Related Questions

ચિંતા કર્યા વગર જીવન જીવી શકાય એવા અસરકારક ઉપાયો ક્યા છે? ચિંતા કેમ ન કરવી?

શું તમે તમારી નોકરી, પૈસા, આરોગ્ય, બાળકો, વૃદ્ધ માતા-પિતા જેવી વિવિધ બાબતોથી ચિંતિત છો અને તેનાથી નકારાત્મક અસર અનુભવો છો? અહીં, આપ નીચે આપેલી રીતે આ સમસ્યાઓના ઉપાયો મેળવી શકો છો. જેમાં ચિંતામુક્ત બનીને જીવન કેવી રીતે જીવી શકાય તેની વ્યવહારુ અને સરળ ચાવીઓ બતાવી છે.

તમારી ચિંતાઓનું વર્ગીકરણ કરો 

પોસ્ટ ઓફિસમાં જે રીતે થતું હોય છે, તેવી રીતે તમારી ચિંતાઓનું જુદા જુદા વિભાગમાં વિભાજન કરવું એ ચિંતા કેવી રીતે ન કરવી તેના માટેનું પ્રથમ સોપાન છે. પોસ્ટ ઓફિસમાં ટપાલનું વર્ગીકરણ કરવા માટે જુદા જુદા ખાના હોય છે; નડિયાદ માટેની ટપાલ, સુરત માટેની ટપાલ, ઓફિસ માટેની ટપાલ વગેરે. તેવી રીતે, તમારી ચિંતાઓ યોગ્ય ખાનામાં મૂકો, વ્યવસાયનું ખાનું, સમાજનું ખાનું, ઓફિસનું ખાનું, વગેરે અને પછી હળવા થઈ જાઓ. જ્યારે તમે તમારી ચિંતાઓનું વિભાજન કરો છો (બની શકે તો લખીને), ત્યારે વસ્તુસ્થિતિની વધારે સમજ પડે છે. આપણે થોડી વાર પછી પાછા આ ખાનાઓ પર આવીશું.

સકારાત્મક વલણ (તમને મળેલા આશીર્વાદ ગણો)

એક સમયે એક જ સમસ્યા લો. ધારો કે, તમે તમારી નોકરી ગુમાવી દીધી છે. તમે ચિંતા કરવાનું શરૂ કરો છો તો જીવન બોજારૂપ લાગે છે. એના કરતા, તમારે જીવનની સકારાત્મક બાજુ જોવી જોઈએ, કારણ કે, સકારાત્મકતા (પોઝિટિવિટી) આવી પડેલ સમસ્યાની તીવ્રતામાં ઘટાડો કરે છે. જો તમે તમારી નોકરી ગુમાવો છો, તો તમારે ખુશ થવું જોઈએ કે તમારી પાસે બેંકમાં થોડી બચત છે, અને જો તમારી પાસે કંઈ નથી, તો પણ તમારે ખુશ થવું જોઈએ કે તમારો પરિવાર તમારી સાથે છે. તમારી પાસે ખોરાક, કપડાં, મકાન અને બધી આવશ્યક વસ્તુઓ છે. જ્યારે તમે સકારાત્મક રહો, અને સકારાત્મકતાનો આધાર લો, ત્યારે તમારું મન વધુ સ્થિર રહેશે અને તેથી સમસ્યાનું નિરાકરણ કરવાની તમારી ક્ષમતા વધશે.

નકારાત્મકતાને ભૂંસી નાખો 

ધારો કે, તમે તમારી નોકરી ગુમાવી છે, તો પછી તમારા મનમાં વિવિધ નકારાત્મક (નેગેટિવ) વિચારો ચાલતા હશે. તમે તમારા બોસ, સહકાર્યકર્તા, મિત્ર અથવા કુટુંબના સભ્યને આ સમસ્યા માટે જવાબદાર ગણો છો. આ નકારાત્મકતા જ તમારા મનમાં ઉદ્ભવતા સમસ્યાના ઉકેલોને આંતરે છે.

જો પરિસ્થિતિની નકારાત્મક બાબતો અથવા કોઈ વ્યક્તિ તમારી ચિંતાઓનું કારણ બને છે, તો નકારાત્મકતાને ભૂંસી નાખવા અને તેના બદલે સકારાત્મકતા ગોઠવવા માટે નીચે આપેલા સ્ટેપ્સને અનુસરો:

  • કાગળના અડધા ભાગ પર બધા નકારાત્મક મુદ્દાઓ લખો. (ઊભા અડધા ભાગમાં)
  • દરેક નકારાત્મક મુદ્દાની સામે, કાગળના બીજા ભાગમાં ઓછામાં ઓછા બે સકારાત્મક પાસા લખો. (એક સિક્કાની બે બાજુ છે, ઉપરોક્ત પગલામાં આપણે નકારાત્મક બાજુ જોઈ, હવે સકારાત્મક બાજુ જુઓ.)

હવે બંને યાદીઓ જુઓ. તમને આશ્ચર્ય થશે, તમને ખ્યાલ આવશે કે પહેલા કેટલાક મુદ્દાઓ નકારાત્મક હતા, હવે હકીકતમાં એ મુદ્દાઓ હકારાત્મક બન્યા છે. અંતે, તમારી સકારાત્મક સૂચિ નકારાત્મક કરતા વધુ છે.

ફક્ત થોડી વસ્તુઓ જ આપણને વારે ઘડીએ પરેશાન કરે છે અને આપણા મનને મૂંઝવે છે. જેના પરિણામે નાની નાની ચિંતાઓ પણ ખૂબ મોટી અનુભવાય છે. ઉપરોક્ત પગલાઓ બિનજરૂરી અશાંતિને કાબૂમાં કરવામાં મદદ કરે છે અને તેથી આપણે સમસ્યાનું સમાધાન લાવવા માટે ઉકેલો શોધવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકીએ છીએ.

સમસ્યાનો ઉકેલ લાવવા માટે કામ કરો

હવે, સ્ટેપ 1 માં જણાવ્યા મુજબ ચિંતાના ખાનામાંથી દરેક મુદ્દા લો અને ઉકેલ શોધવાનો પ્રયાસ કરો. આપણને મુશ્કેલ કાર્યને પરિપૂર્ણ કરવા માટે ખૂબ જ પ્રયત્નો કરવાની જરૂર પડી શકે છે. તમારી બાજુથી કયા પ્રયત્નો કરવાની જરૂર છે, તમે બહારથી શું મદદ લઈ શકો છો, શાંતિપૂર્વક અને સફળ રીતે ઉકેલ લાવવા માટે કઈ બાબતો સાથે સમાધાન થઈ શકે છે, વગેરે શોધી કાઢો. 

ચિંતા કરવાનું બંધ કેવી રીતે કરવું અને જીવવાનું કેવી રીતે શરૂ કરવું તેના માટેના ઉપર જણાવેલા સ્ટેપ્સથી તમારી થોડી ચિંતાઓનો ઉકેલ આવશે. જો કે, કેટલીક સમસ્યાઓના સીધા ઉકેલ ન હોઈ શકે. જે પરિસ્થિતિઓ આપણા નિયંત્રણમાં નથી તે માટે, ચિંતામુક્ત રહેવા અને મહત્તમ શક્ય હકારાત્મક પરિણામની અપેક્ષા રાખવા માટે નીચે આપેલા સ્ટેપ્સને અનુસરો.

૧) સત્યને સમજો 

આ દુનિયામાં કોઈ પણ વસ્તુની ચિંતા કરવાની જરૂર નથી. પાછલા જન્મમાં વાવેલા બીજના પરિણામે આ જીવનમાં બધું આવે છે. ઉદાહરણ તરીકે, શું કોઈ પણ તેમના વ્યવસાયમાં નુકસાન લાવવાની યોજના કરે છે અથવા ઈચ્છે છે? તો પણ નુકસાન થાય છે. એ જ રીતે, નફો કમાવવાની ચિંતા કરવાની જરૂર નથી. જો તમારા પુણ્યકર્મ ફળ આપશે તો નફો આવશે. યોગ્ય સમય ન હોય ત્યાં સુધી આ દુનિયામાં કશું થઈ શકે એમ નથી, આ જગત એટલું નિશ્ચિત છે. કહેવાનો અર્થ એ નથી કે, તમારે કંઈ પણ પ્રયાસ કરવાનો નથી. તમારે પ્રયત્ન તો કરવો જ પડશે, પરંતુ તમારે પરિણામની ચિંતા કરવાની જરૂર નથી. જો તમારે કોઈ પરીક્ષા આપવાની છે, તો તમારે તેના માટે તમારાથી બનતો શ્રેષ્ઠ અભ્યાસ કરવો પડશે, પરંતુ પરિણામોની ચિંતા કરવામાં તમારે નિદ્રા ગુમાવી જોઈએ નહીં.

૨) ઉત્સાહિત બનો 

આ દુનિયામાં રડવા જેવું કંઈ નથી. જો તમારા કર્મોના હિસાબમાં નકારાત્મકતાનું બેલેન્સ હોય અને જો તમે ફરિયાદ કરીને અને અસ્વીકાર કરીને વધુ નકારાત્મકતા ઉમેરશો, તો નકારાત્મકતાની તીવ્રતા વધે છે. પરંતુ, જો તમે ઉત્સાહિત વલણથી જે આવી પડ્યું છે તેને સ્વીકારીને સકારાત્મકતા ઉમેરશો, તો નકારાત્મકતાને સકારાત્મકતામાં ફેરવી શકો છો. તમારે જ્યાં દુ:ખ સહન કરવું પડે, ત્યાં ચિંતા કરીને દુ:ખી થવાને બદલે, જો તમે તેને સ્મિતથી સ્વીકારશો, તો તે ખાતામાં કંઈ જ બચશે નહીં.

૩) વિચારોનું નિરીક્ષણ કરો, તેમને સ્વીકારશો નહીં 

વિચારવું એ મનનો સ્વભાવ છે. સાંભળવું એ કાનનો સ્વભાવ છે. તમે નક્કી કરી શકો છો કે જે લોકો તમારું અપમાન કરે છે અથવા તમને ગાળો આપે છે તે લોકોનું તમારે સાંભળવું નથી, પરંતુ તે સાંભળવાનો કાનનો સ્વભાવ છે, અને તેથી તે સાંભળ્યા વગર રહે નહીં. એ જ રીતે, મનમાં ન ગમતા વિચારો આવે, એ મનનો સ્વભાવ છે. વિચારો એ જોવાની વસ્તુ છે, અને તમે જાણનાર છો. તેથી, તમારે જે વિચારો આવે છે તે તમારે 'જાણવાનું' રાખવું પડશે; તમારે તેમને નિરીક્ષણ કરવાનું ચાલુ રાખવું પડશે. વિચાર સારા છે કે ખરાબ તે વિશે તમારા અભિપ્રાય ન હોવા જોઈએ. તમારા ગમે તેવા વિચારો હોય; ભલે તે કેટલાય ખરાબ હોય; તેમની સાથે કોઈ સમસ્યા નથી. તમારા પાછલા જીવનમાં જે પણ ભાવોથી તમે બંધાયેલા છો, તે જ રીતે ડિસ્ચાર્જ થશે; તમારે ફક્ત તેને ડિસ્ચાર્જ થતું 'જોવું' પડશે અને જે પ્રકારનું બંધન થયું હતું તે 'જાણવાનું' છે, તેમાંથી હવે ડિસ્ચાર્જ થઈ રહ્યું છે. ચિંતા કરવાનું બંધ કરવું અને જીવવાનું કેવી રીતે શરૂ કરવું તેનું આ સૌથી વ્યવહારિક પગલું છે.

૪) વર્તમાનમાં જીવવું એ યોગ્ય વસ્તુ છે 

જ્યારે યોગ્ય સમય હોય ત્યારે, કામ પૂર્ણ કરવા માટેના બધા પુરાવા એક સાથે ભેગા થશે. ભૂતકાળ ગયો, તો તેને શા માટે ખોદવું? ભવિષ્ય આવવાનું બાકી છે. તેથી વર્તમાનમાં જીવો અને વર્તમાનમાં રહો.

વર્તમાનમાં જીવવું એટલે કાર્ય કરવું અને કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું. આ કરવાથી, આપમેળે ચિંતાઓ નહીં થાય. વર્તમાનમાં રહેવાનો અર્થ એ છે કે જ્યારે તમે હિસાબ લખી રહ્યા હો, ત્યારે તમારું પૂરેપૂરું ધ્યાન તેમાં છે અને ચોકસાઈપૂર્વક કરવામાં આવે છે. જ્યારે મન ભવિષ્યના વિચારોમાં ભટકે છે, ત્યારે તમારા હિસાબમાં ભૂલો પડશે. જેઓ વર્તમાનમાં જીવે છે તેઓ એક પણ ભૂલ કરતા નથી, અને તેમને કોઈ ચિંતા હોતી નથી.

ઉપરોક્ત પગલાં તમને સમભાવમાં રહેવા અને શાંત રહેવામાં મદદ કરે છે. જ્યારે ચિંતા દૂર થઈ જાય છે, ત્યારે તેને સમાધિ કહેવામાં આવે છે. આવું થવાથી, તમે પહેલા કરતા વધુ એકાગ્રતાથી કામ કરી શકો છો. કારણ કે, હવે મૂંઝવણ રહેશે નહીં. ઓફિસમાં જતાની સાથે જ તમે કામ શરૂ કરી શકો છો. ઘર વિશે કોઈ વિચારો નહીં રહે, બાહ્ય વિચારો તમને પરેશાન નહીં કરે. તેથી, તમે તમારા કાર્યમાં સંપૂર્ણ ધ્યાન આપી શકશો.

Related Questions
  1. ચિંતા શું છે? ચિંતા કરવાનો અર્થ શું છે?
  2. ચિંતા એ શા માટે મોટાભાગના લોકોની મુખ્ય સમસ્યા છે? ચિંતા અને તણાવના કારણો શું છે?
  3. ટેન્શન એટલે શું?
  4. શું હું ચિંતામુક્ત વ્યવસાય કરી શકું છું?
  5. ચિંતા શા માટે બંધ કરવી? તણાવ અને ચિંતાથી શી અસરો થાય?
  6. ચિંતા કર્યા વગર જીવન જીવી શકાય એવા અસરકારક ઉપાયો ક્યા છે? ચિંતા કેમ ન કરવી?
  7. શું મારે ભવિષ્યની ચિંતા કરવી જોઈએ?
  8. વર્તમાનમાં રહો. ચિંતા શા માટે કરો છો?
  9. હું મારા જીવનમાં શા માટે કોઈ વસ્તુ પર નિયંત્રણ નથી મેળવી શકતો?
  10. ચિંતામુક્ત કેવી રીતે થવું? સરળ છે, આત્મસાક્ષાત્કાર પ્રાપ્ત કરી લો!
  11. મને એવી ચિંતા રહ્યા કરે કે લોકોને હું પસંદ નથી અને લોકો મારા માટે શું વિચારશે. કોઈ મારું અપમાન કરશે તો હું શું કરીશ?
  12. જો મને નોકરી નહીં મળે તો હું શું કરીશ? મને તેની ચિંતા રહે છે.
  13. ઘરની કોઈ વ્યક્તિ બિમાર હોય તો અસ્વસ્થતા અને ચિંતાની લાગણીઓ કેવી રીતે બંધ કરવી?
  14. જ્યારે મારા જીવનસાથી મારી સાથે વિશ્વાસઘાત કરે, ત્યારે ચિંતા અને શંકાથી દૂર કેવી રીતે રહેવું?
  15. જીવનમાં બધું ગુમાવી દેવાના ભયમાંથી કેવી રીતે મુક્ત થવું?
×
Share on