Related Questions

શું ભગવાને આ જગતની રચના કરી છે?

જગત સર્જન

દાદાશ્રી: આ જગત કોણે બનાવ્યું હશે?

પ્રશ્નકર્તા: ........ (વિચારે છે)

દાદાશ્રી: તારી કલ્પના જે હોય તે કહે. અહીં આપણે ક્યાં કોઈને પાસ નાપાસ કરવા બેઠા છીએ?

પ્રશ્નકર્તા: ભગવાને બનાવ્યું હશે.

દાદાશ્રી: તે ભગવાનનાં છોકરા કયાં કુંવારાં રહી ગયાં હતાં, તે તેમને આ બધું બનાવવું પડ્યું? એ પરણેલા હશે કે વાંઢા? એમનું સરનામું શું?

મોક્ષ હશે કે કેમ?

પ્રશ્નકર્તા: મોક્ષ તો ખરો જ ને!

દાદાશ્રી: જો ભગવાન જગત બનાવનાર હોય અને મોક્ષ હોય તો એ સંપૂર્ણ વિરોધાભાસ છે.

પ્રશ્નકર્તા: દાદા, આ વિરોધાભાસ કઈ રીતે?

દાદાશ્રી: જો ભગવાન ઉપરી હોય અને તે જો મોક્ષે લઈ જનાર હોય, તો તો એ જ્યારે કહે કે અહીંથી ઊઠ, તો તમારે તરત જ ઊઠવું પડે. તેને મોક્ષ શી રીતે કહેવાય? મોક્ષ એટલે સંપૂર્ણ સ્વતંત્ર. કોઈ ઉપરી નહીં અને કોઈ અંડરહેન્ડ પણ નહીં.

જો તારે ફેક્ટ જાણવું હોય તો તે હું તને બતાવું. ૩૬૦ ડિગ્રીનું એક્સેપ્ટ (સ્વીકાર) કરે, તેને જ્ઞાન કહેવાય. અમને બધીય ૩૬૦ ડિગ્રીઓ માન્ય હોય. માટે અમે જ્ઞાની છીએ. કારણ કે અમે સેન્ટર (કેન્દ્ર)માં બેઠેલા છીએ અને તેથી અમે ફેક્ટ બતાવી શકીએ. ફેક્ટથી ગોડ ઈઝ નોટ એટ ઓલ (નથી જ) ક્રિયેટર ઓફ ધીસ વર્લ્ડ. આ જગત કોઈએ બનાવ્યું જ નથી. તો બનાવ્યું કોણે? 'ધી વર્લ્ડ ઈઝ ધી પઝલ ઈટસેલ્ફ.' (જગત જાતે જ કોયડો છે.) પઝલસમ થઈ પડવાથી પઝલ કહેવું પડે છે. બાકી તો જગત ઈટસેલ્ફ બનેલું છે અને તે અમારા જ્ઞાનમાં અમે જાતે જોયેલું છે. આ જગતનું એક પણ પરમાણુ એવું નથી કે જેમાં હું ફર્યો ના હોઉં. જગતમાં રહીને અને એની બહાર રહીને હું આ કહું છું.

આ પઝલને જે સોલ્વ (ઉકેલ) કરે, તેને પરમાત્મપદની ડિગ્રી મળે છે અને સોલ્વ ના કરી શકે, તે પઝલમાં જ ડિઝોલ્વ (ઓગળી) થઈ ગયા છે. અમે આ પઝલ સોલ્વ કરીને બેઠા છીએ અને પરમાત્મપદની ડિગ્રી પ્રાપ્ત કરી છે. અમને આ ચેતન અને અચેતન બન્નેય જુદાં દેખાય છે. જેને જુદું ના દેખાય તે પોતે જ તેમાં ડિઝોલ્વ થઈ ગયેલો છે.

ક્રિયેટર ભગવાન છે નહીં, હતો નહીં અને થશે નહીં. ક્રિયેટરનો અર્થ જ શું થાય? ક્રિયેટરનો અર્થ જ કુંભાર થાય. તો એને મહેનત કરવી પડે. ભગવાન તો કંઈ મહેનતુ હશે? આ અમદાવાદના શેઠિયાઓ વગર મહેનતે ચાર-ચાર મિલો ભોગવે છે, તો ભગવાન તે મહેનતુ હોતો હશે? મહેનતુ એટલે મજૂર. ભગવાન તેવો નથી. જો ભગવાન તે બધાને ઘડવા બેસે તો તો બધાયનાં મોઢાં એકસરખાં આવવાં જોઈએ. પેલી ડાઈમાંથી કાઢે છે તેમ, પણ તેમ નથી. ભગવાનને નિષ્પક્ષપાતી કહીએ તો પછી એક માણસ જનમથી જ ફૂટપાથ પર અને બીજો મહેલમાં કેમ?

તો આ બધું કેવી રીતે ચાલે છે, તેનો હું તમને એક વાક્યમાં જવાબ આપું છું. તું વિસ્તારથી ખોળી લેજે. આ જગત સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ માત્રથી ચાલે છે. ચલાવનારો કોઈ બાપોય ઉપર નવરો નથી. એને અમે 'વ્યવસ્થિત' શક્તિ કહીએ છીએ. તે બધાને વ્યવસ્થિત જ રાખે છે. આ સવારે તમે ઊઠો છો કે ઊઠી જવાય છે?

પ્રશ્નકર્તા: એ તો હું જ ઊઠું છું ને!

દાદાશ્રી: ક્યારેક એમ નથી બનતું કે ઊંઘવું હોય છતાં નથી ઊંઘાતું. સવારે ચાર વાગ્યે ઊઠવું હોય છે ત્યારે કેમ પેલું એલાર્મ મૂકો છો? નક્કી કરીને સૂતા હોઈએ કે પાંચને દસે ઊઠવું છે તો બરોબર ઊઠી જ જવું જોઈએ. તેમ બને છે?

'વ્યવસ્થિત' શક્તિ

પોતે નથી કરતો ત્યાં આરોપ કરે છે કે મેં કર્યું. આને સિધ્ધાંત કેમ કહેવાય? આ તો વિરોધાભાસ કહેવાય. તો કોણ ઉઠાડે છે તમને? 'વ્યવસ્થિત' નામની શક્તિ તમને ઉઠાડે છે. આ સૂર્ય, ચંદ્ર, તારા બધું જ 'વ્યવસ્થિત'ના નિયમના આધારે ચાલે છે. આ મિલો બધી ધૂમાડાના ગોટા કાઢે જ જાય છે ને 'વ્યવસ્થિત' શક્તિ એને ક્લિઅર (ચોખ્ખું) કરી પાછું 'વ્યવસ્થિત' કરી નાખે છે. નહીં તો અમદાવાદના લોકો ક્યારનાય ગૂંગળાઈને મરી ગયા હોત! આ વરસાદ પડે છે તે ઉપર કોણ પાણી બનાવવા જાય છે? એ તો નેચરલ એડજસ્ટમેન્ટથી થાય. બે 'એચ'નાં અને એક 'ઓ'નાં પરમાણુઓ ભેગાં થાય અને બીજા કેટલાક સંયોગો જેમ કે હવા વિ. ભળે ત્યારે પાણી બને ને વરસાદ રૂપે પડે. આ સાયન્ટીસ્ટ શું કહે છે? જો હું પાણીનો મેકર છું. અલ્યા, તને બે 'એચ'ના પરમાણુને બદલે એક જ 'એચ'નું પરમાણુ આપું છું, હવે બનાવ પાણી. ત્યારે મૂઓ કહે, ના, એ તો શી રીતે બને? મૂઆ, તું ય એમાંનો એક એવિડન્સ છું. તું શાનો મેકર? આ જગતમાં કોઈ મેકર છે જ નહીં, કોઈ કર્તા છે જ નહીં, નિમિત્ત છે. ભગવાને ય કર્તા નથી. કર્તા થાય તો ભોક્તા થવું પડે ને? ભગવાન તો જ્ઞાતા-દ્રષ્ટા ને પરમાનંદી છે. પોતાના અપાર સુખમાં જ રાચ્યા રહે છે.

Related Questions
 1. ભગવાન ક્યાં છે?
 2. શું ભગવાને આ જગતની રચના કરી છે?
 3. શું બ્રહ્મા, વિષ્ણુ, મહેશે ભેગા મળીને આ જગતની રચના કરી છે?
 4. શું ભગવાનના કોઈ ગુણો છે?
 5. ભગવાનનો પ્રેમ કેવી રીતે સંપાદિત કરવો?
 6. શું ભગવાનની ભકિત કે ભગવાનમાં શ્રધ્ધા આપણને મુકિત આપી શકે?
 7. શું ભગવાન બધા પાપોની ક્ષમા આપી શકે? સાચુ સુખ શું છે?
 8. ભગવાનમાં એકાગ્રતા કેવી રીતે વધારવી?
 9. ભગવાન પદની પ્રાપ્તિ કેવી રીતે કરવી?
 10. શું મૂર્તિપૂજા કે દર્શન જરૂરી છે?
 11. અંબામાતા અને દુર્ગા દેવી કોણ છે?
 12. સરસ્વતી માતા શું સૂચવે છે?
 13. લક્ષ્મીજી ક્યાં રહે છે? એમના કાયદા શું છે?
 14. શું ભગવાન બ્રહ્માંડના સ્વામી છે? જીવનમાં બંધંનોથી કેવી રીતે મુક્ત થઈ શકાય? મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થાય?
×
Share on
Copy