Related Questions

મોક્ષમાર્ગમાં ધાર્મિક ક્રિયાઓની શું ભૂમિકા છે? શું મોક્ષ મેળવવા ત્યાગ જરૂરી છે?

જ્યારે આપણે ભગવાન, આધ્યાત્મિકતા અને મોક્ષ વિષે વાતો કરીએ છીએ, ત્યારે ઘણા પ્રશ્નો આપણા મનમાં ઉદ્‍ભવે છે, જેમકે, “કેટલા સમય સુધી મારે ઉપવાસ કરવા પડશે?”, “મારે કઇ તપશ્ચર્યા કરવી જોઇએ?”, “શું મારે મારો પરિવાર, સંપત્તિ, વગેરે છોડી દેવા પડશે?”, “કેટલા સમય સુધી મારે મંત્રો ઉચ્ચારવા પડશે?” અને “શું મારે ક્રિયા-કાંડ કરવા જોઇએ?”

પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે, “મંત્રજાપ તમને સંસારમાં શાંતિ આપે. મનને શાંત કરે એ મંત્ર, એનાથી ભૌતિક સુખો મળે અને મોક્ષ તો જ્ઞાનમાર્ગ વગર નથી.”

મોક્ષના માર્ગમાં કોઇ ક્રિયાઓ હોતી નથી. ક્રિયા-કાંડ માત્ર સાંસારિક જીવનમાં જ હોય છે. જેમને ભૌતિક અને બાહ્ય સુખોની વાંછના હોય તેમના માટે જ ક્રિયાઓ છે. કર્મ-કાંડની ક્રિયાઓથી તમને સાંસારિક ભૌતિક સુખોની પ્રાપ્તિ થશે; તમને સ્વર્ગ સમાન સુખ-સગવડો પ્રાપ્ત થશે. પરંતુ જો તમને ક્ષણિક સાંસારિક સુખોની ઇચ્છા ન હોય, અને કાયમી સુખ મેળવવા ઇચ્છતા હોવ, તો મોક્ષ માર્ગ તમારા માટે જ છે.

અજ્ઞાન-ક્રિયાઓથી (પૌદ્‌ગલિક ક્રિયાથી) મોક્ષ છે જ નહિ. ભલેને કોઇ આખો દિવસ તપશ્ચર્યા કર્યા કરે તો પણ તેનાથી મોક્ષ નથી. આવું એટલા માટે કે તેઓ સ્વયં પોતાને જ કર્તા માને છે; એવું માને છે કે,” હું જ તપશ્ચર્યા કરું છું”. “હું કર્તા છું” એવી માન્યતા, તે જ બંધનનું કારણ છે. અજ્ઞાનતાના કારણે બંધન છે; જ્ઞાનથી મુક્તિ છે.

જો હું કાંઇ ક્રિયાઓ કરતો નથી, હું મારા જીવનમાં કાંઇ તપ – ત્યાગ કરતો નથી, તો પછી મને મોક્ષ કેવી રીતે મળી શકે? મોક્ષ પ્રાપ્તિ માટે શું જરૂરી છે?

જે મોક્ષ પ્રાપ્તિ માટે ઈચ્છુક છે તેને બે વસ્તુની જરૂર છે: આત્મજ્ઞાન અને જ્ઞાનીની આજ્ઞાનું અનુસરણ (જ્ઞાનવિધિ પછી તે જ જ્ઞાનદશા જળવાઇ રહે તે માટે જ્ઞાનીપુરૂષ જે વિશેષ માર્ગદર્શન આપે છે તે ). ચાલો જાણીએ આત્મજ્ઞાન વિશે પરમ પૂજ્ય દાદાશ્રી શું કહે છે:

પ્રશ્નકર્તા : તમે કહ્યું કે આપણે કોણ છીએ તે આપણે જાણવું જોઇએ, તો તે કઇ રીતે જાણી શકાય?

દાદાશ્રી : તમારે મારી પાસે આવવું પડે. તમારે એવું કહેવું પડે કે તમે કોણ છો તે જાણવા માગો છો, તો પછી હું તમને તેના માટે મદદ કરી શકું.

પ્રશ્નકર્તા : 'હું કોણ છું' એ જાણવાની જે વાત છે, તે આ સંસારમાં રહીને કેવી રીતે બને ?

દાદાશ્રી : તો ક્યાં રહીને જાણી શકાય એ ? સંસાર સિવાય બીજી કોઈ જગ્યા છે કે ત્યાં રહેવાય ? આ જગતમાં બધા સંસારી જ છે ને બધા સંસારમાં જ રહે છે. અહીં 'હું કોણ છું ?' એ જાણવા મળે એવું છે. 'તમે કોણ છો' એ સમજવા માટેનું જ આ સાયન્સ છે અહીં આગળ. અહીંયાં આવજો, અમે તમને ઓળખાવડાવીશું.

જે મુક્ત થયા છે તેમની પાસે જવું અને કહેવું કે, “સાહેબ, મને મુક્ત કરાવો” એ જ કાયમનું સમાધાન, શ્રેષ્ઠ સમાધાન છે. “હું કોણ છું” તે એક વખત નક્કી થઈ ગયું, તો તે મુક્તિ (મોક્ષ) પ્રાપ્ત કરી શકશે. અને જ્યાં સુધી જ્ઞાનીપુરૂષ ન મળે ત્યાં સુધી જ્ઞાનીપુરૂષના પુસ્તકો વાંચવા જોઇએ.

આત્મા એ વૈજ્ઞાનિક વસ્તુ છે. તે પુસ્તકોમાંથી પ્રાપ્ત થઈ શકે એમ નથી. તે તેના ગુણધર્મો અને કાર્યો સહિત હોય છે, તે ચેતન છે અને તે જ પરમાત્મા છે. એક વખત તમને આનો અનુભવ થાય, પછી કશું કરવાનું રહેતું નથી; મોક્ષની પ્રાપ્તિ તમને થાય છે અને વાસ્તવિકતામાં, તમે એ જ સ્વરૂપે છો!

મોક્ષમાર્ગમાં કોઇ તપશ્ચર્યા કે ત્યાગની જરૂર નથી. ફક્ત જ્ઞાની પુરૂષને મળવાની જ જરૂર છે. પછી પાંચ આજ્ઞાનું પાલન એ જ તમારો ધર્મ અને એ જ તપ. સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચરિત્ર અને અંતર તપ એ ચાર મોક્ષના પાયા છે. આજ્ઞા નું સીધું પરિણામ મુક્તિ (મોક્ષ) આવે છે કારણકે તેમાં આ ચારેય પાયા સમાયેલા છે.

જ્ઞાનીપુરુષનો ભેટો થયા બાદ મોક્ષ માર્ગ અત્યંત સરળ અને સહેલો બની જાય છે. પછી તો તે ખીચડી બનાવવા કરતાં પણ સહેલો બની જાય છે.

×
Share on