ ના સમજ્યો હોય ત્યાં સુધી એને લોભ રહ્યા કરે.

અનંત અવતાર સુધી પોતે ભોગવેલું હોય, તે એનો સંતોષ રહે કે હવે કશી ચીજ જોઈએ નહીં, અને ના ભોગવેલું હોય તેને કંઈ કંઈ જાતના લોભ પેસી જાય. પછી આ ભોગવું, તે ભોગવું, ને ફલાણું ભોગવું રહ્યા કરે.

પ્રશ્નકર્તા: લોભિયો થોડો કંજૂસ પણ હોય ને?                                

દાદાશ્રી: ના, કંજૂસ એ પાછા જુદા, કંજૂસ તો એની પાસે પૈસા ના હોય, તેથી કંજૂસાઈ કરે છે. અને લોભી તો ઘેર પચીસ હજાર રૂપિયા પડ્યા હોય, પણ કેમ કરીને આ ઘઉં-ચોખા સસ્તા પડશે, કેમ કરીને ઘી સસ્તું પડશે, એમ જ્યાં ને ત્યાં લોભમાં જ ચિત્ત હોય. માર્કેટમાં જાય તોય કઈ જગ્યાએ સસ્તી ઢગલી મળે છે એ જ ખોળ્યા કરતો હોય!

લોભિયો કોને કહેવાય કે જે હરેક બાબતમાં જાગ્રત હોય!

પ્રશ્નકર્તા: લોભિયો અને કંજૂસમાં ફેર શો?

દાદાશ્રી: કંજૂસ ફક્ત લક્ષ્મીનો જ હોય, લોભિયો તો બધી જ બાજુએથી લોભમાં હોય. માનનો પણ લોભ કરે અને લક્ષ્મીનોય કરે. આ લોભિયાને બધી જ દિશામાં લોભ હોય, તે બધું જ તાણી જાય.

પ્રશ્નકર્તા: લોભિયો થવું કે કરકસરિયા થવું?

દાદાશ્રી: લોભિયા થવું એ ગુનો છે. કરકસરિયા થવું એ ગુનો નથી.

'ઈકોનોમી' કોનું નામ? ટાઈટ આવે ત્યારે ટાઈટ અને ઠંડું આવે ત્યારે ઠંડું. હંમેશાં દેવું કરીને કાર્ય ન કરવું. દેવું કરીને વેપાર કરાય, પણ મોજશોખ ના કરાય. દેવું કરીને ક્યારે ખવાય? જ્યારે મરવા પડે ત્યારે. નહીં તો દેવું કરીને ઘી ના પીવાય.

×
Share on