Related Questions

અંતિમ સમયે કઈ જાગૃતિ રાખવી?

વ્યક્તિને અંતિમ સમએ ઘણી ઈચ્છાઓ અધૂરી રહી જશે એમ લાગે છે. અણધાર્યું મૃત્યુ નજીક આવે તો ‘હજુ દીકરીના લગ્ન નથી થયા’, ‘પૌત્રનું મોઢું જોઈને જવું છે’, ‘મારા પછી પરિવારનું કોણ?’ એવી ચિંતાઓ ઘેરી વળે છે. પણ હકીકત એ છે કે અવતારોના અવતારો આપણે જન્મ લીધો અને મૃત્યુ પામ્યા. પૂર્વભવના સગાં છોડીને આવ્યા, જે આ ભવમાં આપણને યાદ નથી. અત્યારે અહીંના સગા-વહાલાં છોડીને જઈશું, આવતા ભવે એમને પણ ભૂલી જઈશું. પણ મૃત્યુ સમયે આપણે જો ચિંતા, દુઃખ કે ભોગવટા સાથે દેહ ત્યાગીશું તો આવતા ભવે અધોગતિમાં જન્મ થશે. એટલે જીવનની અંતિમ પળોમાં આપણું ધ્યાન ધર્મમાં, પ્રભુની ભક્તિમાં કે આત્મામાં રાખવું, જેથી આપણી ગતિ સુધરે. જ્યારથી જાણ થાય કે મૃત્યુ નજીક છે, ત્યારથી બધી ચિંતા, દ્વેષ, ઉપાધિઓ બાજુએ મૂકીને ભગવાનના ધ્યાનમાં આવી જવું.

પરમ પૂજ્ય દાદા ભગવાન એક પ્રસંગનું વર્ણન કરતા કહે છે કે, “એક એંસી વર્ષના કાકા હતા, એમને દવાખાનામાં દાખલ કર્યા હતા. હું જાણતો હતો કે આ બે-ચાર દહાડામાં જવાના છે અહીંથી, તોય મને કહે છે કે, 'પેલા ચંદુલાલ તો આપણે ત્યાં જોવાય નથી આવતા.' આપણે કહીએ કે, 'ચંદુલાલ તો આવી ગયા'. તો કહેશે કે 'પેલા નગીનદાસનું શું?' એટલે પથારીમાં પડ્યો પડ્યો નોંધ કર્યા કરે કે કોણ કોણ જોવા આવ્યું છે. અલ્યા! તારા શરીરની કાળજી રાખને! આ બે-ચાર દહાડામાં તો જવાનું છે. પહેલાં તું તારા પોટલાં સંભાળ. તારી અહીંથી લઈ જવાની દાબડી તો ભેગી કર. આ નગીનદાસ ના આવે તે એને શું કરવો છે?

મૃત્યુ સમયે રાગ-દ્વેષ વધારવા કરતા ભગવાનના ધ્યાનમાં રહીએ તો ગતિ સુધરે. એ વાત એક દૃષ્ટાંતથી સમજીએ.

પ્રસન્નચંદ્ર મુનિની કઈ ગતિ?

પોતનપુર નામની નગરીમાં પ્રસન્નચંદ્ર નામે મહાન રાજા હતા. મહાવીર ભગવાનની દેશના સાંભળીને તેમને ખૂબ વૈરાગ આવ્યો, એટલે પોતાના નવયુવાન રાજકુમારને રાજ્યની ગાદી સોંપી, અને પોતે દીક્ષા લઈને મહાવીર ભગવાન સાથે નીકળી પડ્યા.

એક વખત મહાવીર ભગવાન રાજગૃહી નગરી પધાર્યા ત્યારે રાજર્ષિ પ્રસન્નચંદ્ર પણ તેમની સાથે હતા. પ્રસન્નચંદ્ર મુનિ એક પગે ઊભા રહીને, બે હાથ ઊંચા કરી, સૂર્યની સામે દૃષ્ટિ રાખીને ઉગ્ર તપશ્ચર્યા કરતા હતા. મગધ સમ્રાટ શ્રેણિક પોતાના લશ્કર સાથે મહાવીર ભગવાનને વાંદવા સમોવસરણમાં આવ્યા. પ્રસન્નચંદ્ર મુનિની આવી આકરી તપસ્યા જોઈને શ્રેણિક રાજા ખૂબ પ્રભાવિત થયા.

આ બાજુ બન્યું એમ કે બહાર બે સૈનિકો પ્રસન્નચંદ્ર મુનિને જોઈને ઓળખી ગયા, અને ત્યાં ઊભા ઊભા અંદર અંદર વાતો કરતા હતા, “આ તો પેલા પ્રસન્નચંદ્ર રાજા છે ને! પોતે તો વૈરાગ લઈને નીકળી પડ્યા અને નાના કુમારને રાજગાદી ઉપર બેસાડી દીધા. પણ નાનકડા રાજકુમાર પાસે રાજ્ય ચલાવવાની કુશળતા ક્યાંથી હોય? સાંભળ્યું છે કે, પ્રસન્નચંદ્ર મુનિના બે મંત્રીઓ ફૂટી ગયા છે. એમણે ચંપાનગરીના દધિવાહન રાજા સાથે મળીને યોજના કરી છે. દધિવાહન રાજાએ પ્રસન્નચંદ્ર રાજાના રાજ ઉપર ચડાઈ કરી. એટલું જ નહીં, રાજકુમારને બંદી બનાવી જેલમાં નાખ્યો છે. અને ફૂટેલા મંત્રીઓ ખંડણી રાજા થઈને ત્યાં રાજ કરે છે. બિચારા રાજકુમારની કેવી દશા થઈ!”

સૈનિકોની વાતો પ્રસન્નચંદ્ર મુનિના કાને પડી. આ બધું સાંભળીને તેમને અંદર જબરજસ્ત દ્વેષ ઊભો થયો, અને ચિત્તમાં બે મંત્રીઓને લાવીને, મનમાં ને મનમાં તેમની સાથે મોટું યુદ્ધ કર્યું. બહારથી તો પોતે ધ્યાનમાં ઊભા હતા, પણ અંદર ઘમાસાણ યુદ્ધ ચાલતું હતું.

એ જ વખતે સમોવસરણમાં શ્રેણિક મહારાજે પ્રભુ મહાવીરને પૂછ્યું, “પ્રભુ! બહાર ઉગ્ર તપ કરનારા પ્રસન્નચંદ્ર મુનિ જો આ ક્ષણે મૃત્યુ પામે તો એમની કઈ ગતિ થાય?”

મહાવીર ભગવાને કહ્યું, “આ ક્ષણે જો એમનો દેહ છૂટે તો તેઓ સાતમી નરકમાં જાય.”

મહારાજા શ્રેણિક મૂંઝાયા. તેમણે પ્રભુને કહ્યું, “પણ એ તો ઉગ્ર ધ્યાન કરી રહ્યા છે, નરકમાં કેવી રીતે જાય?”

ત્યારે મહાવીર ભગવાને કહ્યું કે, “બહારથી ધ્યાનમાં ઊભા છે, પણ અંદર ભાવથી તો જબરજસ્ત યુદ્ધ ખેલાઈ રહ્યું છે. તેઓ ભાવથી તેમના મંત્રીઓને મારી રહ્યા છે. અંદર પરિણતી જબરજસ્ત કષાયની થઈ ગઈ છે. આ ક્ષણે એમનો દેહ છૂટે તો તેઓ સાતમી નર્કમાં જાય.”

થોડી વાર પછી ફરીથી શ્રેણિક રાજાએ પૂછ્યું, “તો અત્યારે તેઓ દેહ મૂકે તો તેમની કઈ ગતિ થાય?”

ત્યારે ભગવાન મહાવીરે કહ્યું, “અત્યારે એ દેહ મૂકે તો સ્વર્ગે જાય.”

શ્રેણિક રાજાને નવાઈ લાગી. તેમણે ભગવાનને કહ્યું, “પ્રભુ પહેલી વાર નર્કગતિમાં જશે એમ કહ્યું અને થોડીક જ ક્ષણો બાદ સ્વર્ગમાં જશે એમ કહ્યું. આ બે તદ્દન જુદી વાત કેવી રીતે બની શકે?

ભગવાન મહાવીરે કહ્યું, “ભાવથી યુદ્ધ કરતા કરતા પ્રસન્નમુનિ પાસે શસ્ત્ર ખૂટી ગયા. મનમાં ને મનમાં જ એ હતાશ થઈ ગયા. એમને થયું કે મુગટ કાઢીને એનાથી મારી નાખું. એમ વિચારીને મુગટ કાઢવા માથે હાથ મૂક્યો, ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે માથે મુગટ તો શું, વાળ પણ નથી! પોતે અત્યારે મુનિ વેશમાં છે, માથે લોચ કર્યું છે. ત્યારે પ્રસન્નચંદ્ર મુનિને ભાન થયું કે “અરેરે! હું કેવા હિંસક વિચારોમાં ખોવાઈ ગયો હતો? હું તો સાધુ છું! મારે શસ્ત્ર તો શું, મનથી પણ કંઈ ના ઉગામાય.” એમ વિચારીને ખૂબ પસ્તાવો થયો. અત્યારે મુનિ પસ્તાવામાં છે, એટલે આ ક્ષણે તેમનું મૃત્યુ થાય તો તેઓ સ્વર્ગમાં જાય.”

મહારાજા શ્રેણિકને ભારે આશ્ચર્ય થયું. એમણે ફરી પાછું પૂછ્યું કે “અત્યારે પ્રસન્નચંદ્ર મુનિનો દેહ છૂટે તો એ ક્યાં જાય?”

ભગવાન મહાવીરે કહ્યું, “મોક્ષે જાય!” અને તે જ ક્ષણે દુંદુભિ વાગી, દેવોએ ફૂલો વરસાવ્યા અને આકાશવાણી થઈ કે પ્રસન્નચંદ્ર મુનિને કેવળજ્ઞાન થયું! અંદર પસ્તાવો કરતા કરતા પ્રસન્નચંદ્ર મુનિ જ્ઞાનની શ્રેણીઓ ચડી ગયા અને કેવળજ્ઞાન પામ્યા!

આ વાર્તાનો સાર એ લેવાનો છે કે, જે ક્ષણે મૃત્યુ થાય તે ક્ષણે અંદરના ભાવ કેવા છે તે બહુ અગત્યનું છે, અને તેના આધારે આવતો ભવ નક્કી થાય છે.

અંતિમ સમયના પ્રતિક્રમણ:

ઘણી વખત મૃત્યુ વખતે ભયંકર વેદના હોય, ત્યારે ભગવાન પણ યાદ ના આવે એવું બને. એટલે જ સ્વસ્થ છીએ ત્યાં સુધીમાં જીવનના બધાં પોટલાં સંકોરી લેવા. આખી જિંદગીમાં જેમની સાથે ઋણાનુબંધથી બંધાયા હતા, તે બધાને યાદ કરીને, જે-જે વ્યક્તિને આપણા નિમિત્તે દુઃખ પડ્યા હોય તેમના પસ્તાવા શરૂ કરી દેવા જોઈએ.

મૃત્યુ સમયે અંદરના ભાવ ચોખ્ખાં રહે તે માટે શું કરવું, તેની સમજણ આપતા પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, “તમારા ઘરનાં બધાં જ માણસો જોડે, તમારે કંઈ ને કંઈ પહેલાં દુઃખ થયેલું હોય, તેનાં તમારે પ્રતિક્રમણ કરવાનાં. સંખ્યાત કે અસંખ્યાત ભવોમાં જે રાગ-દ્વેષ, વિષય, કષાયથી દોષ કર્યા હોય તેની ક્ષમા માગું છું. એવું રોજ એક એક માણસનું, આવું ઘરનાં દરેક માણસને લઈ લઈને કરવું. પછી આજુબાજુનાં, આડોશી-પાડોશી બધાને લઈને ઉપયોગ મૂકી આ કર્યા કરવું જોઈએ. તમે કરશો ત્યાર પછી આ બોજો હલકો થઈ જશે. એમ ને એમ હલકો થાય નહીં.

પરમ પૂજ્ય દાદાશ્રી પોતાનો અનુભવ કહે છે કે, “અમે આખા જગત જોડે આવી રીતે નિવારણ કરેલું. પહેલું આવું નિવારણ કરેલું, ત્યારે તો આ છૂટકો થયો. જ્યાં સુધી અમારો દોષ તમારા મનમાં છે, ત્યાં સુધી મને જંપ ના વળવા દે! એટલે અમે જ્યારે આવું પ્રતિક્રમણ કરીએ ત્યારે ત્યાં આગળ ભૂંસાઈ જાય.

આપણે જે વ્યક્તિના પ્રતિક્રમણ કરવાના હોય તે વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું હોય તો, તેમને યાદ કરીને પ્રતિક્રમણ કરવાની રીત પરમ પૂજ્ય દાદા ભગવાન આપણને અહીં આપે છે.

મૃત્યુ પામેલાનાં પ્રતિક્રમણો?

પ્રશ્નકર્તા: જેની ક્ષમાપના માંગવાની છે તે વ્યક્તિનો દેહવિલય થઈ ગયો હોય તો તે કેવી રીતે કરવું?

દાદાશ્રી: દેહવિલય પામી ગયેલો હોય, તોય આપણે એનો ફોટો હોય, એનું મોઢું યાદ હોય, તો કરાય. મોઢું સહેજ યાદ ના હોય ને નામ ખબર હોય તો નામથીય કરાય, તો એને પહોંચી જાય બધું.

પ્રશ્નકર્તા: એટલે મરી ગયેલી વ્યક્તિ માટે પ્રતિક્રમણો કેવી રીતે કરવાનાં?

દાદાશ્રી: મન-વચન-કાયા, ભાવકર્મ, દ્રવ્યકર્મ, નોકર્મ, મૃત્યુ પામેલી વ્યક્તિનું નામ તથા તેના નામની સર્વ માયાથી નોખા એવા એના શુધ્ધાત્માને સંભારવાના, ને પછી 'આવી ભૂલો કરેલી' તે યાદ કરવાની (આલોચના). તે ભૂલો માટે મને પશ્ચાતાપ થાય છે અને તેની માટે મને ક્ષમા કરો (પ્રતિક્રમણ). તેવી ભૂલો નહીં થાય એવો દ્ઢ નિશ્ચય કરું છું, એવું નક્કી કરવાનું (પ્રત્યાખ્યાન).

અંતિમ સમયની પ્રાર્થના !

પરમ પૂજ્ય દાદા ભગવાને અંતિમ સમયે નીચે પ્રમાણેની પ્રાર્થના કરવાનું સૂચન કર્યું છે, જ્યાં પોતે જે ભગવાનને માનતા હોય તેમને યાદ કરીને નીચેની પ્રાર્થના કરી શકે છે.

“હે દાદા ભગવાન, હે શ્રી સીમંધર સ્વામી પ્રભુ, હું મન-વચન-કાયા  * તથા *ના નામની સર્વમાયા, ભાવકર્મ, દ્રવ્યકર્મ, નોકર્મ આપ પ્રગટ પરમાત્મ સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું.

હે દાદા ભગવાન, હે શ્રી સીમંધર સ્વામી પ્રભુ, હું આપનું અનન્ય શરણું લઉં છું. મને આપનું અનન્ય શરણું હોજો. છેલ્લી ઘડીએ હાજર રહેજો. મને આંગળી ઝાલીને મોક્ષે લઈ જજો. ઠેઠ સુધીનો સંગાથ કરજો.

હે પ્રભુ, મને મોક્ષ સિવાય આ જગતની બીજી કોઈ પણ વિનાશી ચીજ ખપતી નથી. મારો આવતો ભવ આપના ચરણમાં ને શરણમાં જ હોજો.”

'દાદા ભગવાનના અસીમ જય જયકાર હો' બોલ્યા કરવું.

*(અંતિમ સમય જેનો આવી ગયો તેવી વ્યક્તિ, પોતાનું નામ લે.)

આ પ્રમાણે તે વ્યક્તિએ વારંવાર બોલવું અથવા કોઈએ એ વ્યક્તિ પાસે વારંવાર બોલાવવું.

મૃત્યુ પામેલી વ્યક્તિ પ્રત્યે પ્રાર્થના!

પરમ પૂજ્ય દાદા ભગવાને સ્વજનના મૃત્યુ પછી નીચે પ્રમાણેની પ્રાર્થના કરવાનું સૂચન કર્યું છે, જ્યાં પોતે જે ભગવાનને માનતા હોય તેમને યાદ કરીને નીચેની પ્રાર્થના કરી શકે છે.

“પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ, પ્રત્યક્ષ સીમંધર સ્વામીની સાક્ષીએ, દેહધારી * ના મન-વચન-કાયાના યોગ, ભાવકર્મ, દ્રવ્યકર્મ, નોકર્મથી ભિન્ન એવા હે શુધ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે * જ્યાં હોય ત્યાં સુખ-શાંતિને પામો. મોક્ષને પામો.

આજ દિનની અદ્યક્ષણ પર્યંત મારાથી * પ્રત્યે રાગ-દ્વેષ, કષાયો થયાં હોય, તેની માફી માગું છું. હૃદયપૂર્વક પસ્તાવો કરું છું. મને માફ કરો અને ફરી એવાં દોષો ક્યારેય પણ ના થાય એવી શક્તિ આપો.

* મૃત્યુ પામેલી વ્યક્તિનું નામ લેવું.

આ પ્રમાણે પ્રાર્થના વારંવાર કરવી. પછી જેટલી વખત મૃત્યુ પામેલી વ્યક્તિ યાદ આવે ત્યારે ત્યારે આ પ્રાર્થના કરવી.

×
Share on