નાનપણથી જ, આપણે ઘણી પ્રાર્થનાઓ ગાતા અને સાંભળતા આવ્યા છે. પરિણામે, આપણને પ્રાર્થનામાં શ્રદ્ધા બેસતી ગઈ. આજે ચાલો, પ્રાર્થના પ્રત્યેની આપણી આ શ્રદ્ધાને વધુ મજબૂત બનાવીએ. એ માટે આ વાતોને ઊંડાણપૂર્વક સમજીએ કે, ‘પ્રાર્થનાનો સાચો અર્થ શું છે? પ્રાર્થના કરવાથી શું ફાયદા થાય છે? ભગવાનને પ્રાર્થના કેવી રીતે કરવી જોઈએ? આપણે ક્યાં ભગવાનની પ્રાર્થના કરવી જોઈએ? પ્રાર્થના કરતી વખતે ખરેખર શું માંગવું?
આ સમજણ આપણને સારું જીવન જીવવામાં મદદરૂપ થશે અને સાથે જ આપણા આધ્યાત્મિક પ્રગતિમાં પણ મદદરૂપ થશે. જ્યારે સાચી સમજણ સાથે પ્રાર્થના કરવામાં આવે, ત્યારે તે આપણા કલ્યાણ અને આધ્યાત્મિક પ્રગતિ પર ખૂબ જ ઊંડી અસર કરે છે.
તો સૌ પ્રથમ, ચાલો આપણે પ્રાર્થનાનો સાચો અર્થ શું છે, તે સમજીએ...
પ્રાર્થના એટલે ભગવાન સાથેનો સંવાદ!
આ સંવાદ આપણી અંદર રહેલા ભગવાન સાથે અથવા આપણે જે મૂર્તિ કે જે ભગવાનના ફોટાની પૂજા કરીએ છીએ, તેમની સાથે હોઈ શકે અથવા તો એવી દૈવી શક્તિ કે જેમનામાં આપણે અતૂટ શ્રદ્ધા ધરાવીએ છીએ.
પ્રાર્થના એ એક પ્રકારનું 'વાયરલેસ કનેક્શન' છે! એટલે જ, પ્રાર્થના ગમે ત્યારે અને ગમે ત્યાં કરી શકાય છે!
સામાન્ય રીતે, આપણા વડીલો અને ગુરૂ ભલામણ કરે છે કે પ્રાર્થના દરરોજ વહેલી સવારે કરવી જોઈએ. તેની પાછળનો વિચાર એ છે કે, દિવસની શરૂઆતમાં જ પ્રાર્થના કરવાથી આપણે તેને યોગ્ય મહત્ત્વ આપીએ છીએ અને ત્યારબાદ આપણે રોજિંદા જીવનની ભાગદોડમાં પરોવાઈ જઈએ છીએ. છતાં, જો કોઈ કારણસર સવારે સમય ન મળે, તો દિવસ દરમિયાન ગમે ત્યારે પ્રાર્થના કરવામાં કોઈ વાંધો નથી.
પ્રાર્થના એટલે ભગવાનને વિશેષ વિનંતી
જ્યારે પણ આપણે કંઈક ઈચ્છીએ છીએ, પરંતુ તે મેળવી શકતા નથી અથવા આપણને કોઈની મદદ અને માર્ગદર્શનની જરૂર હોય, પણ તે ક્યાંયથી મળતું ન હોય, ત્યારે આપણે પૂરી શ્રદ્ધા અને પ્રેમથી હૃદયપૂર્વક ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. અને આપણી એ પ્રાર્થનાનો જવાબ પણ ચોક્કસ મળે છે!
જ્યારે આપણે સાચા દિલથી દેવ-દેવીઓ પ્રાર્થના કરીએ છીએ તેઓ સહાય કરવા માટે હંમેશાં તૈયાર હોય છે. મોક્ષમાર્ગમાં આગળ વધવા માંગતા હોય એવા મુમુક્ષોને દેવ-દેવીઓ હંમેશાં સહાય કરે છે.
પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, પ્રાર્થના એટલે ભગવાન પાસે કંઈક વિશેષ હેતુ માટે માંગણી કરવી! પ્રાર્થના એટલે આપણા ધ્યેય સુધી પહોંચવામાં આપણને જે કંઈ પણ શક્તિઓ ખૂટે છે, તે ભગવાન પાસે માંગવી. ઉદાહરણ માટે જો આપણો ધ્યેય બીજાને સુખ આપવાનો હોય તો, દરરોજ સવારે આપણે હૃદયપૂર્વક આ પ્રાર્થના પાંચ વખત બોલવી જોઈએ: “હે ભગવાન! મારા મન, વચન, કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત્માત્ર પણ દુ:ખ ન હો.” અને ધારો કે, કોઈ આપણી સાથે ખરાબ વર્તન કરે, તો પણ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે એ વ્યકિત પર કૃપા ઉતારો. તે વ્યક્તિને બદલવાના પ્રયત્ન કરવાને બદલે, તેમના માટે સારી ભાવનાઓ કરવી એ વધુ યોગ્ય છે.
મુશ્કેલીના સમયમાં પ્રાર્થના એક આધાર તરીકે મુખ્ય ભૂમિકા ભજવે છે.
ક્યારેક વ્યક્તિ પોતાના નસીબને બદલવાના પ્રયત્ન માટે પ્રાર્થનાનો સહારો લે છે. દાખલા તરીકે, જો આપણે માંદગીથી પીડાતા હોઈએ અથવા આપણો ખરાબ સમય ચાલી રહ્યો હોય, ત્યારે આપણે ભગવાનને આપણા પાપકર્મો ધોવાઈ જાય, તે માટે પ્રાર્થના કરીએ છીએ.
તો, શું પ્રાર્થનાથી આપણા ખરાબ કર્મો ધોવાઈ જાય છે? ચાલો સમજીએ...
કર્મોના ઉદય પણ ઘણા બધા પ્રકારના હોય છે. અમુક પ્રકારના કર્મો એવા હોય છે, જે પ્રાર્થનાથી ધોવાઈ જાય છે. બીજા પ્રકારના કર્મો એવા હોય છે, જે સાચા આધ્યાત્મિક પુરુષાર્થથી ધોઈ શકાય છે અને ત્રીજા પ્રકારના કર્મો એવા હોય છે, જેમાં ગમે તેટલો પુરૂષાર્થ કરીએ પણ તેને ભોગવ્યા વગર છૂટકો જ નથી. આ ત્રીજા પ્રકારના કર્મો ખૂબ જ ચીકણાં હોય છે.
શાસ્ત્રોમાં આવા ચીકણા કે ભારે કર્મોને ‘નિકાચિત’ કર્મ કહેવામાં આવે છે, જેને કોઈ પણ સંજોગોમાં ભોગવવા જ પડે છે. જો કે, આ સમયે પણ આપણે પ્રાર્થના દ્વારા થોડી રાહત મેળવી શકીએ છીએ. તેથી જ, નિયમિત પ્રાર્થના કરવી એ ખૂબ જ મહત્ત્વનું છે. પ્રાર્થના કદાચ એ કર્મને પૂરેપૂરું ઓગાળી ના શકે, પરંતુ આપણને આ મુશ્કેલ સમયમાંથી પસાર થવા માટે સ્થિરતા અને અંદર શાંતિ જરૂરથી આપે છે.
જ્યારે આપણા કર્મો આપણને દુઃખ આપે છે, ત્યારે મહીંથી જ જાગૃતિ ઉત્પન્ન થાય છે. આવા સમયે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે, ‘હે ભગવાન, મને આ કર્મોમાંથી બચાવો.’ ત્યારે મહીંથી જાગૃતિ ઉત્પન્ન થાય છે. ભગવાન જાગૃતિ આપતા નથી, પણ તેમનું નામ લેવાથી મહીંથી જાગૃતિ આવે છે.
પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, “બહુ ઉપાધિ હોય, બહુ અશાંતિ હોય તો ભજન સારા. ખૂબ જ અશાંતિ થઈ ગઈ હોય તો ભજન મોટેથી ગા-ગા કરે, તે મહીં ટાઢું પડી જાય. અને જો બીજા કોઈ કારણ માટે જોઈતું હોય તો મૌન પ્રાર્થના જેવી તો વસ્તુ જ નહીં.”
પ્રાર્થના એટલે આપણી શંકાઓ અને ચિંતાઓને સમર્પિત કરવી!
જ્યારે પણ આપણને જીવનમાં કોઈ મુશ્કેલીનો સામનો કરીએ છીએ, ત્યારે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. તેનો અર્થ એ છે કે પ્રાર્થના એટલે આપણી બધી જ શંકાઓ અને ચિંતાઓ અને ગૂંચામણોને ભગવાનના ચરણકમળમાં સમર્પિત કરી દેવી.
આપણે દરરોજ પ્રાર્થના કરીએ છીએ, કે ‘હે પ્રભુ! હું તમારા શરણે આવ્યો છું.’ જો આપણે ભગવાનના ચરણમાં આશરો લીધો હોય તો પછી ચિંતા કરવાની શું જરૂર છે?
ભગવાને હંમેશાં કહ્યું છે કે વ્યક્તિએ ચિંતા ન કરવી જોઈએ. ચિંતા એ તો મોટામાં મોટો અહંકાર છે. ચિંતા ત્યારે જ થાય છે, જ્યારે આપણે એવું માની લઈએ છીએ કે, ‘આ બધું મારે જ કરવાનું છે.’ શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું છે કે, “જીવ તું શીદને શોચના કરે, કૃષ્ણને કરવું હોય તે કરે.” ભગવાન મહાવીરે પણ કહ્યું છે કે, “રાઈ માત્ર વધઘટ નહીં, દેખ્યા કેવળજ્ઞાન, એ નિશ્ચય કર જાણીએ, ત્યજીએ આર્તધ્યાન.”
પરમ પૂજ્ય દાદા ભગવાન સમજાવે છે, કે ”જેને ભગવાન ઉપર વિશ્વાસ જરાય ના હોય તે જ ચિંતા કરે છે. જો તમને ખરેખર ભગવાન ઉપર વિશ્વાસ હોય, તો તમારે બધું તેમના પર છોડીને શાંતિથી સૂઈ જવું જોઈએ. આ રીતે ચિંતા કોણ કર્યા કરે? એટલે ભગવાન ઉપર વિશ્વાસ રાખો. તમે જે કહો છો, શું ભગવાન તે નહીં સાંભળતા હોય?”
તેઓ આગળ કહે છે કે, “એક અઠવાડિયા માટે બધું જ ભગવાન પર છોડી દો અને ચિંતા કરવાનું બંધ કરી દો. પછી એક દિવસ મારી પાસે આવજો, હું તમને ભગવાનનો સાક્ષાત્કાર કરવામાં મદદ કરીશ, જેથી તમારી ચિંતાઓ કાયમ માટે દૂર થઈ જશે.”
પ્રાર્થના એ આપણી પોતાની પ્રગતિ માટેનું સાધન છે!
દરેક માતા-પિતાએ પોતાના બાળકોને શીખવવું જોઈએ કે દરરોજ સવારે સ્નાન કર્યા પછી, હૃદયપૂર્વક આ રીતે પ્રાર્થના કરવી જોઈએ: “હે ભગવાન! મને અને આ જગતના સર્વે જીવોને સદ્બુદ્ધિ આપો, આખા જગતનું કલ્યાણ કરો.”
જો એક માતા-પિતા તરીકે આપણે આટલું કરીએ, તો તેનો અર્થ એ છે કે આપણે આપણા બાળકોમાં સારા સંસ્કારોનું સિંચન કરવામાં સફળ થયા છીએ. શરૂઆતમાં કદાચ બાળકો આનો વિરોધ કરશે, પણ થોડા સમય પછી તેમને પ્રાર્થના કરવી ગમવા લાગશે અને તેઓ પોઝિટિવ પ્રતિભાવ આપશે.
સામાન્ય રીતે, બાળક નાનપણથી જ પ્રાર્થનાનું મહત્ત્વ સમજવા લાગે છે. આ જ સમયમાં તેમને એવો દૃઢ વિશ્વાસ બેસે છે કે ભગવાન એમની પ્રાર્થના સાંભળે છે, કારણ કે સાચા હૃદયથી કરેલી પ્રાર્થના ચોક્કપણે ફળ આપે જ છે અને થોડા જ સમયમાં, ભગવાન બાળકના કાયમ માટેના મિત્ર બની જાય છે!
પ્રાર્થના વ્યક્તિને નમ્ર બનાવે છે!
જ્યારે આપણે નમ્ર થઈને પ્રાર્થના માટે બે હાથ જોડીએ છીએ, ત્યારે આપણે એવું સ્વીકારીએ છીએ કે આપણે હજી ઘણું બધું શીખવાનું બાકી છે. તેથી જ, જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ, ત્યારે આપણે આપણા અહંકારને સમર્પિત કરીને, આપણી અંદર રહેલી અશુદ્ધિઓને ખાલી કરીએ છીએ. આપણો અહંકાર ઓછો થવો, એ જ આપણી આધ્યાત્મિક પ્રગતિ છે, જે આપણા ‘હું’ પણાની અજ્ઞાન માન્યતાઓને ધીમે-ધીમે દૂર કરવાનો રસ્તો છે. જ્યારે આપણે ભગવાન પાસે આપણા અહંકારને સંપૂર્ણપણે ઓગળવાની શક્તિ માંગીએ છીએ, ત્યારે આપણામાં પરમ વિનય પ્રગટ થાય છે.
પ્રાર્થના ધીમે-ધીમે આપણને ભગવાન જેવા બનાવે છે!
એવો નિયમ છે, કે જ્યારે આપણે કોઈ મહાન પુરુષો કે સંતોના આધ્યાત્મિક સર્વોચ્ચ સદ્ગુણોની પ્રસંશા કરીએ છીએ, તો ધીમે-ધીમે કોઈ પણ પ્રકારના પુરુષાર્થ વિના જ તેવા ગુણો આપણામાં પણ આવવા લાગે છે. આ એક અદ્ભુત સિદ્ધાંત છે! જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ, ત્યારે બહારથી તો આપણું ધ્યાન એ મહાન પુરુષોના ઉચ્ચ ગુણો પર હોય છે, જેમની આપણે પ્રસંશા કરી રહ્યા છીએ; પણ અંદરખાને આપણામાં પણ તે ગુણો પ્રગટ થાય, તેવી ભાવના રહ્યા કરે છે.
પ્રાર્થના આપણી વાણીને મીઠી-મધુરી બનાવવામાં મદદ કરે છે
વ્યક્તિના ચારિત્ર્યની શક્તિનો ખ્યાલ તેની વાણી પરથી ઓળખી શકાય છે. જ્ઞાની પુરુષની વાણી એટલી મીઠી અને મધુરી હોય છે કે તેને સંભાળનાર કોઈ પણ વ્યક્તિના મનમાં ક્યારેય પણ નેગેટિવ ભાવ આવતા નથી.
આવી મીઠી-મધુરી વાણીની પ્રાપ્તિ માટે, પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે, કે “આપણે ભાવથી દરરોજ માંગણી કરવાની કે મારી વાણીથી કોઈનેય દુઃખ ન હો અને સુખ જ હો.” જ્યારે આપણે આવી વાણીના કારણો સેવીએ છીએ, ત્યારે જ આવી વાણી પ્રાપ્ત થાય છે.

