Related Questions

મન કેટલું મજબૂત છે? શા માટે મનને મારવું નહીં?

મનની ઉપયોગિતા, મોક્ષમાર્ગે

મોક્ષે જવાનું નાવડું!

પ્રશ્નકર્તા: બધાય 'મનને મારો' એમ જ કહે છે.

દાદાશ્રી: હા. મનને કેમ મારવાનું? એ શોધખોળ લોકો ખોળી કાઢે. મનને મારી નાખે તો રહ્યું શું તારી પાસે? મન વગર તો માણસ જીવી જ ના શકે. મોક્ષે જતાં સુધી મન જોઈશે. મનને લોક મારી નાખે છે, ભાંગી નાખે છે ને? બહુ ખોટું કહેવાય. મન એ મોક્ષનું કારણ જ છે. એ મનથી જ બંધાયો છે ને મનથી જ છૂટે છે.

પ્રશ્નકર્તા: ગીતામાં કૃષ્ણ ભગવાને કહ્યું છે ને કે મન જ મનુષ્યનાં બંધનનું અને મોક્ષનું કારણ છે, એમ?

દાદાશ્રી: બરોબર છે. મોક્ષે જવું હોય તોય મન લઈ જાય. કારણ કે બંધાયેલા એનાથી છે. માટે આપણે મનને ભાંગી ના નાખવું જોઈએ. મન નાવડું આ બાજુ વળે તો મોક્ષે જાય ને આ બાજુ વળે તો સંસારમાં ભટકે. માટે જ્ઞાન માર્ગ ઉપર ચઢાવવા માટે આ બાજુ વાળનાર જોઈએ.

પ્રશ્નકર્તા: મન માંકડું છે એવુંં પણ કહે છે ને?

દાદાશ્રી: એનું તો આપણે નામ પાડેલું ગમે તેવું. કોઈ માંકડું કહે, કોઈએ નાવડું કહ્યું.

પ્રશ્નકર્તા: પણ ખરેખર મન માંકડું છે?

દાદાશ્રી: માંકડું નથી, પણ નાવડું છે. બાકી માંકડાનો અનુભવ થતો હોય તો વારે ઘડીએ દાંતિયા કર્યા કરે. એટલે આપણે માંકડું કહેવું જ પડે ને? અને નાવડું એટલે શું? સંસારમાં ઊંધે રસ્તેય લઈ જનારું આ મન છે અને સદરસ્તેય લઈ જનારું આ છે. માટે જ્યાં સુધી કિનારે ના પહોંચાય ત્યાં સુધી આ મનને ભાંગી ના નાખીશ.

સંસાર સમુદ્રમાં છીએ હજુ, કિનારો દેખાતો નથી અને આપણું નાવડું તોડી નાખીએ, જ્યારે ત્યારે આ નાવડું તોડી નાખવાનું છે એમ માનીને, કોઈ પુસ્તકમાં વાંચેલું હોય તેના આધારે અત્યારે તોડી નાખીએ તો શું સ્થિતિ થાય?

પ્રશ્નકર્તા: અધવચ્ચે ડૂબી જાય.

દાદાશ્રી: તે એવું આ લોકોને થાય. હા, લોકો કહેશે કે મનમાં વિચાર આવે તો બહુ દુઃખ દે છે. એટલે લોક મને કહે છે કે, 'ઑપરેશન કરી નાખો, મન ભાંગી નાખો.' 'અલ્યા, ભંગાય નહિ, રહેવા દે. મન તો સાબૂત જોઈશે.'

મનની તો બહુ જરૂર છે. મન છે તો આ સંસાર છે ને ત્યાંથી જ આ મોક્ષે જવાય છે. જ્યાં સુધી જરૂરિયાત હોય ત્યાં સુધી મન સંસારમાં રાખે છે અને તમારી જરૂરિયાત બંધ થઈ જાય, એટલે તમને મોક્ષે પણ એ લઈ જાય છે. એટલે સંસાર સાગરમાં નાવડારૂપે છે એ. તે જ્યારે તમને મોક્ષે જવું હશે ને ત્યારે કિનારા પર પહોંચાડે. કિનારે આવ્યા પછી એને છોડી દેવાનું, અલવિદા આપી દેવાની. ઉતર્યા પછી કહીએ કે 'જય સચ્ચિદાનંદ.' તું ને હું જુદા. એટલે મનનો વિરોધ કરવાનો નથી. મન તો બહુ સારામાં સારી વસ્તુ છે. મન એના ધર્મમાં જ છે, ગુણધર્મમાં જ છે.

મન એનો ધર્મ બજાવે છે, એને બિચારાને શું કરવા માર માર કરો છો? એ તો મોક્ષે લઈ જનારું નાવડું છે અને અધોગતિમાંય લઈ જનારું નાવડું છે. સંસારમાં રઝળપાટેય કરાવનારું છે. તમને નાવડું હાંકતા આવડવું જોઈએ. મોક્ષે જવામાં એ નાવડું ક્યારે હેલ્પ કરે? ત્યારે કહે, મોક્ષદાતા પુરુષ મળે, મોક્ષનું દાન આપે એવા મોક્ષદાતા પુરુષને તમે ખોળો તો આ નાવડું એ બાજુ ચાલ્યા કરે. ત્યાં સુધી ચાલે નહી. કારણ કે એને હોકાયંત્ર નથી મૂકેલું. એટલે દિશામૂઢ થયેલું છે. તેથી કિનારો બિલકુલ જડે નહીં.

એટલે મનને કાઢવા ના ફરીશ. તારે નક્કી કરવું જોઈએ કે ક્યાં જવું છે અને હોકાયંત્ર લાવીને મૂકવું જોઈએ. હા, નોર્થ બતાવે એવું એક હોકાયંત્ર મૂકવું જોઈએ. તે એક બાજુ આકાશમાં તારો જોવાનો અને હોકાયંત્ર જોવાનું, તો પછી પહોંચાશે. હોકાયંત્ર મૂક્યું છે નાવડામાં?

પ્રશ્નકર્તા: ના.

દાદાશ્રી: તો પછી આવું હોકાયંત્ર વગર નાવડા ચલાવો છો, સંસારસમુદ્રમાં? હોકાયંત્ર ના મૂકવું પડે? આ મન નથી પજવતું. અમથાં શું કરવા હેરાન થાવ છો? આ ખોટું મનને શું કરવા દંડ કરો છો? બધાં લોકો મનને હેરાન હેરાન કર કર કર્યા કરે છે. મન એવું નથી. જુઓ, તમારું મન કેવું હતું? વાંધાવાળું હતું ને?

પ્રશ્નકર્તા: (મહાત્મા) : હા.

દાદાશ્રી: તો છે અત્યારે વાંધાવાળું? કેટલું બધું તોફાની મન હતું?

મન તો જરૂરિયાતની વસ્તુ છે. મનની શક્તિને વાળવાની જરૂર છે. આ શક્તિ જે ઊંધે રસ્તે ચાલી રહી છે એ મનને આ બાજુ વાળો તો એટલી જ સ્પીડથી જશે પાછી. અમે તમારા મનને વાળી આપીએ. તમારો ધ્રુવકાંટો કેવો હોય? લોકસંજ્ઞા હોય. જેમ આ સ્ટીમરમાં હોય છે, તે ઉત્તર તરફનો ધ્રુવકાંટો હોય છે ને? એવો તમારો ધ્રુવકાંટો લોકસંજ્ઞા હોય. લોકો જેમાં સુખ માને છે એમાં તમેય સુખ માનતા હોય. અને જ્ઞાનીની સંજ્ઞાએ જો ધ્રુવકાંટો ફર્યો કે થઈ ગયું, ખલાસ થઈ ગયું. એટલે અમે તમને દ્ષ્ટિફેર કરી આપીએ.

પ્રશ્નકર્તા: ધ્યેય આપણું નક્કી થવું જોઈએ.

દાદાશ્રી: હા, બસ. તે મનની જરૂર છે. મનને યોગ દ્વારા જેણે જેણે ફ્રેક્ચર કર્યું, તે કોઈ દહાડો મોક્ષે જઈ શકે નહીં. મન એ તો મોક્ષનું સાધન છે. મનને તો ખીલવા દેવું જોઈએ. યોગમાર્ગે બધા ફ્રેક્ચર (ભાંગી) કરી નાખેને, એ બહુ યુઝલેસ (નકામું) છે.

mind and moksh

એટલે મનને તો ઠેઠ સુધી રહેવા દેવાનું. ગમે એવું હેરાન કરતું હોય તોય મન જોડે રહેવાનું. આ દ્ષ્ટિફેર કરી આપ્યા પછી તમારે હવે મનની જરૂર ના રહી.

પ્રશ્નકર્તા: (મહાત્મા) : અમારે કિનારો તો ક્યારે આવે? કિનારો તો છેલ્લે આવે, તો એ મન તો છેવટ સુધી હોય ને?

દાદાશ્રી: હા, પણ તમારે આ જ્ઞાન લીધા પછી કિનારો આવી ગયો ને! એટલે તમારે જોયા કરવાનું કે આ નાવડું શું શું કરી રહ્યું છે તે! આપણે તો કિનારો આવી ગયો. કિનારા પર ચઢ્યા હઉ. હવે નાવડાને ભાંગીને શું કામ છે? આમાં ને આમાં અથડાયા કરતું હોય, આમ ફર્યા કરતું હોય, તે છો ને ફર્યા કરે. એવું છે ને, આ જ્ઞાન થયા પછી મન હેરાન કરતું નથી. એ તો જીવતું મન બહુ હેરાન કરી રહ્યું છે. આ તો મડદાલ મન છે, ડિસ્ચાર્જ મન છે. નિર્જીવ થઈ ગયેલું છે. પેલું જીવંત હતું તે બહુ દુઃખ દે એટલે આ ઇફેક્ટિવ જ્ઞાન છે એવું તમને આજ હંડ્રેડ પરસન્ટ (સો ટકા) માલૂમ પડ્યું ને?

મનને લોકો ફ્રેક્ચર કર કર કરે છે. શું કામ માર માર કરે છે વગર કામનાં? વાંક કોનો છે? પાડાનો, ને પખાલીને શું કામ ડામ દે દે કરે છે બિચારાને? કેટલી બધી જોખમદારી આવે છે! આ બધી ભૂલો કરે છે ને, તેની જોખમદારી આવે છે.

Related Questions
  1. મન એ શું છે? મનની વ્યાખ્યા શું છે?
  2. મન અને જીવન, તથા મન અને આત્મા વચ્ચે શું સંબંધ છે?
  3. શું જપ અથવા મંત્રો દ્વારા હું મનની શાંતિ પ્રાપ્ત કરી શકુ?
  4. શું એકાંતિક જીવન જીવીને હું મનને સ્થિર કરી શકું?
  5. તમે મનને કેવી રીતે સ્થિર કરો છો? આધ્યાત્મિકતા અને મનની સ્થિરતા વચ્ચે શું સંબંધ છે?
  6. મન કેટલું મજબૂત છે? શા માટે મનને મારવું નહીં?
  7. શા માટે આટલા બધા વિચારો ઉત્પન્ન થાય છે? શું વિચારોને કાબુમાં રાખવા શક્ય છે? શા માટે આપણે વિચારોને દબાવવા ન જોઈએ?
  8. મન કેવી રીતે કાર્ય કરે છે?
  9. શું મન અને મગજ બંને સરખી વસ્તુ છે? મન અને આત્મા વચ્ચે શું તફાવત છે?
  10. શું મનનું નિયંત્રણ એ અંતરશાંતિ કે સમાધિનો પાયો છે?શું મન કાબુમાં છે તે જાણવાની કોઈ કસોટી છે?
×
Share on